કચ્છી ભાષાના આદિ કવિ સામુર

સામુર ચારણ કચ્છી ભાષાના આદિ કવિ મનાય છે. સામુર ચારણથી પહેલા કોઈ કચ્છી કવિનું નામ ઈતિહાસમાં નોધાયેલ હોય તેવું મારી જાણમાં નથી. ચારણ કુળની તુંબેલ ગોત્રની વંશાવળીમાં ગુગળ ચારણ પહેલાં સામુર કવિનું નામ આવે છે. સામુર તુંબેલ જામ નરપતનાં સમકાલીન હતા. બારોટોના ચોપડા અનુસાર જામ નરપતની ગાદી સંવત ૬૮૩ થી સંવત ૭૦૧ સુધી છે. સામુર તુમેર ચારણોનો તુંબેલ પછીનો આદિ પુરુષ છે. કચ્છી લોક સાહિત્યનાં જૂના દોહામાં સામુરનું નામ આવે છે અને એ બધા દુહાના રચયિતા સામુર ચારણ છે. જો કે તેમની અનેક કાવ્ય રચનાઓ કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ હશે. ચારણોના રાવળદેવોની વહી અનુસાર સામુરની વંશાવાળી આ મુજબ છે. શબ્દસહ આપવામાં આવી છે.

આદ લગ ઈસવર: નઃ ચારણીયોઃ
કવ ચારણ પેદા કિયો, અંગરો મેલ ઉતાર,
પતા જાસ શંકર પણા, માત જશી મહામાએ..

આદિથી ઈશ્વર (શંકર)નો ચારણીયો થયો, ભગવાન શિવે અને ઉમીયાજીએ પોતાના કાયાના મેલમાંથી ચારણને ઉત્પન્ન કર્યો, જેના માતા-પિતા ઉમિયાજી અને ભગવાન શિવ કહેવાય છે.

આ ચારણને મહાદેવે નાગ કન્યા સાથે પરણાવ્યાનું વહી કહે છે.

ઈસવર: નઃ ચારણીયો નઃ ચંડેસર મંડેસરઃ કૃતાણંદ: રોધાણંદઃ લીલવેલાસ : ગોણલચનાદ વેદઃ તંબર : ભગવત હંસ: લાછવંતી : નાગલોકે ત્ર: તારૂણી : ૫ : સેસ: વાસંગ .

શિવનો ચારણીયો તેનો ચંડેસર (ચનેસર-ચંદ્રેશ્વર) મંડેસર (મનેસર) કુતાણંદ, રોધાણંદ, લીલ વેલાસ, ગુણવચનાત, વેદ, તુંબર (તુંબેલ-તુમેર) ભાગવત હસ એવા પુત્રો અને લાછવતી પુત્રી ચારણીઓ નાગલોકે શેષનાગની પુત્રી તરૂણી સાથે પરણ્યો તો કયાક અવરી-આવડ સાથે પરણ્યો એવું લખાયેલું જોવા મળે છે. આ નવપુત્રો માંથી તુંબર-તુમેરનો સાંયેચ થયો અને સાંયેચનો સામુર. સામુરની આગળની વંશાવળી આ પ્રમાણે છે.

કચ્છનાં ચારણો અને જાડેજાઓનાં ઈતિહાસમાં રાવળદેવો અને ભાટના ચોપડા પ્રમાણે શેષનાગનાં વંશમાં જન્મ ધારણ કરનારી આઈ આવડ પોતાના તુંબડામાં રાખી તુંબડાને સિંધુ નદીના પાણીમાં તરતું મુકી સ્વર્ગમાં ગયા આવી કથા સામુર તુંબેલના જન્મની મળે છે.

દંતકથા અનુસાર આઈ આવડને ચારણથી અબોલા હતા તેનું નિયમ , આઈ આવડે ગર્ભમાંથી બાળકને કાઢી તુંબડામાં મૂકયો. (આ કથાનો આધાર છે મહાભારતમાં કુંતાએ તેના પુત્ર કર્ણને પેટીમાં રાખી નદીમાં પધરાવી દીધો હતો એમા છે). આ તુંબડું મિશ્રદેશથી નીકળેલ દેવેન્દ્રનાં ચાર કુમારો જેઓ હોડીમાં બેસીને હિન્દુસ્તાન તરફ આવતા હતા તેમને મળ્યું આ દેવેન્દ્રનાં કુમારો તુંબડાને લઈને જોયુ તો તેમાં તરતનું જન્મેલ બાળક હતું. કુદરતની અકળ લીલા જોઈ તેમના મનમાં આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે વિચાર્યું કે આ છોકરાને ઉછેરીને મોટો કરશું તો આપણને કામ આવશે.

દેવેન્દ્રના ચાર કુમારોએ આ બાળકને ઉછેરવાનું કામ તેમની સાથે રહેલા માણ માંગણહારને આપ્યું. હવે હોડીમાં પાચની બદલે છ થયા. છ એ જણ સાથે હોડી દરિયામાં રસ્તો કાપવા લાગી. તુંબડામાંથી બાળક મળ્યો ત્યાર પછી થોડી જ વારે દૂરથી જમીન દેખાવા લાગી અને ઈશ્વરનાં આધારે ઉપાડેલી પેલી હોડી તરત જ કાઠીયાવાડના કિનારે આવી પહોંચી.

ધરતીના આમ અણધાર્યાદર્શન થતાં સૌને એમ થયું કે, આ બાળકને લીધે જ આપણે ઉગરી શકયા છીએ. આથી તેઓ આ બાળકની ઘણી સંભાળ લેવા હોડીમાંથી ઉતરી આગળ ચાલવા લાગ્યા અને સૌરાષ્ટ્રનાં ઓસમ ડુંગર પાસે આવી પહોંચ્યા. ત્યારે તેમને સમાચાર મળ્યા કે ઓસમના ડુંગર પર હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. આ સાંભળી બધા હિંગળાજ દેવીના દર્શનાર્થે ઓસમ ડુંગર પર ચડવા લાગ્યાં.

ઓસમનાં ડુંગર પર ભકિત ભાવથી હિંગળાજ માતાજીની પ્રાર્થના કરવા લાગ્યા જેથી આઈ હિંગળાજ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા અને માણ માંગણહાર તથા તુંબડામાંથી નીકળેલા ચારણપુત્રને વંશ પરંપરાગત રીતે પાળવાની આજ્ઞા કરી. માતાજીની પ્રસન્નતા જાણી આ ચારે જણાને આનંદનો પાર ન રહ્યો. તેમણે માણ માંગણહારને માતાજીનો મેરૈયો બનાવ્યો આ બંને જણનાં વંશજોને પરંપરાગત રીતે પાળવાના જામનરપતે પોતાના મનમાં નિશ્ચય કરી ઓસમનો ડુંગર ઉતરવા લાગ્યાં.

**દોહો**

ઓસમ મથા ઉતર્યા, સમોને સામુર,
વો પચ્છમ જો પાદશાહ, અને માંગણ સંધો મીર

થોડા સમય પછી દેવેન્દ્રનાં ચાર પુત્રોમા સૌથી મોટા અસપતને મહમંદ પયગમ્બર સાહેબનાં અનુયાયીઓએ મિશ્રદેશની ગાદીની લાલચ આપી મુસલમાન બનાવી દીધો. આ રીતે મોટા અસપત મિસર ગયો અને બાકી ત્રણેય ભાઈઓ માણ માંગણહાર તથા ચારણ બાળકને લઈને આગળ ચાલ્યાં.

આ ત્રણેય ભાઈઓ નરપત, ગજપત અને ભૂપતે પણ અહીંથી છુટા પડવાનો વિચાર કર્યો હોવાથી માણ માંગણહાર અને તુંબડામાંથી નીકળેલ તુમેર ચારણને કોને સોંપવો તેનો તેઓ વિચાર કરવા લાગ્યા. ત્યારે માણ બોલ્યા કે, મારો પ્રેમ તો પ્રથમથી જ એટલે કે મીસરથી જ નરપત સાથે છે અને હું નરપત સાથે જ રહેવા માંગુ છું આથી માણ માંગણહારની સોંપણી નરપતને કરવામાં આવી. હવે બાકી રહ્યો બાળક અને બાળક ચારણ છે. એમ માતાજીએ કહ્યું હતું અને તેમનું નામ પણ બધા સાથે મળીને ઓસમના ડુંગર પર જ “સામુર” રાખ્યું હતું. અને તે તુંબડામાંથી નીકળેલ હોય તેને તુંબેલ અથવા તુમેર ચારણથી બોલાવતા હતા. હવે એ સામુરની સોંપણી કોને કરવી તેનો સવાલ હતો. આ ચારણ બાળક માટે છેવટે એક નકકી થયું કે જે ભાઈ વધારે કિંમત આપે તે આ છોકરાને રાખે.

ગજપત અને ભૂપત પાસે કાંઈપણ દ્રવ્ય ન હતું પરંતુ મિસર શામથી રવાના થતી વખતે નરપતે પોતાની પાસે એક સોનાની ચકકી રાખી હતી. તે સુવર્ણ ચક્કી વજનમાં પણ બરોબર તુમેર બાળક જેટલી જ હતી. તેની નરપતે પોતાના બન્ને ભાઈઓને વચ્ચે એ સુવર્ણ ચકકી આપી અને તેના બદલામાં તે સામુર ચારણને પોતાની પાસે રાખી લીધો. તે દિવસથી માણ મેરૈયો અને સામુર ચારણ નરપતનાં સાથીદાર બની રહ્યા.

***દોહો ***

બાબલ ચડી ઉળે તો, માણ માંગણ હાર,
સમે સોનભાર, તુમેર કે તોરે રખ્યો.

ભાવાર્થ: નરપતે માણ માગણહારને પોતાની સાથે હોડીમાં બેસાડ્યો અને પોતાનો કરી રાખ્યો, તેમ તુમેર ચારણને પણ તેને સોનભાર તોળી પોતાની પાસે રાખ્યો.

