ત્રીજે દિવસે પાટણનો દરબાર ભરાયો.
દેશડાહ્યા દીવાનો આવીને ગોઠવાઈ ગયા.
સમશેરબહાદુર સામંતોએ આવીને પોતાનાં આસન લીધાં. જગત-ભરમાં જેનો વેપાર ચાલે છે, ને જેનું વહાણવટું ચાલે છે, એવા ગુજરાતના કોટિધ્વજો આવીને યોગ્ય સ્થાને બેસી ગયા.
ત્રણ દિવસે ગુર્જરેશ્વર આજ દરબારમાં આવતા હતા. થોડી વારમાં નેકી પોકારાઈ.
આજાનબાહુ મહારાજા સિદ્ધરાજ સામેથી આવતા દેખાયા. એમના મોં પર સિંહનું તેજ હતું, ચાલમાં હાથીનું ગૌરવ હતું. મલ્લવિદ્યાના આ ઉપાસકનો દેહ પૂરેપૂરો કસાયેલો હતો.
‘ઘણી ખમ્મા મહારાજને !’ કહીને આખો દરબાર ઊભો થઈ ગયો.
રાજાએ આવીને સિંહાસન પર સ્થાન લીધું. થોડી વાર આડીઅવળી વાતચીત કરી મંત્રીને કહ્યુ઼ં : ‘કંઈ નવાજૂની ? કોઈ સુખી-દુ:ખી ?
મહામંત્રી બોલ્યા : ‘સ્વામી ! આપના રાજમાં કોઈ દુ:ખી કે દરિદ્રી નથી. સર્વ કોઈ એક પિતાની પ્રજાની જેમ રહે છે.’
‘ખંભાતના કંઈ વર્તમાન ?’
મહારાજે એકાએક ખંભાતના સમાચાર પૂછ્યા તેથી મહામંત્રીને આશ્ચર્ય થયું. મહામંત્રી મહારાજના તરંગી સ્વભાવને જાણતા હતા. એમણે કહ્યું.
‘ઉદા મહેતાના શાસનમાં શું કહેવાનું હોય ?’
‘એમ વાત ન ઉડાવો. શાંતિ છે ને ?’
‘હોય તો હિંસા-અહિંસાનો ઝઘડો હશે. બાકી ખંભાતની વાત બહાર આવે જ ઓછી.’ પુરોહિત બોલ્યા. એ દાઢમાંથી બોલતા હતા.
‘એમ વાત ન ઉડાવો. મારે મન શૈવ, જૈન, હિંદુ કે મુસ્લિમ-બધા સરખા છે. સિંહાસન પાસે હું ગુનેગાર ઠરુંતો મને પોતાને પણ સજા કરતાં હું પાછો નહિ પડું.’ સિદ્ધરાજે ગંભીર અવાજે કહ્યું.
આ અવાજ ખૂબ જ પ્રતાપી હતો. ભલભલાની જીભ ઉપાડી ઊપડતી નહોતી.
‘આગનું કંઈ કારણ જાણ્યું ?’ સિદ્ધરાજે આગળ ચલાવ્યું.
‘ઉદા મહેતા જાણે.’ મહામંત્રીએ કહ્યું.
‘મંત્રીરાજ ! આ વાત તમે ગમે તેવી રીતે ઉડાવી શકો. તમે મંત્રી છો, પણ હું રાજા છું. આવી વાતમાં આંખ આડા કાન મારાથી ન થાય. હું આંખ આડા કાન કરું તો મારો ધર્મ ચૂક્યો કહેવાઉં. રૌરવ નરકમાં મારો વાસ થાય. શિવસિંહ, ખતીબને હાજર કર !’
થોડીવારમાં ખતીબ હાજર થયો. એણે પોતાની ફરિયાદ રજૂ કરી.
જેમ જેમ એ પોતાની વાત કહેતો ગયો, તેમ તેમ સહુનાં મોં ઊતરતાં જતાં લાગ્યાં.
નિવેદન પૂરું થતાં મહમંત્રીએ કહ્યું :
‘આનો અર્થ એ કે આ માટે ખંભાતના મંત્રી જવાબદાર છે.’
‘પણ તમે તેમનો જવાબ માગ્યો ?’
‘માગ્યો જવાબ આપે એ જુદા–ઉદા મહેતા નહિ !’ પુરોહિતે વચ્ચે કહ્યું.
‘એટલે શું પાટણ ખંભાતની નીચે છે ?’
‘ના હજૂર ! પાટણ સર્વોપરી છે.’
‘તો પાટણની ફરજ તપાસ કરવાની નથી ?’
‘છે. હમણાં જ તપાસ કરાવું છું.’ મહામંત્રીએ ઢીલા પડીને કહ્યું.
‘ન્યાયના શ્રમમાં વિલંબ કરવો એ ગુનો છે, એ તમે જાણો છો ! તમને હું માફ કરું, પણ મને કોણ માફ કરે ? હું ઈશ્વરનો ગુનેગાર ઠરું છું. શિવસિંહ, અંત:પુરમાંથી પેલી પાણીની ગાગર લઈ આવ.’
શિવસિંહ ગાગર લઈ આવ્યો.
રાજાએ કહ્યું : ‘એમાંનું ચરણામૃત બધાને ચખાડ.’
શિવસિંહ બધાને પાણી ચખાડવા લાગ્યો. વૃદ્ધ દરબારીઓને રાજાજીનું આ છોકરવાદપણું ન રચ્યું. પણ તેઓ મહારાજનો મિજાજ જાણતા હતા. લીધી લત છોડે એવા નહોતા.
‘અહહ ! ખારું ધૂધ પાણી !’ એકે કહ્યું.
‘દરિયાનાં જળ લાગે છે.’ બીજાએ કહ્યું.
‘પાટણનું પાણી તો આવું નથી,’ ત્રીજાએ કહ્યું.
‘સાચી વાત છે તમારી !’ મહારાજાએ કહ્યું : ‘પાટણનું પાણી મોળું પડી ગયું છે; માટે ખંભાતથી આ ખારું પાણી લઈને ચાલ્યો આવું છું.’
‘શું આપ ખંભાત જઈ આવ્યા ?’ મહામંત્રીને આશ્ચર્ય થયું.
‘આપ તો ત્રણ દિવસથી અંત:પુરમાં હતા ને ? પુરોહિતે કહ્યું.
‘પુરોહિતજીની વાત ખોટી છે.મહામંત્રીનું કથન સાચું છે.’ મહારાજા સિદ્ધરાજે કહ્યું.
‘હું ખંભાતથી ચાલ્યો આવું છું. ખંભાતના સમાચાર સાંભળ્યા પછી મારું મન હાથમાં ન રહ્યું, ગુનાની તપાસ કરવા ને ગુનેગારને સજા કરવા ઘડિયજોજન સાંઢ લઈને ઊપડ્યો. મારી સાથે મારા બે વફાદાર અંગરક્ષકો હતા. પાટણથી ખંભાત પાંસઠ કોસ થાય.’
‘આપ પાંસઠ કોસ ઊંટ પર ગયા ?
‘માત્ર પાંસઠ કોસ શા માટે ? જતાં-આવતાંના એથી બમણા કહો ને ! પણ મને કદી તનનો થાક લાગતો નથી. હંમેશાં મનનો થાક લાગે છે. મારા રાજમાં વાઘ-બકરી એક આરે પાણી પીવે, ત્યાં નાની કોમ પર આ અન્યાય ? તમને બધાને કદાચ ધર્મના, કર્મના, નાત-જાતના વાડા હોય, પણ રાજા તો બધા વાડાથી પર ! એ પોતાના ધર્મને પાળે, બીજાના ધર્મને જાળવે.’
વૃદ્ધ દરબારીઓએ કહ્યું :
‘મહારાજ ! અમે અમારી જાત માટે શરમ અનુભવીએ છીએ. આપની તપાસમાં શું માલુમ પડ્યું ?’
‘ખંભાતમાં હું અંધારપછેડો ઓઢીને બધે ફર્યો. ગલીએ-ગલીએ ફર્યો. મુસલમાન લોકોને મળ્યો. દરેક કોમના લોકોને મળ્યો. એમની સાથે મેં વાતચીત કરી.
‘આખરે મને જણાયું કે અગ્નિપૂજક પારસી સાથે તમામ હિંદુ કોમોનો એમાં સાથ હતો. એટલે બધી કોમના બબે આગેવાનોને બોલાવી તેમનો દંડ કર્યો.’
‘ધન્ય ગુર્જરેશ્વર, ધન્ય !’ બધા દરબારીઓ બોલી ઊઠ્યા.
‘કુતુબઅલી !’ મહારાજાએ સાદ દીધો.
‘જાહાંપનાહ !’
‘તમારાં મસ્જિદ અને મિનાર દરબારી ખર્ચે સમરાવી દેવામાં આવશે. ને વસ્તી ફરી વસી શકે તેવો પૂરતો બંદોબસ્ત થશે.’
‘ખુદા આપને ઉમરદરાજ કરે મહારાજ !’ખતીબે કહ્યું.
‘પણ જુઓ ખતીબ ! પાડોશીની સુંવાળી લાગણીઓને પણ સમજતાં શીખજો. સંસારમાં પડોશીધર્મથી મોટો કોઈ ધર્મ નથી.’
‘જી હજૂર !’
‘અને જગતને જાહેર કરજો કે ખુદાની નજરમાં જેમ હિંદુમુસ્લિમ એક છે, એમ ગુર્જરેશ્વરની નજરમાં પણ પ્રજા તરીકે હિંદુ-મુસ્લિમ એક છે.’
આખો દરબાર આ જુવાન રાજા પર વારી ગયો.
[ ક્રમશઃ આગળની વાત જાણો હવે પછી ના ભાગમાં.. ત્યાં સુધી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહિ. આ પોસ્ટ તમને કેવી લાગી તે નીચે કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો… ]
લેખક – જયભિખ્ખુ
આ પોસ્ટ લેખક જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથા સિધ્ધરાજ જયસિંહ પુસ્તકમાંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..