પિયુની છાતીમાં શોક્યના નખની ઉઠેલી છાપ જોઇને સુંદરીના ચિત્તમાં ચોસલાં પડે એમ ધ્રોળની ધીંગી ધરાનાં ચોસલાં પડી ગયાં છે. છપ્પનિયા કાળનો કોરડો કડપના મંકોડા મરડતા ઢૂંઢિયા રાક્ષસની જેમ રૈયતને રોળતો ફડાકા બોલાવી રહ્યો છે. અન્ન-પાણીના પોકારે પ્રજાના પ્રાણ ટૂંપાઇ રહ્યા છે. રખડતાં મુડદાં અને ઠેબે આવતાં માનવમાથાંથી છવાયેલી ધ્રોળની ધરતી કુરુક્ષેત્રના રણમેદાનનું રૂપ ધરીને બોકાસા નાખી રહી છે. ભગવાન શિવની છૂટી ગયેલી જટા જેવી કાળી રાત ડાકણની જેમ ડગલાં દઇ રહી છે. વાંઝણીના ઉદર જેવી ભોમકા માથે પવન ફંગોળાઇ રહ્યો છે.
એવે વખતે ધ્રોળનો સુવાંગ ધણી ઠાકોર હરિસિંહજી સવામણની તળાઇમાં ત્રોળાઇ રહ્યો છે. ગુલાબી ગાલમસૂરિયાં જાણે ઠોકોરને દઝાડી રહ્યાં છે. ચારેય દિશામાં શબોને દેવાતા અગ્નિદાહના ભડકા દેખાઇ રહ્યા છે. ઘેઘુર દાઢીમૂછના કાતરામાં ઠાકોરની આંગળીઓ ફરી રહી છે. પ્રજાની પીડા એનાથી ખમી ખમાતી નથી. કાળના કરાળ પંજામાંથી પ્રજાને ઉગારવા મનમાં મનસૂબા ઘડી રહ્યો છે. જાડેજા નુખનો રાજવી રૈયતના દુઃખે દુઃખી થઇ રહ્યો છે. રંગત ઢોલિયે ઉઘાડી આંખે આળોટી રહ્યો છે. રૈયત હશે તો રાજ રે’શે, રૈયત હશે તો આજ વાપરેલો પૈસો કાલ્ય પાછો આવશે. પળમાં નિરધાર કરી લીધો. ભલે પંડય વેચવું પડે પણ રૈયતની પીડા ભાંગું તો જ હું રાજા લેખાઉં.
મનોમન આવો નિરધાર કરીને દરિયાવ દિલનો રાજવી ઘડી – બે ઘડી પોઢી ગયો.
ધ્રોળની ધરતી ઉપર રાતીચોળ આંખ્યું કાઢતો સૂરજદાદો દેખાણો. અંધકારના ગઢમાં ગાબડાં પડયાં. રણયોદ્ધાની રકતટપકતી તલવાર જેવાં તેજકિરણો આભમાં ટીંગાણાં. ઠાકોર હરસિંહજીએ રાજકચેરીમાં ડગલાં દીધાં. દીવાન, કારભારી અને મે’તા મસૂદીઓને ભેળા કરી મનનો મનસૂબો જાહેર કર્યો ઃ
‘પ્રજાની પીડા ભાંગવી એ આપણો ધરમ છે.’ – ઠાકોરના અવાજમાં અંતરની આગ હતી, પ્રજા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. બાપુના દિલમાં ઊંઠેલા પ્રજાપ્રેમને પાછો પાડવા એક જણે વળતો ઉત્તર દીધો.
‘બાપુ, આ તો કુદરતનો કાળો કોપ છે. આભ ફાટયું છે, થીગડાં ક્યાં મારશું ?’
પંડયની વાત કાપતા રાજના અમલદાર ઉપર કરડી આંખ તોળીને જેના હૈયામાં હરિ હાજરાહજૂર થઇને બેસી ગયો હતો, એવા ઠાકોર હરિસિંહજીએ મક્કમતાથી વેણ કાઢ્યાં,
‘મારે રૈયતને ઉગારવી છે, મૂંગાં ઢોરને નિભાવવાં છે. આ મારો નિરધાર છે.’
વળી પાછો હવનમાં હાડકાં નાખનારો વદ્યો,
‘પણ બાપુ, આપણાથી પૂગ્યું પુગાશે નહિ.’
‘જેટલું પુગાય એટલું પૂગવું છે. મારું પંડય વેચવું પડે ત્યાં સુધીનું મારે પગલું ભરવું છે.’
રાજના અમલદારોએ જાણ્યું કે બાપુ હવે વાર્યા વળે એમ નથી, એટલે આડો પગ કરતાં કહ્યું.