***દોહો***

ઓસમનો ઉતરી, દનાં પાલખી એ પેર,
તેદુણો તુમેર, સમે તોરયાં સોનભાર,

ભાવાર્થ: ઓસમ ડુંગર પરથી ઉતરીને પાલખીમાં પેર રાખ્યો. ત્યારથી સમા જામનરપત તુમેર ચારણને સોનભાર તોળ્યો.

આ વખતે ચારણ બાળક સામુરની જીભ પર મા શારદાએ વાસ કર્યો અને તે નરપતને આશીર્વાદ આપતાં બોલ્યા.

****દોહો***

સમે સોનભાર, તાં તોર્યો તુમેર,
થીધા થધા પેર, સુખ પસને સામજા,

ભાવાર્થ: હે જામનરપત તે તુમેર ચારણને સુવર્ણ ભારોભાર તોળી, માટે તું જયાં જઈશ ત્યાં તને શાંતિ પ્રાપ્ત થશે અને ઈશ્વર તને સુખી કરો

જામ નરપત માણ માંગણહાર અને સામુર ચારણને લઈને આગળ ચાલવા લાગ્યો. અને તેનાં ભાઈઓ પણ તેનાં રસ્તે પડયા. થોડા દિવસો પછી ચાલતા ચાલતા નરપત તુંબેલ ચારણ સામુર અને માણ માંગણહાર સાથે કાબુલ આવી પોહચીયા. કાબુલમાં નરપતને સાઓ સંગારનો ભેટો થયો. એક વખત સામુર ચારણે ચતરાઈ વેપારીઓ પાસેથી ગિજનીનાં બાદશાહ પાસે જઈ કંઈ પરાક્રમ કરવાની સલાહ આપી. નરપતે સામુરની સલાહ માની સાઓ સંગારના રસાલા સાથે ગિજની ગયો. ત્યાં છાવણી નાખી. ત્યાંના પીરોજશાહ બાદશાહને તેમનાં લશ્કરમાં નોકરીએ રાખવા વિનંતી કરી શહેરની જાત માહિતી મેળવી લીધી અને પછી ગિજનીનાં બાદશાહ પીરોજશાહને મારી ગિજનીનો કબજે કરી લીધી.

જામનરપતનું ગિજનીમાં રાજય જામી ગયા બાદ સામુર ચારણ યુવાન એવા જામ નરપત તથા સાઓ સંગારનું સગપણ કરવા દેશ-પરદેશ ફરવા લાગ્યા અને છેવટે જામ નરપતનાં સગપણ જગદેવ સોઢાની પુત્રી ચાંદબા સાથે નકકી કર્યુ. ત્યારબાદ વિધિપૂર્વક ધામધુમથી જામ નરપતનાં લગ્ન થયા. જામ નરપતે સામુર ચારણ અને માણ માંગણહાર ખૂબ જ મદદ કરી હોવાથી જામનરપતે વિચાર કર્યો કે, આ લોકોને કંઈક એવું ઈનામ આપવું કે જે વસ્તુ તેમને વંશ પરંપરાગત ચાલે અને પેઢી દર પેઢી તેમનો સંબંધ જળવાઈ રહે. માણ અને સામુર ચારણને તેમનાં બીજા લાગાઓ ઉપરાંત વિરમૂઠ બાંધી આપી. (લગ્ન વખતે દશોંદી ચારણને સોનારૂપાના સિક્કા તેમને આપવામાં આવે તેનું નામ વીરમૂઠ. વીરમૂઠથઈ જાય બાદ જ પ્રવાહ ચૂકે, અર્થાત બીજા ચારણોને સોના રૂપાનાં સિકકા નિયમ મુજબ આપવામાં આવે છે.) અને માંગણહારને તોરણ ઘોડાનો લાગો બાંધી આપ્યો. (વરરાજા તોરણ ચડે તે વખતે ઘોડાનું દાન આપવું તે)

***દોહો***

ડિને કોલ કરાર, પરીયાવાટું પારીઉં,
અંસાજી ઓલાદ, સહી નિભાઈયું નેહ સે.

ભાવાર્થ: “જામ નરપતે માણ અને સામરને કોલ કરાર કરી આપ્યા તે જણાવ્યું : કે, ત્યારબાદ સાઓ સંગારની સલાહથી માણ માંગણહારને જામ નરપતે પાતા પરિયાગતિ બનાવ્યા.”

*** દોહો ***

કુલે વિધે કિનરો, ખએ પેઢીએ પાર,
હુ દુહા ચોણકાર, હું પેઢયું ખયું પાણસે,

ભાવાર્થ: “ખભા પર કિન્નરો વાજીંત્ર રાખીને તેઓ જામના પરીયા લખવા લાગ્યા. એક દુહા કહેનાર થયો અને બીજો પરીયા વાંચનાર થયો. તે દિવસથી માણ અને સામુર સમાવંશની કીર્તિ ગાનાર થયા તે વંશપરંપરા આજસુધી ચાલી આવે છે.”

લેખકઃ આશાંનદ સુરાભાઇ ગઢવી – ઝરપરા
માહિતી-સંદર્ભઃ કચ્છના ચારણ કવિઓ
પ્રેષિત-સંકલનઃ મયુર.સિધ્ધપુરા

error: Content is protected !!