Ψ આઇ શ્રી વરવડી (વરૂડી) માં Ψ

આઈશ્રી વરવડી નો જન્મ ચંખડાજી ગોખરૂ (નરા શાખની પેટાશાખા) ના ઘેર ખોડાસર (તા. ભચાઉ-કચ્છ) ગામમાં થયેલો. આ વાતની પ્રતિતી કરાવતો ખોડાસરના ઉતરાદી તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે, જ્યાં આઈનું પુજા સ્થાન આવેલું છે. તે આજે પણ મોજુદ છે. આજ ખોડાસર માં આઈના પિતાશ્રીએ બંધાવેલું ચંખડાસર નામનું તળાવ પણ આવેલું છે.

આઈના જન્મ વિશે એક બીજી વાત પણ પ્રસિદ્ધ છે કે તેઓ જન્મ વખતે જ પુરા બત્રીસ દાંતો સહીત જન્મેલ. એમના પર લખાયેલ એક છંદમાં લખાયું છે કે “દાંતા બત્રીશા સોત જાઇ, લીયા દાંત સુ લોહરા” “અચરજ દરશણ હુઓ અંબા, મિટયા વાદળ મોહરા” – અને દાંતો સહીત જન્મયા અને તેઓ શ્યામ હતા એટલે કે વરવા (કદરૂપા) હતા એટલે તેમનું નામ વરુડી-વરવડી પડ્યું પણ એ માન્યતા ખોટી લાગે છે. આઇ વિશે આવી ઘણી ખોટી માન્યતાઓ છે તે આપણે આગળ જોશું પણ અહી એમના નામ વિશે જોઈએ. “વળ” શબ્દ મારવાડી ભાષામાં ભોજન માટે વપરાય છે. જશવંત ભૂષણ’ ગ્રંથના કર્તા કવિરાજ મુરારિદાન આસીયા એ ગ્રંથમાં પોતાના પૂર્વજોનો પરિચય આપતા લખ્યું છે કે

મમ શાખા આસિયા ભયે પુરખા જુ ભીમ ભલ
દે ભોજન બહુ નરન બિરદ પાયો વળ હઠમલ

(મારી શાખા આસિયા માં મારા પૂવર્જ ભીમજી ને “વળહઠમલ” (હઠાત-આગ્રહપૂર્વક ભોજન કરાવવાવાળા) નું બિરુદ મળેલું !) અને આઇશ્રી વરવડી તો આતિથ્ય ધર્મનું પ્રતિક છે. પ્રેમથી અને આગ્રહ પૂર્વક ભોજન કરાવવાની તેમની ઘણી વાતો પ્રસિદ્ધ છે. એટલે દેખાવ બહુ સારાં ન હોવાને કારણ વરવામાંથી વરવડી એમ નહીં પણ મુળ નામ ‘વરવળ’ (ભોજનનું વરદાન આપનાર) અન્નપૂર્ણા જેનું પાછળથી વરવડી બની ગયું હોય એમ ચોક્કસ લાગે છે. અને આજે પણ કચ્છ સૌરાષ્ટ્ર-રાજસ્થાનમાં અતિથીનું સ્વાગત કરી પ્રેમપૂર્વક ભોજન દેનારી ગુણીયલ નારીને ‘આઈ વરવડી’ નો અવતાર કહી બિરદાવવામાં આવે છે.

આઇશ્રીના પિતા ચંખડોજી ગોખરું ને કચ્છમાં દુષ્કાળ પડવાથી પોતાના માલઢોરને બચાવવા માટે ખોડાસર છોડી બીજે જવાની ફરજ પડી. હાલારમાં ફુલઝર નદીને પશ્ચિમે આવેલા હાલના ધુળશિયા ગામ પાસે તેમને પાણી અને ઘાસચારાની સગવડ જણાતાં તેઓ ત્યાં જ નેશ નાખી રહેવા લાગ્યા. આજે પણ ત્યાં આઈ વરવડીનું સ્થાનક છે.

