પ્રાચીનકાળથી ગુજરાત કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું રહ્યું છે. ગુજરાત અને ભારતમાં અગણિત કલા અને હસ્તકલાઓનો સૂર્ય એક કાળે મધ્યાહ્ને તપતો હતો. ગુજરાતના કામણગારા કલાકારોના હાથે તૈયાર થયેલા બેનમુન નમૂનાઓનું વિદેશોનાં બજારોમાં મોટા પાયે વેચાણ થતું. જૂનાકાળે આપણે ત્યાં હસ્તકળાકારીગરી ખીલી તેમાંની એક વસ્ત્રવણાટની પણ કલા હતી. અંગ્રેજોના રાજ્યામલ દરમ્યાન આપણે ત્યાં કાળાધૂમાડા ઓકતી મીલો આવી એણે વસ્ત્રવણાટના કારીગરોનાં કાંડાં કાપી નાખ્યા. એક કાળે જાહોજલાલી ભોગવતા આપણા વસ્ત્રવણાટ ઉદ્યોગના વળતાં પાણી થયાં. આવો હું તમને પ્રાચીનકાળના વસ્ત્રવણાટ સુવર્ણકાળના દર્શને લઇ જાઉં.
ગુજરાતની વસ્ત્રકળાના ગૌરવવંતા ઈતિહાસ પર ઉડતી નજર કરીશું તો જણાશે કે ભારતમાંથી પશ્ચિમના દેશો સાથે કાપડનો નિકાસવ્યાપાર મોટે ભાગે ભરૂચ બંદરેથી થતો. (આજે બંદર બુરાઇ ગયું છે.) મહાભારતના સમયમાં રાજસૂય યજ્ઞ વખતે આપવામાં આવેલી ભેટસોગાદની એક યાદીમાં એવો નિર્દેશ મળે છે કે ભૃગુકચ્છના માણસો સુતરાઉ વસ્ત્રોમાં સજ્જ થયેલી દાસીઓ લાવ્યા હતા. ગ્રીકલોકો જેને ‘આર્યગાઝ’ તરીકે ઓળખતા તે ભરુચમાંથી સારામાં સારી જાતના રૂની નિકાસ કરવામાં આવતી. નિર્દેશ તો એવો પણ મળે છે કે તે કાળે એટલે કે ભરુચનો અખાત જહાજી આવનજાવન માટે બહુ દુર્ગમ હોવા છતાં અહીંતી ભારતની મલમલની પશ્ચિમના દેશો ખાતે નિકાસ થતી, એમ ડૉ. મંજુલાલ મજમુદાર નોંધે છે.
ભારત પર આક્રમણ કરીને મુસ્લિમોએ પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું તે પહેલાના સમયથી ભારત ઈરાન, મધ્ય એશિયા અને ચીન સાથે વ્યાપારી સંબંધોથી જોડાયેલું રહ્યું હતું. ફુસ્ટાટ ખાતેથી આર. પિસ્ટરને છાપેલા સુતરાઉ કાપડના સંખ્યાબંધ નમૂના મળ્યા છે તેમાં મિસરની બનાવટના કાપડની સાથે ભારતીય બનાવટના અનેક ટુકડા મળ્યા હતા. તેણે છાપકામના આધાર પરથી એનું વર્ગીકરણ કર્યું છે તે ઉપરથી ૧૨મીથી ૧૬મી સદી દરમ્યાન ગુજરાતનાં છાપેલાં વસ્ત્રો પર કઇ કઇ જાતની ભાત છાપવામાં આવતી તેનો તવારીખી ખ્યાલ મળે છે. છાપેલાં વસ્ત્રો પરની આ વૈવિધ્યપૂર્ણ ભાતોનું પૃથક્કરણ કરતાં જણાય છે કે સાદી,પટાદીર રંગીન, વર્તુળાકાર, ચક્રાકાર, ઘનચોરસાકાર ચોકડી ભાતની નાનાં નાનાં ફૂલોવાળી, ઝીણાં ઝીમાં ટપકાંવાળાં વર્તુલોવાળી, છટાપૂર્વક ફૂલોની ગોઠવણી કરી હોય એવી ચક્રઢબની અને વાંકીચૂંકી સર્પાકૃતિવાળી ભાતો – આ બધી તે કાળની વૈવિધ્યપ્રચુર ભાતોની લાક્ષણિકતા હતી.
આમ ગુજરાતમાં છેક પ્રાચીનકાળથી તમામ જાતનું સુતરાઉ કાપડ ગંજાવર જથ્થામાં ઉત્પન્ન થતું. ભરુચ ખાતેથી દુનિયાના ઘણા દેશોમાં જાત જાતના સુતરાઉ કાપડની મોટાપાયે નિકાસ થતી. આજથી ૫૦૦ વર્ષ પૂર્વે ખંભાત ગુજરાતનું મુખ્ય અને મહત્વનું બંદર હતું. ભાતીગળ વસ્ત્રોના ઉત્પાદનકેન્દ્ર તરીકે ખંભાત નગરની સારી આંટ (શાખ) જામેલી હતી. મુસ્લિમ શાસનકાળના આરંભથી છેક સને ૧૭૫૧ સુધી આ જાહોજલાલી રહી. આમ સુતરાઉ કાપડની નિકાસ માટે ખંભાત મુખ્ય બંદર હતું. ખંભાતમાં સફેદ સુતરાઉ કાપડ ઉત્પન્ન થતું, અને વસ્ત્રો પર છાપકામ પણ થતું. આ બેઉ પ્રકારના કાપડની દરિયામાર્ગે અરેબિયા, ઈરાન તથા ભારતના અન્ય ભાગોથી લઇને મલાક્કા, સુમાત્રા, પેગુ અને મોમ્બાસા સુધી નિકાસ થતી. કાપડની અન્ય જાતોને બ્લીચ કરવામાં આવતી અને પછી બંને ટુકડાઓને સાંધીને તેના પર નયનરમ્ય છાપકામ કરવામાં આવતું. ભારત પ્રવાસીઓના જૂના અહેવાલો જોતાં જણાય છે કે ખ્રિસ્તીયુગના આરંભકાળથી ભારતના સાગરકાંઠાના વિસ્તારોમાંથી પણ સુતરાઉ કાપડની નિકાસ થતી. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં જુદી જુદી જાતના કાપડનું મોટાપાયે ઉત્પાદન થતું હતું.
ગુજરાતના વસ્ત્રોત્પાદક સ્થળોમાં જૂનાકાળે અમદાવાદનું સ્થાન મોખરાનું હતું. ટેવર્નિવયરના જણાવ્યા મુજબ અમદાવાદે સત્તરમી સદી દરમ્યાન કાપડઉત્પાદનની બાબતમાં એશિયાભરમાં પ્રશંસા પ્રાપ્ત કરી હતી. એશિયાના દેશોમાંથી એક પણ દેશ એવો નહોતો કે જેના વેપારીઓ અમદાવાદમાં કાપડ ખરીદવા ન આવતા હોય! અમદાવાદ માત્ર સુતરાઉ જ નહીં રેશમી કાપડ ઉત્પાદનનું બહુ મોટું મથક હતું. વિદેશીઓએ પણ એની નોંધ લીધી છે. હેમિલ્ટન (૧૯૨૭)ના જણાવ્યા અનુસાર અમદાવાદમાં રંગીન અને ભાતીગળ વસ્ત્રોનું ઉત્પાદન અને એનો વ્યાપાર બંને ધમધોકાર ચાલતા. અમદાવાદ નગર કાપડઉત્પાદનની બાબતમાં યુરોપના શ્રેષ્ઠ નગરની તુલનામાં જરાય ઉતરતું નહોતું. મહેમદાવાદ અને નડિયાદમાં પણ કાપડનું ઉત્પાદન બહુ મોટાપાયે થતું હતું.
ખંભાત બંદરની જાહોજલાલી સને ૧૭૫૧ સુધી રહી ત્યાર પછી સુરત મક્કાનું પ્રવેશદ્વાર બનતાં ખંભાત બંદરનું મહત્ત્વ ઘટવા માંડયું. દક્ષિણ ગુજરાતમાં સુરત એ પશ્ચિમ કાંઠા પર મોગલ સામ્રાજ્યનું મુખ્ય બંદર રહ્યું હતું. ત્યાંના બજારોમાંથી ઊડીને આંખે વળગે તેવા રંગબેરંગી બારીક વસ્ત્રો ખરીદવા ત્રણે ખંડમાંથી વેપારીઓના પૂર ઊમટતાં. ઈરાન અને આર્મેનિયાના વેપારીઓ તો ત્યાં ઉત્પન્ન થતાં સુંદર વસ્ત્રો ખરીદવા માટે અહીં આવતા. સુરત વણાટકામ અને ભાતીગળ ભરતકામ માટે જગમશહૂર હતું. સુરત ઉપરાંત ગણદેવી, નવસારી અને વલસાડમાં પણ સૂતરાઉ કાપડ અને બાફતાનો ધંધો ધમધોકાર ચાલતો. સુતરાઉ કાપડના ઉદ્યોગમાં ગુજરાતે પોતાનું વર્ચસ્વ છેક મોગલકાળના અંત સુધી જાળવી રાખ્યું હતું, એમ ડૉ. મંજુલાલ મજમુદાર નોંધે છે.
ગુજરાતમાં સુતરાઉ કાપડના ઉત્પાદનની સાથોસાથ રેશમઉદ્યોગ મૂળ પાટણમાં જન્મ્યો હતો. પાટણનાં પહોળાં વિશ્વવિખ્યાત છે. ગુજરાતમાં લગ્ન પ્રસંગે સુખી-સંપન્ન ઘરની કન્યાઓ પટોળાની સાડી પહેરતી. પટોળું એ સંસ્કૃત શબ્દ પટ્ટમાંથી બન્યો છે. સંસ્કૃતમાં ‘પટ્ટોલિક’ એટલે રંગની પેટી થાય છે. ઈન્ડોનેશિયામાં પણ લગ્ન વખતે પટોળાની સાડી પહેરાય છે. પટોળાનો રંગ કુમાશ, સુંવાળપ બધું જ અદ્ભૂત. ગુજરાતમાં પટોળા ઉદ્યોગ એક હજાર વર્ષ જેટલો પુરાણો છે. દસમી સદીમાં ગુજરાતના રાજવી મૂળરાજે દક્ષિણમાંથી સાળવીઓને બોલાવીને વસાવ્યા હતા. ૧૧મી સદીમાં સિધ્ધરાજની માતા મયલ્લાદેવીએ પણ બોલાવ્યા હતા. આજેય અવશેષરૂપે પાટણમાં થોડાંક સાળવી પરિવારોએ આ પરંપરાને જીવની પેઠે જતન કરીને જાળવી રાખી છે., પટોળાના રંગ એટલા બધા પાકા હોય છે કે વસ્ત્ર ફાટે પણ એનો રંગ ઝાંખો ન પડે. એની એક કહેવત પણ જાણી છે, ‘પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નંઇ.‘ આ પટોળાની કેટલીક ભાતો રાણકીવાવના શિલ્પોમાં કંડારાયેલી આ લેખકે નજરે નિહાળીને એની તસવીરો પણ લીધી છે. લાટ પ્રદેશના ગુપ્ત સમયના રેશમના વણકારોના ગૌરવનો ઉલ્લેખ મંદસોરના શિલાલેખોમાં પણ જોવા મળે છે.
ગુજરાતના વસ્ત્રવણાટ ઉદ્યોગમાં મહત્વનું સ્થાન ધરાવતા લોકબરના કાપડ છીંટની વાત વગર આ લેખ અધુરો જ રહે. આજે ગામડાના લોકજીવનમાંથી સાવ લુપ્ત થઇ ગયેલા છીંટના કાપડની એકકાળે બોલબાલા હતી. ભારતમાં આઝાદી આવી ત્યાં સુધી ગામડાઓમાં ગાદલાની ખોળો માટે છીંટનું કાપડ જ વપરાતું. છીંટ શબ્દ યુરોપિય ભાષાઓ, અંગ્રેજી ભાષા અને ભારતીય ભાષામાંથી જેમનો તેમ સ્વીકારી લેવામાં આવ્યો છે. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના પ્રારંભના રેકર્ડમાં પણ આ કાપડનો છીંટ તરીકે જ ઉલ્લેખ મળે છે. શ્રીમતી મરફીના માનવા મુજબ ‘છાંટણા’ જેવા ભારતીય શબ્દમાંથી અંગ્રેજી ઉચ્ચારણને લઇને ‘છીંટ’ શબ્દ બન્યો હશે! આ કાપડ પરની મનોહર ભાત વડે યુરોપના બજાર અને ખરીદનારની સુશોભનાત્મક કાપડ માટેની ચોક્કસ દ્રષ્ટિ ખીલવવામાં ભારતીય રંગારા અને છીપા કલાકાર કસબીઓએ પરોક્ષરીતે મોટો ભાગ ભજવ્યો હોય તેમ જણાય છે એમ શ્રી ઉષાકાન્ત મહેતા નોંધે છે…
