આપણા કવિઓએ વાણીના-કરૂણ, શાંત, રૌદ્ર, શૃંગાર, બિભત્સ, હાસ્ય એવા નવ રસ કહ્યા છે. બાજંદો (કુશળ) લોકવાર્તા કથક કંઠ અને કહેણી દ્વારા નવેનવ રસની અનુભૂતિ આપણને અદ્ભૂત રીતે કરાવે છે. લોકજીભે ફરતી તરતી લોકવાર્તાઓ સમાજમાં શિક્ષણ અને સંસ્કાર-ઘડતરનુ કામ જૂનાકાળથી કરતી આવી છે. સમાજ જીવનના આચાર-વિચાર, શિષ્ટાચાર, ભ્રષ્ટાચારનું પ્રતિબિંબ એમાં સુપેરે ઝીલાય છે. ભ્રષ્ટાચાર અને લાંચરૂશ્વતની બદી વર્તમાન સમાજની જ નહીં પણ પરંપરાથી ચાલતી આવેલી સાર્વત્રિક સમસ્યા છે. જૂના કાળે અભણ આદમી પોતાની અક્કલ હુંશિયારીથી ભ્રષ્ટાચારીઓને કેવો પાઠ ભણાવતા તેની હાસ્યરસથી છલકાતી આકરુ ગામના અભણ ભરવાડ કુંવરા મેવાડા પાસેથી સાંભળેલી મજેદાર મનોરંજક લોકકથા આજે વાચકોને કહેવી છે.
ભાલપંથકમાં આવેલા આકરુ ગામમાં વનેચંદ કરીને એક વાણિયો રિયે. આ વાણિયો જબરો જુગારી. જુગાર રમવા બેહે ત્યારે ખાવાપીવાનું, ઘરબાર, બૈરીછોકરાં, સંઘુય વીહરી જાય. ખાખી બાવાને જ્યમ ગાંજાનું બંધાણ હોય, હરખડા બંધાણીને જ્યમ અફીણનું બંધાણ હોય ઈમ આને જુગારનું બંધાણ વળગેલું હો ભાઈ. એવામાં એક દિ’ના સમયે જમનાશંકર જોશીએ વાણિયાના હાથમાં પડેલી આડી-અવળી રેખાયું જોઈને કીઘું ઃ
‘વનેચંદ શેઠ ! તમારા માથે સાડા ત્રણ દિ’ની પનોતી લોઢાના પાયે બેઠી છે. જો સાડા તૈણ દિ’ની અવધ વટાવી જાવ તો નસીબદાર, નંઈ તો એવી કઠણી માંડી છે કે તમને સીધો ફાંસીનો ઓર્ડર મળશે.’
‘જોશી મા’રાજ ! તમારી વાત ખોટી પડી તો ?’
‘જમનાશંકર જોશીના જોષ ખોટાં પડે તો આ ટીપણાં સીધો તળાવમાં જઈને પધરાવી આવું. ડોકમાં જનોઈના ત્રાગડા રાખવાનું ને કપાળમાં ત્રિપુંડ તાણવાનું બંધ કરી દઉં. બ્રાહ્મણનો દીકરો મટી જાઉં.’
જમનાશંકરની વાતથી બી ગયેલો આ વાણિયો ઘરના કમાડિયાં વાસીને મંઈ સાંકળ ઠસકાવીને સૂઈ ગયો. એમ કરતાં કરતાં એક બે દિ’ના વહાણાં વાઈ ગયાં. ત્રીજો દિવસ બાકી રહ્યો ત્યારે વહેલી સવારના વનેચંદ વાણિયો પોટલિયે (લોટે) જવા બા’રો નીકળ્યો. પાદરડામાં લોટે જઈ પરબાર્યો ઘરભણી વળી નીકળ્યો.
ઈમાં બરોબર ગામના પાદરમાં માતાના મઢના ચોકમાં ચાર જુગારીઓ એક પઠાણ હાર્યે જુગઠે રમવા બેઠેલા. ત્રણ દિ’ના નરણા માણસને ભાવતું ભોજન ભાળી મોઢામાંથી પાણી વછૂટે એમ જુગઠિયાઓને જુગઠે રમતાં ભાળી આ વાણિયાનો જીવ ઝાલ્યો નો રહ્યો. એને થયું કે લાવ્યને જીવ, ભેગાભેગી એક દા’ રમી લઉં. એમ વિચારીને આ વનેચંદ વાણિયે ગજવામાંથી રોકડા રૂપિયા કાઢીને દાવ માંડ્યો. દાવ માંડતા જ હારી ગયો. ફેર દાવ માંડ્યો. ફેરેય હારી ગયો. બંધાણીને જેમ અફિણ દાઢે લાગી જાય એમ વાણિયાને જુગાર દાઢે લાગી ગ્યો. રૂપિયા ખૂટી જતાં એણે કળશ્યો દાવમાં લગાવ્યો. ઈ ય હારી ગયો ત્યારે મહંમદીખાન પઠાણ શું કહે છે ? ઃ
‘વનેચંદ શેઠ ! હું ઉધાર નથી રમતો. આ તો રોકડાની રમત છે. ગજવામાં પૈસા લઈને પછી રમવા બેહો.’
