જૂના કાળે કલા, સંસ્કાર અને સંસ્કૃતિનું ધામ ગણાતા ભારત વર્ષમાં ૧૪ વિદ્યાઓ, સ્ત્રીઓ માટે ૬૪ કલાઓ અને પુરુષો માટે ૭૨ કલાઓ હતી, જે સંસ્કૃત સમાજના માનવીઓએ શીખવી પડતી. આ વિદ્યાઓ અને કલાનું જ્ઞાન ભણતરથી મેળવી શકાતું. પણ બીજી આઠ આપકળાઓ એવી હતી જે લોકસમાજનો માનવી પોતાની કોઠાસૂઝ, અક્કલહુંશિયારી અને અનુભવને આધારે આપમેળે શીખી શકતો. એની પાઠશાળા કે નિશાળો નહોતી. આ આપકળાઓ અમુક ઉંમર સુધીમાં આવે તો આવે, બાકી માથા કૂટીને મરી જાય તોય એને હાથ્ય નો બેસે. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો અને જોબનપગી જેવા સત્સંગીને કોઈ કોઈ કળાઓ સિદ્ધ હતી. ‘જોબન પગીના આખ્યાન’માં આ વાત નોંધી છે. આવી આઠ આપકળાઓ લોકસાહિત્યના દુહામાં આ રીતે વર્ણવી છે.
”રાગ પાગ ને પારખું, નાડી ને વળી ન્યાય,
તરવું તંતરવું ને તસ્કરવું, એ આઠેય આપકળાય.”
પ્રાચીન ગ્રંથોમાં ઉપર જણાવેલી આઠ પ્રકારની કળાઓને શ્રેષ્ઠ ગણવામાં આવી છે. તેને ‘આપકળાઓ’, ‘કોઠાસૂઝ’ કે ‘કોઠાવિદ્યા’ કહેવાય છે. આવી કળાઓ ગામડાગામના અભણ માનવીઓને પણ જૂનાકાળે સાધ્ય હતી. હૃદયપરિવર્તન થતાં લૂંટારો મટીને સ્વામિનારાયણના સત્સંગી બની ગયેલા ભક્તરાજ જોબનપગી, આ આઠેય કળામાં પારંગત હતા એમ ભક્ત આખ્યાન ૧માં જણાવાયું છે. આવો, આપણે આ આઠ કળાઓનું વિહંગાવલોકન કરી લઈએ.
૧. રાગ : જેનો કંઠ બેસૂરો હોય, ગાતાં ન આવડતું હોય તેને આખી જિંદગી સંગીત શીખવાડવામાં આવે તોય એ સુરીલા રાગનો સંગીતકાર ન જ બની શકે. જેનો કંઠ સુરીલો હોય, જેને પૂર્વજન્મના સંગીતના સંસ્કાર હોય તેને સહજ રીતે રાગ અને સંગીતના સૂરોનું જ્ઞાન થઈ જાય છે. તેઓ શીખ્યા વગર સારા ભજનો, ગીતો અને લોકગીતો ગાઈ શકે છે. કોઠાસૂઝથી આ આવડત આપોઆપ આવી જાય છે. ગામના ચોરે બેસીને ગળતી રાત સુધી તંબૂરના તારે ભજનવાણીની હેલી વરસાવે છે તેઓ ક્યાં ગુરુ પાસે સંગીતના રાગ અને તાલ શીખવા ગયા હતા ? આ તાલીમ વગરની કોઠાસૂઝ છે, અલબત્ત રિયાઝ પ્રેક્ટિસ જરૂરી છે. ચકલી ઉઘાડો ને પાણી આવવા માંડે એમ રામસાગર હાથમાં લઈને બેસવાથી ભજનિક નથી થઈ જવાતું. એવું હોત તો ઘેર ઘેર સંગીતકારો જોવા મળેત. કોઠાસૂઝ, અનુભવ, આવડત અને પ્રેક્ટીસથી સંગીતના રાગરાગિણીઓ, ભજનવાણીના વિવિધ પ્રકારોને જાણી શકાય છે. તાલીમ વગર ડાયરાના સારા સંગીતકાર બનવું એ કોઠાસૂઝ એટલે કે ભગવાને આપેલી ભેટ ગણાય.
૨. પાઘ : આપણે ત્યાં જૂના કાળથી સાફો, ફેંટો, શિરોવસ્ત્ર કે મંદિલ તરીકે ઓળખાતી પાઘડી બાંધવી એને પણ કોઠાસૂઝની કળા ગણવામાં આવે છે. સહજાનંદ સ્વામિની ત્રણ છોગાની બેનમૂન પાઘ ઈતિહાસમાં અમર બની ગઈ છે. ગુજરાતની પાઘડીઓમાં ગુજરાતી, અમદાવાદી, વડોદરાની બાબાશાહી અને ગાયકવાડી, ખંભાતી, સુરતી, પટ્ટણી વગેરે આઠ દસ પ્રકારો જોવા મળે છે. જ્યારે કાઠિયાવાડમાં તો લોકસમાજના અઢારે વરણની અલગ અલગ પાઘડીઓ જોવા મળે છે. પંથકે પંથકે નોખનિરાળી પાઘડીઓ. ઘાટસુઘાટની પાઘડીઓ લોકવરણની ઓળખ સહજમાં આપી દે છે. પીંગળશીભાઈ ગઢવી કહે છે કે :
‘‘વરણ વાણિયો વેપારી કે વસવાયાની જાતિ,
ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાતિ પાઘડીએ પરખાતી.”
આ પાઘડી બાંધવાની, ફાટલ પાઘડીને ગોપવણી કરીને બાંધવાની આંટિયાળી, પાટલિયાળી, ખૂંપાવાળી, કુંડાળા ઘાટની, ચાંચવાળી, ઈંઢોણી જેવી ચક્કર ઘાટની, અવળા આંટાળી પાઘડી બાંધવાની કળા ગામડાના કોઠાસૂઝવાળા કો’ક કો’ક માનવીમાં જોવા મળે છે. બધાને આ કળા સાધ્ય નથી. કાઠિયાવાડમાં ઉમરાળીના શ્રી કાનાભાઈ ડાંગર અને જામનગરના શ્રી વિક્રમસિંહજી જાડેજાને અસંખ્ય પ્રકારની પાઘડીઓ બાંધવાની કળા સાધ્ય છે.
૩. પારખું : સામા માણસને એના વાણી, વર્તન અને વ્યવહારથી, શરીરના અંગઉપાંગો ઉપરથી ઓળખી લેવા એ પણ કોઠાસૂઝની કળા છે. હૃદયમાં ઝેર ભરેલા મીઠાબોલા માનવીને ઓળખવાનું કામ અત્યંત અઘરું હોય છે. ભલભલા ભૂલ ખાઈ જાય છે. સામુદ્રિક શાસ્ત્રમાં આ બધી વાતો જોવા મળે છે. અન્યનું પારખું કરતાં ન આવડે તો પોતાનું પોત પ્રગટ થઈ જાય છે એવી આ આપકળા છે.
૪. નાડી : નાડી જોવાનું કામ ડૉક્ટરો, વૈદ્યો અને નાડીવૈદ્યો કરતા હોય છે પણ કોઠાસૂઝવાળા અનુભવી માણસો રોગીની નાડય જોઈને રોગની પરખ ગામડામાં કરતા હોય છે. આદિવાસી વિસ્તારોમાં આવા નાડીવૈદ્યો આજેય જોવા મળે છે. સ્વામિનારાયણના સંતો રામાનંદ સ્વામિ, મુક્તાનંદ સ્વામિ, ભજનાનંદ સ્વામિ કુશળ નાડીપારખું હતા. નાડી જોઈને શારીરિક, માનસિક બધા રોગને પારખી લેવા એ કોઠાસૂઝની કળા છે.
૫. ન્યાય : જૂના કાળે બે કુટુંબોને વાંધાવચકાં પડે ત્યારે તેનો ન્યાય કરવા ન્યાતનું પંચ કે ગામના પ્રશ્નો હોય તો મહાજન ન્યાય કરવા બેસતા. સરખો ન્યાય કરવો એ બુદ્ધિશાળી માણસનું કામ છે. અનુભવ, આવડત અને કોઠાસૂઝ વગરની વ્યક્તિને ન્યાય કરવા બેસાડો તો ન્યાય કરવાની જગ્યાએ જીવનભરના વેરઝેરના વાવેતર કરીને જાય. ‘સામાનો ૮૦ ટકા વાંક છે પણ તમે સમજુ ને ડાહ્યા માણસ છો, જતું કરો.’ આ ન્યાય નથી. અન્યાય છે. કોઠાસૂઝવાળા માણસો ગરીબને દબાવવાને બદલે, પોતાનો અહં પોષવાને બદલે સાચો ન્યાય તોળતા હોય છે.