આ છીંટ સંબંધે પણ થોડી વાત કરી લઇએ. હાથથી ચિતરાયેલ કે છપાયેલ રેઝીસ્ટ પ્રક્રિયાથી વનસ્પતિજન્ય રંગનો ઓપ આપી ૧૭મી અને ૧૮મી સદીઓમાં યુરોપના બજારોને ધ્યાનમાં રાખીને ભારત કાતે તૈયાર કરાયેલ ચોક્કસ પ્રકારનું કાપડ તે સમયે છીંટ કહેવાતું. ક્યારેક માનવ આકૃતિ સાથે અને મહદ્ંશે પ્રાણી અને પક્ષી આકૃતિ સાથે વૃક્ષની પ્રસરેલી ડાળી, પાંદડાં અને ફૂલભાતની વિપુલતાયુક્ત અને ચોક્કસ શૈલી ધરાવતું આ ભારતીય કાપડ ૧૭મી અને ૧૮મી સદીમાં બ્રિટન અને યુરોપના બજારોમાં અતિ લોકપ્રિય થયું હતું. એ કાળે એની લોકપ્રિયતા એટલી વધી ગઇ કે ઈંગ્લેન્ડ અને ફ્રાંસની સરકારોને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી. વિકટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના અધિકારી શ્રીમતી વેરોનિકા મરફી લખે છે કે આ પ્રતિબંધ-ધારામાં રહેલી ક્ષતિઓનો લાભ ઊઠાવીને યુરોપના બજારોમાં તેની આયાત થતી. દાણચોરી પણ થતી. આ પ્રકારનું ભારતીય કાપડ દિવાલના સુશોભન માટે અને બિછાના પર પાથરવામાં વપરાતું. અંજારમાં આવેલા કંપની સરકારના સમાહર્તા મેકમર્ડોએ અંજારમાં પોતાના બંગલામાં બનાવેલાં કમાગરી શૈલીના ચિત્રોમાં છીંટના ભાતપ્રતીકોનો ભરપટે ઉપયોગ કર્યો છે. છીંટની સુશોભન ભાતમાં ઈરાનની ચિત્રણાની સ્પષ્ટરૂપે જોઇ શકાય છે.
સૌરાષ્ટ્ર વસ્ત્રણાટની કળા સાથે દીવ બંદરની જેઠીબાઇની ઓઢણીની અનોખી અને રસપ્રદ કથા જોડાયેલી છે. ૧૭મી સદીમાં પશ્ચિમ ભારતમાં કાપડવણાટ અને સુંદર રંગાટીકામની બોલબાલા હતા. દીવ બંદરેથી આ માલ યુરોપ, ઈરાન, જંગબાર અને છેક મોઝામ્બિક સુધી જતો, એ સમયની આ વાત છે.
૧૭મા સૈકાના અધવચના ગાળામાં દીવ બંદરમાં જેઠીબાઇ નામની એક બાઇ રહે. કચ્છ-માંડવીના પંજ ખત્રીની એ વહુ થાય. વર-વહુ બંને મળીને પોતાનું વણાટનું અને રંગવાછાપવાનું કારખાનું ચલાવતા ૩૦૦ કારીગરો તેમાં કામ કરતા. એ કાળે ખ્રિસ્તી પાદરીઓ દીવમાં રહેતા. તેમની વટાળ પ્રવૃત્તિને મદદ કરવા ફિરંગી સરકારે પોતાના સંસ્થાનોમાં એવો કાયદો કર્યો કે જે બાળકોના માબાપ જીવતાં ન હોય, અને જે પરણ્યા ન હોય તેવાં બધાં બાળકેને બળજબરીથી વટલાવી કિરસ્તાની બનાવવામાં આવે. ખ્રિસ્તી પાદરીઓની આ સત્તાને દીવનો ગવર્નર પણ રોકી શકતો નહીં. વટલાવેલા છોકરાઓની માલમિલ્કત જપ્ત કરી લેવામાં આવતી.
એ સમયે જેઠીબાઇના કારખાનાનો એક કારીગર મૃત્યુ પામ્યો. તેની પાછળ માત્ર એક છોકરો હયાત હતો. માબાપ વગરના છોકરાને ખ્રિસ્તી પાદરીઓ વટલાવશે ને બધી મિલ્કત હડપ કરી લેશે, એ જાણીને જેઠીબાઇનું વહાલસોયું હૃદય હચમચી ઊઠયું. નમાયા બાળકની પોતે માતા બની. ઘડિયા લગન ઉકલી ગયા પછી તેના પિતાનું શબ ઘરમાંથી બહાર કાઢ્યું. તેના મરણના સમાચાર સાંભળી પોલિસ અધિકારીઓ કારખાનામાં આવી ધમાલ કરવા માંડયા. જેઠીબાઇએ કહ્યું ઃ ‘છોકરો પરણેલો છે. હિંદુ લગ્ન કદી ફોક થતાં નથી.’ એ પછી સરકાર સાથએની વારંવારની અથડામણથી જેઠીબાઇને ઊંડો આઘાત લાગ્યો. એણે આ કાળો કાયદો રદ કરાવવા પોલાદી સંકલ્પ કર્યો. વસ્ત્રવણાટની ખરી કથા હવે આરંભાય છે.
જેઠીબાઇએ બેરિસ્ટર ખરશેદજી ધનજી પારસી પાસે પોર્ટુગીઝ ભાષામાં એક અરજી લખાવી. પછી ઓઢણીરોખું સુતરાઉ વસ્ત્ર વણાવીને તૈયાર કરાવ્યું. તેની કોરેમોરે રંગબેરંગી ફૂલવેલ્ય છાપી. બાંધણીની અનેક ભાતો આછા રંગમાં છાપી. પછી પોર્ટુગીઝ ભાષાના લખાણ પ્રમાણે તેના અક્ષરોનાં બીબાં કોતરાવ્યાં. પોર્ટુગલની રાણીથી વાંચી શકાય તે માટે જેઠીબાઇએ ફરિયાદ અરજી રાણીની ભાષામાં અને લિપીમાં છાપી.
છાપેલી અરજી લઇને જેઠીબાઇ ફતેમારી બોટમાં બેસીને ૧૪ દિવસે ગોવા પહોંચ્યા. ધોળે દિવસે હાથમાં સળગતી મશાલ લઇને ન્યાય મેળવવા ગવર્નરના બંગલે ગયાં. સોનાના તારથી વણેલા કિનખાબની થેલીમાં મૂકેલી પેલી અરજી તેમની આગળ ધરી. પોર્ટુગલની રાણીને કરેલી અરજી તેમણે વાંચી. ગવર્નરે એ રાણીને મોકલી આપી. પોર્ટુગલ રાણીએ અરજી વાંચી. એમનું હૃદય દ્રવી ઊઠયું. એમણે સંસ્થાનમાંના નામોશી ભરેલા હુકમને તત્કાળ રદ કર્યો. ઓઢણીના કાપડ ઉપર બીબાંથી છાપેલી અરજીને ‘જેઠીબાઇની ઓઢણી (પાન-દ-જેઠી) એવા નામથી ઓળખવાનું શરૂ કર્યું. રાણીના હુકમને તાંબાના પતરામાં કોતરાવી, દીવમાં જાહેર મેળાવડો કરીને પ્રજાજનોને ભેટ આપી જેઠીબાઇનું બહુમાન કર્યું, અને એ બહાદુર સ્ત્રીના ઘર આગળ અઠવાડિયામાં એક દિવસ લશ્કરી બેન્ડ વગાડવાની સૂચના આપી. રાજ્યના અધિકારીઓ જેઠીબાઇના મકાન આગળથી પસાર થાય ત્યારે માથેથી હેટ ઉતારી જેઠીબાઇને માન આપવાનો હુકમ કર્યો. ગુજરાતના વસ્ત્ર ઉદ્યોગની આવી વાતું છે ભાઇ! શાહી જમાનામાં ગુજરાતની કારીગરીના છાપેલા તથા રેશમ અને કસબથી ભરેલાં ઉમેરાવો દ્વારા ખરીદાયેલા નમૂના આજે લંડનના સંગ્રહસ્થાનોમાં મોજૂદ છે. (ચિત્ર – ઉષાકાન્ત મહેતા)
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