‘ભલા માણસ ! મારી પાઘડીની તો શરમ ભર્ય.’
‘જુગારમાં પાઘડી ને ઘાઘરી બેની શરમ નો હાલે શેઠિયા !’
‘પણ કાંઈ કરતાં ?’
‘કાંઈએ નંઈ. રોકડા રૂપિયા લઈને રમવા બેહો.’
‘ભલા માણસ, હું હારી જાઉં તો મારા પંડમાંથી સવા શેર માટી લઈ લેજે. પછી કાંઈ ?’
ઇમ કરીને વનેચંદ વાણિયે પાછો દાવ માંડ્યો. ઇમાં ઓલ્યા ત્રણ દિ’વાળી પનોતી આડી આવી ને કરમફૂટલો વાણિયો હારી ગ્યો, ત્યારે પઠાણ ડોળા કાઢીને તાડુક્યો ઃ
‘શેઠિયા, આપી દો મને તમારી સવા શેર માટી.’
‘ભલા માણસ, તું મારા અંગમાંથી સવાર શેર માટી કાઢી લે તો હું મરી જ જાઉં ને ! ઈ સિવાય તુુ માગ્ય ઈ આલું.’
‘મારે હવે બીજું કાંઈ નો જોવી. સવા શેર માટી આલ્ય તો જ હા. નિકર ના.’
‘તો હાલ્ય, આપણે ધંઘુકે દરબારી કોરટમાં નિયા (ન્યાય) કરાવા જાઈં. જે ન્યા (ન્યાયાધિશ) કિયે ઈ તને આપી દઉં.’
એમ વડછડ કરતાં બે ય જણા ધંઘુકે જવા નીકળ્યા. ઈમાં મારગ માથે ખરડ જેવું એક ગામ આવ્યું. ગામના પાદરે પહોંચ્યા એટલે વનેચંદને તરસ લાગી. ગામમાં જતાં એક વાણિયાનું ઘર આવ્યું એટલે એણે પઠાણને કહ્યું ઃ
‘તમે ઘડીસાત્ય ઊભા નો રહો ? મારું ગળું સૂકાઈ ગ્યું સે. બે કોગળા પાણી પીને ઊભા પગે વહ્યો આવું છું.’ વનેચંદ આ વાણિયાની ખડકીમાં દાખલ થ્યો. ઈમાં આ ઘરધણી વાણિયાની વહુ વાલી સવા મઈનાના ધાવણા છોકરાને ધવરાવી. ખાટલામાં સુવરાવી રહોડા ભણી વળી ત્યાં વનેચંદે સાદ દીધો ઃ
‘બોન ઃ થોડુંક પાણી પાવને !’
‘શી નાતે છો ભઈ’
‘વાણિયો છું.’
‘ઘર કીનું છે વાણિયાનું છે.’
હવે અહીં વાણિયણ ઘરમાં પાણિયારે પાણી લેવા ગઈ. ત્યાં વનેચંદને વિચાર આળ્યો કે આ પઠાણ નક્કી મને મારશે. ઈની મતિ મૂંઝાઈ ગઈ, ને ભફ દેતો ખાટલા માથે પડ્યો. ઈમાં ઓલ્યું છોકરું આવ્યું હેઠ. વાણિયાના ભારથી સવા મહિનાનું છોકરું રોઈ નો શક્યું ને મૂંઝાઈને મરી ગ્યું. હવે અહીં વાણિયણ પાણીનો કળશ્યો ભરીને આવી. આવતાં જ એના હૈડામાં ફાળ પડી. પાણીનો કળશ્યો ફળિયામાં ફંગરોટતા એ બોલી ઃ
‘મારા ભૈ નહોદા. ચેવો મૂવો છું ? મારો સવા મઈનાનો છોકરો મારી નાખ્યો ! મારો છોકરો હતો એવોને એવો લાવી દે.’
વનેચંદ પોદળા જેવો ઢીલોઢફ થઈ ગયો. પછી બે હાથ જોડીને બોલ્યો ઃ ‘અરે બોન, તારો છોકરો હવે હું ચાંથી લાવી દઉં ? હું ભૂલમાં ઉપર બેઠો નો બેઠો ઈ થોડું થાય ?’
‘નંઈ મારો સવા મઈનાનો છોકરો લાવી દઈને પછી ખડકી બા’રો પગ મૂકજો.’ એમ બોલતી, રોઈ રસળતી વાણિયણે તો ગામને કર્યું ભેગું. ત્યારે વનેચંદ બોલ્યો ઃ
‘શું કરું ? મારું નસીબ જ ફૂટલું છે. સાડા ત્રણ દિ’ની કઠણી પૂરી થઈ નથી એટલે પાણા પગ ઉપર આવી આવીને પડે છે. આ પઠાણ નિયા લેવા આવે છે ઈમ તું ય હાલ્ય મારી ભેળી ધંઘુકે. ત્યાં કોરટ જે નિયા કરે ઈ તને આલી દઈશ.’
આ તો ત્રણેય ત્યાંથી ચાલ્યા. વાંહે વાંહે ખરડના પાંચપચ્ચીસ વાણિયા ને એમને લાગતાવળગતા ય ચાલ્યા. એકાદ ગાઉ આઘેરેક પોગ્યા ત્યાં સડક આવી. સડકના માથે એક મિયાંભૈનું ટારડું ઘોડું તબડક તબડક કરતું વ’યું આવે. વાંહે લફડફફડ લેંઘો કરતા મિયાંજી દોડ્યા આવે. આ મિયાંએ હાંકલો કર્યો ઃ
‘એ ભૈ ! મારી ઘોડી પાછી વાળજે, જરીક.’
આ વનેચંદ વાણિયે કરમસંજોગે બે હાથ ઊંચા કરીને હે…ઈ…ઈ…ક કર્યું ઃ ઈમાં મારું બેટું ઘોડું એવું આકળું ને તે ચારેય પગે કૂદયું, કૂદતાંકને પડ્યું ખાળિયામાં. ખાળિયાની ધાર વરામની વાગતાં ઘોડું મરી ગયું, એટલે ઓલ્યો મિયાં ડંડિકો લઈને ફરી વળ્યો.
‘બનિયા, મેરી ઘોડી લા દે.’
‘તારી ઘોડી તેં કીઘું ને મેં પાછી વાળી.’
‘તો તારે પાછી નહોતી વાળવી. શું લેવા વાળી ?’
‘અરે ભૈ. તું કે’ એવું પાંચ પચ્ચીહનું ટટ્ટુ લઈ દઉં.’
મિયાં ભૈ કહે ઃ ‘નંઈ મારે હતી એવી ઘોડી જ જોવી.’
‘આવી ઘોડી હું ચ્યાંથી આપું ? આ તૈણ નિયા લેવા આવે ઇમ તું ય ભેળો હાલ્ય.’
આ બધા વહટી કરતાં કરતાં ઉપડ્યા ધંઘુકાના મારગે. ઇમાં વનેચંદને વિચાર આવ્યો કે આ ત્રણ નિયા લેવા આવે છે ઈમને હું કોરટમાં શું જવાબ દઈશ ? ઇમ વિચાર કરતાં કરતાં ગર્યા ધંઘુકા ગામમાં. ઇમાં એક મુસલમાનનો મહોલ્લો. ઇમાં સાત માળનો બંગલો. બંગલા હેઠ સોએક વરહનો બાબો સાબ્ય સવાએક મણના ગાદલામાં વાહરવો સૂતેલો.
હવે આયાં વનેચંદને થયું કે કોરટમાં જાવું ને અવળાસવળા જવાબ દેવા ઇના કરતાં મરી જ જઉં નઈં. કોઈને પૂછ્યા ઘાસ્યા વગર આ વનેચંદ વાણિયો સાત માળના બંગલે ચડ્યો. મરવા માટે ઉપરથી પડતું મેલ્યું. ઈ જે પડ્યો ને ઓલ્યા બાબાસાબ્ય ઉપર, તે બાબોસાબ્ય મરી ગ્યો ને કરમનો બળિયો વાણિયો જીવી ગ્યો.
‘આપણો બાબોસાબ્ય મરી ગ્યો.’