૬. તરવું : પાણીમાં સહેલાઈથી તરવું એ પણ એક આપકળા છે. કુદરતે પશુપક્ષી બધાને આ કળા આપી છે. માણસ કોઠાસૂઝથી તરણકળા શીખી શકે છે.
૭. તંતરવું : ભગવદ્ગોમંડલ એનો અર્થ આમ આપે છે. છેતરવું, ભોળવવું, તંત્રાદિકથી વશ કરી સામાને ભ્રમમાં નાખીને ધૂતી લેવું. કોઈ સ્ત્રીને છેતરીને સંભોગ કરવો.
૮. તસ્કરવું : ચોરી કરવી એ પણ કોઠાસૂઝની કળામાં ખપે છે. નવોસવો નિશાળિયો ચોરી કરવા જાય તો તરત પકડાઈ જાય. આપહુંશિયારી વગર રસ્તે જતી છોકરીને પ્રેમ કરવા જાય તો ચંપલ ખાય. કોઠાસૂઝ ધરાવતો ચોર ચોરી કરે તો ય ન પકડાય. એ આપકળા કે કોઠાસૂઝ છે. જોબન પગીની પાછળ વડોદરાની સલ્તનત પડેલી પણ એને પકડી શકી નહોતી, જોબનપગી આ બધી કળામાં પાવરધા હતા. ભલભલા સેનાપતિઓ એની આગળ ભૂ પીતા, તે શુકિન-ભેદ જાણતા. વેશ પરિવર્તન કરવામાં બાહોશ, અજોડ નિશાનબાજ, સાહસિક, હિંમતવાન અને પશુપ્રાણીઓની બોલીના ભેદ પારખનાર હતા. નિર્ગુણદાસ સ્વામિએ જોબનપગીના સાગરીતનો એક રસપ્રદ પ્રસંગ નોંધ્યો છે.
સહજાનંદ સ્વામિ વડતાલમાં બિરાજ્યા હતા. ભક્તરાજ જોબનપગી તેમની સેવામાં હતા. એ વખતે અમદાવાદના એક સત્સંગી વ્રજલાલભાઈ સહજાનંદ સ્વામિની પૂજા કરવા કપૂરના અલંકારો કરાવી, બબ્બે શેરના સાકરના પેંડા વળાવી વડતાલ મહારાજના દર્શને રાત્રે આવ્યા. મંદિરમાં રાત વિતાવી સવાર થતામાં મંદિરથી આથમણી દિશામાં એક વાડી હતી ત્યાં નહાવા ગયા. નાહીને પૂજા કરી વાડીના ધણી પાસે જઈને કહ્યું : ‘ભાઈ દેવતા, હોય તો મને આપો. મારે રસોઈ કરવી છે,’ વાડીવાળાએ કહ્યું મારી પાસે દેવતા નથી. સામે વાડીએ ચૂલો સળગે છે ત્યાં જઈને લઈ આવો.’
‘હું દેવતા લઈને અબઘડીએ ખોટા રૂપિયાની જેમ આવું છું. મારો સામાન અહીં પડયો છે તેનું ધ્યાન રાખજો. કૂતરા, કાગડા વીંખે નઈં ?’ એમ કહીને ઉપડતા પગે દેવતા લેવા ગયા. પાછળથી એ સામાન લઈને પેલો ભાઈ પોબારા ગણી ગયો. વ્રજલાલભાઈએ આનંદસ્વામિને વાત કરી. એમણે આ વાત શ્રીજીમહારાજને સંભળાવી. શ્રીજી મહારાજે ગામના મુખી મૂળજી પટેલને તેડાવ્યા. જોબન પગીને તાબડતોબ હાજર થવાનો આદેશ આપ્યો. જોબન પગી નજીકના ગામડે ગયા હતા. મૂળજી પટેલ એકલા આવ્યા. એમને ચોર પોટલું લઈ ગયાની વાત કરી. મૂળજી પટેલે ખૂબ તપાસ કરાવી પણ પોટલાનો પત્તો લાગ્યો નહીં.
