તાજાં ઊગેલા ફૂલના ટચૂકડા દડૂલા જેવા દેવળિયા ગામ પર આવું આવું કરતો હેમંતનો સૂરજ સુરખીઓ લઈને ઊગ્યો… ઊગીને ઊંચો ચડ્યો… રંઘોળી નદીનો રળિયાત ભર્યો આખો કાંઠો, આસો માસના દશેરાનો તહેવાર માણતો’તો ખેતરો બધાં મોલાતની સોગાદથી છલકાતાં હતાં. કુંજડીઓ મીઠું કિલ્લોલતી હતી. રંઘોળી નદીનાં અણથક બિલોરી નીર મેઘદેવ ગોહિલની નવી વસાહત પર ધીમું, મીઠું ખબકતાં હતાં.
સૂરજ ઊંચો ને ઊંચો આવી રહ્યો હતો. દેવળિયા ગામના ધણી મેઘદેવ ગોહિલની માઢ મેડીએ, અડખે પડખેના ભાયાત ગિરાસદારો દશેરાના કસુંબો લેવા દેવળિયે આવ્યા છે. ક્ષત્રિયોનો સપરમોે તહેવાર છે એટલે આનંદ આનંદ થઈ રહ્યો છે…
બરાબર એજ વેળા, કેળવનમાંથી ઊઠેલી વેદનાસભર એક ચીસ આખા દેવળિયા ગામને વિંટળાઈ વળી. આધેડ અવસ્થાની એક મહિલા અંતર વલોવતી, છાતી કૂટતી હતી. ‘બાપુઉ..! મેઘદેવજી…!’
કાંડાનાં હાથીદાંતનાં એનાં બયોયાં વીંઝાયા. હવામાં એકાદ બેવાર બાવડાં ઊંચા થયાં અને પછી કણે કણનો એનો વલોપાત ધ્રૂસકાં ધ્રૂસકાં થઈને પથરાઈ ગયો!
ગોહિલ મેઘદેવની મેડી પર જામેલો દશેરાનોે ડાયરો ખળભળી ઊઠ્યો.
‘કોણે ગજબ કર્યો આ? બોલતાંને મેઘદેવજી મેડીની બારીએથી બજારમાં ડોકાયા અને એજ પળે સોળની ઉંમરનો ધમેલાં તાંબા જેવો એક ફરફરિયો જુવાન, ઘોડા પર રાંગ વાળીને દેખાયો. એવા વાંકડિયા વાળ અને લબર મૂછિયો ચહેરો, દેખાયો ન દેખાયો, દેવળિયા ગામમાંથી એ નાઠો! નદી કાંઠાની ઝાડીમાં એની ઘોડી અલોપ થઈ ગઈ….
‘બાપુ મેઘદેવજી! મેડીના દાદરેથી કોઈ આવતલે રુંધાયેલા અવાજે વેદના ઠાલવી: ‘આજના પરબ ઉપર લોહી છંટાણાં!
ગજબ થઈ ગયો. બબ્બે જણ દેવળિયાના ચોકમાં વધેરાઈ ગયાં!’
‘હત્યા?’ મેઘદેવજી દાદર તરફ બે ડગલાં આગળ વધ્યા: ‘મારા ગામમાં? મારી હાજરીમાં?’
‘હા, બાપુ! બે જુવાનો કપાઈ ગયા… આંબાના ઊગતા રોપ જેવા…’
‘કોના હતા ઈ જવાનો?’
‘રંઘોળી નદીના કાંઠાના નેસડામાં વસતા આહિર આપાભાઈનાં કુટુંબનાં… એક એનો દીકરો અને બીજો એનો ભાણેજ… દીકરીનો દીકરો..!
‘આપોભાઈ આહિર તો મારો જાય મિતરું…! રંઘોળી કાંઠાનો મારો અધરાતનો હોંકારો! એને નેસડે અમે દૂધની તાંબડીઓ પીધી છે. આપો આહિર તો અમારા ગઢ ગિરાસનો કાંગરો…!’
‘એટલે જ ગજબ ગણાયને?’
‘ઈ ગજબના કરનારને હું પાતાળમાંથી ખેંચી કાઢીશ. અને ખરે બપોરે કાંધ મારીશ. કોણ છે ઈ કાળમુખો?’
