વિનય વડે ઢંકાયેલી મદભર માનુનીના ગુલાબી ગાલ જેવા ઉગમતા આભમાં ઉજાસ ઉઘડી રહ્યો છે જેને પાર્વતીના પ્રાણનાથ વિના બીજામાં ભરોસો નથી એવા માળેશ્વરદાદા ના ભક્તની ભક્તિ જેવી ભભક ઉઠી રહી છે. કમળ મંજરીના કોમળ પરાગથી છવાયેલી પગદંડી પર પદ્મીનીના પડતા પગલામાંથીં ઉઠતા પગરવ જેવા વહી જતાં મૈંગળના પ્રવાહ માંથી ઉઠી રહ્યો છે. એવા વખતે દાતાની દિલાવરીના દશેય દિશામાં ડંકા વાગી રહ્યા છે. એવા માળીયાના ધણી પીઠાત પ્રથમનીં વાત છે.
સોરઠમાં ગીરના મૂખ પાસે મેંગળ નદીને કાંઠે માળીયા હાટીના ગામમાં સંવત ૧૪૬૦ માં તે દિ’ માળીયા ચોવીસીમાં ચોરાસી ગામનાં ધણી આપા પીઠાત હતા. સિસોદીયા કૂળ એટલે મેવાડ બાપા રાહોળ તેમજ મહારાણા પ્રતાપનો વંશ જેનું નામ લઇએ ને તો પણ સામા પૂરે તરી જવાય હો! આપણી ગજ ગજ છાતી ફુલે, એવા પરાક્રમી નીડર. એકવચની વીર, શૂરવીર જેનું માથું એક્લીંગજી સિવાય કોઇ ને નમે નહિં. એવા પ્રતાપી સોરઠ વર્ષના રાજા.
હાટી ફૂળમાં પ્રથમ પીઠાત માટે એમ કહેવાય છે કે, તે દનિશ્વરી કર્ણ જેવો અવતાર છે. આપા પીઠાત રાજ દરબાર ભરીને બેઠાં હોય ત્યારે બારોટ : બાવાજી: બ્રાહ્મણ: નટ: નાયક: વાદી: મદારી: તરગાળા: બજાણીયા: પંડિતો: વિદ્વાનો: સાહિત્યકારો: નૃત્યકારો કે કવિઓ હોય. જે કોઇ આવતાં તેની લાયકાત પ્રમાણે યોગ્ય મોજુ બક્ષતાં, આવી ભલપતો પીઠાતઆપાએ સુવાંગ રાખી છે.
આવી અનહદ દાતારી આંટો લઇ ગઇ છે. દાતાારી ની વાત સોંરઠ તો ઠીક, સોરઠના સીમાડા વળોટી, ગુજરાત, મારવાડ, મેવાડ, મહારાષ્ટ્ર સુધી ફેલાઇ ગઇ. આપો ગુજરાતના કવિરાજ શિવદાનજી ભાટને એવી પ્રતિજ્ઞા છે કે, જે ઘડીએ માંગુ, જે માગું એજ ઘડીએ દાન આપે એ વ્યક્તિ પાસેથી લેવું.
કવિરાજ કોઇ માંગણ નથી, એ કોઈ યાચક નથી, કોઇ ફંડ-ફાળો કરવો નથી
આ તો માં જગદંબાનો ઉપાસક સરસ્વતી પુત્ર ભાટ છે. કવિરાજ દેશ દેશાવર ફર્યા છે. અનેક રાજા- મહારાજા બાદશાહો પાસે ગયા છે. પણ તેની ટેક પૂરી કરવાવાળા હજૂ સૂધી મળ્યા નવી. આવી માળીયા હાટીના દરબાર ક્ષત્રિય રાજપૂત સિસોદીયા કૂળનાં પીઠાતની સુવાસ સાંભળી કવિરાજ સૌરઠ તરફ ડગ માંડે છે. કદાચ મારી પ્રતિજ્ઞા પૂરી થશે ! !!
હાલતાં હાલતાં માર્ગમાં ચોટીલાના ડુંગરા પર બીરાજતી માં ચામુંડાના દર્શન કરે છે. ત્યાંથી જૂનાગઢ ભવનાથના દર્શન કરે છે ત્યાંથી સમી સાંજે માળીયા આવે છે. સાંજ પડી ગઇ છે. ગામોનાં ધણ ઘરભેગાં થાય છે. એ વખતે કવિરાજનેં કોઇ ઓળખતું નથી એ વખતે શિવદાનજી મેંગણ નદીમાં હાય પગ ધોઇં ખડીયામાંયી ઠુંગો કાઢી ક્સુંબો પીવે છે. દાદા માળેશ્વરના દર્શન કરે છે. કવિરાજને ખૂબ થાક છે. એટલે માળેશ્વર દાદાના ઓટલે લંબાવ્યું ત્યાં તો ઘસઘસાટ ઉંધ આવી ગઇ. વહેલી સવારે કૂક્ડાએ બાંગ પોકારી કવિરાજ જાગી જાય છે. ઉઠીને નિત્યક્રમ પતાવી, દાતણ- પાણી કરી, સ્નાન કરી, હાથમાં બેરખો લઇ, દાદા માળેશ્વરની પૂજા કરવા જાય, ત્યાં તો એ જ વખતે કોઇ આઠમી. વિશાળ છાતી, પૂરી ઉંચાઇ. લાંબી ભૂજા, મૂછો ફરક ફરક થાય, લીંબુની ફાડ જેવી આંખુ હાલે તો જાણે ગિરનોં ડાલામથ્થો સાવઝ ધીમે ધીમે ડગ માંડે છે એવો દેખાવ, મોઢામાંયી ૐ નમો શિવાય… હર… હર… મહાદેવના જાપ ચાલુ છે. શરીર પર એક વસ્ત્ર પહેરેલું છે. એક વસ્ત્ર ખંભે છે… હાથમાં માત્ર એક લોટો છે.
