21. અમાત્યે શું કર્યું? – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

સુમતિકે ! ગમેતેમ થાય, તો પણ આ વેળાએ પોતાના રાજાના જીવના સંરક્ષણ માટે તારા જીવને તું જોખમમાં નાંખીશ, તો તેમાં તારું આલોક અને પરલોક ઉભયલોકમાં ભલું થશે. ગમે તેમ કર, પણ મુરાદેવીના મંદિરમાં શી શી ગુપ્ત વાર્તાઓ ચાલે છે, તે તું જાણીને મને જણાવ. મારી આજ્ઞાને અનુસરવામાં જરા પણ આનાકાની કરીશ નહિ. તારા પ્રાણની રક્ષામાટે હું સર્વ વ્યવસ્થા કરીશ; પરંતુ આ બીના અર્ધદગ્ધ ન રાખ – જા સત્વર અહીંથી જા.” પોતે આવો દુરદર્શી ચતુર પ્રધાન, અને સમસ્ત ત્રિભુવનનાં ગુપ્ત રહસ્યો જાણનારો તથા તે પ્રમાણે વ્યવસ્થા કરનારો હોવા છતાં આજે પોતાના રાજાના પ્રાણપર જ સંકટ આવે અને તેમાંથી તેને બચાવી ન શકાય, તેમ જ તે વિશેની માહિતી પણ મળી ન શકે, એ કેટલા ખેદનો વિષય કહેવાય? એવા એવા વિચારોથી વિષાદ પામીને અંતે અમાત્ય રાક્ષસે સુમતિકાને ઊપર કહ્યા પ્રમાણેની આજ્ઞા આપી. એના ઉત્તરમાં સુમતિકા કહેવા લાગી કે:-

“અમાત્યરાજ ! આપનો જયારે આટલો બધો આગ્રહ છે, ત્યારે ત્યાં ગયા વિના મારે છૂટકો નથી. પણ મને ત્યાંથી જે બાતમી મળશે, તે, કહેવા માટે અહીં હું પાછી આવી શકીશ કે નહિ, એનો મને ભરોસો નથી. મુરાદેવીના મનમાં મારા વિશે પૂરેપૂરો સંશય આવી ગયો છે – પણ એ સંશય તે મોઢેથી બોલીને જાહેર કરવાની નથી; કિન્તુ મારા પર તેની દૃષ્ટિ પડતાં જ તે મને જીવતી દટાવી દેશે કે કોઈ અંધારી કોટડીમાં પૂરીને ગુંગળાવી મારી નાંખશે, એ તો નક્કી જ છે. માટે મારી એક નમ્ર પ્રાર્થના આપ સાંભળશો ? મારા જેવી એક દીન દાસી આપને ઉપદેશ તો ક્યાંથી આપી શકે? આ તો નાનું મોઢું ને મોટી વાત કર્યા જેવું જ થાય છે; પરંતુ હવે બીજો કોઈ ઉપાય ન હોવાથી હું સૂચવું છું કે, આપ પુનઃ કોઈ નિમિત્ત કાઢીને મહારાજાને મળવા જાઓ અને તેમને આ ભેદ ખુલ્લે ખુલ્લેા જણાવીને અથવા તો બીજી કોઈ યુક્તિથી તેમને મુરાદેવીના મંદિરમાંથી બીજે સ્થળે લઈ જાઓ. એ ઉપાય પણ જો આજે જ અથવા તો આવતી કાલે સંધ્યાકાળ સૂધીમાં થાય, તો જ વધારે સારું – તો જ મહારાજનો જીવ બચી શકશે. જો આવતી કાલની સંધ્યા વેળા વીતી ગઈ, તો પછી આપણા હાથમાં કશું પણ રહેવાનું નથી, એ ધ્યાનમાં રાખવું. મહારાજ જો મુરાદેવીના રંગમહાલયમાંથી નીકળી ગયા, તો જ તેમના પ્રાણ બચવાનો સંભવ છે; નહિ તો આપણા આ પાટલિપુત્ર નગરને સત્વર જ અનાથ થવાની વેળા આવેલી જાણવી. હવે હું બીજી તે શી સૂચના કરું ? આપની આજ્ઞા છે, તો હવે હું જઈને જો બીજા કાંઈ પણ સમાચાર મળે, તો તે મેળવવાની કોશીશ કરું છું. પણ હવે પાછી આવીને તે સમાચાર હું આપને જણાવી શકીશ, એવી મને તો આશા નથી. પછી તો જેવી પરમાત્માની ઇચ્છા અને જેવાં મારાં ભાગ્ય !!” સુમતિકાએ પૂર્ણ ચતુરતા અને પૂર્ણ સ્ત્રીચરિત્રથી એ વાક્યો ઉચ્ચાર્યા.

સુમતિકાના બોલવામાં રાક્ષસનું પૂરેપૂરું ધ્યાન હતું નહિ. તે એ પ્રમાણે બોલીને તત્કાળ ત્યાંથી ચાલતી જ થઈ ગઈ. જવામાટે તેણે અમાત્યની આજ્ઞા પણ લીધી નહિ. રાક્ષસનું મન અર્ધ પોતાના વિચારમાં અને અર્ધ સુમતિકાના ભાષણને સાંભળવામાં રોકાયેલું હતું એથી તે પોતાનું ભાષણ પૂરું કરીને ત્યાંથી ચાલતી થઈ, એનું પણ તેને થોડીવાર પછી જ જ્ઞાન થયું. પરંતુ જ્યારે તેણે જાણ્યું કે, સુમતિકા ગઈ ત્યારે તેણે આજ્ઞા ન લીધી તે માટે અમાત્યને ઘણું જ આશ્ચર્ય થયું. તેણે તત્કાળ દ્વારપાળને બોલાવીને પૂછ્યું, “સુમતિકા ગઈ કે શું?” એનું “હા” માં ઉત્તર મળતાં તેણે વધારે કાંઈ પણ પૂછ્યું નહિ અને પાછા પોતાના વિચારમાં તે નિમગ્ન થઈ ગયો. તેના વિચારોની પરંપરા નીચે પ્રમાણેની હતી;–  “નિષ્કંટક રાજ્યના નામથી પ્રસિદ્ધ થયેલા આ મગધરાજ્ય પર હવે અવશ્ય કાંઈ પણ આપત્તિ આવવાનાં ચિન્હો જણાય છે. નંદવંશ શુદ્ધ જ રહે, તેટલા માટે મેં શુદ્રી – વૃષલીને પટરાણી થવા દીધી નહિ – તેના ઉદરમાંથી એક પુત્ર પણ જન્મ્યો – તેનો પણ એ વેલોમોડો સિંહાસને બેસશે, એ સારું નહિ થાય, એવી ધારણાથી વધ કરાવી નાંખ્યો. તે જ બાળકની માતા – તે જ વૃષલી આજે રાજાનો જીવ કે પ્રાણ થઈને બેઠેલી છે અને હું પણ તેને નમાવવામાં અશક્ત થઈ પડ્યો છું.