સમાચાર દેનારનો ચહેરો ધૂંધળો બની ગયો. એની નજરમાં આશંકા અને અણગમાની તાંસળી તાંસળી છાલકી ઊઠી: ‘બાપુ! એને દંડ દેવાની વાત બઉ વસમી છે…’
‘વસમી હોય કે સહેલી હોય, કોણ છે હત્યારો? બોલો…’
‘મામા ભાણેજને મારનાર બીજો કોઈ નહીં, આપનો કુંવર વિસોજી…’
મેઘદેવ ઉપર ખુલ્લા જમૈયાના ઘા જેવો ઉત્તર વાળીને પછી વાત કરનારે વિગત કહી: ‘આપા આહિરનો ભાણો અને વિસોજી વાતવાતમાં ચડભડ્યા અને વિસાજીએ તલવાર વિંઝી! પોતાના ભાણેજને બચાવવા માટે મામો વચમાં પડ્યાં, એટલે એનેય વેતરી નાંખ્યો…’
‘ઊઠો, ભા!’ મેઘદેવે ડાયરાને કીધું: ‘કસુંબો હવે અગરાજ છે. વિસાજીને હાજર કરો. હાજર થવાની ના પાડે તો એનું માથું લઈ આવો. જો કોઈ ‘કળમ’ રાખો તો મા ખોડિયારની દૂહાઈ છે. મારી રૈયત ઉપર આડેધડ તલવાર વિંઝનાર વિસોજી મારા માટે મારો દીકરો નહીં, દુશ્મન છે…’
-અને ગામ ધણીની હાકલ થતાં ચારેક ઘોડાં રંઘોળી નદીનો કાંઠો ખૂદવા ડાબલાં વગાડી ગયાં, પણ વિસોજી ક્યાંય હાથ ન આવ્યો… અસવારો અચંબે ચડ્યા: ‘અરે, હજી હમણાં તો આવ્યો છે. ગયો ક્યાં!’
* * *
‘જુવાન!’ રંઘોળી નદીના ખોડિયારના ધૂના પાસે નિમાણાં થઈને બેઠેલા જુવાનના ખભા પર જૈફ હાથનો પંજો આસ્તેથી મુકાયો!
‘ઊભો’થા, બાપ!’
અવાજની ઓળખાણે જુવાને ઊંચે જોયું અને ડુંગર પરથી દડ્યો હોય એમ હડબડ્યો. એની આંખો પહોળી થઈ. પોતાને અડીને ઊભેલા અવથાડ આદમી સામે એ કંપતી નજરે જોઈ રહ્યો. અને બહાવરા અવાજે બોલ્યો: ‘આપા આતા! તમારી કાંઈ ભૂલ તો નથી થાતીને? હું વિસોજી…’
‘ના ભાઈ! ભૂલ શાની થાય! તું તો મારા મેઘદેવજીનો લાડકો દીકરો.’
‘પણ આતા! મેં વકરમ કીધું છે.’ શરમ અને પસ્તાવાથી વિસાજીનું માથું ગોઠણ પર દડી ગયું…
‘મને ખબર છે, વિસાજી! વધારે વાત કરવાની વેળા નથી, આમ જો…’ અને આઘેના સીમાડે ઊડતી ખેપટ તરફ આંગળી ચિંધીને અડીખમ આહિર બોલ્યો: ‘તને જીવતો નૈ મેલે. રંઘોળીનું ઝાડવે ઝાડવું ફંફોસે છે.’
‘હા, આતા! મારો કાળ મારે સગડે ચડ્યો છે. મને જીવતો- નૈ મેલે.’ વિસાજીનો કંઠ રુંધાયેલો: ‘કાળ કાળમાં મારા હાથે કાળું કામ થઈ ગયું આપા આતા!’
પડછંડ શરીરના ખખડધજ આહિરની ભૂજાઓ કંપી. એની મૂછોના થોભિયામાં અષાઢની હેલીએ છંટાતી વાછંટ જેવી ક્રોધની ‘ઝણ’ છંટાણી. પોતાના કંધોતરને અને ભાણેજને કમોતે મારનાર એક જુવાન એની આંખ સામે નિ:સહાય નોંધારો બેઠો હતો… ચપટીમાં ચોળી નાખતાં વાર કેટલી?’
