ભગવતી આઈ શ્રી જીવામાં – લખીયાવીરા

માતૃપૂજાની શરૂઆત તો સૃષ્ટિના આરંભ સાથે જ થઈ હશે. ભારતમાં તો આદિકાળથી જ માતૃપૂજા થતી આવી છે.

ઋગ્વદમાં પણ જગદંબાને સર્વદેવોના અધિષ્ઠાત્રી આધાર સ્વરૂપ, સર્વને ધારણ કરનારા સચ્ચિદાનંદમયી શક્તિ સ્વરૂપે વર્ણવ્યા છે.

ચારણ આઈઓની ઉજળી ગૌરવશાળી અને ભવ્ય પરંપરા રહી છે. ચારણ તો મુળથી જ જગદંબાનો ઉપાસક રહ્યો છે. તેથી જ ચારણ દેવીપુત્ર લેખાય છે. દેવી ઉપાસનાને કારણે જ ચારણોમાં નારીને ભાગ્યા નહીં પુજનીય ગણવામાં આવે છે. સ્ત્રી સન્માનને કારણે જ ચારણ પુત્રીઓ તપ – સાધના – આરાધના કરી આઈનું જગદંબાનું પદ પામી પુરાવા લાગી. ચારણોનું આ નારીતત્ત્વ સંયમ, શીલ, સદાચાર, માનવપ્રેમ, વિઘાર્થન, નિયમ અને તપને કારણે પ્રાપ્ત થયેલી આત્મશક્તિને આભારી છે અને એટલે જ કદાચ આવી ચારણપુત્રીઓ પરમ શક્તિની વાહક બની છે. તેમની આત્મશક્તિ એવી હતી કે તેઓ જે વચન બોલી જાય તેને સાચા પાડવા પ્રકૃતિને પણ તેનો નિયમ બદલવો પડે. એટલે જ મેઘાણીજી નોંધે છે કે “આવું નારીતત્ત્વ જગતના ઈતિહાસના અન્ય કોઈ વિર સ્તુતીકાર સંસ્થા સાથે જોડાયેલું જડતું નથી.”

અન્યાય રાજસતા કે રાજા અન્યાય કરે તો તેની સામે પણ લડી લેવાની ચારણી ખુમારીનું પ્રતિક સમી કથા આઈશ્રી જીવામાંની છે.

આઈશ્રી જીવામાં નું પ્રાગટય વાગડના રાપર તાલુકાના જાટાવાડા ગામના મહિયા શાખાના ચારણ દિતાજીને ઘેર થયો હતો. આઈશ્રીના માતુશ્રીનું નામ રૂપાબાઈ હતું. જેઓ કરસનભાઈ પેથાભાઈ મેહડુના પુત્રી હતા. આઈશ્રી જીવાંમાનો સમયકાળ વિ.સ. ૧૬૪૦થી વિ.સ. ૧૭૧૧ સુધીનો છે. વિ.સ. ૧૨૦૩ માં સિંધના નગર સમેથી જામ લાખો જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે તેઓએ પ્રથમ રા”પુંઅરા ના પથ્થરગઢ (હાલનું પુંઅરાગઢ) પાસે મેલાણ કર્યું પણ તે જગ્યા તેમને શ્રાપિત જણાતાં તેઓએ છ એક મહિના પછી હાલના લાખિયારવીરા છે એ જગ્યાએ આવ્યા. ત્યાં તે વખતે રબારી લોકોની વાંઢો હતી અને તેમને જત લોકોનો ત્રાસ હતો. આ રબારીઓએ જતોના ત્રાસથી રક્ષણ મેળવવા લાખાને પોતાના સરદાર તરીકે સ્થાપ્યો. લાખાએ ત્યાં એક ગામ વસાવ્યું. પાણી માટે એક વિરડો ખોદાવ્યો તેના ભાઈ લાખીયારને પુત્ર ન હોવાથી તેની સ્મૃતિને કાયમ રાખવા આ ગામનું નામ લાખીયારના નામ પરથી લાખીયારવિરા પાડયું.

આ બાબતની સાક્ષી પુરતો એક પ્રાચીન દુહોઃ

છ મેણા પદઘરગઢ લાખે રાજ કે ઓ
પોય વસાયોં વિયરો તિત નેઢુ થઈ રયો.

લાખીયારવિરાને રાજધાની બનાવી લાખો ધીમે ધીમે પોતાની સત્તા કચ્છમાં ફેલાવતો ગયો અને ઘણા લાંબા સમય સુધી લાખીયારવિરા કચ્છની રાજધાની – પાટનગર તરીકેનું નામ દરજ્જો ભોગવતું રહ્યું.

આ લાખીયારવિરા ગામ વિ.સ. ૧૬૬૨ માં કચ્છના રાવ ભારમલજી (પ્રથમ) એ શામળ જગાજી (જેતમાલજી) લાખાણીને દાનમાં આપ્યું. ત્યારથી ત્યાં શામળ શાખા(રોહડીયાની પેટાશાખા) ના ચારણો વસવાટ કરે છે.

આઈશ્રી જીવાંમાના લગ્ન આ લાખીયારવિરાના ઉપર જણાવેલ જગાજી લાખાજીના પુત્ર લાલોજી શામળ સાથે થયા હતા. લાલોજી શામળના આ બીજા લગ્ન હતા અને તે લગ્ન દ્વારા તેમને એક દિપાંબાઈ નામે પુત્રીરત્ન પ્રાપ્ત થયા હતા.

લાલોજી શામળના પ્રથમ લગ્ન મોરઝરના સુરતાણીયા ઠાકરશી ગોવિંદજીના પુત્રી હિમાબાઈ સાથે થયા હતા. એ લગ્નથી એમને (૧) જશરાજ (૨) માનોજી (૩) પરબતજી નામે ત્રણ પુત્રો તેમજ ભોજબાઈ, રતનબાઈ, તેમજ લાડુબાઈ નામે ત્રણ પુત્રીઓ થયેલ.

શામળ ચારણો કચ્છ રાજના દશોંદી હતા અને રાવને ચારણોના સંબંધો ખુબ જ સારા હતા પણ કચ્છના મહારાવ ખેંગારજી (બીજા)એ મારવાડથી આવેલ એક ચારણ ગોપાલ ગઢવીને પોતાના રાજકવિ બનાવ્યા અને સમય જતાં આ ગોપાલ ગઢવી રાજના ખુબ માનીતા અને ખાસ માણસ બની ગયા. આ ગોપાલ ગઢવીએ પોતાની પુત્રીના સંબંઘ (સગપણ) માટે લાખીયારવિરાના ગઢવીઓ પાસે માંગું (પ્રસ્તાવ) નાખ્યું પણ તેનો લાખિયારવિરાના ચારણોએ ના પાડી દેતાં તેમના સંબંધોમાં કડવાસ આવી અને તેઓ એકબીજાને પોતાના દુશ્મન ગણવા લાગ્યા.

મારવાડથી આવેલ આ ગોપાલ ગઢવીએ રા’ના કાન ભંભેરી લાખીયારવીરાના ગઢવીઓને રાજ તરફથી મળતી દશોંદ-ભેટ સોગાદો બંધ કરાવી અને આમ લાખીયારવિરાના ચારણો ને તેમના વચ્ચે અણબનાવ વધવા લાગ્યો. વળી તે દરમ્યાન લાલાજીના પ્રથમ લગ્નથી થયેલ પુત્ર જશરાજજીનું ખૂન થયું. લાખીયારવિરાના ગઢવીઓને લાગ્યું કે આ ખુન પાછળ ગોપાલ ગઢવીનો હાથ છે. આમ વેર વધુ પ્રજ્જવલિત થયો.

આઈશ્રી જીવાંમાના પતિશ્રી લાલોજી શામળ સ્વર્ગવાસી થયા. પુત્ર જશરાજનું અકાળ મૃત્યુનો બનાવ બન્યો. એટલે આઈમાનું મન સંસારમાંથી બિલકુલ ઉઠી ગયું અને તેઓશ્રી લાખીયારવિરા છોડી પોતાના પુત્રી દિપાંબાઈ સાથે બાજુમાં આવેલ જીંદાય ગામે રહેવા ચાલ્યા ગયા અને ત્યાં જ ભક્તિમય જીવન ગાળવા લાગ્યા. આવા ભક્તિમય સાત્વીક અને પવિત્ર વાતાવરણનો પ્રભાવ દિપાંબાઈ પર પણ પડયો. તેમણે પણ સંસારની (લગ્નસંબંધમાં) માયામાં પડવાની ના પાડી. સંસારના સુખોથી અળગા થઈ અખંડ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરી જગદંબા ભક્તિમાં પોતાની શક્તિ કેન્દ્રીત કરી.

વિ.સં. ૧૭૧૧ ની ચૈત્રની નવરાત્રી સમયે રાખેંગાર રાજ્યના કોઈ કામ સંબંધો પોતાના રસાલા સાથે માતાના મઢ ગયેલા તેમના રસાલામાં તેમના રાજકવિ ગોપાલ ગઢવી પણ હતા. ત્યાં રાત્રી રોકાણ દરમ્યાન રાજકવિ અને રા’ના માનીતા એવા ગોપાલ ગઢવીનું ખુન થઈ ગયું (એક માન્યતા પ્રમાણે આ બનાવ માતાના મઢ જતા રા’એ નખત્રાણા રાત્રી પડાવ કરેલો ત્યાં બન્યો હતો પણ તથ્યોની ચકાસણી કરતાં લાગે છે કે આ બનાવ માતાના મઢમાં જ બન્યો છે અને ચૈત્ર સુદ-૮ ની આસપાસ બન્યો છે). રા’ની હાજરીમાં રા’ના માનીતા રાજકવિનું ખૂન થઈ જાય એમાં રા’ ને પોતાની અવમાનના થતી લાગી અને તે ખુબ ક્રોધે ભરાયા. ગોપાલ ગઢવી અને લાખીયારવિરાના ગઢવીઓ વચ્ચેના અણબનાવની વાતો સૌને જાણ હતી. તેમાં ખાટસવાદીયાઓએ રા’ની કાન ભંભેરણી કરી અને રાત્રે નક્કી જ થઈ ગયું કે આ ખુન લાખીયારવિરાના ગઢવીઓએ જ કર્યું છે. એટલે રા’એ ત્યાં જ લાખીયારવિરાને તોપોથી ઉડાવી દેવાની અને લાખીયારવિરાના એક પણ જણને જીવતો ન છોડવાની પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા પુરી ન થાય ત્યાં સુધી ભુજનું પાણી અગ્રાજ કરવાની ઘોષણા કરી.

રાજધાની ભુજ સંદેશો મોકલાવી લશ્કરને લાખીયારવિરાને ઘેરો ઘાલવાનો હુકમ થયો અને રા’ પણ તરત જ લાખીયારવિરા તરફ રવાના થયા.

રા’ની પ્રતિજ્ઞાની વાત ચારે તરફ ફેલાઈ ગઈ. ડાહ્યા સમજદાર માણસોએ રસ્તામાં જ પ્રતિજ્ઞા પડતી મુકવા રા’ને સમજાવ્યો પણ તેમાં તેમને સફળતા મળી નહીં. મઢથી લાખીયાવિરા જતા રસ્તામાં નેત્રા ગામના એક કાપડી સંતે પણ રા’ને આ પ્રતિજ્ઞામાંથી પાછા વળવા ખુબ સમજાવ્યા અને અંતમાં તેલીયો ડગલો પહેરી પોતાના દેહનું બલિદાન આપ્યું છતાં રા’ આ સંતના બલિદાનની વાતની ઉપેક્ષા કરી પોતાની પ્રતિજ્ઞા પર કાયમ રહ્યો.