રાજાનું અને મારું પરસ્પર લાંબો સમય ભાષણ થવું તો દૂર રહ્યું, પણ રાજાનાં દર્શનનો લાભ પણ તે બીજાને થવા દેતી નથી. આટલું બધું થઈ ગએલું હોવા છતાં પણ અદ્યાપિ એને માટે મારાથી કોઈ ઉપાયની યોજના કરી નથી શકાતી; એ તો વળી વિલક્ષણ જ છે. પણ કરવું શું ? એક વાર જેમ તેમ કરીને મહારાજાને મળ્યો તો ખરો, પણ તે શ્રમનું ફળ કાંઈ પણ થયું નહિ. પણ હવે બીજી વાર મેળાપ થવા માટે શો ઉપાય કરવો? મેળાપ થાય તો તો એ બધું ખુલ્લે ખુલ્લું જણાવીને તેમને સાવધ રહેવાની પ્રાર્થના કરીશ. પણ પ્રથમ મેળાપ તો થવો જોઈએ ને ? મુખ્ય અમાત્યને પણ જ્યાં રાજાના મેળાપનાં સાંસાં પડવા લાગ્યાં, ત્યાં હવે રાજાના નાશના દિવસો જ પાસે આવી પહોંચ્યા છે, એમ જ કહી શકાય. પરંતુ આપણે તો આપણું કર્તવ્ય બજાવવું જ જોઈએ.” એમ વિચાર અમાત્ય રાક્ષસ ત્યાંથી ઉઠ્યો અને તત્કાળ એક પત્ર લખી તે પોતાના એક અત્યન્ત વિશ્વાસુ મનુષ્ય દ્વારા મુરાદેવીના મંદિરમાં રાજાને આપવા માટે તેણે મોકલી દીધો.

ચમત્કાર ગમે તેવો હોય, પણ રાક્ષસનું એ પત્ર આવતાં જ જાણે તેને મહારાજાના હાથમાં પહોંચાડવાની પૂર્વ વ્યવસ્થા જ કરી રાખી હોયની ! તેમ જ બન્યું. એ પત્ર તત્કાળ મહારાજાના હાથમાં ગયું. મુરાદેવી તો ત્યાં બેઠેલી જ હતી. મહારાજે એ પત્રને ઉખેડીને વાંચવાનો આરંભ કરતાં તેણે રાજાને કહ્યું કે, “એટલું બધું અગત્યનું એ પત્ર તે કોનું છે વારુ ?”

” અમાત્ય રાક્ષસનું.” રાજાએ ઉત્તર આપ્યું.

“અમાત્ય રાક્ષસનાં તો આજકાલ ઉપરા ઉપરી પત્રો આવવા લાગ્યાં છે ને શું તેમને પોતાને અહીં આવવાનો કંટાળો થવા માંડ્યો છે એમ જ આથી તો અનુમાન થાય છે. આપનો મારાપર પાછો સ્નેહ થયો, તો પણ એનો દ્વેષ ઓછો થતો નથી. મારા અન્તઃપુરમાં ન આવવું પડે તેટલા માટે જ આ યુક્તિ રચેલી હોય, એમ જણાય છે.” મુરાદેવીએ પોતાના કપટતંત્રનો ઉપક્રમ કરતાં કહ્યું. “પ્રત્યક્ષ આવવાથી મેળાપ થઈ નથી શકતો અને કોઈ પોકાર નથી સાંભળતું, એમ તેનું કહેવું છે.” રાજાએ પત્ર વાંચીને કહ્યું.

“અમાત્યનો પોકાર અને તે અહીં કોઈ સાંભળતું નથી ? મનમાં અમુક એક કાર્ય કરવાની ધારણા ન હોય, એટલે પછી તેનાં અનેક કારણો બતાવી શકાય છે. ઠીક; પણ પત્રમાં એણે શું લખ્યું છે?” મુરાદેવીએ પૂછ્યું.

“પુનઃ એકવાર તેણે અહીં આવીને મને મળી જવાની આજ્ઞા માગી છે અને તે પ્રસંગે એક મોટા રાજકારણ વિશે વાતચિત કરવાની તેની ઇચ્છા છે, એમ આમાં લખેલું છે.” રાજાએ ઉત્તર દીધું.

“હશે એ પણ પહેલાંના જેવું જ કોઈ રાજકારણ. હવે પરચક્રનું કારણ તે ક્યાંથી બતાવી શકે? અમાત્ય મહાન્ સ્વામિભક્ત હોવાથી મને લાગે છે કે, આપની ક્ષેમકુશળતા માટે તેના મનમાં સદા સર્વદા સંશયેા જ આવ્યા કરતા હશે. હું આપના જીવને કાંઇપણ જોખમમાં નાંખવાની છું, એવો સંશય તો એને નહિ આવ્યો હોયને? મને તો આજકાલ – જો કે કહી નથી શકાતું તોપણ – એમ ભાસવા લાગ્યું છે કે, એના મનમાં અવશ્ય મારા માટે જ કોઈ ખેાટો સંશય આવેલો છે. પણ હું હવે એ ભાંજગડમાં પડવા નથી માગતી. મારી પાસે તો હવે માત્ર આપનાં ચરણની સેવા વિના બીજા વિષયમાં ધ્યાન આપવાની વેળા જ નથી અને મારી તેવી ઇચ્છા પણ નથી. નહિ તો એના મનમાં શું છે અને શું નહિ, તે મેં બધુંએ બહાર કઢાવ્યું હોત; પરંતુ જ્યાં સુધી આપનો મારામાં નિર્મળ સ્નેહ છે, ત્યાં સૂધી હું સર્વથા નિઃશંક છું. બીજાઓના મનમાં મારા વિશે ગમે તેટલા સંશયો હોય અને તેઓ મારા માટે ગમે તેમ બોલતા હોય, તેની દરકાર કરવાનો કે તેમની તપાસ કરવાનો વિચાર સુદ્ધાં પણ હવે મારા મનમાં રહ્યો નથી. આપનાં ચરણોને આધારે હું સર્વથા નિઃશંક નિર્ભય અને નિશ્ચિત થઈ ગએલી છું. પણ અમાત્યે આટલું બધું શું લખ્યું છે વારુ?” મુરાદેવીએ સ્ત્રીચરિત્રના ભાવથી ધીમે ધીમે વાત કઢાવવાનો પ્રયત્ન કર્યો.

“અમુક એક ઘણું જ મહત્ત્વનું રાજકારણ છે, માટે કૃપા કરીને જેટલી ઊતાવળે બની શકે, તેટલી ઊતાવળે એક વાર દર્શનનો લાભ આપવો અને હું આવું તે વેળાએ મારી પ્રાર્થના લક્ષપૂર્વક સાંભળી લેવી; એટલું જ લખેલું છે, બીજું તે શું હોય? મને તો હવે તારાવિના એક ક્ષણ માત્ર પણ ચાલી નથી શકતું અને અમાત્ય રોજ નવાં નવાં રાજકારણો કાઢ્યા કરે છે. સુમાલ્ય છે, તેના નામથી તમને યોગ્ય લાગે તે વ્યવસ્થા કરો. હું મારા પિતા પ્રમાણે રાજ્યભારને શિરપર ઉતારીને અરણ્યમાં વાસ કરવાને ગએલો છું, એમ સમજો! એમ અનેક વાર કહેવા છતાં પણ એ માનતો નથી, તેનો શો ઉપાય કરવો?” રાજાએ પોતાનો કંટાળો જાહેર કર્યો.

“આર્યપુત્ર! માત્ર મારા જ માટે આપનાં રાજ્યકાર્યો બગડે અથવા તો મારામાં લુબ્ધ થવાથી આપ રાજ્યનાં કાર્યોમાં જોઈએ તેવું ધ્યાન આપતા નથી, એવી પ્રજાજનોની માનીનતા થાય, એ મને તો સારું લાગતું નથી. જો એમની એ માનીનતા એવી જ રીતે વધતી જશે, તો પછી પ્રજા પણ મારો દ્વેષ કરવા માંડશે. હાલમાં તો અમાત્ય જેવા થોડા જ પુરુષો મારો દ્વેષ કરનારા હશે; પરંતુ મોટાં મોટાં રાજકારણો ઉપસ્થિત થાય અને અમાત્ય મળવાની માગણી કરે – તેનો ૫ણ આ૫ અસ્વીકાર કરો, એટલે પછી બધાના મનમાં ખોટા વિચારો બંધાય જ તો. માટે મારી એટલી જ વિનતિ છે કે, અમાત્યને એક વાર અહીં અવશ્ય બોલાવીને તેની શી પ્રાર્થના છે, તે આપે સાંભળી લેવી.” મુરાદેવીએ કહ્યું.

