વાતને માથે થઇને દોઢસોએક વરસોનાં વહાણા વાઇ ગયાં હશે ! કાઠિયાવાડની ધરતી માથે વસેલા નવાનગર ઉર્ફે જામનગર શહેરના છેવાડે આવેલા અવાવરુ કૂવાને કાંઠે પેટમાં ઓધાન (મહિના) રહી ગયેલી જુવાન વિધવા બાઇ આપઘાત કરવા મશ્યે ઊભી છે.
‘હે કાળિયાઠાકર! હે મારા નાથ! હવે એકમાત્ર તારો સહારો છે’ એટલું બોલીને કૂવામાં કાયા ફંગોળવા જાય છે ત્યાં પાછળથી આવેલા ધીરગંભીર અવાજે એને અટકાવી.
‘અરર દીકરી ! અનેક પુણ્યો પછી ઈશ્વરે આપેલા મનુષ્ય અવતારમાં આપઘાત કરવો એ તો મહાપાતક-મહાપાપ મનાય છે.’
ત્યારે રડતી રળતી બાઇના મોંમાંથી એટલા જ વેણ નીકળ્યા :
‘બાપા ભલા થઇને મને મરી જવા દ્યો. એક કામી પુરુષે મને ફસાવી ને મહિના રહી ગ્યા છે. એ અપનાવવા નામકર ગ્યો. મા-બાપ, કુટુંબ, સમાજ અને રાજ્યે મને જાકારો દીધો છે. મલકમાં ક્યાંય મોઢું બતાવવા જેવું રિયું નથી. બાપા, મને કૂવો પૂરવા દ્યો.’
‘દીકરી, બાપા, તારે મરવું નથી. તારું લાંબુ આયુષ્ય લખાયેલું છે. ચાલ મારા ઘેર. હું તને મારી દીકરી ગણી તારી સુવાવડ કરાવીશ. કહળા કુટુંબે ભલે તને જાકારો આપ્યો, આ બાપના ઘરેથી તને જાકારો નહીં મળે. ભરોંહો રાખ દીકરી.’
આ પરગજુ પુરુષ હતા જામનગરના પ્રખર વૈદ્યરાજ ઝંડુ ભટ્ટજી. ધન્વંતરિના બીજા અવતાર મનાતા ઝંડુ ભટ્ટે કાઠિયાવાડના મલક માથે આયુર્વેદની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરી વૈદિક વિદ્યાની કીર્તિ ચોતરફ ફેલાવી હતી. આ વૈદ્યરાજ સગર્ભા વિધવાને પોતાને ત્યાં લઇ આવ્યા. પંડયની દીકરીની જેમ જતન કરીને જાળવી અને નવમો મહિનો પૂરો થતાં સુખરૂપ પ્રસુતિ કરાવી. જામનગરના રાજવી જામશ્રી વિભાજીના કાને ઉડતી ઉડતી આ વાત આવી, ત્યારે એમણે ઝંડુ ભટ્ટને બોલાવીને ઠપકારૂપે બે વેણ કીધાં :
‘આપના જેવા કીર્તિપ્રાપ્ત વૈદ્યરાજે આવા લફરામાં ન પડવું જોઇએ.’ ત્યારે બે હાથ જોડીને ઝંડુ ભટ્ટ અત્યંત વિનમ્રભાવે એટલું જ બોલ્યા :
‘બાપુસાહેબ ! આપ રાજવી છો. હું વૈદ્ય છું. અમારો ધન્વંતરિનો ધર્મ છે રોગીને રોગમાંથી ઉગારવાનો, અને મરતા માણસનો જીવ બચાવવાનો. જીવનું જતન કરવાનું ચૂકી જઇએ તો અમારો ધર્મ ચૂક્યા ગણાઇએ. વૈદ્યનો ધર્મ જ જીવને ઉગારવાનો છે. મેં એક વૈદ્ય તરીકે મારી ફરજ બજાવીને એક નહીં બે જીવને ઉગાર્યા છે. એક વિધવાનો અને બીજા એના ઉરમાં રહેલા ગર્ભને. અમે વૈદ્યો કેટલાક રોગો ઓસડિયાં દઇને મટાડીએ તો કેટલાક આશ્વાસન આપીને મટાડીએ. આ જુવાન લાચાર વિધવાને મેં આશ્વાસન આપી મોતમાંથી ઉગારી માનવતાનો અને ધન્વંતરિનો એમ બે ધર્મ બજાવ્યા છે. મેં જે કંઇ કર્યું એ લફરું નથી પણ આયુર્વેદને પ્રતિષ્ઠા આપે એવું ઉપકારક કામ કર્યું છે. મને એનો સારું કાર્ય કર્યાનો સંપૂર્ણ સંતોષ છે.’ વૈદ્યની વાણી જામવિભાજીના અંતરને સ્પર્શી ગઇ. તેઓ અત્યંત રાજી થયા અને એટલું જ બોલ્યા :
‘ઝંડુ ભટ્ટજી જેવા વૈદ્ય મારા રાજ્યમાં છે એનું મને ગૌરવ છે.’
