ભારતીય લોકજીવન સાથે શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વહેમો અને માન્યતાