આલેક કરપડો – સૌરાષ્ટ્રની રસધાર

ભાડલામાં લાખા ખાચરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કસૂંબાના રંગ દેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે સાદે વાતે વળગ્યા હતા.

“જસા ગીડા !” વીકા ગીડાએ કહ્યું : “આ ઉકલું હમણાં ભારે ફાટ્યું છે, હો !”
“આવડી બધી ફાટ્ય શેની આવી છે ઈ ખબર્ય છે ને ? આપા લાખાએ મોઢે ચઢાવ્યો છે, બા ! આપો તો એને દેખે એટલે આંધળેાભીંત !”

“તે હવે ઉકલાનાં લાડ ઉતારી નાખીએ.”
બેય કુટિલ કાઠીઓએ ઉકા નામના લાખા ખાચરના માનીતા કાઠીનું કાસળ કાઢવાનો મનસૂબો કર્યો. ડાયરા સામે જોઈને જસા ગીડાએ ઊંચે સાદે કહ્યું :

“એ આપાઓ ! હમણે સાંભળ્યું છે કે સરલાની પાડિયુંને મૂછ્યું આવી છે.”
“તે બા, સરલામાં વળી કોનીયું પાડિયું ?”
“બીજા કોનીયું ? રાણા કરપડાની. જેને ઘેર આલેક કરપડા જેવા જોધારમલ દીકરો હોય એનાં જ ઢોર ફાટફાટ આઉ લઈને ફરે ને, બા !”

“ઓહો ! રાણાની ભેંસ્યું ને માથે તો કાંઈ લોહીના થર ચડ્યા છે ! ચીંટિયો લઈએ તો ધાર થાય.”
હોકાની ઘૂંટ લેતાં લેતાં આપો લાખો બોલ્યા : “તંઈ તો બા ! આલેકનાં વારણાં લેવા જાવું પડશે.”
“આપા લાખા, ઈ વાતું થાય !” લાખા ખાચરને રઢ ચડાવવાના ઇરાદાથી વીકો ગીડો દાઢમાંથી બોલ્યો.

“ઠીક તંઈ બા ! માંડો પલાણ. એનાં કાંઈ મુરત જોવાય છે ?” કહીને લાખા ખાચર બગલાની પાંખ જેવું પાસાબંધી કેડિયું પહેરીને તૈયાર થયા. પાણીનું છાપવું ભરીને બેય બાંયેાની કરલ ચડાવી લીધી. દાઢીના કાતરા ઝાપટીને મોસાળિયું બાંધી વાળ્યું. દોઢસો ઘેાડે લાખો ખાચર સરલા ભાંગવા ચડ્યા. રસ્તામાં જસા ગીડાએ અને વીકા ગીડાએ ઉકાના ઘાટ ઘડવા માંડ્યા. એને ખબર હતી કે આલેક કરપડો હંમેશાં દુશ્મનેાની ફોજમાં જે મોવડી હોય તેને જ માથે ત્રાટકે છે. ઉકાને મોવડી બનાવવાનું તરકટ મંડાણું.

“અરે ઉકા !” વીકે આદર કર્યો, “માણસમાં કે’વાય કે રાજા જેને માથે રૂઠે, એનાં તે દળદર ભુક્કા થઈ જાય. પણ બા, આપા લાખાની તારે માથે આવડી બધી મહેરબાની તેાય તારા કરમમાંથી આ ટારડી નો ટળી, હો !”

“અરે બોલ્ય મા, બોલ્ય મા, વીકા !” જસાએ મહેણું દીધું, “નકર હમણે જ આપો લાખો ઉકાને એની કાળુડી દઈ દેશે.”

“એ બા, બહુ નો દાઢીએ, હે ! મરમનાં વેણ કાળજાં વીધે, બા ! લ્યો, તમારે બહુ હોંશ હોય તો કાળુડી ઉકાને દીધી !” એમ બોલીને આપો લાખો ઉકા ભણી બોલ્યા : “લે, ઉકા ! હેઠો ઊતર્ય. આ લે કાળુડી, લાવ્ય તારી ટારડી મારી રાંગમાં.”

કાળુડી તે કેવી? જાંબુડાવરણી : કાયા ઉપર ગલ ઉપડતા આવે : ઊંટ જેટલી તો ઊંચી : હજાર ઘોડાંમાંથી નેાખી તરીને નજરમાં વસી જાય.

ઉકેા ભોંઠો પડ્યો. ગીડો બેાલ્યો : “ઉકા ! હવે લઈ લે, લઈ લે. ધણીને પોરસ આવે ઈ ટાણે મોઢું ફેરવીએ, માળા મૂરખ ?”

દરબાર ટારડી ઉપર બેઠા, ઉકેા કાળુડી ઉપર ચડ્યો. થેાડોક પંથ કપાણો એટલે વળી કાવતરું આગળ વધ્યું.

“ભણે, આપા લાખા ! આવે હથિયારે હવે તો બાપડે ઉકેા ભૂંડો લાગે, હો ! ચાકરને શેાભાવીએ, તો પૂરેપૂરો શોભાવીએ. કાળુડીના ચડનારને તો સોનાની ખેાભળે ભાલો હોય, સોનાને કૂબે ઢાલ હોય અને સોનાની મૂઠ્યે તલવાર શેાભે, બાપ ! આજ તારે તો બક્ષિસ કરવાની વેળા છે.”

લાખા ખાચરને હોંશ આવી. પોતાનાં હથિયાર છોડતાં છોડતાં એ બોલ્યા : “ ભણે ઉકા ! આ લે, બાંધુ લે આ ત્રણે વાનાં, ને લાવ્ય તારાં કાટલ હથિયાર માળી આગળ.”

ઉકો શરમાણો. વળી ગીડો બેાલ્યો : “ઉકા લ્યે ! ધણીની કસું તુટતી હોય, ઈ તે મોટો ભાગ્ય કે’વાય ને, મૂરખા ! બાંધી લે.”

ઉકાએ હથિયાર બાંધ્યાં. “ઓહો ! શું ઉકાને અરઘે છે ને !” એમ બોલતી બોલતી સવારી આગળ વધી.

વળી ગીડો બોલ્યો : “આપા લાખા ! તું તો લાખણ મહારાજ કે’વાછ. અને હવે શું ઉકાને માથે આવે તૂટલફાટલ તરફાળ હેાય ? અરે ભૂંડા ! તાળે તે હવે કાંઈ ઘલડે ગઢપણે નગરનો ફાળિયો અરઘે, બા ?”

પોતાને માથે નગરનું ફાળિયું, સોનેરી તાર ભરેલા કાળા છેડાવાળું હતું, તે ઉતારીને લાખા ખાચરે ઉકાને માથે બંધાવ્યું : પોતે ઉકાનો લીરો વીંટી લીધો. આજ  પોતાના માનીતા ચાકરને આવી નવાજેશ કરીને લાખા ખાચરનું હૈયું ખૂબ હરખાણું, ઘાટ પણ પૂરેપૂરો ઘડાઈ ગયો !

સરલાની સીમમાંથી લાખા ખાચરના અસવારોએ ભેંસો વાળી, ગોવાતીઓની ડાંગો આંચકી લીધી. ગોવાતીઓ ચીસો દેતા દેતા રાણા કરપડા પાસે પહોંચ્યા. રાણાના ત્રણ મોટા દીકરા : શેલાર, વાઘો અને ભોકો ઘેર હતા. પણ નાનેરો આલેક કણબાવ્ય ગામે ગયેલ.

૨.

સાંજ ટાણે આલેક ચાલ્યો આવે છે. ઘોડી ઉપર ફક્ત ડળીભર બેઠો આવે છે. જાંઘ નીચે તરવાર દબાયેલી છે. ત્યાં એણે સરલાનો બૂંગિયો ઢોલ સાંભળ્યો.

“મારા ગામને પાદર બૂંગિયો !” આલેક બબડ્યો. ચમકીને એણે ઘોડીને એડી મારી. પલક વારમાં પાદર આવ્યું, પણ ઝાંપા બંધ દેખ્યા. અંદર રાણો કરપડો ઊભેલા. આલેકે સાદ કર્યો : “ ઝાંપો ઉઘાડો.”

“બાપ આલેક, ઝાંપો શી રીતે ઉઘાડું ? જીવતર કડવું ઝેર થઈ ગયું, અને તું બેઠે આપણી હાથણિયું લઈને લાખો ખાચર સરલાને સીમાડે છાંડે તે દી હું સમજીશ કે આલેક પથરો પડ્યો’તો.”

“લ્યો બાપુ, ત્યારે રામરામ !”

“બાપ, ઊભો રહે, બે વેણ ભણવાં છે.”

“બોલો.”

“આલગા, ખબર છે ને? વડ્યે વાદ, અને નાંભે નાતરું હોય, હોં કે ! તારો વડિયો જ ગોતજે, ઘેંસનાં હાંડલાં ફોડીશ મા.”

“પણ બાપુ, આપા લાખાને તે કે દીયે દીઠા નથી, એનું કેમ?”

“અરે, મારા પેટ ! લાખા ખાચરને ઓળખવા પડે ? દોઢસો ઘોડાંમાં સહુથી કાઠાળી, જાંબુડાવરણી ઘોડી; હેમની ખેાભળે ભલો, મોટું કળાય એવી હેમને કૂબે ઢાલ; હેમની મૂઠવાળી પ્યાલા જેવી તરવાર, અને માથે મેકર : ઈ આપા લાખાનાં એંધાણ.”

“બસ, બાપુ !” કહીને આલેકે ઘોડીની વાગ હાથમાંથી છોડી દીધી; ઘોડીના પડખામાં એડીનો ઘા કર્યો. ઉબરડાની સીમમાં આંબ્યો. લાખા ખાચરનાં દોઢસો ઘોડાંની કતાર ચીરીને આલેક સોંસરવો પડ્યો. આઘે ઉકો કાઠી, આપા લાખાનાં એંધાણ ધારણ કરીને ઊભેા હતો તેને ઝપાટામાં લીધો. ઉકાની કાળુડી ભાગી. ભાગતી કાળુડીએ આલેકની બરછી ઉકાને માથે પડી. ઉકાના રામ બોલી ગયા. બીજા કાઠી બીકના માર્યા તરી ગયા. લાખા ખાચર હેબતાઈ ગયા. ગીડાઓને તે ઉકાનું જ કાસળ કાઢવું હતું. લાખા ખાચરને લઈને એ ચાલ્યા ગયા. આલેક પોતાની ભેંસો વાળીને ઘેર આવ્યો.

મોરબીના દરબારગઢમાં જીવાજી ઠાકોર એક ચારણની સાથે ચોપાટે રમે “આવજે, આલેકડા સીસાણા !” એમ બોલીને ચારણ પાસા ફેંકે. ગોઠણભર થઈને જેમ ચારણ “આવજે, આલેકડા સીસાણા !” કહી ઘા કરે, તેમ તેમ એવા દાવ આવે કે ઉપરાઉપરી ઠાકોરની સોગઠીઓ હિબાતી જાય. સીંચાણો બાજ જેમ પંખી ઉપર ઝપટ કરે તેવી રીતે ચારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા લાગ્યા. ખિજાઈને ઠાકોર બેાલ્યા : “ગઢવા, એ તારો આલેકડો સીસાણો વળી કોણ છે ?”

ચારણ કહે : “દરબાર, ઈ સીસાણો તો સરલા ગામનો

આલેક કરપડો – રાણા કરપડાનો દીકરો.”

આલગ વાઘાં ઉપડ્યે, ઝાકયો કણરો ન જાય,
મેંગળ રે મૂઠીમાંય, રે’કીં ધખિયો રાણાઓત.

જે વખતે ઘોડા ઊપડે છે તે વખતે આલેક કોઈનો રોક્યો રોકાય નહિ. માતેલો હાથી કાંઈ મૂઠીમાં રહી શકે છે ?

”અરે. રંગ રે ગઢવા ! નાની એક ગામડીનો બાપડો કાઠી તારો સીસાણો !” ખડખડ હસીને ઠાકોર બોલ્યા.

“તો કરો પારખું. પણ ચેતી જાજો હો, બાપુ ! આલેકડો આખી ફોજમાંથી મોવડીને જ વીણી લે છે; બીજા ઉપર એનો ઘા નો’ય !”

ગઢવીએ આવીને સરલામાં આલેક કરપડાને ખબર દીધા કે જીવાજી ઠાકોર ત્રાટકશે. આલેકે જવાબ દીધો : “ભણે, ગઢવા ! ઠાકોરને કે’જે કે તમે આવશો ત્યારે પાણીનો કળશિયો ભરીને સરલાને પાદર હુંય ઊભો રહીશ; બીજું તો અમારું ગજું શું ?”

સેના લઈને મોરબીના ઠાકોરે સરલા ગામ ઉપર સવારી કરી. સાંજ ટાણે ગામની સીમમાં દાખલ થયા. બરાબર એ જ ટાણે એક વેલડું એ ફોજની આગળ સરલાને માર્ગે ચાલ્યું જતું હતું. ઠાકોરે પડકાર કર્યો : “કોણ છે, માફામાં ?”

વોળાવિયાએ કહ્યું : “સરલાવાળા આલેક કરપડાની મા છે.”

જીવાજી ઠાકોરને એટલી જ જરૂર હતી. મોરબીનો મેલીકાર બે ભાગમાં વહેચાઈ ગયો. વચ્ચે બરાબર વેલડું રાખ્યું. એમ આખી સવારી ચાલી આવે છે. રાણા કરપડાએ સરલાના કોઠા ઉપરથી નજર કરી, વેલડું ઓળખ્યું. એણે કહ્યું : “ઝટ આલગને બોલાવજો, બા !”
આલેકની આંખે ભરણું ભરેલું. મોં ધોઈને દુખતી આંખે એ આવ્યો. રાણાએ આંગળી ચીંધાડીને કહ્યું:

“બાપ આલગ ! આ જોયો ? તાળી માની જાન હાલી આવતી સે. ફુલેકો ચડ્યો સે. આવે ટાણે આલગા જેવો દીકરો ભારે રૂડો દેખાતો સે, હો ! આલગને જણ્યોય પરમાણ !”

આલેકને તો આટલા મહેણાનીય જરૂર નહોતી. એ હથિયાર લઈને ચડ્યો. ધાર ઉપર ચડીને જોયું તો સામે ઠાકોરની સેના ઊભેલી. મોરબીનાં પાંચસો ભાલાં સૂરજનાં છેલ્લાં કિરણોની સાથે દાંડિયારાસ રમતાં હતાં. એક ઘોડી સહુથી એક મૂઠ ચડિયાતી મોખરે ઊભી હતી. ઉપર બેઠેલ અસવારના હાથમાં સોનાની કુંડળે ભાલું હતું, માથા ઉપર કનેરીબંધ નવઘરું હતું.

“એ જ ઠાકોર !” એમ બોલીને આલેકે ઘોડીને છૂટી મૂકી દીધી : બંદૂકની ગોળી જેમ નિશાન ઉપર જાય તેમ એ ગયો. સામેથી સામટી બંદૂકોનો તાશેરો થયો. વીંધાતે શરીરે આલેકે એ મોવડી ઘોડેસવારને ઘોડી ભેટાડી દીધી. નવઘરાનો પહેરનારો આલેકને પહેલે જ ભાલે પડ્યો.

પણ એ નવઘરાવાળો અસવાર મોરબીનો ઠાકોર નહિ. ઠાકોરને કાને તો જ્યારથી ચારણનું વેણ પડ્યું હતું ત્યારથી એ ચેતી ગયેલા : આલેક આવ્યો તે પહેલાં જ પોતાનો પોશાક એણે એક ખવાસને પહેરાવીને પોતાની ઘોડી ઉપર બેસાડેલેા હતેા.

ખવાસ પડ્યો. ઠાકોરે આલેાકનું પારખું કરી લીધું. એને તો એટલું જ કામ હતું. ફોજ લઈને એણે મોરબીને માર્ગે ઘોડાં વહેતાં કર્યા.