આજે મારે વાત માંડવી છે આયુર્વેદના ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે જેમનું નામ આલેખાયું છે એ ઝંડુ ભટ્ટજીની. એમનું અસલ નામ તો કરુણાશંકર. જાતે પ્રશ્નોરા નાગર ગૃહસ્થ. જામનગરમાં વિઠ્ઠલજી ભટ્ટને ત્યાં વિ.સં. ૧૮૮૭ના વૈશાખ સુદ ૫ના રોજ એમનો જન્મ. એમના કુટુંબમાં વૈદ્યકવિદ્યા ક્યાંથી આવી એ ઘટના પણ જાણવા જેવી છે. જામનગરના કાશીરામ વૈદ્ય એ ઝંડુ ભટ્ટજીના પિતામહ થાય. એમને ‘દિનમણી’ નામના વૈદ્ય પાસેથી આશરે ત્રણસોએક વર્ષ પૂર્વે આ વિદ્યા આકસ્મિક રીતે હાથ લાગી હતી. દંતકથા જેવી અદ્ભુત રસની આ વાત છે.
જૂનાકાળે મુસ્લિમ સલ્તનતના સમયમાં દિલ્હીનો કોઇ શાહજાદો ગુજરાતમાં ખંડણી ઉઘરાવવા અર્થે નીકળેલો. એ વખતે ફરતા ફરતા ગુજરાતના કોઇ એક ગામના પાદરમાં તંબુ તાણીને પડાવ નાખેલો, ત્યાં રાતવરતના કોઇની ઉધરસના અવાજથી શાહજાદાને નિંદર આવતી નહોતી. તેણે તપાસ કરાવી ઉધરસનો અવાજ કરનારને ત્યાંથી હાંકી કાઢવાનો હુકમ કર્યો. તપાસ કરતા વૈષ્ણવ હવેલીના મહારાજશ્રી નીકળ્યા. શાહજાદાના માણસોએ વિનંતિ કરી, ”વૈષ્ણવોના ધર્મગુરુને કાઢી મૂકવાથી હિંદુઓને ખોટું લાગશે એટલે આપણી સાથે ‘દિનમણી’ નામના વૈદ્ય છે એમની દવાથી ઉધરસ બેસી જશે.”
શાહજાદાની આજ્ઞાથી દિનમણી વૈદ્યે આચાર્યશ્રીનું શરીર તપાસીને કહ્યું : ‘મહારાજશ્રી, આપની ઉધરસ નિર્મૂળ થાય તેવી નથી પણ આપ કહો તો બે ચાર વર્ષલગી ઉધરસનું ઠસકું ન આવે તેવું ઓસડ આપું.’ મહારાજશ્રીને ભરોંસો ન બેસતા એક વર્ષની દવા માગી. દિનમણીએ એક ગોળી આપી પથ્ય બતાવ્યું. આથી તેમને એક વર્ષ લગી ઉધરસ ન આવી.
