દુનિયાનું સૌથી વિશાળ ધર્મ સ્મારક: અંગકોરવાટનું વિષ્ણુ મંદિર

આર્ય સંસ્કૃતિની ભવ્યતા અને શ્રેષ્ઠતાના એટલી વિશાળ વટવૃક્ષ સમાન છે કે, તેની ધરોહરના મુળ છેક હિન્દ મહાસાગરની પાર પણ પથરાયેલા છે…! વાત છે, કંબોડિયા નામના નાનકડા દેશની. આમ,તો ખાસ એ દેશ પ્રસિધ્ધ નથી. પણ ૧૯મી સદીમાં એની પ્રસિધ્ધી વિશ્વભરમાં ફેલાઇ ગઇ. જ્યારે ફ્રાન્સના એક જીજ્ઞાસુ મુસાફરે કંબોડિયાની મીકાંગ નદીના કિનારાના પ્રદેશમાં સદીઓથી છૂપાયેલું અત્યંત વિશાળ, ભવ્ય અને ગંજાવર એવું અંગકોરવાટનું મંદિર શોધી કાઢ્યું…!

વિશ્વની આ સૌથી મોટી ધર્મ પરિસર હતી, સૌથી વિશાળ ! અને તેના મુળ ભારતની હિન્દુ સંસ્કૃતિ સાથે હતાં. અને બીજા શબ્દોમાં હિન્દુ સંસ્કૃતિનું પૃથ્વી પર રહેલું તે સૌથી વિશાળ મંદિર હતું. જેણે ભારતીય સંસ્કૃતિ વિશે દુનિયાભરને રસ લેતી કરી દીધી. કંબોડિયાના રાષ્ટ્રધ્વજમાં પણ અંગકોરવાટના આ વિશાળ હિન્દુ મંદિરને સ્થાન આપવામાં આવ્યું.

આજે અનેક પ્રવાસીઓ આ અજોડ ધરોહરની મુલાકાત લેવા માટે આવે છે. વિશ્વની સૌથી વિશાળ ધાર્મિક પરિસરમાં અનેક અલભ્ય કલાકૃતિઓ વાળા શિલ્પો જોવા મળે છે, અનેક મંદિરો અને લગભગ આઠસો વર્ષ પહેલાંની અને હજી અડીખમ ઉભેલી પ્રાચીનતા…!

અંગકોરવાટના આ વિશાળ મંદિરનું નિર્માણ ખ્મેર રાજવંશ દ્વારા કરાયેલું છે. ૧૨મી સદીમાં મહારાજા સુર્યવર્મન દ્વિતીયએ આ મંદિરના નિર્માણનો આરંભ કરાવેલો. જે બાદમાં તેમના ભાણેજ ધરણીન્દ્રવર્મનના શાસનકાળમાં પૂર્ણ થયું. અત્યંત વિશાળ એવા આ મંદિર માટે દોઢ ટનનો એક એવા કરોડો પથ્થરોની જરૂર પડી હતી…!

મંદિરની સંરચના –

એક વિશાળ પરિસરમાં સ્થિત આ મંદિર કંબોડિયાની મીકાંગ નદીને કિનારે વસેલું છે. જે મુખ્ય ત્રણ ખંડમાં વિભાજીત છે.

મંદિર ની સંરચના સમજાવતો આલેખ

દરેક ખંડમાંથી ઉપરના ખંડમાં જવાનો માર્ગ છે. અને દરેક ખંડ સુંદર કલાકૃતિઓ સહિતની મૂર્તિઓ અને દિવાલો પર રહેલા હિન્દુ સંસ્કૃતિના અનેક શિલ્પોથી સુશોભિત છે. દરેક ખંડમાં આઠ ગુંબજ છે, અને દરેક ગુંબજની ઉંચાઇ ૧૮૦ ફુટ છે. મુખ્ય કહી શકાય એ મંદિર ત્રીજા ખંડ પર છે. જેનું શિખર ૨૧૩ ફુટ ઉંચું છે.

મંદિર ચારેબાજુ પથ્થરની દિવાલનો ઘેરો છે, વિશાળત્તમ કહી શકાય એવો…! અને આ દિવાલ પછી ૭૦૦ ફુટ લાંબી ખાઇ છે. ખાઇમાં એક સ્થાને પુલ છે જ્યાંથી મંદિરની પરિસરમાં પ્રવેશી શકાય છે. કહેવાય છે કે,આ મંદિર એટલે વાસ્તુકલા અને શિલ્પકલાનું ચરમસીમારૂપ ઉદાહરણ…! સમગ્ર પૃથ્વી ઉપર આનાથી વિશાળ અને ભવ્ય મંદિર બીજે ક્યાંય નથી.

