ખબરદાર કોઈએ ખુટીયા (આખલો) ઉપર ભડાકો કર્યો છે, પણ સરદાર મુળીના સીમાડેથી એજ આડો આવીને ઊભોર્યે છે. ભરવાડને એની ઓથે રાખે છે. એક ભડાકો નથીં કરવાં દિધો ભલે તોય એ શિવનો ગણ છે. ગોવાળને એકલો પાડીને ભડાકે દો એટલે ધણ આપણે વાળી લઇને નીકળી… પણ સરદાર આમને આમ આડો આવશે તો સાયલા ગામ આવી જશે પછીતો ગાયો વાળી રહ્યા..
મિત્રો…આમતો પ્રાણીઓ એ કાયમ માનવીઓ માટે વફાદાર રહ્યાં છે ને પોતાના પ્રાણ પણ આપી વફાદારી નીભાવી છે. જોકે આ વફાદારી ના આ યુગમાં માણસ ઘણો પાછળ છે જે આપણે જાણીએ છીએ એમાં કોઈ નવાઇની વાત નથીં તમે હાલમાં પણ ગાયની પરિસ્થિતિ શું છે એ જાણો જ છો…….
એવીજ ઘટના સાયલા અને મુળી વચ્ચે આવેલ કાશીપુરા ગામથી દૂર પીપળીયા તળાવ પર આવેલા એક ખુટીયો ને એક ભરવાડ અને રબારી ની ખાંભીયું ની વાત છે જોકે આ ઘટના વખતે આ ગામ ન હતું તે સમયની છે.. વાઘો ભરવાડ ટોળીયા શાખનો હતો. તે સાયલા ગામનું ગોર ચારતા તેમની પાસે એક આલ શાખના રંબારીનો દિકરો કામે રાખેલ. બન્ને સવાર સવારમાં ગાયોને લઇ સીમાડે સીમાડે ફરતાં અને ગવતરીની ભુખ ઠારતા. ગાયોનાં ધણમા એકરંગી અને રૂપકડી ગાયો ફાંટફાંટ અડાણ ગમે તેને નજરે ચડતી તે વખાણ કર્યા વગરનાં રહે.
આમ એક દિવસ મુળીથી સાયલા બાજું ગાયો ચરતી હતી. એ સમયે ઘોડાવેલ નીકળી એટલે કે કોઈ ટોળકી જેમાં બાર ઘોડેસ્વારો હતાં ને આ ગાયો એમની નજરે ચડી. ભેંકાર બપોરે બે જણ જોઈ ગાય વાળવાનો મનસુબો ઘડયો ને ગોવળને દાબ દિધો. ભરવાડ પણ ડરે એવો નહીં તમે ગમે તે કરો પણ આ ગાયું આખાં ગામની છે, છોકરાં દુધ વિના રઝળી પડે ને પહુડા બરાડી બરાડી મરી જાય. જે હોય તે પણ ગાયો આજ લઇ જાવી એ સાચું..ભાઇ ગાયો એમનો લઇ જવાય મારી જવાબદારી છે ને હજું મારા હાથ નથીં ભાંગ્યા હજું બાવડામા બળ છે. અલ્યા આને પછાડો ને બાંધો ત્યાં તો વાઘે કડીયાળી લાકડી ફેરવીને એકને ઝીંકી. ત્યાં ને ત્યાં પછડાઈ ગયો ત્યાં ઘોડેસ્વાર હેબતાઈ ને ભરવાડ ને પાડવાં બંધુક ઉઠાવી ને આંખે લગાવી ત્યાં તો ઊભેલો આખલો ચેતી ગયો ને વાત પામી ગયો ને દોડીને વાઘા ભરવાડ અને આલાની આડે શીંગડા હેઠાં કરી નસકોરા બોલાવતો ઊભો રહ્યો ને ભરવાડ ને પાછો પાડતો ગયો આમને આમ ઘોડેસ્વારો વાત કરતાં, એ વખતે સરદારે ખુટીયા પર ભડાકો કરવાની ના પાડતા પાડતા હવે સાયલા નજીક દેખાવા લાગ્યું.
ત્યારે હુકમ છુટીયો સરદાર હવે મોડું કરશું તો ગાયો નહીં લેવાઇ ગામ પોગી જશે ને આપડે અહીંયા જ રેવુ છે કે, તો જોઇ શું રહ્યા છો અલ્યા કરો ભડાકો, ભલું કરે ભોળોનાથ ને આમ એક સાથે પાંચ બંધુકના ભડાકા થયાં ને ભડાકા સાથે ભરવાડની આડે રખવાળી કરતો પોઠીયો આરપાર વીંધાઇ ગયો. ભોંય પર ઢળી પડ્યો ને લોહીનો ફુઆરો વછુડીયો, કણસતા પોઠીયાના મોઢાંમાંથી લોહીની ધારા વહે છે, ચારેય પગ પછાડતો, વલખાં મારતો પોતાનાં ધણીને હેમખેમ રાખી પોતાના પ્રાણ છોડી દે છે. ત્યાં ઊભેલા ઘોડેસ્વારોએ પછી વાઘો ભરવાડ અને આલા પર બંધુક રાખીને પોતાનાં સાથીનુ વેર લેવા ભડાકો કર્યો ને બન્ને વીંધાઇ ને ભોંય પર પડયાં છે.. આમ ત્રણેય ઘાયલ થઇને પડેલાં… લોહીમાં તરબોળ ત્રણેય જણ ઢળતી સંધ્યાએ એક સાથે સ્વર્ગ સિધાવ્યા. આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થયાં છે. આજ પણ કાશીપુરા થી એક કિમી પીપળીયા તળાવની પાળે આ ત્રણેય ખાંભી ઓ ઊભી ઊભી આ વાતની સાક્ષી પૂરે છે.
નોંધ::: આ આખલાની જુની જર્જરીત ખાંભી ખંડીત થતાં બીજીવાર પ્રાણ પ્રતિષ્ઠા કરી ૨૦૨૦ મા નવી ખાંભી ખોડેલ છે. બાકી વાઘા ભરવાડની અને આલા રબારીની ખાંભીઓ જે પરિસ્થિતીમા ઉભી થઈ ત્યારની એમજ છે હાલ મોરબી બાજું થી વાઘા ભરવાડની ખાંભી જુવારવા તેનાં વંશજો આવે છે….. આ વાત કરનાર કાશીપુરા ગામનાં વતની મિત્ર એવાં માત્રાભાઇ રબારી એ માહીતી અને ફોટા મોકલેલ છે જેઓનો હું આભારી છું………..
● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐………….ॐ………….卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..