અમરજી દિવાન : અણનમ નાગર યોધ્ધો

સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની ધરતી પર અનેક એવા મહાન સપૂતો જન્મી ચુક્યા છે, કે જેના ગુણગાન ગાતાં આજે પણ કવિઓ થાકતા નથી. એક એવા જ જાંબાજ યોધ્ધાની વાત કરવી છે જેના વિશેનો ઇતિહાસ બહુ ચર્ચાતો નથી. અલબત્ત, એથી કાંઇ આવા લોકોની મહાનતામાં ફરક નથી પડતો.

વાત છે જુનાગઢના મહાન યોધ્ધા એવા બ્રાહ્મણ નાગર અમરજી દિવાનની. એ એવો બ્રાહ્મણ જેણે ભાવનગર, જામનગર, ગોંડલ, પોરબંદર અને ધાંગધ્રા જેવા રજવાડાના રાજાઓની ઊંઘ હરામ કરી નાખેલી…! જાતે તો તે નરસિંહ મહેતાના કુળનો નાગર બ્રાહ્મણ પણ કર્મે ક્ષત્રિય રાજપૂત ! અમરજી દિવાન થકી જ જુનાગઢનું રાજ્ય ૧૬મી સદીના મધ્યભાગમાં દીપી ઉઠેલું એમ કહીએ તો એ જરાય ખોટું નથી. પણ આખરે જુનાગઢના બાબી નવાબો જ એવા ખુદગર્જ, કૃતઘ્ની નીકળ્યા કે જેણે આ નમકહલાલ પ્રધાનનો કરૂણ અંત લાવ્યો !

અમરજીનો જન્મ માંગરોળમાં સને ૧૭૪૧માં થયો હતો. તેમના પિતાનું નામ હતું કુંવરજી નાણાવટી. નાગર બ્રાહ્મણ હોવા છતાં જાણે અમરજી કુંવરજી નાણાવટી બાળપણથી જ ક્ષાત્રકર્મ કરવા ટેવાયેલા હોય એવા ગુણો તેનામાં હતાં. માંગરોળ એ વખતે જુનાગઢ નવાબના શાસનમાં આવેલ પરગણું હતું.

હજી મુછનો દોરો પુરો નહોતો ફુટ્યો અને અઢાર વર્ષની ઉઁમરમાં આ નવલોહિયો યુવાન જુનાગઢ નવાબના દરબારમાં આવ્યો. જુનાગઢ પર એ વખતે બાબીવંશનું શાસન હતું. એ વખતે આરબોથી જુનાગઢ રાજને ભારે પરેશાની થતી. નવાબે અમરજી દિવાનને આરબો સામે યુધ્ધે મોકલ્યા. અને આ નાગર બ્રાહ્મણે આરબોને ધોબીપછાડ આપી, એમને હંફાવી દીધાં. નવાબ ખુશ થયા. તેમણે અમરજી દિવાનને સેનાપતિ બનાવ્યા.

જુનાગઢની સેનામાં પણ અમરજીની એવી જાહોજહાલી રહી કે, સેના નવાબ કરતાં એમના હુકમને વધુ માન આપવા લાગી ! એ પછી નવાબે તેમને જુનાગઢ રાજના દિવાન બનાવ્યા. અને અમરજી રણછોડજી નાણાવટી નામનો આ નાગર હવે “અમરજી દિવાન” તરીકે ઓળખાવા લાગ્યો. આખા સોરઠ પંથકમાં એની હાંક ગુંજવા લાગી.

અમરજી દિવાન એક કુશળ યોધ્ધા ઉપરાંત મહાન રાજનીતીજ્ઞ પણ હતાં. તદ્દોપરાંત, તેમના એક અવાજે સેનામાં પ્રાણ ફુંકાતો. તેમની આગેવાનીમાં નીકળેલ સૈન્ય જ્વલંત વિજય મેળવીને જ પાછું ફરતું ! અમરજીએ વેરાવળ પર જ્વલંત વિજય મેળવ્યો. પછી એમની વિજયની હારમાળા વણથંભી વણજારની જેમ ચાલુ જ રહી. સુત્રાપાડા જીત્યું, ઉના પર વિજય મેળવ્યો, કુતીયાણા અને દલખણીયા સર કર્યા અને દેવડા પર આણ ફરકાવી. એક મહાન યોધ્ધાના લક્ષણ અહિં જણાઇ આવે છે. સમગ્ર સોરઠ અને ગુજરાત પ્રાંતમાં અમરજી દિવાનની અને જુનાગઢ રાજની હાંક વાગવા લાગી.

Amarji Diwan

પણ કહેવાય છે ને કે, “રાજા, વાજા ને વાંદરાં – એની ઉલટી રીત, એનાથી ડરતા રહીએ અને થોડી રાખીએ પ્રીત.” એ પ્રમાણે રાજાનું કોઇ ઠેકાણું ના હોય. અને જુનાગઢ પર બદનસીબે બાબીવંશના નવાબોના કાન કાચા જ હતાં. અમરજી દિવાનની વધતી જતી શાખ અને તાકાતથી નવાબના કુટુંબીઓની ઇર્ષ્યાનો પાર ના રહ્યો. નવાબ પાસે તેમણે અમરજી દિવાન વિરુધ્ધ કાનભંભેરણીઓ ચાલુ રાખી. નવાબને પણ અમરજી દિવાન પાળી રાખેલો વાઘ લાગ્યો. આથી એણે અમરજીનું કાસળ કાઢી નાખવાના પ્રયાસો આદર્યા. સીધી રીતે તેઓ કાંઇ કરી ના શકે, કેમ કે અમરજી દિવાનની સાથે જુનાગઢી સૈન્ય અને જુનાગઢી પ્રજામાં અમરજીની શાખ જ એવી હતી !

આખરે જુનાગઢ પર ચડાઇ કરવાનું કહેણ નવાબે ગોંડલના ભા કુંભાજીને આપ્યું. અને ભા કુંભાજીએ વડોદરના ગાયકવાડી સૈન્યને સાથે લઇને ગોંડલ અને ગાયકવાડની સંયુક્ત સેના સાથે જુનાગઢ પર આક્રમણ કર્યું, જુનાગઢના નવાબની પણ છુપી રીતે આમાં સહેમતી હતી – હાથ હતો ! પણ આ ચડાઇમાં અમરજી દિવાને ભા કુંભાજીને હરાવી દીધાં. કોઇનું કાંઇ ચાલ્યું નહિ, ઘણાની મનની મનમાં રહી ગઇ !

પણ આખરે બાબીવંશના આ કાનકાચા અને અર્ધપાગલ રાજાઓએ હદ કરી નાખી. એ વખત હતો સને ૧૭૬૭નો. એ વખતે જુનાગઢ પર બાબીવંશના સ્થાપક મોહમ્મદ બહાદરખાન [ પ્રથમ ]ના પુત્ર મોહમ્મદ મહાબતખાન [ પ્રથમ ]નું શાસન હતું. એણે ધુળ જેવું બહાનું શોધી અમરજી દિવાનના કુટુંબીજનોને કેદ કરી લીધાં ! અને છોડાવવા હોય તો અમરજીને ચાલીસ હજાર કોરીનો દંડ ભરવા કહ્યું ! એક અત્યંત વફાદાર અને સદાકાળ જુનાગઢનું હિત ઇચ્છનાર નાગર સામે નવાબે પોતાની જંગાલિયત દાખવી. અમરજીએ દંડ ભરી દીધો. અને પછી તેમના કુટુંબીઓને લઇને જેતપુર જઇ વસ્યા. આવા નવાબના નમકહલાલ થઇને પણ શું કરે !

અમરજી દિવાનના ગયા પછી જુનાગઢની ફોજમાં ભંગાણ પડ્યું. અમરજી વિના અમે કોઇની સરદારી નહિ સ્વીકારીએ એવી હઠ લશ્કરે લીધી. આખરે લશ્કરના હઠાગ્રહ આગળ નવાબ મહાબતખાનનું કાંઇ ના ચાલ્યું. તેમણે અમરજીને મનાવવા પોતાના એક માણસને જેતપુર મોકલ્યો. છુટકો જ નહોતો ! જુનાગઢ ઉપર આજુબાજુના રાજ્યો ટાંપીને જ બેઠા હતાં. અમરજીની વિદાય બાદ હવે જુનાગઢ પર પોતાનું અસ્તિત્વ બચાવવાનો ભય હતો. અને અમરજી દિવાન જેતપુરમાં હતાં ત્યારે સૌરાષ્ટ્રના ૨૮ રાજ્યોએ તેમને પોતાના રાજના પ્રધાન બનવા નિમંત્રણ આપેલું…! આવા જાંબાજ માણસને કોણ ન ઇચ્છે ? પણ એ બધાં જ નિમંત્રણ જતાં કરીને આ વફાદાર યોધ્ધાએ ફરીવાર જુનાગઢના નવાબના પ્રધાન બનવાનું પસંદ કર્યું. અમરજીના આવવાથી લશ્કરમાં નવો ઉત્સાહ પ્રસર્યો. જો કે,એમની ઇર્ષ્યા કરનારા આ જોઇ અંદર પેટે સળગવા લાગ્યાં.

ફરી દિવાન પદ સંભાળ્યા બાદ અમરજીએ વંથલીનો જુનાગઢે ગુમાવી દીધેલો કિલ્લો ફરી કબજે કર્યો. ઝાલાવાડના મુલકમાં જઇ ત્યાંના રાજવીઓ પાસેથી ખંડણી વસુલ કરી. એ પછી મોરબીના વાઘજી ઠાકોરના આમંત્રણથી તેમણે કચ્છના વાગડ પ્રદેશ પર કુચ કરી ત્યાં પણ જ્વલંત ફત્તેહ મેળવી. અને એ પછી ઇ.સ.૧૭૭૭માં અમરેલી પર વિજય મેળવી ત્યાંનો કિલ્લો તોડી પાડ્યો. આવા જબરદસ્ત આક્રમણો અને જ્વલંત વિજયો મેળવનાર અમરજી દિવાન કેવાં બાહોશ યોધ્ધા અને રણનીતીજ્ઞ હશે એની અછડતી કલ્પના થઇ શકે આપણાથી !

પાંચ પીપળીયાનો સંગ્રામ

અમરજી દિવાન એક હિંદુ હતાં અને તેમના આક્રમણો અને ફતેહોથી સૌરાષ્ટ્ર પર જુનાગઢની મુસ્લીમ સત્તા પ્રબળ બની હતી. આથી,સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના અન્ય રજવાડાંના રાજપૂત રાજાઓને હવે અમરજીનો ભય લાગવા માંડ્યો અને બધાંએ સંયુક્ત થઇ નિર્ણય કર્યો કે, ગમે તે થાય પણ હવે આ નાગરને પછાડવો જ પડશે ! અને એ વખતના વિખ્યાત રાજપૂત રજવાડાં એક થયાં. ભાવનગરના ગોહિલરાજ, હાલાર [ જામનગર ]ના રાજવી, ગોંડલ, પોરબંદર, કોટડા અને જેતપુર ઉપરાંત બીજા નાના રાજ્યોએ એક થઇ અમરજી દિવાનને લલકાર કર્યો.

સામે અમરજીએ પડકાર ઝીલ્યો અને જુનાગઢ, બાંટવા અને માંગરોળનો સંઘ રચાયો. અને અમરજીની આગેવાની હેઠળ લશ્કરે કુચ કરી. જુનાગઢના ઇતિહાસનું આ સૌથી મોટું યુધ્ધ હતું.

અણનમ અમરજી એક ! –

બંને પક્ષની સેનાઓ જેતપુર પાસેના પાંચ પીપળીઆમાં અથડાઇ. અત્યંત ભયાનક યુધ્ધ થયું. સામેસામે પક્ષે લોહીની નદીઓ વહી. ભયંકર પ્રહારો થયાં. કંઇક લાશો ઢળી.અને છેવટે આ યુધ્ધમાં અમરજીએ રાજપૂતોની સંયુક્ત સેનાને હરાવી અને યાદગાર વિજય મેળવ્યો ! એક નાગર યોધ્ધો હજારો સામે અણનમ રહ્યો. જુનાગઢની શાન ઔર વધારી દીધી.

પણ, આખરે આ બધી વફાદારી અને આ શૂરવીરતા છતાં જુનાગઢ રાજે એમની કદર ના કરી. ફરી એકવાર નવાબની કાનભંભેરણી ચાલુ થઇ. આ વખતે જુનાગઢ પર મોહમ્મદ હામિદખાન [ પ્રથમ ]નું શાસન હતું. જેનામાં પણ મહાબતખાન જેવા જ લક્ષણ હતાં. આ નવાબને અમરજી પોતાના માટે ખતરારૂપ લાગવા લાગ્યાં. અને ૬ માર્ચ,૧૭૮૪ના રોજ જુનાગઢના રાજમહેલમાં જ નવાબે દગાથી એમની હત્યા કરાવી નાખી ! એક બાહોશ દિવાનનો કરૂણ અંત આવ્યો જેણે જુનાગઢના રાજ પર સિતારાઓ જડી દીધેલાં. અમરજી સૌરાષ્ટ્રના ૧૩૪ રાજ્યો પાસેથી ખંડણી ઉઘરાવતા. જેમાં ભાવનગર, જામનગર, ગોંડલ, મોરબી, ધાંગધ્રા અને પોરબંદર જેવા જબરા રાજ્યો પણ આવી જતાં.

આમ છતાં, નવાબે એમની કદર ન કરી અને એક અણમોલ રતનને રોળી નાખ્યું. જુનાગઢ રાજમાં જ આવા બે પ્રસંગો બન્યાં છે : અમરજી દિવાનનો અને બીજો જુનાગઢના છેલ્લા નવાબ મોહમ્મદ મહાબતખાન [ ત્રીજા ]ના પ્રધાન ભુટ્ટોનો. એકે જુનાગઢને ઉજળું કર્યું અને બીજાએ ડુબાવી માર્યું ! કહેવાય છે કે, છેલ્લા નવાબ બહુ દિલદાર અને દિલાવર માણસ હતાં. પણ એની બેગમ ભોપાલે અને પ્રધાન ભુટ્ટોએ તમનુંં કાંઇ ચાલવા ના દીધું.

આવા હલકટ મનોવૃત્તિના પાસવાનો જ પથારી ફેરવે છે, બાકી અમુક રાજાઓ પરમેશ્વરનો જ અંશ હોય છે. પણ જ્યારથી એમને સ્વહિતલક્ષી પાસવાનોની વાત ખરી લાગવા માંડે ત્યારથી સમજી લેવાનું કે રાજની માઠી દશા બેસવી શરૂ થઇ ગઇ છે. દુલા ભાયા કાગ ઉર્ફે ભગતબાપુએ આ માટે કહ્યું છે :

“મેરે ઠાકરને ચાકર સંગ લીયા ઔર પંથ લીયા બરબાદીયાં કા…!”

અહિં ચાકર એટલે વર્ણવાચક શબ્દ નથી, ગુણવાચક છે. જે હિન મનોવૃત્તિ ધરાવે એ ચાકર !

અમરજી રણછોડજી નાણાવટી ઉર્ફે અમરજી દિવાન નામનો જુનાગઢનો આ નાગર બ્રાહ્મણ સદા અમર રહેવાનો છે. તેમના માટે દુહો લખાયો છે કે :

બાબી બંધુકા હોંયદી,મેલા મૈયા મકરાણ
રધ્યનો નાગરણ અમરો,દુલો અમીરસે.
નાણાવટીમાં નીપજ્યો,કળવંત નાગર કોઇ
દર્પની કીરપાએ હોય,અમરો અજાનબાહુ હે !

– Kaushal Barad

error: Content is protected !!