– પણ યદુવંશનો એ ઘટાટોપ આદમી, કુળની ખાનદાની અને રખાવટપણાંની બાલદીઓ ભરીભરીને ક્રોધની ભઠ્ઠી ઓલવવા માંડ્યો…! વિસાજીના બાપ સાથે દૂધની તાંસળીઓ ભરીભરીને પીધી હતી. અંજલીઓ ભરીને કસુંબા પીધા હતા.. બાથું ભરીને એકમેકને ભેટ્યા હતા… રખાવટ અને જુનવટની આ પળે કસોટી હતી.
‘વિસાજી! લાંબો વિચાર કર્યા વગર મોર્ય થા, ભઈ!’
‘ક્યાં?’
‘ક્યાં શું, મારે ઘેર! ભરોસો નથી પડતો બાપ?’
‘હું તો તમારા દીકરા અને ભાણેજને મારનારો…’
‘સંભાર્ય મા. વિસાજી! સંભાર્ય મા…’ વૃદ્ધ આહિર એનાં ઓખાઈ પગરખાં સુધી અરવ ધ્રૂસકી ઊઠ્યો. અવથાડ વડલો ફાટે એમ એકવાર એ ફાટ્યો પણ વળતી પળે પોતાને વશ કરી લીધો:
‘હવે વધારે ખૂન નથી રેડવાં, જુવાન!’ વિસાજીને બાવડે પકડીને એણે આગળ કર્યો…. પોતાના નેસડે આવીને નાની એવી એક ઓરડીમાં એને પૂર્યો અને સાંકળ વાસી દીધી. વિસાજીને કોઈ જફા ન પહોંચાડે માટે ડાંગ લઈને ઉબરા આગળ બેઠો…
‘આપા આતા!’ ઘોડેસ્વારો આપા આહિરને નેસડે આવીને ઊભા: ‘વિસાજીને જોયો?’
‘મારા દીકરાના મારતલ વિસોજી?’
‘હા, આતા! એ નથી જડતો…’
‘હું પણ એને જ ગોતું છું. ભા!’ આહિર બોલ્યો…
‘તમારા બારણામાં બેઠા બેઠા!’
‘હા…’
‘કેમ?’
‘ઈ લોહી ચાખેલો જુવાન ખૂન કરવા મારે નેસડે આવ્યા વગર નહીં રહે…’
ઘોડાં ગયાં…!
અંદર છૂપાયેલા વિસાજીની આંખમાંથી આંસુના આંબળાં ખર્યા.
‘અરેેરે, મેં આ ખાનદાન ખોરડે ઘા કર્યો?! જેના દીકરા અને ભાણેજને મેં માર્યા, એ આદમી, મારાં રખવાળા કરે છે. હે જોગમાયા! આ ધરતીને ક્યાં ટેકા છે?
વિસાજીને માટે બપોરની છાશું અને સાંજનું વાળું પીરસાતાં રહ્યાં, પથારી થતી રહી. ત્રણ ત્રણ દિવસ સુધી વિસાજીની સરભરા અને રખોપું થયાં. રાજની પૂછપરછને ખોટા ઉત્તરો અપાતા રહ્યા: “ના બાપ! મારા દીકરા-ભાણેજને મારનારને હું આશરો આપું? વિસોજી અહીં – નથી.
ચોથા દિવસની સવારે આપા આહિરે અંદર પૂરાયેલાં વિસાજીને સૂચના આપી: “વિસાજી! માલીપાથી બારણાંની સાંકળ વાંસી દેજે, ભાઈ!
“તમે!
“હું દેવળિયે જાઉં છું.
“શું કામે આતા?
“મેઘદેવજી પાસે તને માફી અપાવવા….
“માફી આપશે?
“શું કામ નૈં આપે? દીકરો અને ભાણેજ તો મારા મર્યા છે.
અને ચોથા દિવસની સવારે આપા આહિરે ગોહિલ મેઘદેવની ડેલીએ પગ મૂક્યો.