“વાતમાં માલ જેવું તો કાંઈ પણ હશે નહિ અને જો મહત્ત્વની વાત હોત, તો શું પત્રદ્વારા તે વાત તે મને જણાવી ન શકત ? રહેવા દેને હું તેને લખું છું કે,………”

રાજા કાંઈક વધારે બોલવા જતા હતા, એટલામાં તેને વચમાં જ અટકાવીને મુરાદેવી બોલી કે, “ના-ના-આર્યપુત્ર ! આપ એમ કરશો જ નહિ. આ૫ની અમાત્યને મળવાની ઇચ્છા ન હોય, તો પણ હું વિનવું છું કે, આપ તેને મળવા માટે બોલાવો અને શાંતિથી તેનું જે કહેવું હોય તે સાંભળી લ્યો. જો કોઈ મહત્ત્વનું કાર્ય હોય તો તેમાં અવશ્ય આપે લક્ષ આપવું જ જોઈએ. આપ રાજ્યકાર્યમાં બિલ્કુલ ભાગ નથી લેતા, એવી જો કોઈ પરકીય રાજને જાણ થાય, તો ખરેખર જ કોઈ અજ્ઞેય સંકટ આવી પડે. એમાં અસંભવિત હોય એવું કાંઈ પણ નથી. અર્થાત્ ભલે અહીં રહીને પણ આપે અમાત્યને વારંવાર બોલાવીને રાજ્યકાર્યમાં ભાગ તો લેવો જ જોઈએ. મારી આગ્રહપૂર્વક એટલી જ વિનતિ છે કે, માત્ર આપે અહીંથી ક્યાંય બીજે સ્થળે જવું નહિ; – કારણ કે, મને આપના જીવનની ઘણી જ ચિન્તા થયા કરે છે. આપના અને મારા બહાર ઘણા શત્રુ છે – અપૂપ આવ્યા તે વેળાએ શું થયું હતું, તે તો આપે પ્રત્યક્ષ જોએલું જ છે, માટે જ આ વિનતિ કરવાનું હું સાહસ કરું છું. હું ઘણી જ સાવધ અને કોઈના કાવત્રામાં ન આવું એવી હોવાથી, આપને બીજે સ્થળે લઈ જવાના પ્રયત્નો અવશ્ય તેઓ કરવાના જ, એ ખુલ્લું છે. માટે આપ એટલી જ સંભાળ રાખવાની કૃપા કરજો અને આપને રક્ષવાના પ્રયત્નમાં મારા પ્રાણ જશે, તો તેની પણ હું પરવા કરવાની નથી. આર્યપુત્ર ! આપ સુરક્ષિત છો, ત્યાં સૂધી જ મારા વૈભવો પણ રક્ષાયલા છે. ન કરે નારાયણ ને આપના જીવને કાંઈ પણ જોખમ લાગે તો મારી કેવી દુર્દશા થાય, તેની હું કલ્પના પણ કરી શકતી નથી. મને મારા શત્રુઓ જીવતી જ બાળી નાંખશે કે મારા માંસની ગીધો અને શૃંગાલોને ઉજાણી આપશે, એ અત્યારે કાંઈ પણ કહી શકાય નહિ.” મુરાદેવીએ કપટજાળનો વિસ્તાર કર્યો.

