ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઉણો નહીં;
જેનું ભાલુ ભમે આકાશ, વેરી માથે વાછરો.
રાજપૂત સોલંકી કુળમાં પ્રગટ થઈ અને ગાયોની વારે ચડી દુશ્મનો સામે લડીને વિરગતીને પામનાર શ્રી વચ્છરાજદાદા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકદેવતા તરીકે અઢારેય વરણમાં પુજાય છે. તેમનાં મુખ્ય સ્થાનકોમાં કચ્છનાં નાના રણમાં ઝીંઝુવાડા, હાલારમાં પડાણા અને મહુવા પાસે ડુંડાસમાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં અસંખ્ય નાના-મોટા સ્થાનકો આવેલા છે જેને થડો અથવા પેઢલો કહે છે જેમાં મુખ્યત્વે વાછરાદાદાનાં પ્રતિકરૂપે અશ્વ (ઘોડો) મુકાય છે. વાછરાદાદાને નૈવૈધમાં લાપસી ધરવામાં આવે છે જેમાં પ્રત્યેક સ્થાનકે દાદાનાં ભુવાનું આગવું સ્થાન હોય છે.
પડાણે પરચો દીધો, રાણાવાવે રિયો રાત;
છત્રાવે છતો થિયો, દાદો રેવદ્રે રૂડી ભાત.
શ્રી વાછરાદાદાનું આવું જ એક ૨૫૭ વર્ષ જુનું પ્રાચીન મંદીર રાજકોટ જીલ્લાનાં કોટડા સાંગાણી તાલુકાનાં અનિડા ગામે આવેલું છે. જેને લોકબોલીમાં વાછરાદાદાનાં ઓરડા તરીકે આજે પણ લોકો ઓળખે છે. આજે આપણે આ સ્થાનકનાં ઈતિહાસની વાત કરીએ તો, ગોંડલ સ્ટેટનાં રાજવી સંગ્રામસિંહ જાડેજાનાં દિકરા નથુજીને મેંગણી તાલુકાનાં ૮ ગામનો ગરાસ મળેલો જેમાં (૧) મેંગણી (મેરગઢ), (૨) જુની મેંગણી, (૩) થોરડી, (૪) અરણીડા (અનિડા-વાછરા), (૫) ચાંપાબેડા, (૬) કાલંભડી, (૭) નોંઘણચોરા, (૮) આંબલીયાળા. જેમાં સંવત ૧૮૧૯ માં નથુજીનાં બીજા નંબરનાં કુંવર શ્રી ડોસાજી સાહેબ ગાદીએ બિરાજતાં હતાં. (સંદર્ભ: યદુવંશ પ્રકાશ).
શરણાગત સોંપે નહીં, એવી રાજપૂતોની રીત;
મરે પણ મૂકે નહીં, ખત્રીવટ ખચીત.
સંવત ૧૮૧૯ પહેલા અનિડા ગામે રાજસ્થાનથી ગુજરાત થઈને આવેલા મારવાડનાં રોઠોડ તેમજ ડાંગરવા થઈને આવેલા ડાભી શાખાનાં ક્ષત્રિય રાજપૂતો વસવાટ કરતા હતાં. તે સમયે રાઠોડ કુટુંબમાં પીપળીયા (એજન્સી) ગામનાં સોલંકી રાજપૂતોનાં ભાણીબા (ડાભીનાં દિકરીબા) સાસરે હતાં ત્યારે કોઈ ઘટના ઘટી હશે અને તેમની વારે આવીને વાછરાદાદાએ પરચો પુર્યો હતો જેથી વાછરાદાદા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા ભક્તિ જોઈ કાબાજી અથવા કલાજી રાઠોડે સંવત ૧૮૧૯ ચૈત્ર સુદ-૩ ને તા.૧૭/૦૩/૧૭૬૩ ને ગુરૂવારનાં રોજ ૧૦૦૦ કોરી (તે સમયનાં રૂપીયા) નો ખર્ચ કરીને પોતાનાં ઘર પાસે આથમણા બારનો ઓરડો બનાવી શ્રી વાછરાદાદાની અશ્વ ઉપર મુર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠા કરવામાં આવેલ. ત્યારથી આ સ્થાનકે આરતી-પુજા રાઠોડ કુટુંબનાં સભ્યો કરતા હતાં.
સમય જતાં અનિડા ગામેથી રાઠોડનાં ઘણા ખરા કુટુંબો અન્ય ગામે જઈને વસ્યાં હતાં. અને સમયજતા વાછરાદાદાની આરતી-પુજા કરતાં પુજારીનો વંશ ચાલ્યો નહીં તેથી આ સ્થાનકે આરતી-પુજા માટે કોઈ હતું નહીં અને કહેવાય છે કે ૬ મહિના જેવો સમય આ સ્થાનક અપુજ રહ્યું હતું. એક દિવસે અનિડા ગામે વસતા ડાભી કુટુંબનાં એક મોભીને વાછરાદાદાએ સ્વપ્નમાં આવીને આરતી-પુજા કરવા માટે કહ્યું. પણ આ સ્વપ્ન સાચું છે કે નહીં તે માટે દાદા પાસે પ્રમાણ માંગવામાં આવ્યું. જેથી દાદાએ બીજે દિવસે રાત્રે કહ્યું કે, ગામની બહાર નિશાની મુજબ તમને એક શ્રીફળ મળશે જેમાંથી મારી ઘોડા સહિતની ચાંદીની મુર્તિ મળશે તેને અહીં પધરાવજો અને આજથી મારા આ સ્થાનકની આરતી- પુજાનો હક્ક અનિડામાં વસતા ડાભી કુટુંબને આપું છું. આજે પણ વાછરાદાદાની પરચા સ્વરૂપે મળેલ મુર્તિ હાજર છે અને ત્યારથી ડાભી કુટુંબ સ્થાનકની પરંપરાને નિભાવી રહ્યા છે. મેંગણી સ્ટેટ તરફથી સ્થાનકની પરંપરા નિભાવતા ડાભી રાજપૂતોને ૩૦૦ વીઘા ખેતીની જમીન સ્વતંત્ર ગરાસ તરીકે મળેલ હતી જે તેના વંશજો પાસે હજુ પણ છે.
અનિડા ગામે શ્રી વાછરા દાદાનાં અસંખ્ય પરચાઓ છે જે આપણે પુસ્તકમાં રજુ કરશુ. હાલમાં દરવર્ષે આષાઢી બીજનાં દિવસે સવારે ધામધુમથી શ્રી વાછરાદાદાની રથયાત્રા નીકળે છે. દર સોમવારે દાદાની લાપસી ધરવા ભક્તો ઉમટે છે.
📌 લેખક અને સંકલન:
શ્રી નાથજીદાદાનો સેવક જીતેન્દ્રસિંહ ચૌહાણ (રાજકોટ)
મોબાઈલ નં. ૯૯૦૯૯૭૦૩૦૩
📌 નોંધ: આ માહિતી કોપીરાઈટ એક્ટ હેઠળ હોય જેથી કોઈપણ પ્રકારનો ફેરફાર કે કોપી કરીને અન્ય જગ્યાએ મુકવી નહીં.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..