‘આપણો બાબોસાબ્ય મરી ગ્યો.’ ઈમ દેકારો કરતાં મહોલ્લાના બધા માણસો ભેગા થઈ ગયાં. ઇમાં આ વાણિયો ઝલાઈ ગયો. ઈ ઢીલા પગે ને વીલા મોંએ બોલ્યો ઃ
‘બાબાસાબ્યનું બીજું, તીજું જે કંઈ થાતું હોય ઈ કરો. ઈની આરીકારીનું પાંસપચ્ચીહનું ખરચ હું આપું.’
આ બધા કહે ઃ ‘નંઈ અમારો હતો એવો ને એવો બાબોસાબ્ય લાવી દે.’
વનેચંદ કહે ઃ ‘હું તમારો બાબોસાબ્ય હવે ક્યાંથી કાઢું ! આ ત્રણ છે એવા ચારમા તમે હાલો કોરટમાં. જે નિયા થાશે ઈ શાહજોગ દઈ દઈશ.’
ધડબડાટી કરતું આખું ટોળું આવ્યું કોરટમાં ભાઈ ! ઈમાં બરોબર સાડા ત્રણ દિ’ પુરા થયા. વનેચંદની પનોતી હતી ઈ પૂરી થઈ ગઈ. કોરટરમાં જઈને વનેચંદ વાણિયે બીજું તો કંઈ નો કીઘું પણ સડપ દઈને ચાર હાથની ચાર આંગળિયું ઊંચી કરી.
‘સાબ્ય, ચાર કેસ છે.’
ઓલ્યા દરબારી જજસાહેબ સમજ્યા કે મને ચાર હજાર રૂપિયા આપવાના કર્યા, એટલે ચાર કેસ ઉડાડી મેલું તો ચાર હજાર રૂપિયા મળી જાય. હવે ગમે ઈ રીતે વાણિયાને જીતાડવો. એટલે જજ ઓલ્યા પઠાણને શું કિયે છે ?
‘શું છે ભૈ તારું ?’
‘આ વાણિયો મારી હાર્યે સવા શેર માટી હારી જીયો છે.’
‘ઈ માટી હારી ગ્યો છે ઈ વાત ખરી, પણ ઈના અંગમાંથી કેવી રીતે આલે ? તું જે ઈની કિંમત કર્યે ઈ આપી દે.’
‘નંઈ સાબ્ય, મારે તો ઈની સવાશેર માટી જ જોવી.’
‘તારે વાણિયાની માટી જ લેવી છે ને ? તો લે આ તરવાર ને કર્ય ઘા. એક તલભાર વધે નંઈ કે એક તલભાર ઘટે નંઈ. સવાશેરમાંથી તલભાર ઓછી થઈ તો તારું માથું વાઢી લઈશ.’
પઠાણ કરગરી પડ્યો, ‘સાબ્ય, મને જાવા દ્યો. ભૈશાબ, મારે માટી નથી લેવી.’
‘નંઈ, હવે તારે માટી લેવી જ પડશે.’
‘પણ કાંઈ કરતાં ?’
‘હા. છૂટવું હોય તો રૂપિયા પંનરહે મૂકી દે દંડના.’
બી ગયેલા પઠાણે રૂપિયા પંદરહે ભરી દીધા ને જાન છોડાવી.
પછી વાણિયાના ઘેરા તરફ નજર કરીને જજસાહેબે પૂછયું ઃ ‘તમારે શું છે ?’
‘સાબ્ય, આ વાણિયે અમારું સવા મઈનાનું છોકરું મારી નાખ્યું છે. અમારે ઈ લેવાનું છે.’
‘હવે એણે ભૂલ્યમાં માર્યું ઈનું શું થયું ? જાણીજોઈને તો નથી માર્યું. મારી નાખ્યું, નો મારી નાખ્યું રે’વા દ્યો. ઈનું તમને ખરસ અપાવી દેવી.’ ત્યારે લ્હેરીચંદ બોલ્યો ઃ
‘ના સાબ્ય, અમારે તો હતો એવો સવા મહિનાનો છોકરો જ જોવી.’
‘તમારે છોકરો જ જોવી છે ને !’
‘હા સાબ્ય.’
‘અલ્યા સપૈયો, આ વાણિયણ, આરોપી વાણિયાને સોંપી દો. બાર મઈના આ વાણિયણ ઈને રહે. પછી છોકરો થાય ને ઈ સવા મહિનાનો થાય ત્યારે વાણિયણને પાછી લાવી ઈના મૂળ ધણીને સોંપી દેજો.’
એટલે આ બધા વાણિયાએ ભેગા થઈ વિચાર કર્યો કે, ‘આપણું બૈરું ઈને રે’તું હશે ! આ તો ખોટું થ્યું. કાળો કેર થ્યો. અમારે હવે છોકરો નથી જો’તો. બીજો છોકરો થશે. અમારે કેસ નથી કરવો. ઘેર વિયા જાવું છે.’