કવિરાજે દેખાવ પરથી જાણી લીધુંકે, આજ આપા પીઠાત હોયં!
કેશર કેશુડા બંને: વાને ન વરતાયઃ
પારખથી પરખાય: પીઠાત મળ્યા પછી:
કવિરાજ કહે, આપ જ માળીયાના ધણી આપા પીઠાત છોનેં?’
‘હા‘ … પીઠાત બોલે છે… એજ વખતે કવિરાજ વેણ-વખાણ કરે છે.
કહું મુખ નાકર: ભાર ભૂજંગ તજાવે :
ક્હં મુખ નાકર: સાયરાં નીર સૂકાવે :
કહું મુખ નાકર : સૂરજ મુખસંતાડે:
ક્હું મુખ નાકર : પડે ટૂંક તુટે પહાડે:
રાહોળ રાણા બાપતણાં: શ્રેષ્ઠ બિરદ મારા શીરે:
કવિ કાન વચન પુરું કરું: ભડ નવ પગ પાછા ફરે:
તુર્તજ પીઠાત આપાએ શિવદાનજીના ખબર અંતર પૂછ્યા, ‘આપ રાજ ક્ચેરીમાં પધારો, હું હમણાં જ માળેશ્વવરદાદાને અભિષેક ચડાવીને આવું છુ આપને જોઇએ તે આપીશ.
‘હું કોઇ માંગણ નથી, હું કોઇ યાચક નયી. પરંતુ મારે એક્ ટેક્ પ્રતિજ્ઞા છે. જે કોઇ રાજા બાદશાહોએ પૂરી કરી નથી. એટલે આપની વીરતા ઉદારતા ભક્તિ ને દાતારી સાંભળીને અહીં સુધી આવ્યો છું !!!’
‘તો… .. .તો બોલો કવિરાજ આપની શી પ્રતિજ્ઞા છે !! આપની ટેક માળેશ્વર દાદા પૂરી કરશે! ’ પીઠાત બોલે છે.
તો.. . સાંભળી લ્યો, મારી ટેક એમછે કે, ‘જે માંગુ જે ઘડીએ માંગુ. તે જ ઠેકાણે આપેને તોજ લંઉ!
’તો માંગો ! !’
‘વચન આપો તો, માગું. … …
જાવ, વચનછે એક રાજપૂત: સિસોદીયા ફૂળતરીકે બોલું છું.
‘તો, અહીંથી એક ડગલું આગળ ન હાલવું, એક ડગલું પાછળ ન હાલવું. અહીં જ અબ ઘડીએ નદીના પટમાં નવલખો નવસરો સાચા મોતીનો હાર જોઇએ છે. !’, શિવદાનજી બોલે.
કવિરાજ આવી આકરી ટેક ન હોય, હાલો ક્ચેરીમાં હમણાં જ નવલખો નવસરો હાર આપું.
શિવદાનજી ક્હે, એક ડગલું આગળ હાલો કે પાછળ હાલોતો રામદુહાઇ છે. ચાર બ્રહ્મહત્યાનું પાપ છે. આપે મને વચન આપેલ છે. વચન આપીને ફરી જાવ તો મારા પેટમાં કટાર ખાઇને મારા પ્રાણ આપી દઇશ.’
આવા આકરા વેણ સાંભળતાં પીઠાતઆપાએ કાળમીંઢ પથ્થર સામે નજર કરીનેં કહ્યુંકે, ‘હૈં, માળેશ્વરદાદા આજસુધી તમે અમારી લાજ રાખી છે. તમોને ખરા દીલથી માન્યા હોય, ભક્તિ કરી હોય તો, લાજ રાખજે. નહિંનર હું કાળમીંઢ પથ્થરની સાથે મારું માથું પછાડીને મારા પ્રાણ આપી દઇશ.
આમક્હી, માથું પ્રાછટવાનીં તૈયારી કરે છે. ત્યાં તો ભયંકર ઓમકાર અવાજ સાથે પથ્થરના બે કટકા થયાં અને સૂર્યના કિરણોમાંથી નવલખો નવસરો હાર નીકળે છે…
લ્યો, કવિરાજ આપને માળેશ્વર દાદા હાર દાનમાં આપે છે. દાદાએ મારી અને તમારી વાત સાંભળી છે. જે વાતની સાક્ષી રૂપે આજે પણ આ જગ્યા ‘મહાદેવયા’ પથ્થર તરીકે પૂજાય છે. આથી જ પીઠાત આપા ‘દાનેશ્વરી’ કહેવાય છે.
જે પથ્થર ફ્રાટીનેં હાર નીક્ળ્યો તો તે પથ્થર આજે પણ મેંગળ નદીના પટમા હયાત છે.
હોય તો હોંડ જ કરા: જમીન માથે જોઈ:
કરમ તારાં કોઈ: પાણા ફાટે પીઠવા:
કાળુના હોડ જ કરાં :જગત બાઘો જાય:
કરમ તારાં કોઈ :પાણાં ફાડે પીઠવા:
પ્રેષક : વનરાજસિંહ સિસોદિયા
સાભાર : સોરઠના હાટી ક્ષત્રિય ની ગાથા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..