શાહજાદાએ વૈદકવિદ્યાનો આ ચમત્કાર જોયો, એટલે રાજમહેલમાં રંગરેલિયા મનાવવા માટે પોતાના માટે વાજીકરણ ઔષધની માગણી કરી. દિનમણી વૈદ્ય શાહજાદાની પ્રકૃતિ જાણતા હોવાથી અને કડકપણે પથ્ય (પરેજી) ન પાળવામાં આવે તો વાજીકરણનું પરિણામ નુકશાન નોતરે. દિનમણીએ સઘળી વાત સમજાવી પણ શાહજાદાએ હઠ લીધી. છેવટે એમણે વાજીકરણ કરનારા ઔષધિ આપવાનું સ્વીકાર્યું. પણ પથ્ય માટે સખ્ત પહેરો રાખવાની બીજા અમીરો પાસેથી કબૂલાત લીધી અને સસલાનું માંસ, ગોળનો દારૂ અને સ્ત્રીસંગ એ ત્રણે વસ્તુથી સાવચેતી રાખવા જણાવ્યું. વાજીકરણ પ્રયોગ સાત દિવસ માટે હતો, પણ દવાની ગરમીને લીધે શાહજાદાથી રહેવાયું નથી. તેણે પાંચમે દિવસે ત્રણેય વસ્તુનો ઉપયોગ એકી સાથે કરી લીધો.
પરિણામે શાહજાદાને આખા શરીરે ફોડલા ઉપસી આવ્યા અને શરીરમાંથી કાળી બળતરા ઉપડી. આખી છાવણીમાં હાહાકાર મચી ગયો. આ વાતની વૈદ્ય દિનમણીને ખબર પડી. એણે તપાસ કરતાં પથ્ય ન પળાયાની હકીકતની જાણ થઇ, એટલે ”હમણા જંગલમાંથી દવા લઇ આવું છું” એમ કહી છાવણીમાંથી નાસી છૂટયા. અહીં શાહજાદો તરફડીને મરણ પામ્યો એટલે જાહેરમાં આવી શકે એવું ન રહેતા તેઓ સાધુ વેશે ફરતા હતા.
એવામાં દિનમણી વૈદ્યે જે વૈષ્ણાચાર્યની ઉધરસ મટાડી હતી તે ફરતાં ફરતાં જામનગર આવ્યા. તેમની પાસે હંમેશા કાશીરામ ભટ્ટ સાંજે બેસવા જતાં. એક વખત સહુ બેઠા હતા એવામાં મહારાજને સખ્ત ઉધરસ આવી. તે ઉપરથી વાત નીકળતાં, બાદશાહના દિનમણી નામના વૈદ્યે પોતાની ઉધરસ શી રીતે મટાડી હતી અને એક વર્ષ લગી ઉધરસ નહોતી આવી તે વૈદ્યને શાહજાદાની છાવણી છોડીને શી રીતે નાસી જવું પડયું તે સઘળી વાત કાશીરામ ભટ્ટ વગેરે મંડળીને કરી.
ત્યાર પછી કાશીરામ ભટ્ટે મહારાજને ખાનગીમાં કહ્યું કે આપ વર્ણન કરો છો એવા એક માણસ છ માસથી મારે ત્યાં ઉતર્યા છે, અને મને વૈદું શીખવવાનું કહે છે. એ સાંભળીને મહારાજશ્રી કાશીરામ ભટ્ટ સાથે તેમના ઘેર આવ્યા અને જોયું તો તે પોતે જ દિનમણી હતા. મહારાજે પોતાની ઉધરસની વાત કરી ફરી દવા આપવા વિનંતિ કરી. ત્યારે દિનમણી વૈદ્યે કહ્યું : ”મારી સઘળી દવાઓ શાહજાદા સાથે ગઇ એટલે હું લાચાર છું. એવી દવા તો હવે નઇં મળે પણ કાશીરામ ભટ્ટને લખાવું છું તે ઓસડ જ્યાં સુધી લીધા કરશો ત્યાં સુધી દરદ જોર નહીં કરે.” છેવટે દિનમણીએ વિનંતી કરી કે ”તમારા સિવાય અહીં મને કોઇ ઓળખતું નથી. માટે તમે મારી વાત કે મારું નામ બહાર પાડશો નહીં.” આ વાત જામનગરના રાજકવિ શ્રી માવદાનજી રત્નુએ ‘યદુવંશપ્રકાશ’ ગ્રંથમાં નોંધી છે.