અહીં આલેકને તો પાંત્રીસ ઘા થયેલા. સરલાના કાઠીઓએ આલેકને ઝોળીમાં નાખ્યો. ઝોળી ઉપાડતાં જ આલેકે આંખ ઉધાડી. “અરે ફટ, આલેક ઝોળીએ હોય. કદી ?” એમ કહી, પેટે ભેટ કસકસાવીને આલેક ઘોડેસવાર થઈને ઘેર આવ્યો. આવીને બાપુને પગે લાગ્યો : “બાપુ ! હવે રામરામ કરું ! બહુ વસમું લાગે છે. ઝટ જમીન લીંપો.”

બાપુ કહે : “અરે બેટા ! ઘરનો ડાયરો ઘેર નહિ; આપણાં સગાંવહાલાં નથી આવ્યાં અને આલગ જેવો દીકરો એમ મળ્યા વન્યા જાશે ?”

આલેક કહે : “ભલે, બાપુ!”

એની પીડા વધતી હતી, પણ એ ચૂંકારો કર્યા વિના પડ્યો રહ્યો; બાપુને કહે : “બાપુ, હવે તો કાળી આગ લાગી છે, હો !”

“તો આપણે કસૂંબો કાઢીએ.” એમ કહી કસૂંબો કાઢી બાપુએ આલેકને ત્રણ ઘોબા લેવરાવ્યા. કણબાવ્ય, ધોળિયું, અપાળિયું, વેળાવદર વગેરે આજુબાજુને ગામડેથી સગાંવહાલાં આવી પહોંચ્યાં. સહુને આલેકે રામરામ કરીને પૂછ્યું : “લ્યો બાપુ, હવે ભેટ છોડું ? છે રજા ?”

“અરે, મારા બાપ ! મહેમાનને વાળુ વન્યા આલેકડો રાખશે ? માણસો વાતું કરશે કે આલેકડે સહુને ભૂખ્યા- તરસ્યા મસાણ ઢસરડ્યા. મારો આલગો ગામતરુ કરે, ને પરોણા વાળુ વન્યા રહે ?”

“ઠીક, બાપુ !” કહી મરણને ખાળતો આલેક બેઠો રહ્યો. મહેમાનોએ વાળુ કર્યા, હોકા પીધા. આલેકે સહુની સાથે હસીને વાતો કરી; પછી પૂછ્યું : “હવે બાપુ? હવે તો મારે ને જમને વાદ થાય છે, હો !”

“અરે આલગા ! મારો આલગેા તે અધરાતે જાય ? ગા’ના ગાળા તેા છૂટવા દે, બાપ ! હવે વાર નથી.”

બાપ-દીકરો દાંત કાઢે છે. વાતો કરે છે, એમ કરતાં પ્રાગડ વાસી. ગાયો છૂટી. આલેક બોલ્યો : “બાપુ, હવે તો લાજ જાશે, હો ! મારા શ્વાસ તૂટે છે !”

“મારો બેટો ! કાઠિયાણીના દીકરો ડાયરાને કસુંબાની અંતરાય પાડે કોઈ દી? હમણાં ડાયરાને કસુંબા લેવરાવીને પછે છાશું પાઈ દઈએં. પછી સહુ હાલીએ, નીકર ડાયરો વગેાવશે કે આલગના મરણમાં દુઃખી થ્યા !”

કસૂંબો અને શિરામણ ઊકલી ગયાં. આલેક પૂછે છે : “બાપુ ! હવે ?”

“બસ, હવે ખુશીથી જા, મારા બાપ ! પણ બેટા આલગડાને કાંઈ પાલખી હોય ? એ તો હાલીને જ સુરાપુરીમાં જાય ને ! એ તો અસમેરનાં પગલાં ભરે.”

આલેક કહે : “બાપુ, તમે તો ગજબ આદર્યો !”

બાપુ બોલ્યા : “હોય, બાપ હોય; શૂરવીરને તો જીવ ત્યાં લગીયે ગજબ, ને મરે ત્યારેય ગજબ !”

આલેક ઊઠ્યો. એને હાથમાં ભાલો લેવરાવ્યો. ભેટમાં તરવાર આપી, પગમાં કોરી મોજડી પહેરાવી, કપાળે કેસરચંદનનું તિલક કર્યું , ગળામાં હાર નાખ્યો. ગાજતે ઢોલે ડાયરો હાલ્યો. આખા ડાયરાની મોઢા આગળ આલેક કરપડો હાલ્યો, સ્મશાને પહોંચ્યો. ચેહ ખડકાઈ. આલેક ચિતામાં બેઠો. સહુએ રામરામ કર્યા.

બાપુએ પૂછ્યું : “બેટા, કાંઈ કહેવું છે?”

“હા, બાપુ ! મારો કોલ છે કે, મારા વંશનો હશે તેને કોઈ દી ધીંગાણામાં ઉનત્ય (ઊલટી) નહિ આવે.”

એટલું બોલીને એણે ઉત્તર દિશાનું ઓશીકું કર્યું , ભેટ છેાડી નાખી, આત્મારામ ઊડી ગયેા. એનું વરદાન આજ સુધી પણ ફળતું આવે છે.

મોરબીના દરબારગઢમાં એ જ ઠાકોર એ જ ચારણની સાથે સોગઠે રમે છે. ગોઠણભર બનીને ચારણ પાસા ફગાવતો ફગાવતો બોલે છે : “આવજે, આલેકડા સીસાણા !”

ખિજાઈને ઠાકોર કહે છે : “તારો સીસાણો તો ગયો ઊંચો !”

”હા, ઠાકોર, હા ! આંહી તો તમે ખવાસનો વેશ પહેરીને એને છેતરી આવ્યા, પણ ત્યાં સ્વર્ગાપરમાં તમારા બાપુ કાંયાજી ભાગીને ક્યાં જશે ? ત્યાં આલેકડો તમારા બાપુને નહિ જંપવા દે. આજ રાતે જ હું આભમાં બોકાસાં સાંભળતો હતો.” એમ કહીને લલકાર્યું –

અલેકડો આકાશ, વાળો વઢવાડ્યું કરે,
કાઠી કાંયા પાસ, રાડય ન મેલે રાણાઓત.

હવે તો આલેક આકાશમાં તારા પિતા કાંયાજીની સાથે યુદ્ધ કરતો હશે. એ રાણાનો પુત્ર ત્યાં કાંયાજીની પાસે પોતાને વિરોધ નહિ મૂકે.

(દુહા)

મારે સીધો મોવડી, ઘમસાણે દ્યે ઘા
કરે ન કરપડા, આજુબાજુ આલગા

બવ મેણા થ્યા બાપના, જંગે જોધા જા
કુદ્યો કરપડા, આખર વારે આલગા

ભોંઠો દીઠે ભાણજી, ભાલા કેરા ભા
કેમે કરપડા, અજવાળે ગો આલગા

બિસ્ફોટે બંદૂકરી, બિંધે બખ્તરા
કેવે કરપડા, અરિ કને ગો આલગા

મેમાનુંને માનદ્યે, કાળ રોકેતે કાજ
જાંપે રહ્યો જમરાજ, આખી રાતું આલગા

કોણ રોકતા કાળને, મોડી કરતા મોત
જમરાજો પણ જોત, અચંભેથી આલગા

(રાહડો)

જોધો મોવડ માથે જઈ ત્રાટકે..જેસો ત્રાટકે મૂશક ઉપર બાજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

શૂરો સેનાપતી પર ત્રાપ દ્યે..જેસો ત્રાપે મ્રગપરે મ્રગરાજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

બરછીને ઘા ઉકાને બિંધ્યો..બરછી દીઠી આભમાં બિજરીં ગાજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

ખસતો કાયર જીવો ખવાસ થઈ..આપી ખસ્યો ઓળખ કેરો તાજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

પાત્રી ઘા કાય પરે થ્યા કરપડા..અણસુણો ઓયકાર કેરો અવાજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

ઘેરા ઘા ઘુમ્મટમાં રાખ્યા..મેમાનુને માન દેવાને કાજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

આખર ભડ ભેટુંને ખોલતો..શૂરે સજ્યા સરગાપરના સાજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

ધાર્મિક તારી પરે રંગ ઢોળતો..ઓછા પડતા દેવા કાજે આજ રે..
જમરાજને જાંપે..ઊભો રાખ્યો વાટેે આલેક તે

-કવિ ધાર્મિકભા ગઢવી
9712422105

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સૌરાષ્ટ્રની રસધાર માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!