આસો મહિનાની શુક્લપક્ષની બારસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થઇ જાય છે.એક અનોખા ઉજાસભર્યા દિવસોની શરૂઆત વાઘ બારસથી થાય છે.દિવાળી આડા ત્રણ દિવસો પહેલાં વાઘ બારસ આવે છે અને જાણે નવા ઉમંગભર્યા દિવસો આવી ચુક્યાની મોસમ મહેકવા માંડે છે….!વાઘ બારસનું મહત્વ ગુજરાતમાં વધુ છે. વાઘ બારસને “ગૌવત્સ દ્વાદશી”ના નામે પણ ઓળખાય છે અને આથી આ દિવસે ગાય અને તેના વાછરડાની પણ પૂજા થાય છે.
વાઘ બારસનું મહત્વ –
વાઘ બારસના દિવસથી જ વહેલી સવારમાં અને રાત્રે ઘરની બહારના ગોખમાં અને અંદર દિવાઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. દિપાવલીની હારમાળાઓ પ્રગટી ઉઠે છે….!અને આ દિવસથી દિપાવલીના લાગલગાટ દસ દિવસ સુધીના તહેવારોનો પ્રારંભ થાય છે.
ખાસ કરીને ગુજરાતના પૂર્વીય ભાગોમાં એટલે કે ડાંગ ઇત્યાદિ જંગલ વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો આ દિવસે વાઘ દેવતાની પૂજા કરે છે. વાઘને અને નાગને તે લોકો દેવતાના રૂપમાં પૂજે છે અને ગામના પાદરમાં આ બંનેની પથ્થરમાં કંડારેલી મૂર્તિઓ પણ હોય છે. વાઘ બારસના દિવસે તેઓ વાઘદેવતાની પૂજા કરી પોતાના જાનની અને પોતાના પ્રાણીઓની સલામતી માંગે છે. એક અદ્ભુત શ્રધ્ધા આ સમયે આદિવાસીઓમાં જોવા મળે છે.
વાઘ બારસના દિવસે જ ગુજરાતના વેપારીઓ પોતાના બધા કામ આટોપી લે છે. વર્ષ આખાના જૂની લેવડદેવડના બધાં ચોપડાઓના હિસાબ તેઓ આજે પતાવે છે. ટૂંકમાં,બધો હિસાબ સરભર કરે છે અને દિવાળી નિમિત્તે સફાઇ કરી નાખે છે….! તે પછી તેઓ આગળના ત્રણ દિવસો સુધી નાણાનો કોઇ વ્યવહાર કરતાં નથી. પછીથી નવા ચોપડાઓ સાથે નવા વર્ષથી નવો હિસાબ માંડે છે.
ગૌવત્સ દ્વાદશી –
આ જ દિવસને અન્ય એક “ગૌવત્સ દ્વાદશી”ના નામે પણ ઓળખાય છે. આ નિમિત્તે ગાય અને તેના વાછરડાનું પૂજન કરાય છે. એટલે આ દિવસને “વસુ બારસ” તરીકે ઓળખાય છે.”વસુ” એટલે “ગાય”.એની પાછળની વાત એવી છે કે, એક રાજાને તેમની અમાનવીય વ્યવહારવાળી રાણીએ ગાયનો વાછરડો રાંધીને ખવડાવી દીધો હોય છે. એ પછી પશ્વાતાપ થાય છે અને એ દિવસથી ગાય અને વાછરડાની પૂજા થાય છે. વૈષ્ણવમાર્ગી ભાવિકો આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરી તેમને અડદના વડાં ખવડાવે છે.
આમ,આ દિવસને વાઘ બારસ ઉપરાંત વસુ બારસ અથવા ગૌવત્સ એકાદશી તરીકે પણ ઓળખાય છે. દિવાળીના અને નવા વર્ષ મનોહર દિવસો ખુલવાના દરવાજારૂપ આ વાઘ બારસનું મહત્વ અનેરુ છે…..!
– Kaushal Barad