આ દિનમણી વૈદ્ય આગળથી કાશીરામ ભટ્ટ ‘ભાવપ્રકાશ’ ગ્રંથ પૂરો ભણ્યા. આ વૈદ્યે દેશી દવાઓના અકસીર પ્રયોગોના કેટલાક ‘ખરડા’ કાશીરામ ભટ્ટને ઉતારી આપ્યા હતા.
એ દિનમણીનું કૃપાપાત્ર વૈદક ભટ્ટ કુટુંબમાં આશરે ત્રણસો વરસથી ઉતરી આવ્યું છે. એ કાશીરામના દીકરા વિઠ્ઠલજી અને વિઠ્ઠલજીના દીકરા તે ઝંડુ ભટ્ટ. ઝંડુ ભટ્ટ ઉર્ફે બાળક કરુણાશંકરનો જન્મ થયો ત્યારે તેમના જન્મ સમયે જ્યોતિષીઓમાં અગ્રગણ્ય એવા પિતાંબર ભટ્ટજીએ તેમની જન્મકુંડળી બનાવીને કહ્યું કે આ બાળકના ગ્રહ એવા પ્રબળ છે કે તે મોટો થશે ત્યારે એના ઘરમાં હંમેશા સવાશેર મીઠું વપરાશે. ભવિષ્યમાં એ જ પ્રમાણે થયું હતું. ઝંડુ ભટ્ટજી પાંચેક વરસની ઉંમરના ઉંબરે અલપઝલપ કરતા હતા ત્યારે તેમના ઘેર એક દંડી સન્યાસી ભીક્ષા લેવા આવ્યા. તેમણે ઘરઆંગણામાં નાના બાળકને રમતો જોઇને તેના પિતા વિઠ્ઠલજી ભટ્ટને કહ્યું : ‘આ તમારા દીકરાને સામાન્ય પુત્ર ગણવો નહીં, આ તો કોઇ યોગભ્રષ્ટ મહાત્માએ તમારા ઘરે જન્મ લીધો છે એ નક્કી જાણજો.’
ઉંમરલાયક થતાં ઝંડુ ભટજીએ જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી મહિધર હરિભાઇ પાસે સંસ્કૃત અભ્યાસ શરૂ કરી સારસ્વત વ્યાકરણ, અમરકોશ, રઘુવંશ જેવા ગ્રંથો ભણ્યા. શાસ્ત્રી કેશવજી મોરારજી પાસે પણ થોડો અભ્યાસ કરીને પિતા વિઠ્ઠલજી પાસે આયુર્વેદનો અભ્યાસ આરંભ્યો. એ વખતે ઝંડુ ભટ્ટજીથી સાત વર્ષ મોટા બાવાભાઇ અચળજી વૈદ્ય ઝંડુ ભટ્ટજીના સહાધ્યાયી હતા.
વિઠ્ઠલ ભટ્ટજીએ પોતાના ઘરમાં ‘ભાવપ્રકાશ’ની પરંપરા ચાલુ હોવાથી ઝંડુ ભટ્ટજીને તે પ્રથમ શીખવી. પછી ચરક, સુશ્રુત, વાગ્ભટ્ટની વૃદ્ધત્રયી વગેરે ગ્રંથો ભણાવ્યા. આ ઉપરાંત તેમના ઘરમાં પિતા વારિના ઘરમાં રહેલા જૂના હસ્તલિખિત ગુટકાનો પણ અભ્યાસ કરાવ્યો. (અગાઉના વખતમાં છાપેલા ગ્રંથોનો પ્રચાર નહોતો ત્યારે વૈદ્યો અનુભૂત પ્રયોગો હસ્તલિખિત ગુટકાઓમાં લખીને સાચવી રાખતા. જે પેઢીપરંપરા ખપમાં આવતા.) આમ દાદાજી કાશીરામ ભટના સમયથી આ નાગર કુટુંબમાં વૈદું ઉતરી આવ્યું.
વૈદકનો પૂરો અભ્યાસ કર્યા પછી ઝંડુ ભટજી પિતા વિઠ્ઠલજી સાથે જામરણમલજીના બંગલે જતા આવતા. રણમલ જામના છેલ્લા મંદવાડ સમયે વિભાજી જામે પોતાના પિતાની માંદગી વિશે વૈદ્યો વગેરે બીજાને ખરા ખબર પૂછેલા. પણ કોઇ તેમને ખરૂ કહેતું નહીં. પરંતુ રણમલ જામના મરણ પહેલાં બે ત્રણ દિવસે ઝંડુ ભટ્ટજીએ વિભા જામને તેમના બાપુની નાડી તપાસીને ખરા ખબર કહ્યા અને તે પ્રમાણે જ બનવાથી જામશ્રી વિભાજીને ઝંડુ ભટ્ટજી ઉપર સંપૂર્ણ વિશ્વાસ બેઠો. એને તે છેવટ સુધી જળવાઇ રહ્યો.
એક વખત શ્રાવણ માસની સાતમ આઠમની સવારી ચડવાની હતી એ વખતે જામશ્રી વિભાજીને ભારે તાવ આવતો હતો. એમણે બધા વૈદ્યોની સલાહ લીધી પણ સવારીમાં આખો વખત હાથી ઉપર બેસી શકે તેવી સ્થિતિમાં લાવી તાવ ઉતારવાની કોઇની હિંમત ચાલી નહીં.
છેવટે વિભાજી જામે ઝંડુ ભટ્ટજીને પૂછ્યું કે ‘તમે હજારોની ઔષધિઓ રસશાળામાં તૈયાર કરી છે. તેમાંથી કોઇ ખપમાં નહીં લાગે ?’ ત્યારે ઝંડુ ભટ્ટજી સૌ વૈદ્યો ભણી નજર નોંધીને બોલ્યા : ‘જુઓ ભાઇ, મહારાજાએ ઔષધાલય તૈયાર કરાવેલું છે. તેમાં ‘રત્નગિરિ’ રસ છે. તે તાવ ઉતારવાનું અનુપમ ઔષધ છે. તે નવીન ઔષધ છે અને હું પણ નવોસવો વૈદ્ય છું. આપ સૌ સંમતી આપો તો આ ઔષધ ચમત્કાર કરી બતાવશે એવો મને વિશ્વાસ છે. ત્યારે જામસાહેબે ઔષધશાળામાંથી રત્નગિરિ રસ લઇ આવવા હીરજી ગાંગાણી નામની વફાદાર વ્યક્તિ સાથે ભટ્ટજીને હાથી માથે બેસાડીને મોકલ્યા. એ રત્નગિરિ રસના અનુપાનથી થોડીવારમાં જામવિભાજીનો તાવ દૂર થઇ ગયો અને મહારાજા પોતે સવારીમાં પધાર્યા. આનાથી જામશ્રીનો વિશ્વાસ ઝંડુ ભટ્ટજીમાં વધુ દ્રઢ થયો. ઝંડુ ભટ્ટના વૈદકશાસ્ત્રના અનુભૂત ઉપચારોની વધુ રસપ્રદ વાતો હવે પછીના ભાગમાં.
તસવીર : કિશોર પીઠડિયા
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