રા’ના લાખીયારવિરા પહોંચ્યા પછી પણ સમજદાર માણસોએ જેમાં થાન (ધિણોઘર) જાગીરના પીરશ્રીઓ, મોરઝરના ચારણ આગેવાનો ચાવડકા-અરલના મોકરશી જાડેજા ભાયાતોએ રા’ને ત્રણ ચાર દિવસ સુધી હઠ છોડી દેવા સમજાવ્યો પણ રા” માન્યો નહીં.

અંતે લાખીયારવિરાના ગઢવીઓને લાગ્યું કે હવે આ સંકટમાંથી ફક્ત આઈ જ બચાવી શકે એટલે તેઓ આઈ શ્રી જીવાંમા પાસે જીંદાય જઈ આઈના ચરણોમાં પડી આ સંકટમાંથી છોડાવવા વિનંતી કરી.

આઈશ્રી જાણે પુત્રોની કસોટી કરતા હોય તેમ કહ્યું કે મને સાંસારિક બાબતોમાં વચ્ચે આવવાની ઈચ્છા થતી નથી. આ બધી ઉપાધિઓથી દુર રહેવા તો હું અળગી બેઠી છું. જવાબ સાંભળી ચારણો નિરાશ થયા પણ આઈને ફરી વિનંતી કરી પોતાના દોષોની ક્ષમા માંગી સહાય કરવા આજીજી કરી. આ સાંભળી આઈશ્રીના પુત્રી દિપાંબાઈનું હૃદય દ્રવી ઉઠયું. તેમણે કહ્યું કે આઈ મારા બાપનાં વંશ નાશ થાય એવી સ્થિતિ સરજાણી છે, કેટલાય નિર્દોષ લોકો મરાશે, ચારણોની માન મર્યાદા લોપાશે અને તે બધું આપ મોજુદ છો છતાં થશે, અને આઈ તો પછી સૂર્ય પશ્ચિમમાં ઉગશે, મેરામણ માજા મુકી દેશે, માટે હું આપને વિનંતી કરું છું કે આપ આપનું બિરુદ સંભાળી તમારા પુત્રોને ઘર્મસંકટમાંથી છોડાવવા રા’ને સમજાવવા પઘારો હું પણ આપની સાથે આવીશ. આ સાંભળી આઈના હૃદયે કરૂણાનો સાગર હીલોળા લેવા લાગ્યો, શરણાગતની રક્ષા કરવા, નિર્દોષોનો જીવ બચાવવા અને એ રીતે પોતાની ભક્તિ સાર્થક કરવા આઈ આ કામ માટે લાખીયારવિરા જવા તૈયાર થયા.

આઈશ્રી લાખીયારવિરા પહોંચી આદુર આકરી અને રાજધર્મ વિરુધ્ધની પ્રતિજ્ઞા છોડવા રા’ને ઘણો સમજાવ્યો. આઈએ કહ્યું કે લાખીયારવિરાના ગઢવીઓએ અમે ખુન નથી કર્યું એમ કહે છે છતાં તપાસ કરતાં તેમની સંડોવણી સાબિત થાય તો તેમને સજા કરી શકાય પણ આખા ગામને ગુનેગાર ઠેરવી નિર્દોષોને સજા કરવી કોઈ કાળે યોગ્ય નથી. રાજપુત જો ચારણો પર અત્યાચાર કરે તો એ પાપની પરાકાષ્ઠા છે માટે રા’ આ નિર્ણય પર ફેર વિચારણા કરે. પણ સત્તાના મદમાં અંધ રા’આઈની વાત માન્યો નહીં.

આઈશ્રી ઘેર પાછા પધાર્યા. બઘાને બોલાવી કહ્યું કે રા’ સત્તાના ઘમંડમાં વાત માનવા તૈયાર નથી પણ આપણે રાજાનો અન્યાય મુંગા મોઢે સહન ન કરી શકીએ એટલે રા’ના જુલ્મનો જવાબ આપવા મેં મારું જીવન સમર્પણ કરી દેવાનું નક્કી કર્યું છે. એટલે આપ કાલે ચિતા તૈયાર રાખજો રા’ની શાન ઠેકાણે લાવવા મેં જમહર (જીવતા અનિપ્રવેશ) માં બેસવાનું નક્કી કર્યું છે અને જમહરમાં બેઠા પછી હું તમને જો ધોળી સમડીરૂપે દેખાઉં તો સમજજો કે આપ સલામત છો. આઈશ્રીની વાત સાંભળી તેમના પુત્રી દિપાંબાઈએ પણ આઈ સાથે જ જમહરમાં બેસવાની ઈચ્છા જાહેર કરી અને તેમને કોઈ આમ કરતા રોકે નહીં તેવી સૌને વિનંતીકરી.

આઈમાના આદેશ મુજબ હાલે જ્યાં આઈમાનું સ્થાનક છે ત્યાં બે ચિતા તૈયાર કરવામાં આવી. રાત્રે આઈશ્રીને, દિપાંબાઈમાની હાજરીમાં સૌ જગદંબાનું સ્મરણ કરવા લાગ્યા. એ રાત્રી જાણે આઈ આરાધનાનું પર્વ બની ગઈ. ચરજો છંદો પ્રાર્થના દ્વારા આઈની આરાધના કરતા ગામના સર્વે અબાલ વૃધ્ધોએ આઈના સાનિધ્યમાં જ તે રાત ગુજારી.

બીજા દિવસે પ્રભાતનો ઉદય થયો. વિ.સં. ૧૭૧૧ ના ચૈત્ર સુદ ૧૫ ના એ દિવસે આઈશ્રી જીવાંમા અને શ્રી દિપાંબાઈના આત્મ સમર્પણની મંગલયાત્રા શરૂ થઈ. ઢોલ અને શરણાઈ પર મંગલસુરો રેલાયા. મુખ પર દિવ્ય ક્રાંતિથી શોભીત અને પ્રસન્નચિત્ત મહાશક્તિના ખોળામાં સમાઈ જવાના આનંદ અને ગૌરવ સાથે આઈશ્રી જીવાંમા અને આઈશ્રી દિપાંબાઈ ચિતા પાસે પધાર્યા. આ મહાન ક્ષણના સાક્ષી બનવા અને આઈના સદેહે અંતિમ દર્શન કરવા આવેલા હજારો લોકોના “જય જીવાંમા” “જય દિપાંમાં” ના જયઘોષથી દશે દિશાઓ ગાજી ઉઠી. આઈશ્રીઓએ ચિતા પર આરોહણ કર્યું. પૂર્વાભિ મુખે પદ્માસનવાળી ચિતા પર બિરાજ્યા. આંખો સૌ પર અમીદ્રષ્ટિ કરતી મહાશક્તિનું ધ્યાન ધરતી બિડાઈ, આઈશ્રીનો જમણો હાથ આશીર્વાદ આપતો ઉપર ઉઠ્યો અને જમણા પગના અંગુઠાએ ચિતાનો સ્પર્શ કર્યો ત્યાં ચિતામાં સ્વયં અગ્નિ દેવ પ્રગટ થયા.

પ્રભાતના ભાસ્કરના સોનેરી કિરણો અને ચિતામાંથી પ્રગટ થતી અગ્નિની સોનેરી આભા એકાકાર થઇ ગઇ અને ત્યાં આઈના વચન પ્રમાણે એ અગનીજ્વાળામાંથી ઘોળી સમડી પ્રગટી. આઈના ભકતોને અભય દેતા એ સ્વરૂપના સૌ એ દર્શન કર્યાઃ આ ઘોળી સમડી ઉડતી ઉડતી રા’ની છાવણી તરફ ગઈ. તંબુની બહાર ઉભેલા ‘રા એ આ પક્ષીને પોતાની તરફ આવતું જોયું. પક્ષી તરફ આંગળી ચીંધી પોતાની પાસે ઉભેલા કામદારને તેણે કચ્છીમાં કહ્યું કે “હિન પંખીમેં તા મચતો બરે” (આ પંખીમાં તો જાણે આગ નીકળે છે) રા” નું આમ કહેવું ત્યાં તો રા’ની આંગળીમાં લાય લાગી. પક્ષીમાં ભક્તજનોને આઈના અભય સ્વરૂપના દર્શન થયા તેથી તેમને અભય મળ્યું. રા’ને તેમાં આગ દેખાઈ તેથી તેને આગ મળી. આઈએ કોઈને શ્રાપ આપેલ નથી જેવી જેની ભાવના રહી છે તેને તેવા ફળ મળ્યા. રા’ તંબુ તરફ ભાગ્યો એટલે તંબુમાં અને પછી આખા પડાવમાં આગ ફેલાઈ ગઈ. રા” મરણને શરણ થયો. આ ઘટનાથી રા’ નું લશ્કર હતપ્રભ થઈ ગયું. સૌ પોતાનો જીવ બચાવવાની ચિંતામાં લાગ્યા. કેટલાક સૈનિકોએ રા’ ના શબને રથમાં નાખી ભુજ તરફ રવાના થયા.

આ સમયે ભુજ નરેશ અને વિંઝાણના તેમના ભાયાતો વચ્ચે દુશમનાવટ ચાલતી. આ ઘટનાની આગલી રાત્રે માતાજીએ સ્વપ્નમાં વિંઝાણ ઠાકોરશ્રીને પ્રેરણાકરી અને વિંઝાણના દરબારોએ રા’ખેંગારનો પીછો કર્યો. માનકુવા પાસે તેમનો ભેટો થયો બંને પક્ષોના માણસોનો આમનો સામનો થયો. વિંઝાણના સૈનિકો રા’ના માફાળા રથમાં ઘુસી ગયા પણ જોયું તો રા’ તો મૃત્યુ પામેલા હતા. એટલે મૃત્યુની મર્યાદા અદબ જાળવવા બીજું કંઈ ન કરતાં આ પ્રસંગની યાદગીરી તરીકે રા” ની કલગી પોતાની સાથે લઈ ગયા અને વિંઝાણ ઠાકોર તે દિવસથી પોતાની પાઘડીમાં બે કલગી રાખતા અને તે કારણે વિંઝાણના દરબારને “બો કલગીવારા” (બે કલગીવારા) કહી તેમની મશ્કરી કરવામાં આવતી પણ જ્યારે કચ્છમાં ઈતિહાસ પ્રસિદ્ધ ઝારાનું યુદ્ધ થયું અને કચ્છના સૈન્યનું નેતૃત્વ કરવા બીજા કોઈ તૈયાર ન થયા ત્યારે વિંઝાણના લાખાજી જાડેજા એ ક્ષાત્રધર્મનું પાલન કરતાં સ્વેચ્છાએ એ જવાબદારી સ્વીકારી અને ઝારાના યુદ્ધમાં અદ્દભુત પરાક્રમ બતાવી પોતાના પ્રાણની આહુતિ આપી. તે દિવસથી “બે કલગી ની મશ્કરી બંધ થઈ અને પછી કહેવાયું કે “બે કલગી કે શોભાઈ જાણ્યા” (બે કલગીને શોભાવી જાણ્યા)

આઈશ્રીના આત્મ બલિદાનને લગભગ ૩૫૦ વર્ષ થયા આઈશ્રીની પ્રાચીન છતરડીની જગ્યાએ હાલે ચારણો અને ચારણેતર સેવકો દ્વારા એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

લાખીયારવિરાના ગઢવીઓ તે દિવસથી ભુજનાં ‘અપીયો’ (ભુજનું પાણી ન પીવાની પ્રતિજ્ઞા) પાળે છે. અને આજ સુધી લાખીયારવિરાના મોટાભાગના ગઢવીઓ તેને પાળે છે.

સંકલન અને આલેખનઃ
મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર

સંદર્ભઃ માતૃવંદનાઃ લે. પિંગલસિંહજી પાયક
કચ્છદર્શનઃ લે. શંભુદાન ઈશ્વરદાન રત્નુ
શ્રી અરજણજી ગોવિંદજી શામળના મુખેથી શ્રી રામજી હમીરદેવનો વંશાવળીનો ચોપડો

પ્રેષિતઃ મયુર. સિધ્ધપુરા-જામનગર

error: Content is protected !!