મુંબઇ જેવા મહાનગરમાં એક અજાણ્યો મુસાફર બસમાંથી ઉતર્યો. અડધી રાત થઇ હતી અને રીક્ષાવાળા પણ બહું ઓછા હતા. બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો ફટાફટ રીક્ષા કરીને જતા રહ્યા. હવે તો માત્ર એક રીક્ષા વધી હતી. આ અજાણ્યો મુસાફર ત્યાં ગયો અને પુછ્યુ , ” ભાઇ , આરાધના પાર્ક જવું છે. કેટલું ભાડુ લઇશ ? “
રીક્ષાવાળાએ કહ્યુ , ” સાહેબ , આરાધના પાર્કના 200 રુપિયા થશે.”
પેલા ભાઇને એમના સગાએ કહ્યુ હતુ કે તમે બસમાં જ્યાં ઉતરશો ત્યાંથી આરાધના પાર્ક માત્ર 3 કીમી જ છે એટલે વધુ ભાડું ન ચુકવતા. રીક્ષાવાળાએ 200 રૂપિયા ભાડું કહ્યુ એટલે પેલા ભાઇ એના પર તાડુક્યા , ” તું શું મને સાવ અજાણ્યો સમજે છે ? અરે હું આ શહેરમાં જ રહું છુ અને આરાધના પાર્ક અહીંયાથી માત્ર 3 કીમી જ થાય છે.”
રીક્ષાવાળાએ કહ્યુ , ” સાહેબ, આ તો રાતના સમયનું ભાડું છે બેસવું હોય તો બેસો નહી તો ચાલવા માંડો. “
મુસાફર તો સામાન ઉપાડીને ચાલવા લાગ્યો. 2 કીમી જેટલું તો ચાલી ગયો પણ હવે તેનાથી ચાલી શકાતું નહોતુ. રોડ પર કોઇ રીક્ષાવાળો પણ દેખાતો ન હતો. એ થાકીને રોડ પર જ બેસી ગયો. થોડીવારમાં એક રીક્ષા આવી એટલે એને રીક્ષાને ઉભી રાખી. એ તો આંખો ફાડીને જોઇ જ રહ્યો કારણ કે આ તો એ જ રીક્ષાવાળા હતો જેની સાથે થોડા સમય પહેલા વાતો થઇ હતી.
મુસાફર એટલો થાકેલો હતો કે સામાન રીક્ષામા નાંખીને કહ્યુ , ” ચાલ ભાઇ, આરાધના પાર્ક લઇ લે 200 રૂપિયા લઇ લેજે. “
રીક્ષાવાળાએ કહ્યુ , ” સાહેબ, માફ કરજો હવે 200 નહી 400 રૂપિયા થશે. ” મુસાફર કહે ,” અરે ભાઇ મારે જ્યાં જવાનું છે એ સ્થળ હવે તો માત્ર 1 કીમી જ આગળ છે તારે ભાડું ઘટાડવું જોઇએ એને બદલે વધારે છે. તું મારી મજબુરીનો લાભ ઉઠાવે છે.”
રીક્ષાવાળાએ હસતા હસતા કહ્યુ , ” સાહેબ , આરાધના પાર્ક અહીંથી 1 કીમી નહી પરંતું 5 કીમી દુર થાય. તમે 2 કીમી ચાલ્યા એ સાચુ પણ વિરુધ્ધ દીશામાં ચાલ્યા છો.”
મોરલ :
મિત્રો, આપણે પણ જીવનમાં કેટલાય રસ્તાઓ પર કંઇ વિચાર્યા વગર જ ચાલવા માંડીએ છીએ અને દીશા ઉલટી હોવાના લીધે મંઝીલથી નજીક પહોંચવાને બદલે મંઝીલથી દુર જતા રહીએ છીએ.સમય અને શક્તિ બંને બરબાદ થાય છે. કોઇ કામ હાથમાં લેતા પહેલા ઉંડાણપૂર્વકનો વિચાર કરવો બહું જરૂરી છે.
લેખક : શૈલેશ સગપરીયા