એ રાત્રે મૂળજી પટેલે બધા શકમંદ ચોરોને બોલાવીને લેનબંધ ઊભા રાખ્યા, ને મશાલ પ્રગટાવી વ્રજલાલને પૂછ્યું : ‘આમાંથી કોઈ વાડીએ હતો ?’ વ્રજલાલે પોટલું ચોરનાર ચોરને કાંડેથી ઝાલ્યો. ચોર બે હાથ જોડીને કરગરવા માંડયો. ‘બાપા, મેં પોટલું ચોર્યું નથી. તમે કહેતા હો તો ઊકળતા તેલના તાવડામાં હાથ નાખીને વીંટી કાઢું. જો મેં લીધું હોય તો ! બરાબર એ વખતે શ્રીજી મહારાજ વાસણ સુતારના ઘેરથી વાળુ કરીને નીકળ્યા. એમણે કહ્યું : ‘તું તેલની કડામાં બેસ તોય લેનારો તું જ છે.’ એટલું બોલીને ઉતારે ગયા.
એટલામાં જોબનપગી આવી પોગ્યા. મૂળજી પટેલને સાથે લઈ ચોરના ઘેર ગયા. તેના વાડામાં દાટેલું પોટલું ગોતી કાઢી અકબંધ મહારાજ પાસે આવ્યા. વ્રજલાલભાઈએ બરાસકપૂરના હારતોરાથી મહારાજશ્રીની પૂજા કરી. એ પછી જોબનપગીને શ્રીજી મહારાજે પૂછ્યું : ‘પેલો પગી તેલની કડકડતી કડામાં વીંટી કાઢવા કહેતો હતો તો તેના હાથ ન બળે ?’ જોબન પગી કહે : ‘મહારાજ ! અમારી દેવીના તાવડા નોરતામાં નવ નવ દિ’ ચડે. ઈ ટાંણે નાનામોટા ભૂવાઓ ધૂણે. તેના પંડયમાં માતાનો ઓતાર આવ્યો છે તેનું પારખું કરવા તેલના તાવડામાં એને હાથ નંખાવે. તેઓ ઊકળતા તેલમાં હાથ બોળે ને તોય એને ઊની આંચ ન આવે. ગામના લોકોને શ્રદ્ધા બેસે ને માતાની માનતાયું ચાલે, પણ એ બધા ધતિંગફતુરા છે. હું તાવડામાં હાથ નાખીને પૂરિયું ને ઢેબરાં તળતો. તેલ નીતરતી પુરિયું હથેળીમાં લઈને ફેરવું તો ય ક્યાંય ફરફોલો ઊપડે નઈં.’
મહારાજ બોલ્યા : ‘ઊની વસ્તુ દઝાડે એ કુદરતનો નિયમ છે. તમારા હાથ કેમ દાઝે નઈં ?’ જોબનપગી કહે કે ‘મહારાજ ! નોરતાં આવ્યા પહેલાં સાત દિવસ અગાઉ જેને કડાઈમાં હાથ નાખવાનો હોયને તે જંગલમાં ‘દુધિયો હિમકંડ’ થાય છે. તેના કંદ લાવી પાણીમાં વાટી, તેમાં અબરખની ભૂકી ભેળવી ખૂબ ઝીણો વાટે, ને તેને હાથના કાંડા સુધી ચોપડીને સૂકાવે. આવા સાત પટ સાત દિવસ સુધી આપી, હાથની આંગળિયું તૈયાર કરે, પછી પૂરિયો તળે. થોડી થોડી આંગળિયું દાઝે ખરી પણ જળોળાં (ફરફોલાં) ન ઊપડે.’ જોબનપગીની કોઠાસૂઝની કળાની વાત સાંભળીને શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા. આમ કોઠાસૂઝની કળા શીખવી નથી શીખાતી પણ અંતરસૂઝ, હૈયા ઉકલતથી આપોઆપ અભણ માણસોની મઈં આવે છે. સૌરાષ્ટ્રના મલક માથે આપણને ગામોગામ આવા માણસો મળી આવે છે. મારી સંશોધનયાત્રા દરમ્યાન આવી અનેક વ્યક્તિઓની મુલાકાતો મેં નોંધપોથીમાં ટપકાવી છે.
(તસવીરઃ સાધુ પ્રેમવત્સલદાસજી)
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