જજ સાહેબ કહે ઃ ‘નંઈ, હવે બધા બેસી જાવ આ કાજળ કોટડીમાં’
‘પણ કોઈ વાતે ?’
‘હા. તો પંદરસો રૂપિયા ભરી દ્યો દંડના.’
ત્યાં આવ્યા પેલા મિયાંભાઈ.
‘મિયાંભાઈ, તમારે શું છે ?’
‘મારું એક ઘોડું છે.’
‘તે હવે ઘોડાના પાંચપચ્ચીસ રૂપિયા લઈ લો ને ઈને જાવા દ્યો.’
‘ઈમ નઈં.’
‘તો કહો, તમારું ટારડું ઘોડું શી રીતે મરી ગ્યું ?’
‘મેં સાદ કર્યો કે ઈને ઊંચા હાથ કર્યા. એમાં ભડકેલું ઘોડું કૂદીને ખાળિયામાં પડ્યું, ને મરી ગયું.’
ત્યારે જજસાહેબ બોલ્યા ઃ ‘અલ્યા સપૈઈઓ ! લાવો ઓલી છરી. પહેલા આની જીભ કાપો, પછી ઈનો હાથ કાપો.’
મિયાંભાઈ હુંશિયાર હતા. એણે વિચાર કર્યો કે હાથ કાપે તો ઠુંઠિયો જીવી જાય. જીભ કાપે તો મરી જાવી. મિયાં કહે ઃ ‘ભૈશાબ ! જાવા દ્યો. મારે એવું નથી કરવું.’
‘તો ભરી દો પંદરસો રૂપિયા દંડના.’
મિયાંએ પંદરસો રૂપિયા ભરી દીધા.
પછી છેલ્લે આવ્યા ઓલ્યા બાબાસાબ્યવાળા. જજ કહે ઃ ‘હવે તમારે શું કરવું છે ?’
‘જજસાબ્ય, આ વાણિયે અમારા મહોલ્લાનો એકનો એક બાબો સાબ્ય હતો ઈને મારી નાખ્યો છે.’
‘તમારો બાબોસાબ્ય મારી નાખ્યો ઈનું ખરચ આ વાણિયો આપી દે.’
‘નઈં અમારે તો હતો એ જ બાબોસાબ્ય જોવી. ખરચ નથી લેવું.’
જજે વિચારીને કહ્યું ઃ ‘હવે એક વાત છે. ઈ સાત માળના બંગલે તમે સૌ ચડો. હેઠે મોટો પથરો મૂકો. ઈના પર વારાફરતી પડો. જે જીવતો રહે ઈ તમારો બાબોસાહેબ લાવી દે નંઈતર ઈના જીવનો જાય.’
પાંચપચ્ચીમાં બધાયને બાબોસાબ્ય લાગતોવળગતો હતો પણ સાત માળના બંગલે કોણ ચડે ? બધા એકબીજાના સામું તાકવા લાગ્યા. પછી કહે ઃ ‘અમારે બાબોસાબ્ય નથી જોતો. અમને ભૈશાબ જાવા દ્યો. પણ કંઈ કરતાં ?’
‘તો મેલી પેલામની જેમ રૂપિયા પંદરસો.’
બધા પંદરસો પંદરસોનો દંડ ભરીને ગયા એટલે જજસાહેબ વાણિયાને બોલાવીને ચેમ્બરમાં લઈ ગયા ને કહે ઃ ‘શેઠિયા, ઓલ્યા ચાર હજાર રૂપિયા આમ કીધાં હતાં ઈ લાવો.’
‘જજ સાબ્ય ! જરાક વિચાર કરો. ચાર હજાર રૂપિયા લઈ લો ને બાકીના બે હજાર મને આપી દો. નંઈ તો કરીશ કેસ. આ દંડના છ હજાર તમે શાના લીધા ? તમને ચાર હજાર કીધા ઈ હાચા. વાંહે વઘ્યા ઈ બે હજાર ડા’યા થિયા વિના મને દઈ દ્યો.’
જજસાહેબ મનોમન બબડ્યા ઃ ‘આ શેઠિયો ય મારો દીકરો મને માથાનો મળ્યો.’ આમ વનેચંદ વાણિયાની સાડાત્રણ દિ’ની પનોતી ઊતરી ગઈ ને શેઠિયો બે હજાર રૂપિયા લઈ આકરૂ ભેગો થઈ ગયો.
‘આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર.’
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