“મુરાદેવી ! આ તે તું શું બોલે છે ? આવો વિલક્ષણ અનુભવ પ્રત્યક્ષ મળેલો છતાં પણ હું અસાવધતાથી બીજે સ્થળે જાઉં, એમ બને ખરું કે? હું ક્યાંય પણ જનાર નથી. જેનામાં મારો સંશય છે, તેને અહીં બેાલાવીને હું ક્યારનું ય દેહાંતશાસન આપી ચૂક્યો હોત; પણ તારા કોમલ હૃદયે જ તેમાં વિલંબ કરાવ્યો છે. પણ હવે તારું શું કહેવું છે? એમ જ કે નહિ કે, અમાત્યને અહીં બોલાવીને તેની પ્રાર્થના સાંભળી લેવી? ઠીક છે – અરે કોણ છે રે ? અમાત્યનું માણસ આવેલું છે તેને કહે કે, અમાત્યને અહીં મોકલી આપે – હું અત્યારે મળી શકીશ.” રાજાએ મુરાદેવીની ઇચ્છા પ્રમાણે વર્તન કર્યું.

અમાત્યનો પત્ર લઈને આવેલો દૂત રાજાનો સંદેશો લઈને ચાલતો થયો. થોડા જ સમયમાં અમાત્યરાજની મુરાના મંદિરમાં પધરામણી થઈ મહારાજાએ તેનો યોગ્ય સત્કાર કર્યો અને ત્યારપછી તેને વ્યવસ્થાના કુશળ સમાચાર પૂછ્યા. એટલે રાક્ષસે તેનાં ઉચિત ઉત્તરો આપ્યાં અને ત્યારપછી કહ્યું કે, “મહારાજ ! આજ મારે એક વિજ્ઞપ્તિ કરવાની છે; પણ જો આપ તે કૃપા કરીને સાંભળો તો ?”

“હા હું સાંભળીશ. વ્યર્થ પ્રસ્તાવ કરવાની કાંઈ પણ આવશ્યકતા નથી. જે બોલવાનું હોય તે સંકોચ વગર બોલી નાંખો. જે કાર્યમાં મારી પોતાની જ આવશ્યકતા હશે, તે સાંભળવામાં હું રંચમાત્ર પણ વિલંબ કરનાર નથી. પરંતુ જે કાર્ય મારા વિના જ થઈ શકતું હોય, તેને માટે મને વૃથા શ્રમ આપશો નહિ. બેાલો – જે બોલવાનું હોય તે.” રાજાએ તેને બોલવાની તત્કાળ આજ્ઞા આપી.

“ મહારાજ !” આજ્ઞા મળતાં જ રાક્ષસે પોતાની પ્રાર્થનાનો પ્રારંભ કર્યો, “મારી એટલી જ વિનતિ છે કે, આપ હાલમાં રાજસભામાં બિલકુલ પધારતા નથી, રાજ્યકાર્યમાં લક્ષ આપતા નથી અને એવાં બીજાં કર્તવ્યેા પણ કરતા નથી એટલે મગધદેશના શત્રુઓને એમ ભાસવા માંડ્યું છે કે, આ રાજ્યમાં હવે અંધાધુંધીની શરુઆત થઈ ચૂકી છે. આપણી પ્રજાનો પણ એવો જ અભિપ્રાય થએલો છે. માટે દરરોજ એક વાર તો પ્રજાજનોને દર્શન આપીને તેમનાં સુખદુ:ખની વાતો આપે સાંભળવી જ જોઇએ. આજ અને કાલનાં મુહૂર્તો ઘણાં જ ઉત્તમ છે – તેથી આજે કે કાલે જ્યારે આપની ઇચ્છા થાય ત્યારે આપ રાજસભામાં અથવા તેમ નહિ તો તે સભાગૃહમાંના પોતાના સિંહાસને બે ઘડી આવીને બેસવાની કૃપા કરશો, તો બધી વ્યવસ્થા પાછી જેમ હતી તેમ થઈ જશે.”

