મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં પૂછ્યું, “પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો છોકરો ના ચાલે ?” મને કહે, “શૈલેશભાઈ દીકરી કહે છે કે એને નાના શહેર કે ગામડામાં નથી જવું ત્યાં ના ફાવે”
આ દીકરીનો જન્મ ગામડામાં જ થયો છે અને એણે 21 વર્ષ ગામડામાં જ કાઢ્યા છે. અત્યારે પણ ગામડામાં જ રહે છે અને જ્યાં ચોરી કરીને પાસ થવાય એવી કોલેજમાંથી એણે ગ્રેજ્યુએશન કર્યું છે. નાનપણથી ગામડામાં જ ઉછરેલી આ દીકરીને હવે મેગાસીટીમાં જ જવું છે બોલો !
આ ખાલી એક દીકરીની નહિ અપવાદોને બાદ કરતા મોટા ભાગની દીકરીઓની ઈચ્છા છે. કોઈને ગામડું ગમતું જ નથી તો ગામડાને શું ગોળીએ દેવા ? શહેરમાં ભલે 50 વારની નાની ઘોલકીમાં રહેવું પડે તે મંજૂર છે પણ ગામડાના 500 વારના ફળિયાવાળા મકાનમાં તો નથી જ રહેવું.
દીકરીઓની સાથે સાથે એના માં-બાપને પણ ગામડામાં દીકરી દેવાની બિલકુલ ઈચ્છા નથી. આમાં ગામડા પડી ના ભાંગે તો બીજું શું થાય ? શહેરમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે એ બધી જ સુવિધાઓ આજે ગામડામાં પણ મળે છે આમ છતાં ગામડા પ્રત્યે સુગ કેમ છે એ જ નથી સમજાતું ? હું અગાઉ લખી ચૂક્યો છું કે હું ગુજરાત સરકારનો અધિકારી હોવા છતાં શરૂઆતના વર્ષોમાં ગામડે રહીને અપડાઉન કરતો અને પોસ્ટગ્રેજ્યુએટ થયેલી મારી ધર્મપત્ની પણ ગામડે જ રહેતી.
બીજી એક બાબત એ પણ જોવા મળે છે કે દીકરી માટે મુરતિયો પસંદ કરતી વખતે છોકરાના સંસ્કાર જોવાના બદલે સંપત્તિ જોવામાં આવે છે. છોકરા પાસે બંગલો, ગાડી અને વાડી હોય એટલે પછી એ દારૂ પીતો હોય તો પણ વાંધો નથી અને જો સંપત્તિ વગરનો સારામાં સારો સંસ્કારી છોકરો હોય તો એની સામે વાંધો છે. સંપત્તિ જોવે એની સામે ના નથી પણ આપણા એવા તે કેવા માપદંડ જે સંપત્તિના આધારે જ દીકરીના સાસરિયાનું સુખ નક્કી કરે ?
મેં એવા ઘણા પરિવારો જોયા છે જ્યાં સંપત્તિ જોઈને દીકરી દીધી હોય અને પછી પાછળથી છોકરીની હાલત સોનાના પાંજરામાં પુરાયેલી મેના જેવી થઇ ગઈ હોય.
માં-બાપ અને દીકરી બંનેએ સમજવાની જરૂર છે કે સુખ માત્ર શહેરમાં નહિ ગામડામાં પણ છે અને સંપત્તિને બદલે સંપત્તિ પેદા કરવાની ક્ષમતાવાળો છોકરો તમારી દીકરીને વધુ સુખી કરી શકશે.
સૌજન્ય – શૈલેષભાઈ સગપરિયા
મિત્રો તમારો શું વિચાર છે આ બાબતે અમને જણાવજો નીચે કમેન્ટ માં અને આ પોસ્ટ ને શેર કરવાનું ભૂલતા નહિ.