સૌરાષ્ટ્રમાં પણ ત્યારે ભયંકર દુકાળ પડેલો, ઘાસચારાની શોધ માટે જેનાથી પોતાના માલઢોર મૃત્યુના મુખમાં જતા બચી શકે તે માટે ત્યાંના માલધારીઓને પણ હિજરત કરવાની ફરજ પડી હતી. જુનાગઢના રાજા નવઘણે (૧લો) જેને ધર્મની બહેન માનેલી એવી જાહલ (આહીર) અને તેનો પતિ સતીયો પણ દુષ્કાળ ઉતરવા માટે સિંધમાં ગયેલા. ત્યારે સિંધમાં સુમરા રાજા હમીરનું શાસન હતું. તે ધર્માંધ અને કામી હતો.તેની નજર જાહલ પર પડતા તેને કેદ કરેલી. પોતાની ધર્મની માનેલ બહેનને સુમરા રાજાની કેદમાંથી છોડવવા અને માંડવા નીચે આપેલ ‘કાપડ કોર’ ના વચનની પૂર્તિ માટે નવધણ પોતાના લશ્કર સાથે સિંધ પર ચડાઈ કરવા રવાના થયો. અને તે જ્યારે ધુળશિયા ગામ પાસેથી નિકળ્યો કે જ્યાં ચંખડાજીનો નેશ આવેલ હતો ત્યારે ફુલઝર નદીમાં પાણીની સગવડ જોઇ. બપોરનો સમય હતો એટલે તેના લશ્કરના માણસોએ એ જગ્યાએ પડાવ નાખવાનો વિચાર કર્યો.

પોતાના ઘોડાને પાણીમાં ધમરોળી પોતે પણ પાણીમાં સ્નાન કરી છાંયડાની શોધ કરવા લાગ્યા કે જેથી ત્યાં આરામ પણ થઇ શકે અને ભોજન વગેરે પણ રાંધી શકાય. તેમને ત્યાંથી થોડે દૂર એક જંગી વડલો નજરે પડતાં રા’નવઘણ અને તેના થોડાક સૈનિકો તે જગ્યા જોવા તે તરફ રવાના થયા. આ વખતે એ વડલા નીચે (જ્યાં હાલે આઈ વરવડીનો થડો છે ત્યાં આઈ વરવડી જેમની ઉંમર તે વખતે છ-સાત વર્ષની હશે. પોતાના બહેન સહદેવ અને બીજા સહેલીયો સાથે માતાજી ના નૈવેધ (ખીર) બનાવવાની બાલ સહજ રમત રમતા હતા. પથ્થર નો ચુલો બનાવેલ. એક નાની કુલડીમાં દુધ-ચોખા નાખી તેને ચુલા પર ચડાવેલ. રમતા-રમતા તેમની નજર સામેથી આવતા રા’નવઘણ અને તેના સૈનીકો ઉપર પડી. આઈ અને સહેલીઓ આ અજાણ્યા માણસો કોણ છે તે જોવા માટે સામા ગયા.

નવધણ પણ ઉજળી મુખ ક્રાંતિ અને નિર્ભય રીતે પોતાના તરફ આવતી એ બાળા વરવડી અને તેની સખીઓને જોવા લાગ્યો. બાળાઓ જ્યારે નવધણ પાસે પહોંચી ત્યારે નવઘણે પૂછયું, “બહેનો તમે કોણ છો ?” એટલે આઈએ જવા આપ્યો કે ‘અમે ચારણ છીએ’ પણ તમે કોણ છો રાએ કહ્યું “હું જુનાગઢનો રા નવધણ છું અને હાથ જોડ્યા એટલે આઈએ તેના દુખણા લીધા.” પછી રાએ પછ્યુ કે “અહીં આપ શું કરી રહ્યા છો” આઈએ કહ્યું અમારો નેસ થોડો દૂર છે પણ અમારે બધી સખીઓને માતાજીના નૈવેધ કરવા છે એટલે માતાજીની ખીર રાંધીએ છીએ. આપને પણ માતાજીનો પ્રસાદ લેવાનું ભાગ્યમાં હશે એટલે યોગ્ય સમયે અહીં પહોંચ્યા છે. માતાજીને નૈવેધ ધરાવી દઈએ અને હમણાં જ રોટલા તૈયાર થઈ જાય એટલે આપ સૌ માતાજીનો પ્રસાદ લઈ જમી ને પછી અહીંથી જજો.

રા’એ હાથ જોડ્યા અને કહ્યું “આઈ અમે આટલા જણ જ નથી પણ મારી સાથે મારું લશ્કર પણ છે. અમે અહીં પડાવ નાખ્યો છે. અને ત્યાં ભોજન રાંધવા માટેની તૈયારી પણ કરી લીધી છે એટલે આઈ મને માફ કરો” આઈએ કહ્યું “ચારણો ના નેશ પરથી જમ્યા વગર જવાય જ નહીં. મારા ઓરડેથી કોઈ ભૂખ્યું જાય તો તો મારા ‘વરવળ’ ના બિરદ લાજે એટલે તમારા માણસોને બોલાવી લ્યો” નવધણ હજી વિચારે છે કે “આઈ પાસે આ કુલડી માં રાંધેલું ભોજન છે અને મારા આ મોટા લશ્કરને એનાથી કેમ જમાડી શકાશે ?” છતાં જે થાય તે ખરું એમ પોતાના લશ્કરના માણસોને બોલાવવા પોતાના સાથેના માણસને મોકલ્યો. આઈએ પોતાના બહેન સહદેવને વડ પર ચડી પાંદડા તોડવા કહ્યું. વડ પરથી પાંદડા પાડવા લાગ્યા અને કેહવાય છે કે પાંદડા જમીન પર પડતા કાંસાની ઉજળી થારીઓ માં ફેરવાઇ ગયા. રા’નવધણ આ દ્રશ્ય જોઇ રહ્યો હતો તેને પણ લાગ્યુ કે આ ચારણ બાળા સાક્ષાત જગદંબા છે.

અહિ પંગત પડી બધાની આગળ કાસાની તાંસળીઓ મુકવામા આવી અને આઇ નાની કુલડી (નાની મટુકી) આડો લોબડીનો છેડો ઢાંકી ખીર પીરસવા લાગ્યા. કેહવાય છે કે ખીર તે દિ અક્ષયપાત્ર બની ગઇ એટલે સર્વને સંબોધી ને કહ્યુ કે ખીર, રોટલી, ધી બધાની તાંસળીમાં છે છતા કોઇને બીજી કાઇ વસ્તુ જમવાની ઇરછા હોય તો તાંસળી પર કપડુ ઢાંકી આંખો બંધ કરી તે વસ્તુનું ચિંતન કરજો આપો આપ તે વસ્તુ આપના ભાણામાં આવી જાશે. બધાએ તે પ્રમાણે કર્યું અને તેમની થાળીમાં તેમની મનપસંદ ચીજ પિરસાઈ ગઈ પણ કહેવાય છે કે એક નાદાન માણસને એવું લાગ્યું “આમ આંખ બંધ કરી માંગવાથી કાંઇ મનપસંદ વસ્તુ મળી શકે. આમ કાંઈ પાણા મળે” કહેવાય છે તેની થાળીમાં પથ્થર પિરસાયા. આઇએ સર્વને ખુબ આગ્રહ કરી જમાળયા છતાં એ કુલડી અણખુટ રહી.

વડલા નીચે થોડીવાર આરામ કર્યા પછી વિદાયની તૈયારી થવા લાગી. નવધણ પોતાની પાઘડીનો છેડો અંતરવાસ નાખી (ગળે વિંટાળી) હાથ જોડી માથું નમાવી આઈ પાસે વિદાયની આજ્ઞા માંગતા કહ્યું કે “આઈ હું મારી બહેન જાહલને કેદમાંથી છોડાવવા માટે સિંધ તરફ જાઉં છું. આઈ આપ આશિષ આપો એટલે સુમરાઓ સામે મારો વિજય થાય.” આઈએ કહ્યું “ખમા મારા વીરને નવલાખ લોબડિયાળીયું તારી રક્ષા કરે. જા મારા આશિષ છે તારો વિજય થશે.” નવઘણે કહ્યું “આઈ મારા માર્ગમાં આવતો હાકડો સમુદ્ર તો આઈ આવડના પ્રતાપે સુકાઈ ગયો છે પણ ચોમાસાના પાણી હજી તેમાં ભર્યો છે એટલે મારે ફેરાવાળા માર્ગે જવું પડશે તેથી વિમાશણ થાય છે.” આઈએ કહ્યું “વીર ફેરાવાળા માર્ગ ન જતાં સિધે માર્ગ જજે. સમુદ્ર પાસે તારા ભાલા પર એક કાળી ચકલી આવીને બેસશે તેને તું આઇના આશિર્વાદ સમજજે અને બીક રાખ્યા વગર તારા ઘોડા પાણીમા નાખજે.જા તારા ઘોડાને પગે છબછબીયા અને તારા કટકના ઘોડાના પગમાં ખેપટ ઉડતી આવશે. આ મારા તને આશીર્વાદ છે.” આ પ્રસંગને અમર બનાવતી દુહો છે.

“કુલડી એ હેકણ કટક (તે) નોતરીયા નવલાખ
વડાં પુરણ વરવડી સુરજ શસીયર શાખ”

આઈ વરુડીએ આતિથ્ય સત્કારના તો વ્રત લીધા હતા. તેમના નેશ પાસેથી નિકળતા સર્વકોઈ ને ભોજન લીધા પછી જ જવાની રજા મળતી. હિંગલાજ પિરસવા જતા કાપડીઓ ના સંઘ ને જમાડવાની વાત પણ બહુ પ્રસિદ્ધ છે. એમની સદાવ્રત સત્કારની પ્રવૃતિ એમના મહાપ્રયાણ સુધી સતત ચાલુ રહી હતી.

આઇના લગ્ન ઝાલાવાડમાં ખોડ (તા. હળવદ) નામના ગામમાં થયા હતા. તેમના પતિનું નામ ચાંદણ ભુવા હતું (મારૂ શાખ). છંદની એક કડીમાં ‘ભુવા ઘરની નીજ નારી’ એમ કહેવાયું છે. જે આ વાતને સમર્થન પુરું પાડે છે. અહીં એક એવી માન્યતા છે કે ચાંદણભુવા દેથા હતા. જ્યારે રતુભાઇ રોહડીયાના (ગુજરાતના ચારણી સાહિત્યનો ઈતિહાસ) નામના પુસ્તકમાં ચાંદણભુવા સોદા હતા એમ નોંધવામાં આવ્યું છે (એ તે સૌને વિદીત જ છે કે સોદા અને દેથા એ મારું ચારણોની પેટા શાખ છે.) હવે આ વાત રાવળદેવ (ચારણોના વહીવંચા) ના વંશાવળી ના ચોપડામાં જોતા સત્ય નથી એમ સાબિત થાય છે. રાવળ દેવોના ચોપડે નોધાયેલ છે તે પ્રમાણે ચાંદણભુવાના પુત્રો (માતાનું નામ આઈ વરવડી) નાં સોદો અને સુરતાણ એમ લખાયેલ મળે છે. એટલેકે ચાંદણ ભૂવા પછી સોદા શાખ અસ્તિત્વમાં આવી. એટલે ચાંદણ ભૂવાને સોદા શાખના કહેવા એ ભૂલ લાગે છે. જ્યારે દેથા શાખતો સોદાની ત્રિજી પેઢીએ થયેલા દેથા નામના પુત્રથી શરૂ થઈ છે. રાવળદેવના ચોપડાના નોંધ પ્રમાણે ચાંદણ ભુવાનો સોદો, સોદાનો સતીઓ અને સતીઆનો દેથો. તેથી ચાંદણ ભુવાને દેથા શાખના કહી દેવા એ વાત સત્યથી વેગળી જણાય છે. વિદ્રાનો અને આ વિષયના જાણકારો થોડું આ બાબતે સંશોધન કરી યોગ્ય વાત બહાર લાવે ત્યારે જ આ દુવિધા દૂર થઈ શકે. કે આમાં સત્ય શું છે?

આઇશ્રી વરવડીના આશીર્વાદથી ચિતોડનો રાણો હમીર ચિતોડનું રાજ્ય પાછું મેળવી શકેલો અને આઇના આશીર્વાદથી તેને થયેલો કોઢનું દર્દ મટી ગયું હતું એ પ્રસંગ વિશે પણ જાણવું જરૂરી છે.

મેવાડના મહારાણા લક્ષ્મણસિંહ પર અલ્લાઉદીન ખિલજીએ ચડાઇ કરેલી. સતિ પદ્મીની ના જોહરથી આ લડાઈ ઇતિહાસ પ્રસિદ્ધ છે. લક્ષ્મણ સિંહના ૧૨ પુત્રો પૈકી ૧૧ પુત્રો આ લડાઈમાં કામ આવ્યા. અને તેમની સાથે બીજા ૧૪૦૦૦ રાજપૂતો પણ કેશરિયા કરી આ યુદ્ધમાં વિરગતિ પામ્યા. તેને કારણે રાણી પદ્મીની સહિત ૧૪૦૦૦ રાજપુતાણીઓ ચિતોડના કિલ્લામાં જોહર (જીવતા અગ્નિ પ્રવેશ) કરી પોતાના પ્રાણ સમર્પિત કર્યા. લક્ષ્મણસિંહે પોતે કેસરીયા કરી યુદ્ધમાં પોતાની આહુતિ દેતા પહેલાં પોતાના વંશવેલાની રક્ષણ માટે પોતાના એકમાત્ર બચેલ પુત્ર અજયસિંહ સાથે પોતાના પૌત્ર હમીરસિંહ (પાટવી પુત્ર અરિસિંહના પુત્ર) ને બચાવવા એમને ગુપ્તવેશે અરવલ્લીના પહાડોમાં મોકલી દિધેલા. ગુપ્તવેશે સીસોદા ગામમાં રહેતા હમીરજી થોડા મોટા થયા ત્યારે તેમના કાકા અજીતસિંહ પણ સ્વર્ગવાસી થઈ ગયા.આવા નિરાશા ભર્યા વાતાવરણમાં હમીરજી અનેક વિડંબણામાં ઘેરાઈ ગયા. પોતાનું ગયેલું રાજ પાછું મેળવાય એવું કોઇ આશાનું કિરણ તેમને દેખાતું નહતું. તેમાં તેમને કોઢ નું દર્દ થયું એટલે તેઓ જીવનથી એકદમ હતાશ થઈ ગયા. આ બધી વિડંબણામાંથી તેમને ફક્ત મોત જ છોડાવી શકે એવી એમની ધારણા દ્રઢ થતી ગઈ અને તેમણે દ્વારકાધીશની યાત્રા કરી ભગવાન ના દર્શન કરી ત્યાં જ દેહ પાડી નાખવાનું મનોમન નક્કી કરી પોતાના થોડા સાથીદારો સાથે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું.

આઈ વરવડી તો એ સમયે પોતાની દેહલીલા જીવન કાર્ય પૂરું કરી મહા પ્રયાણ કરી ચુક્યા હતા. પણ રાણા હમીરે સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ આખે રસ્તે આઈ વરવડીની દેવી શક્તિના ગુણગાન સાંભળ્યા હતા એટલે તેણે ખોડ ગામ જઈ આઈના મઢમાં દર્શન કરવાની ઈચ્છા થઈ.

સાંજ સમયે ખોડ પહોંચ્યા પછી આઈના મઢ પાસે જ ઉતારે સાંજના ધુપ-દિપના સમયે આઈના થડા પાસે જઈ સાષ્ટાંગ દંડવત કરતા : પ્રાર્થના કરવા લાગ્યા. “ત્રાહિમામ શરણાય ભગવતિ” “ત્રાહિમામ શરણાય ભગવતિ” આઈ હું ચિતોડનો મહારાણો આજે તારે શરણે આવ્યો છું. ભગવતી મારો આધાર થા. આઈ હું મારા આખા કુટુંબને અને મારા રાજ્યને ખોઈ બેઠો છું પાછો દર્દથી પણ પિડાઉં છું. આ સંકટમાંથી મને છોડાવી શકે એવી તું જ એક સમરથ છે તો હે આઈ મારે ભેરે આવો” આવા આર્તનાદે હમીરજી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં તો આઈ જાણે તેમની પ્રાર્થના સ્વીકારી લીધી હોય એમ મઢમાંથી અવાજ આવ્યો. “ધીરજ ધર, તારું ચિતોડ જ નહીં તારા રાજ્યની સર્વભૂમિ તારે ઘરે આવશે.” આઈના આશીર્વાદ પ્રાપ્ત થયા તેથી હમીરજી બહુ ખુશ થયા અને તેમનામાં હિંમતનો સંચાર થયો. તે જ રાત્રે સ્વપન માં આવી ફરી માતાજીએ જણાવ્યું કે “થડા પાસેના હવનકુંડની વિભુતી તું લગાવજે અને જગદંબાનું સ્મરણ કરજે. તારો રોગ મટી જશે. તંદુરસ્ત થયા પછી તું સૈન્યની જમાવટ કરવામાં લાગી જજે. મારા વંશ ના બારુ સૌદા(પુત્ર નહીં આઈના વશમાં થયેલ મહા પુરૂષ) ને પણ હું પ્રેરણા કરું છું તે તને નાણા, ઘોડા અને હથીયાર પુરા પાડશે. આઇના આશીર્વાદ છે કે તારું ચિતોડ તારા ઘરે પાછું આવશે” આઈના વંશના બારૂજી સૌદા પણ તે સમયે ખોડમાં જ રહેતા હતા તેમને પણ આઈએ સ્વપ્નમાં આજ્ઞા આપી હમિરજીને મદદ કરવા કહ્યું. અહીં જ બારૂજી અને હમીરજી ની મૂલાકાત થઈ અને બારૂજી એ આઇની આજ્ઞા પ્રમાણે ધન, ઘોડા, હથીયાર એમ સર્વ પ્રકારે હમીરજીને મદદ કરવાની ખાત્રી આપી.

તે પછીની વાત જાણીતી છે. હમીરજી એ બારૂજી તરફથી મળેલ ૫૦૦ ઘોડા, હથીયાર અને ધન” મદદથી એક સેના જમાવી અને ધીમે ધીમે મુલ્ક કબજે કરવા લાગ્યા. ચિતોડમાં તે વખતે દિલ્હી સલ્તનત ના પ્રતિનીધી તરીકે જાલોરનો માલદેવ ચૌહાણ વહિવટ કરતો હતો. અને તેણે ચિતોડના વહીવટમાં મદદરૂપ થવા એક કુશળ વણીક કારભારી રાખ્યો હતો. જેથી તે પોતે પોતાના રાજ્ય જાલોરમાં વિશેષ ધ્યાન આપી શકે.હમીરજી ધીમે ધીમે પોતાની સૈન્ય શક્તિ વધારતા ગયા. ચિતોડ સિવાયના મેવાડના મોટા ભાગ પર ધીરે ધીરે કબજો લઈ રાણા હમીરે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. તે દરમ્યાન નાની નાની લડાઈઓ ચાલુ જ હતી તેથી ચિતોડના વહીવટદાર માલદેવની મુશીબતો માં વધારો થવા લાગ્યો. તે ખૂબ મુંઝાઈ ગયો. તેવામાં એક કટુનીતિ ભરી પહેલ કરી રાણા હમિરે માલદેવની કન્યાના હાથનું માગું કર્યું. રાણા કુટુંબ સાથે સબંધ બંધાય તો એ બહુ ગૌરવની વાત કહેવાય વળી આ કારણે હમીરજી પણ શાંતી પકડશે એવી ધારણાથી માલદેવે આ માંગણી સ્વીકારી લીધી. અને આમ મહારાણા હમીરના માલદેવની કન્યા સાથે લગ્ન થયા. અને લગ્ન વખતે હમીરે ચિતોડનો વહીવટ કરતો કુશળ વણિક કામદાર માંગી લીધો. અને એ વણીક ની મદદથી અને પોતાની સૈન્ય શક્તિના બળે તેણે ચિતોડનો કબજો મેળવ્યો.

ચિતોડના કબજા પછી રાણા હમીરે બારૂજી સોદાને ચિતોડ બોલાવી લીધા. તેમનું ભવ્ય સ્વાગત કરી તેમને આંતરી નામના ગામ સહિત બાર ગામની જાગિર આપી, અને આઈ વરવડીની સ્મૃતિમાં ચિતોડના કિલ્લામાં એક ભવ્ય મંદિર બંધાવ્યું અને આઈની પ્રતિમાની બહુ ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી. ચિતોડના કિલ્લામાં આ મંદિર અન્નપુર્ણાના મંદિર તરીકે પ્રસિદ્ધ છે.

એકાદ વિદ્રાને આઈ વરવડી નામ વાળા બે આઈઓ ચારણોમાં થઈ ગયા એવું માને છે. પણ તે વાતને બહુ સમર્થન મળતું નથી. આ ધારણા એટલા માટે બની છે કે આઇશ્રી વરવડી એ નવધણ (ઈ.સ. ૧૦૭૬ થી ઈ.સ. ૧૧૦૦) અને મહારાણા હમીર (ચિતોડ) (ઇ.સ. ૧૩૬૩ થી ઇ.સ.૧૪૨૧)ને સહાય કરેલી આ બંને વચ્ચેનો સમયગાળો લગભગ ૨૫૦ વર્ષ જેવો થઈ જાય છે. આટલું લાંબુ આયુષ્ય આઈશ્રી વરવડી એ ભોગવ્યું હોય એવી સંભાવના બહુ ઓછી છે એટલે વિદ્વાનોએ રા નવઘણ ના સમયે વરવડી-૧લા અને રાણા હમીરને સમયે વરવડી ર-જાની ધારણા કરી છે. પણ એક જ શાખમાં એક જ ગામે જેના પિતાનું નામ પણ એક હોય. સાસરાનું ગામ પણ એક હોય, અને આઈનું નામ પણ એક હોય. આટલી બધી સામ્યતા વાળી બે વ્યક્તિઓનો જન્મ થયો હોય એ વાત અશકય ન હોય તો પણ તેની સંભાવના નહીંવત જ હોઈ શકે.

આઈનો સમય નિશ્ચિતપણે વિ.સ. ૧૧૦૦ ની આસપાસનો જ છે. અને મહા પ્રયાણ પછી પણ યોગ્ય માણસ આઈની દેવી કૃપાની પ્રસાદી પ્રાપ્ત કરી શકે છે એટલે આઈએ રાણા હમીરને પોતાના મહા પ્રયાણ પછી કૃપા પાત્ર સમજ્યો હોય એમ લાગે છે. અને આ શક્તિઓ મહા પ્રયાણ પછી ૨૦૦ વર્ષ સુધી જ શા માટે આજ સુધી પોતાની દેવીકૃપા ના પરચા આપતી જ રહી છે.

પોતાના મહા પ્રયાણ પછી એક છંદમાં શબ્દબધ્ધ આ આશીર્વાદ રાણા હમીરને આપ્યા હોય તો તેમાં કંઈ બહુ આશ્ચર્ય ની વાત નથી. “ઐળા ચિતોડ ઘર આસી, હું થારા દોખિયા હરુ.” (રાણા હું તારા વેરીઓને વિદારીશ અને ચિતોડ સાથે સર્વ ભૂમિ તારે ઘેર આવશે)

રાવળદેવના ચોપડાને આધાર માનવામાં આવે તો નીચેની બાબતો પણ જાણી લેવી જરૂરી છે.

આઇના સમયનું નિર્ધારણ કરવા એક મહત્વનો પુરાવો વંશાવળીના ચોપડા પુરી પાડે છે. એ ચોપડા પ્રમાણે આઈ વરવડી અને તેમના પતિદેવ ચાંદણભુવા ના પુત્ર સુરતાણ (જેના પુત્રો પાછળથી સુરતાણીઆ કહેવાય) ના લગ્ન સિધ્ધરાજ જયસિંહના રાજકવિ મિસણઆણંદ કરમાણંદના પુત્રી માનબાઈ સાથે થયેલ. સિધ્ધરાજ જયસિંહનો સમયકાળ વિ.સ. ૧૧૫૦ થી વિ.સ. ૧૧૯૯ સુધીનો છે એટલે એ જ સમયકાળ મિસણ આણંદ કરમાણંદ નો માની શકાય. આમ આઈ વરવડીનો સમય વિ.સ. ૧૧૦૦ ની આસપાસનો છે તેને સમર્થન મળે છે.

બીજીવાત બારૂજી સોદાની અટક વિશે કે તેઓ મોટા વ્યાપારી હતા અને ઘોડાના બહુ મોટા સોદાગર હતા એટલે એ કારણે તેમની અટક ‘સોદા બની ગઈ સામાન્ય રીતે ચારણોની અટક તેમના ધંધા ઉપરથી પડતી નથી આ પ્રથા પારસીઓમાં પ્રચલિત છે. ચારણોની શાખાઓ પિતૃઓના નામથી અથવા પ્રદેશભેદ ના કારણે પડી છે. રાવળદેવોના વેશાવળી ના ચોપડે આ પ્રમાણે નોંધ છે.

ચાંદણભુવાના-સોદા-સુરતાણ-સીલગો-કિનીયા હાહણીઓ જે નરાના ભાણેજ વરવડીના જન્મેલચંખડા ગોખરુના સદોતર.

એટલે સોદા શાખ પિતૃઓના નામ પરથી જ પડી હોય એવું લાગે છે.

રાવળદેવોના ચોપડે સોદા શાખમાં એક બારૂ નામની વ્યક્તિ મુળ પુરૂષ સોદા પછીની સાતમી પેઢીએ થઈ ગયા એવું નોંધાયેલ છે. રાણા હમીરને આઇશ્રી વરવડીની પ્રેરણાથી મદદ કરનાર બારૂ સોદા આ વ્યક્તિ પણ હોઈ શકે. કારણ કે સાત પેઢી એટલે ૧૫૦ થી ૨૦૦ વર્ષનો ગાળો લેખાય એટલેબારુ સોદા રાણા હમીરના સમકાલીન ગણી શકાય.

આ બાબતે વિદ્વાનો થોડું સંશોધન કરી વધુ પ્રકાશ નાખશે તો ખુબ યોગ્ય ગણાશે.

અંતમાં કવિશ્રી કાનાભાઈએ રચેલ આઈ વરવડીના છંદના અંતિમ બે કડી દ્વારા આઇને વંદના કરી લઈએ.

“ચખંડા સધુ કાનો ચવે જેરા યશ સારા જમી
વરવળ દે પાત્રા વલા સુરજ ઉગતાં સમી”

સંદર્ભઃ-

  • (૧) ગુજરાતના ચારણી સાહિત્યના ઇતિહાસ – લે. રતુદાન રોહડીયા
  • (૨) સૌરાષ્ટ્રની રસધાર – લે. ઝવેરચંદ મેઘાણી
  • (૩) માતૃદર્શન – લે. શ્રી પિંગલસિંહજી પાયક
  • (૪) ચારણ શાખાની વંશાવલીનો ચોપડો – રાવળ રામજી હમિરજી –મોરઝર (રાવળશ્રી રામજી દેવે પોતાના ચોપડામાંથી ઉપયોગી માહિતી પુરી પાડી તે બદલ તેમનો વિશેષ આભાર માનું છું.)
  • (૫) જશવંત ભુષણ – લે. કવિરાજા મુરારિદાન આસિયા

કચ્છમાં આઇ વરુડીના ખોડાસર સિવાય અન્ય સ્થાનકોમાં બેલાગામ તા.રાપર જી.કચ્છ ભુજ તથા જોગણીનારને પણ આઇ વરૂડીનુ સ્થાન ગણવામા આવે છે. સોરાષ્ટ્રમાં ગામ ધુળશીયા તા.કાલાવડ જીલ્લો. જામનગરમાં આઇ વરુડીનું સ્થાન છે ત્યાં વરુડી સાથે અન્ય બે માતાજી ચરુડી અને જટુકલી પણ પુજાય છે.

સંકલન અને આલેખનઃ
મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર

પ્રેષિતઃ મયુર. સિધ્ધપુરા-જામનગર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!