રાક્ષસને અંતસ્થ હેતુ એવો હતો કે, મહારાજ ધનાનન્દને કોઈ પણ ઉપાયે થોડા સમયને માટે એક બે દિવસમાં મુરાદેવીના મંદિરમાંથી બહાર કાઢવો, એટલે પછીની બધી વ્યવસ્થા પોતાની મેળે જ ઠીક થઈ રહેશે, એ હેતુથી જ તેણે આ નિમિત્ત કાઢ્યું હતું. એ સાધ્ય થયું તો તો સારું, નહિ તો બીજી યુક્તિ કરવાનો તેનો મનોભાવ હતો. પણ રાજાને એક વાર રાજસભામાં લાવ્યા, એટલે તેને જે કહેવાનું હશે, તે સારી રીતે કહી શકાશે એમ પણ તેને ભાસ્યું. રાજાએ તેનું ભાષણ સાંભળતાં જ હાસ્ય કર્યું અને કહ્યું કે, “હું મારા રાજ્યકાર્યનો સઘળો ભાર તમારા અને સુમાલ્યના શિરે નાંખીને અહીં વિશ્રાંતિ લેવાને રહેલો છું, એ તમે જાણો છો, છતાં આવી નજીવી બાબતો માટે મને નકામો ત્રાસ આપવાને નીકળ્યા છો, એને તે શું કહેવું ? મેં તમને હજાર વાર કહેલું છે કે, જો એવું કોઇ મહત્ત્વનું કાર્ય હોય તો જ મને કહેજો, નહિ તો તમે પોતે જ સાધારણ કાર્યોની વ્યવસ્થા કરી લેજો. આપની ઇચ્છા પ્રમાણે દરરોજ આવીને રાજસભામાં બેસવાનું મારાથી બની શકે તેમ નથી. હું તો હાલમાં શાંતિનો જ ઉપભોગ લેવાની ઇચ્છા રાખું છું.

“મહારાજ ! આપ શાંતિનો ઉપભેાગ લેવાની ઇચ્છા રાખો છો, તે આ આપનો સેવક સારી રીતે જાણે છે. શાંતિનો ઉપભેાગ ભલે લ્યો; પરંતુ દિવસમાં એક વાર કૃપા કરીને માત્ર બે ઘટિકા જ રાજસભામાં પધારો, તો બહુ જ સારું. હું ખાસ વિજ્ઞપ્તિ કરવાને આવ્યો છું, તે કાંઈ કારણ વિના તો નહિ જ હોય. જો રોજ આવવાનું ન જ બની શકે, તો કેવળ કાલનો દિવસ તો પધારો.” અમાત્યે કહ્યું.

“અમાત્યશ્રેષ્ઠ ! જયારે તમારો ઘણો જ આગ્રહ છે, તો હું આવતી કાલે રાજસભામાં આવવાનો વિચાર કરીશ; પરંતુ દરરોજ અને વારંવાર મારાથી આવવાનું બની શકશે નહિ. હું મુરાદેવીને પૂછીને મારો વિચાર તમને કહી મોકલીશ.” રાજાએ પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો. એટલામાં પડદાપાછળ બેઠેલી મુરાદેવી મોટેથી કહેવા લાગી કે, “રાજ્યકાર્યમાં મારાથી વચમાં આવી શકાય તેમ નથી. દરરોજ આપને રાજસભામાં જવામાટે મેં કેટલીવાર આગ્રહ કર્યો છે – પણ આપ માનતા નથી, તેને હું શું કરું – મારો શો ઉપાય ?”

એટલે રાજા હસીને કહેવા લાગ્યા કે, “અમાત્ય ! અનુમોદન તો મળી ચૂક્યું. હવે હું અવશ્ય આવતી કાલે રાજસભામાં આવીશ.”

રાજાના એ ઉત્તરથી અમાત્યના અંત:કરણમાં ઘણો જ આનન્દ થયો; પરંતુ બીજે દિવસે રાક્ષસનો એ આનંદ કાયમ રહ્યો કે તેનું સ્થાન શોકે લીધું, એ હવે પછી જાણવામાં આવશે.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!