આપા આહિરને જોતાં મેઘદેવનું માથું નીચું થયું…
“દેવળિયાના ધણી! હું ઠપકો દેવા નથી આવ્યો.
“આપા ભાઈ! મેઘદેવને ગળે જાણે કાંસડી બાઝી: “ઠપકાને બદલે જો તમારા હાથમાં ઉઘાડી તલવાર હોત તો હું ધરી દેત. આમ નીચું માથું ન કરત બાપ!
“ગઈ ગૂજરી ભૂલો, બાપ!
“વિસોજી મારે હાથ નથી આવતો, આપાભાઈ! આવે તો… અને મેઘદેવના હોઠ પીસાયા: “જો આવે તો…
“આવે તો એને માફી દેવાય, મેઘદેવજી!
“એણે હત્યા કરી છે…
“જેની હત્યા થઈ છે એનાં જીવની સદ્ગતિ વાંછો છો, મેઘદેવ?
“હા એની સદ્ગતિ માટે તમે કહો એમ કરવા તૈયાર છું…
“માતાજીની સાક્ષીએ?
“હા, આપાભાઈ! માતાજીની સાક્ષીએ…
“તો કુંવર વિસોજી મારે ઘેર છે… હમણાં તેડી આવું. તમે તમારું વેણ પાળજો… એને માફી આપીને.
– અને આપા આહીરે વિસોજીને સોંપ્યો. દીકરાએ બાપના પગમાં માથું મૂક્યું…. બાપ દીકરાના સમાધાન થયાં…
મેઘદેવજીને કાયમ માટે હેઠા જોયું ન થાય માટે આપા આહિરે પોતાનું બાસીંગણ બદલ્યું. ઉચ્ચાળા ભરીને રંઘોળા ગામે ઉપડ્યાં….
“આપા ભાઈ! હવે તો હદ થાય છે હોં… મેઘદેવ ગોહિલે નેસ છોડતા આપા આહિરને રોકાઈ જવા વિનવ્યા: ગુનેગાર તો અમે છયે બાપ! છેલ્લાં ડચકાં સુધી અપરાધ મને ડંશે…!
“બાપુ! આહિરે આકાશ સામે આંગળી ચિંધી:
“ઉપરવાળાની સાક્ષીએ બોલું છું કે કોઈ દુ:ખ ના કરશો. હું દેવળિયા છોડતો નથી, પણ મારા કુટુંબને જોઈને તમારો અંતર આત્મા ડંખે નહીં એ માટે જ રહેઠાણ બદલું છું…
– અને આભને થોભ દે એવી મોટપથી ભરેલો આપો આહિર, પોતાના બે નાના દીકરા સાથે ઉચાળા લઈને રંઘોળાને માર્ગે વળ્યો. ત્યારે મેઘદેવ ગોહિલની આંખમાંથી બોર બોર જેવાં આંસુ ખરતાં હતાં… વિસાજીની પણ આંખો વરસી. એણે પોતાને પિતાને ખાતરી આપી કે “બાપુ! મારા હાથે જેની હત્યા થઈ છે એવા એ બન્ને આહિરોને હું અમર કરી દેખાડીશ..
બાપે દીકરાને બાથ ભરી: “તો જ મારા જીવને સદ્ગતિ થાશે, દીકરા! વધારે શું? આ ધરતીને કંઈ ટેકા નથી.
(નોંધ:- વળતા વરસનાં નવા વરસના દિવસે મેઘદેવજીના પુત્ર વિસાજી ગોહિલે, પોતાના ગઢ સામેના ચોકમાં ગત થયેલા બન્ને આહિર પુત્રોની ખાંભીઓ માંડી અને પોતાના હાથે એને સિંદૂર ચડાવીને જુવારી. હાલ પણ આ ખાંભીઓ ઉમરાળા તાલુકાના દેવળિયા ગામના ચોકમાં ઊભી છે. અને દેવળિયાના ગોહિલો એને બેસતા વરસે કસુંબો પાય છે. ઘટના સમય:- સને ૧૮૪૧)
લેખક – નાનાભાઈ જેબલીયા
ચિત્રકાર – કરશનભાઇ ઓડેદરા
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો