શ્રી આગિયા વીર વૈતાલ

આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર અને મહુડીના ઘંટાકર્ણ મહાવીરની પૂજા અર્ચના જાણીતી છે. રાજસ્થાનના જાણીતા વિદ્વાન શ્રી અગરચંદ નાહટાને પ્રાચીન હસ્તપોથીઓમાંથી બાવન પીરની યાદી મળી હતી. શ્રી જયસાગરસૂરિ રચિત ‘જિનદત્તસૂરિ ચરિત્ર’માં પણ બાવન વીરોની નામાવલિ મળે છે. એમાંના એક આગિયાવીરની આજે વાત કરવી છે.

વીર અને પીરની પૂજા ગુજરાતમાં પ્રાચીન કાળથી થતી આવી છે. સૌરાષ્ટ્રના મલક માથે ભૂતપ્રેત અને ઝોડ- ઝપટિયાને ભગાડનારા બજરંગબલી બિરાજમાન છે એવા જ એક લોકહૈયે બિરાજતા આગિયાવીરનું સ્થાનક ઉમિયા માતાની શક્તિપીઠ માટે જાણીતા ઊંઝાનગરથી ત્રણેક કિ.મી.ના અંતરે ભાંખર ગામની ઉગમણી દિશાએ સોલંકીકાલીન શિલ્પસમૃદ્ધિથી શોભતું આજે ય ઉભું છે. ગુજરાતના અન્ય વીરમંદિરોથી આ મંદિર અનેક રીતે અલગ તરી આવે છે. ઉ. ગુજરાતના લોકવરણમાં આ મંદિરનો મહિમા અનેક રીતે જાણીતો છે. એ જોઈએ તે પહેલાં આગિયાવીર સાથે જોડાયેલી રસપ્રદ કિવદંતીઓ અને કથાઓ પર એક નજર કરી લઈએ.

આગિયાવીર અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા લોકદેવ ગણાય છે. ભગવદ્ગોમંડલમાં એનો અર્થ ‘જેનાથી આગ પ્રગટે એવો એક વીર વૈતાળ’ એવો આપ્યો છે.

ઇષ્ટ, ઇશ્વર હરશીદ્ધનો હાથ
આગિયો વીર શોભે તુજ સાથ
(શામળ)

આગિયા વીરનો સંદર્ભ ઉજ્જૈનના હરસિદ્ધ માતા અને પરદુઃખભંજક રાજવી વીર વિક્રમ સાથે જોડાયેલો મળે છે. દંતકથાઓમાં આગિયાવીરને સાધવાની વાત આવે છે. આગિયા વેતાળની લોકકલ્પના એવી છે કે તે આગ ઝરતી હોય તેવું ભૂત છે. ખાલી વેતાળ ઝાડ ઉપર વડવાગોળની જેમ ઉંધા માથે લટકે છે જ્યારે આગિયો વીર વેતાળ જ્યાં પડે ત્યાં અગ્ન્યાસ્ત્રની જેમ સંધુય બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તાંત્રિકો એની સાધના કરીને એને વશ કરે છે ત્યારે આગિયાવીર ધાર્યું કામ કરી આપે છે એમ કહેવાય છે. આ આગિયાવીરની પૂજા ભાંખર ઉપરાંત આજુબાજુના પંથકના આવેલ ગામોના લોકસમુદાયમાં એટલી જ પ્રચલિત છે. નાતજાતના ભેદ વગર તમામ કોમના લોકો ભૂતપ્રેત, ઝોડ-ઝપાટિયા અને રોગદોગથી બચવા માટે આગિયાવીરની બાધા- આખડી રાખે છે. અને મંદિરે બાધા છોડવા માટે આસ્થાપૂર્વક આવે છે. આગિયાવીરના કોપથી બચવા માટે લોકજીવનમાં એમની પૂજા આરંભાઈ હશે એમ કલ્પી શકાય. જેમ હનુમાનજીને તેલ- સિંદૂર ચડે છે તેમ આગિયાવીરની માંડવી માથે તલનું તેલ ચડે છે. ગુજરાતમાં આગિયાવીરનું આ એકમાત્ર મંદિર છે.

ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમ્યાન અનેક મંદિરો બન્યા હતા. પણ ભાંખરના આગિયા વૈતાલના મંદિર સાથે સરખાવીએ તો ભાસ્કર્યની દ્રષ્ટિએ, મૂર્તિવિધાનની દ્રષ્ટિએ, મંદિરોની બાંધણીની દ્રષ્ટિએ ભાંખરનું આગિયાવીરનું મંદિર પ્રથમ કક્ષાનું ગણાય તેવું છે. છેક પીઠભાગથી લઈને શિખરભાગ સુધીના આખા ય મંદિરનું શિલ્પકામ જીવંત લાગે છે. સોલંકી યુગની શરૂઆતમાં જ્યારે ગુજરાતનું મૂર્તિવિધાન અંગેનું ભાસ્કર્ય સોળે કળાએ ખીલ્યું હશે ત્યારે ભાખરના મંદિરના મંડોવર ઉપરની મૂર્તિઓ કોતરાઈ હશે એમ ડો. હરિલાલ ગૌદાની નોંધે છે.

મંદિરની પશ્ચિમ દિશાના ગવાક્ષમાં બિરાજતી હરિહર પિતા મહાર્કની મૂર્તિ જોતાં લાગે છે કે ગુજરાતની સોલંકી યુગની દસમા સૈકાની મૂર્તિઓમાં આ મૂર્તિ સર્વાંગસુંદર છે. મંદિરના મંડોવરની જંઘા ઉપરના દક્ષિણ તરફના ગવાક્ષની દિક્પાલો, ચામરધારિણીઓ, દેવો, ઋષિઓ અને નૃત્ય કરતા ગણપતિના શિલ્પો તક્ષણકામની દ્રષ્ટિએ ઉત્તમ અને નયનમનોહર છે. ગવાક્ષો ઉપરથી પસાર થતા ગ્રામમુખની પટ્ટીનું કોતરકામ પણ કલાપૂર્ણ છે. મંદિર ઉપરનું બેવડા છજાનું શિલ્પકામ મંદિરના રૂપમાં વધારો કરે છે. મંદિરનો સભામંડપ પુનરુદ્ધાર પામેલો જણાય છે. મંદિરની ત્રિશાખા, દ્વારશાખ તથા ઓતરંગ ઉપરનું નવગ્રહપટ્ટિકાનું શિલ્પ અનુપમ છે. મંદિરના ગર્ભગૃહમાં બિરાજતી વૈતાલની પ્રતીમા થોડાં વર્ષો પૂર્વે પધરાવવામાં આવી છે. આગિયાવીરના મંદિર સામે હરસિદ્ધ માતાનું પુરાણું મંદિર છે. લોકજીભે હરતી ફરતી કંઠસ્થ લોકવાર્તાઓંમાં પરદુઃખભંજક વિક્રમરાજા, હરસિદ્ધ માતા અને વીરવૈતાલની વાતો આવે છે. ઉજ્જૈન નગરીમાં શિપ્રાનદીને કાંઠે સિદ્ધવડનું આગવું સ્થાન છે. પુષ્પાવતી નદીના કિનારે મા હરસિદ્ધના બેસણા, એના રક્ષક સેવક આગિયાવીર હતા. એમનું અને હરસિદ્ધ માતાનું એકમાત્ર સ્થાનક ભાંખર ગામમાં છે.

કિવંદતી એવું કથે છે કે આગિયાવીરે લાખા વણઝારાને બાળકના વેશે પરચા આપેલા તેની યાદમાં લાખા વણઝારાએ આ મંદિર બંધાવ્યું હતું. વર્ષો પછી મંદિર ખંડિત થતાં પાટણના રાજવી સિદ્ધરાજસિંહ સોલંકીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મંદિરનું શિલ્પ સ્થાપત્ય જોતાં જ આ મંદિર સોલંકી સમયનું છે એમ પુરાતત્ત્વવિદો માને છે. મંદિરના ગર્ભગૃહ આગળ ભૈરવદાદા અને ગુરુ દત્તાત્રેયની પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે.

ચૈતર મહિનો બેસતા જ વરસાદના વરતારા માટે આગિયાવીરના મંદિરનું અને ભાખરનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. ચૈત્ર સુદ બીજના વહેલી સવારે ગામમાં હળિયા નીકળે છે. હળિયાં ઉપર ચોતરફથી પાણી રેડવામાં આવે છે. એનો સંબંધ ખેતી અને વર્ષા સાથે છે એમ સૂચવે છે. સાંજની વેળાએ ગામના કોઠાસૂઝવાળા અનુભવી ઘૈડિયા આગિયાવીરના મંદિરે એકઠા થાય છે. ત્યાં સાત ધાન ભેગા કરી હવામાં ઉડાડવામાં આવે છે. ઉડેલા દાણા લોકો ખોબામાં, પાઘડીના છેડામાં, પહેરણની ચાળમાં કે પછેડીમાં ઝીલે છે. પછી એ ઝીલાયેલા પ્રત્યેક દાણાનું ચોકસાઈથી નિરીક્ષણ કરવામાં આવે છે. એની સંખ્યાને આધારે અનુભવીઓ આગામી ચોમાસામાં કયું ધાન કેટલા પ્રમાણમાં પાકશે તેની આગાહી કરે છે. પછી મોડી સાંજે ઘલઢેરાઓ મંદિરમાંથી ઉભા થઈ ગામથી દૂર જઈ વૃક્ષ પર બેસતા પક્ષીઓના અવાજ સાંભળે છે ને નવા વરસના કૃષિ પાકની આગાહી આપે છે.

ચૈત્ર સુદ બીજનો વિડિઓ અહીં જોય શકો છો

પ્રતિ વર્ષ ચૈત્ર સુદ સાતમે ભાંખર ગામમાં આગિયાવીરનો મોટો મેળો ભરાય છે. મંદિરમાં હોમહવન થાય છે. સાતમ ભરવા, વીરના દર્શન કરવા અને મેળો માણવા લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. આ દિવસે ગામના એક ઠાકોરભાઈ પરદેશી બાવળની લાંબી લાંબી સોટીઓ કાપી લાવે છે. મેરાઈ (દરજી) કાકડા બનાવવા કપડાના કાપલાકૂપલા લાવે છે. મંદિરના પાછળના ભાગે આ બધી સામગ્રી સાથે લોકો ભેગા થાય છે. આ સામગ્રી ફરતું તલવારથી કુંડાળું દોરવામાં આવે છે. તેમાં બેસીને આગિયાવીર માટે કટલી (માંડવી) બાંધવામાં આવે છે. કોઈ આસુરી તત્ત્વોની ભીડ ન થાય તે માટે માંડવી ફરતી તેલવાળી ૩૨ મશાલો પ્રગટાવવામાં આવે છે.

ગામલોકો માંડવી લઈને આગિયાવીરની જય બોલાવતા ગામના ગોંદરે આવે છે. ત્યાં આદ્યશક્તિનું બેસણુ છે તેને પગે લાગી માંડવીને રમાડવામાં આવે છે. આ વખતે રબારી ભાઈઓ હાથમાં લાકડિયું લઈને માંડવીનું રક્ષણ કરે છે. ગામના ગોંદરે મૂકેલા મોટા મોટા પીપમાં બાધામાનતાવાળા તેલ રેડે છે ત્યાં માંડવી રમણે ચડે છે એની શતશત શગો ઝગારા મારે છે. માંડવી રમાડનાર માનવી માથે મૂકેલી માંડવી સાથે નીચે બેસી તેલ… તેલ…તેલ એવી બૂમો પાડે એટલે પીપોમાંથી લોટા અને બોઘરણા ભરી તેલ સળગતી મશાલો પર રેડવામાં આવે છે. મશાલો પર રેડાતું તેલ ગરમ થઈને લોકો પર પડે છે છતાં કોઈ દાઝી ગયાનો દાખલો નથી એમ ગોપાલ દર્શનના તંત્રી શ્રી ગોવિંદભાઈ રબારી નોંધે છે.

માંડવી રમાડયા પછી મોડી રાતના હાથિયો નીકળે છે. હાથિયો એટલે શણગારેલું ગાડું. ગાડાને ચાર પાણિયાળા બળદો જોડવામાં આવે છે. આ ગાડાને ગવાળામાંથી કાઢેલા રબારી બાઇઓના સાડલાથી સુશોભિત કરવામાં આવે છે. આ ગાડામાં એક ઠાકોર, ઢોલ સાથે ઢોલી અને મશાલ લઈને ગામનો વાળંદ બેસે છે. વાજતેગાજતે ગાડુ ગામ વચ્ચે થઈને મહાદેવના મંદિરે આવે છે. મંદિર પાસે પુરાતન કૂઈ છે. ગાડામાં બેઠેલો વાળંદ અવળા હાથે સળગતી મશાલનો ઘા કરે છે. જો મશાલ કૂઈમાં પડે તો ગામલોકો આનંદની ચિચિયારીઓ પાડે છે. લોકમાન્યતા એવી છે કે જો મશાલ કૂઈમાં પડે તો આવતા વરસે ચોમાસામાં વરસાદ ધરવાસટ થાય અને વરસ સોળ આની પાકે.

પછી ગાડું આગળ વધે છે. ગામ આખું હાથિયાના ઉત્સવમાં જોડાય છે. નિયત સ્થળે આવીને ગાડું ઉભું રહે છે ત્યારે બળદો પોરો ખાય છે. આ ચારેય બળદોને ચોમાસાના ચાર માસ અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો કલ્પવામાં આવે છે. એ વખતે પૉરો ખાવા ઉભેલા ચારેય બળદોમાંથી કયો બળદ કેટલું મૂતરે છે એના ઉપરથી ચારેય મહિનામાં વધુ ઓછો કેટલો વરસાદ થશે તેનો તાગ મેળવવામાં આવે છે. અનુભવી ઘૈડિયાઓ શ્રદ્ધાપૂર્વક કહે છે કે વરસોથી થતા આ વરતારા આવનારા ચોમાસાનો વરસાદ જાણવા ઉપયોગી બની રહે છે. એના આધારે ખેતીમાં કયો પાક લેવો તેનો નિર્ણય કરે છે. આ જીવતીજાગતી લોકવેધશાળાઓના અનુભવોને ભડલી વાક્યોની જેમ વિજ્ઞાાનની સરાણે ચઢાવીને એનો અભ્યાસ કરવાનું કોઈએ વિચારવા જેવું ખરું. ઐઠોરના ગણપતિ મંદિરમાં પણ વરસના વરતારા આજે ય જોવાય છે.

હાથિયા ઠાકુના ઉત્સવ પ્રસંગે મેળો માણવા આવેલા ભાવિક શ્રદ્ધાળુઓ શુકન મેળો માણે છે. આ પ્રસંગે આજુબાજુના ગામના વ્યવસાયી ભવાઈ કલાકારો અહીં આવીને આગિયાવીરની પ્રસન્નતા અને આશીર્વાદ માટે વીરને મુજરો કરી રાતબધી જાતર રમી ભવાઈના ભૂલાઈ ગયેલા વેશો ભજવે છે. ભવાઈ જોવા મેળાના માનવીઓ ઢુંગે વળે છે. પરોઢ પાંગરે ને મોંસૂઝણું થાય એટલે મેળાના મનેખ વિખરાવા માંડે છે.

આપણી લોકવારતાઓમાં આગિયાવીરને સાધવાની વાતો આવે છે. કદાચ આગિયાવીરની બીકથી બચવા માટે એમની પૂજાનો પ્રારંભ લોકજીવનમાં થયો હશે એવું માની શકાય. જૂના કાળે કેટલાક બાવાઓ ગામડામાં જઈને આગિયા વીરના નામે ચમત્કારો બતાવતા. આગિયા વીર અંગે અષ્ટમપષ્ટમ વાતો કરી કળશ્યામાંથી છાલકૂક પાણી લઈને જમીન ઉપર છાલક મારે ત્યાં ભડકો થતો. આગિયા વીરની મૂર્તિ આગળ મૂકેલા શ્રીફળ ઉપર પાણીની અંજલિ છાંટે ત્યાં તો એમાંથી ભડકો ઉઠતો. વેતાળવાળો બાવો પાણીનો કોગળો નાખે ત્યાં ભડકો થતો. શ્રદ્ધાળુ લોકો આને સાચું માની અંજાઈ જતા અને બાવાને પૈસા આપી રાજી કરતા. અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોને ધર્મનો આંચળો ઓઢાડી ઠગબાજી કરનારા પોતાનો રોટલો રળી લેતા. અંધશ્રદ્ધા નિવારણ મંડળવાળા આનો ઘટસ્ફોટ કરતા કહે છે કે, આ કોઈ ચમત્કાર નથી, એનાથી અંજાઈ જવાની જરૂર નથી. સોડિયમના ટુકડા કે પાવડર પર પાણી પડવાથી ભડકો થાય. શ્રીફળમાં સોડિયમની કણીઓ ભરી હોય ને ઉપર પાણી છાંટો એટલે સળગવા માંડે ને બાવાનો વીર વૈતાલ હાજર થઈ જાય છે. આ તો ચમત્કારની વાત થઈ પણ ઉત્તર ગુજરાતનું પ્રજાજીવન ભાંખરના આગિયાવીરમાં આજે ય અપાર આસ્થા ધરાવે છે. ચોતરફથી સંકટમાં ઘેરાયેલો, હારેલો, થાકેલો માનવી શ્રદ્ધાપૂર્વક આગિયાવીરની બાધા- માનતા રાખી એમના પારે આવે છે, એનાં દુઃખદર્દ ટળી જાય છે. એવી દ્રઢ લોકશ્રદ્ધા ઉત્તર ગુજરાતના લોકજીવનમાં જોવા મળે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!