૧૪મી સદી બાદ અહિં બૌધ્ધ ધર્મનું પ્રભુત્વ વધ્યું હોવાથી બૌધ્ધોએ આ મંદિરને બૌધ્ધરૂપ આપી દીધેલું. આજે પણ બૌધ્ધાવશેષો જોવા મળે છે. અંગકોરવાટના આ મંદિરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના શિલ્પો જોવા મળે છે. જે એક વિરલ સંયોગ કહી શકાય.

આ ઉપરાંત અહિંની દિવાલો પર ભારતીય પૌરાણિક ઘટનાઓ સબંધિત અનેક અતિ સુંદર શિલ્પોનું કોતરણ કરેલું છે. અપ્સરાઓના મંત્રમુગ્ધ કરી દેતા ચિત્રોનો પણ સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, અહિં શિલ્પોમાં ભલે સંક્ષેપમાં પણ આખી રામાયણ આવરી લેવામાં આવી છે…! બાલકાંડથી લઇને રામનો વનવાસ, હરણરૂપી મારીચને વિંધતા રામ, રામ સુગ્રીવનું મિલન, રાવણવધ અને સીતાની અગ્નિપરિક્ષાના કલાકૃતિના બેજોડ નમુના જેવા ભીતચિત્રો અહિં જોવા મળે છે…!

કંબોડિયાનું પ્રાચીન નામ “કંબોજ” કે “કંબોજદેશ” હતું. લગભગ નવમી સદીમાં અહિં ખ્મેર રાજવંશનું શાસન આવ્યું. અહિં હિન્દુ સંસ્કૃતિ પહોંચી એ પ્રક્રિયા તો ઇ.સ.પૂર્વેથી જ થઇ હશે એવું મનાય છે. ભારતીય સમ્રાટોના સામ્રાજ્યની અસર નીચે કે બીજા કોઇ કારણોસર અહિં આર્યસંસ્કૃતિ વિકસી. ખ્મેર રાજવંશનું પાટનગર અંગ્કોરથોમ બન્યું. આજે અંગકોરવાટ મંદિરની આસપાસ ક્યાંક ભગ્ન અવશેષો દેખાય છે તે આ ભવ્ય પાટનગરના છે. કહેવાય છે કે,યશોવર્મા નામના રાજવીએ આની નીમ નાખેલી, માટે તે “યશોધરપુર” તરીકે પણ ઓળખાતું. નગરની રચના અત્યંત ભવ્ય અને વિશાળ હતી. જેની બરાબર મધ્યમાં અંગકોરવાટનું આ વિષ્ણુમંદિર આવેલ હતું. આજે આ નગરના અવશેષ માત્ર છે. જેનું કારણ ખ્મેર રાજવંશ પર થયેલા આક્રમણો હતાં. ખ્મેરોને પછી અહિંથી સ્થળાંતર કરી જવા માટે ફરજ પડી. અને એ સાથે જ એક મહાન વિરાસત અંધારામાં સરી ગઇ. પછી એ સદીઓ સુધી બહાર આવવાની ન હતી…! જો કે,બૌધ્ધોએ એ પછી થોડા સમય માટે આ મંદિરની સારી માવજત કરી પણ પછી જંગલોનો વ્યાપ વધ્યો અને અડાબીડ જંગલોની વચ્ચે આ મંદિર કોઇ અઘોરીની જેમ તપશ્વર્યા કરવાને ચાલ્યું ગયું, સદીઓ સુધી…!

એ પછી છેક ઓગણીસમી સદીમાં એક ફ્રાન્સિસ શોધકે ઘણા દિવસો હોડીમાં સફર ફરીને આ વિશાળ સામ્રાજ્યને શોધી કાઢ્યું. એ સાથે જ વિશ્વભરની નજરો કંબોડિયા ભણી ચોંટી રહી. આવું વિશાળ મંદિર જગતે અગાઉ કદી જોયું નહોતું. યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસતમાં સામેલ કર્યું, એટલું જ નહિ પણ યુનેસ્કોની નજરે વિશ્વના શ્રેષ્ઠત્તમ સ્થાપત્યોમાં તેને નંબર વનનો દરજ્જો મળ્યો…! ભારતીય પુરાતત્વ વિભાગે ઘણા વર્ષો સુધી તેમની સંભાળ રાખવાની ફરજ નિભાવી, પણ ત્યાર પછી ચીનની ખંધાઇ અને ભારતીય નેતાઓના નિર્બળ વલણને કારણે ભારતીય પુરાતત્વ વિભાગને આ મંદિરથી અળગો કરાયો…!

પૃથ્વી પરની એક અજાયબી સમાન આ વિશ્વ ધરોહરને ફ્રાન્સની ગુલામીમાંથી આઝાદી બાદ કંબોડિયાએ પોતાના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપ્યું. આજે તે માત્ર કંબોડિયાની જ નહિ, ભારતની પણ આલિશાન સંસ્કૃતિના ભવ્ય ભુતકાળની ધજા વિશ્વમાં ફરકાવતું ઊભું છે…!

– Kaushal Barad.

error: Content is protected !!