‘બાપુ, રાજનો ત્રીજો ભાગ તો ભાયાતોના હાથમાં છે. એ એનું ફોડી લેશે. એ જીવે કે મરે એ આપણે જોવાનું નહિ. આપણે આપણી રૈયત પૂરતું કરીએ.’
આવી વાત સાંભળી ઠાકોર હરિસિંહજીએ આંખ કરડી બની. આકરા થઇને રજપૂત રાજવીએ સંભળાવી દીધું,
‘ભાયાતો પણ રાજની રૈયત છે, હું પણ જાણું છું કે તેઓ બધું ઉડાવી દેવા બેઠા છે. પણ મારાથી એને એકકોર તારવવાના ભેદ નહિ પડાય. મારી નજરમાં સૌ સરખા. રૈયતે રાજને પૈસો રળી આપ્યો છે. રૈયત માટે પૈસો વાપરવાનો છે. તમારે કાંડાં તોડીને કામ કરવું પડશે. એમાં દિલ – દગડાઇ કરી છે તો પાણીચું પકડાવીશ એટલું યાદ રાખજો.’
ઠાકોરનાં વેણ સાંભળી સૌનાં મોં સિવાઇ ગયાં.
તે જ ઘડીએ ઠાકોરે દાણા અને નાણાંની પરબ માંડી દીધી.
રાહતકામ શરૂ કરવાનાં ફરમાન છોડયાં.
ખારવા અને વાંકિયાના સીમાડાને સાંધતી પાળો બાંધવાનું કામ શરૂ થયું તો બીજી તરફ સરપદડથી તે ઠેઠ વણપરી ગામને સાંધતી પાકી સડક બાંધવાનું કામ વે’તું થયું. ધ્રોળના પાદરમાં બે કૂવાનાં ખોદકામ પણ તાબડતોબ શરૂ કરાવ્યાં. ગરેડિયામાં તળાવ ગળાવવાની શરૂઆત કરાવી. રાજની રૈયત માટે ઠાકોર હરિસિંહજીએ દિલના દરવાજા ઉઘાડી નાંખ્યા.
ગામના પાદરમાં ગળાયેલા બંને કૂવામાં પાણી ઊમટયાં. આ નવાણ ઉપર નવ કોસ જૂત્યા. માઠા વરસમાં વરૂણદેવ દિલાવર દિલના દરબાર ઉપર વારી ગયા. માણસોને રોજી અને રોટી મળી. પીડાતી પ્રજાના પોકારો શમવા માંડયા. મનેખના જીવમાં જીવ આવ્યો. હરિસિંહજીના નામનો જયજયકાર બોલાવા લાગ્યો. ધ્રોળમાં દુકાળના ડાચાને તોડી નાખ્યાની વાત ચારેય દિશામાં ફરી વળી. એ સાંભળીને અંગ્રેજ અમલદારો મિ. મોરીમન, મિ. વૂડ અને ચમનરાય હરરાય ધ્રોળ પૂગ્યા. દાણા અને નાણાંની કોથળીનાં મોઢાં ઉઘાડાં કરી માનવતાની મહેક ફેલાવનાર ધ્રોળના ઠાકોરને ધન્યવાદ દીધાં.
દુકાળ જ્યારે પાર ઊતર્યો ત્યારે રાજનો ખજાનો ખાલી હતો. પૈસો નહોતો પણ રાજની રૈયતનાં ખોળિયાંમાં પ્રાણ હતા એ ઠાકોર હરિસિંહના હૈયે મોટી વાત હતી.
નોંધ ઃ ઠાકોર હરિસિંહજી તેમના પિતા જયસિંહજીના અવસાન બાદ તા.૪-૧૧-૧૮૮૬ના રોજ ધ્રોળની ગાદી પર આવ્યા હતા. તેઓ સંસ્કૃત ભાષાના જાણકાર હતા. તેણે ધ્રોળમાં એક ધર્મશાળા, દરબારગઢમાં એક સુશોભિત મહેલ, સરપદડમાં એક કચેરી હોલ બંધાવ્યાં હતા.
ઠાકોર હરિસિંહજી પાલિતાણા, લાઠી અને દરેડીની રાજકુંવરીઓ સાથે પરણ્યા હતા.
ભોપાળની બેગમને ચાંદ આપવા મુંબઇમાં ભરાયેલા દરબાર વખતે ૧૮૭૬માં પ્રિન્સ ઓફ વેલ્સને તેઓ મળ્યા હતા.
ગરેડિયા તળાવ પર હાલની સિંચાઇ યોજના આ કોલમ – રાઇટર જામનગર જિલ્લા પંચાયત ઉત્પાદન સમિતિના ચેરમેન હતા ત્યારે તે સમયમાં તેમણે મંજૂર કરાવી હતી.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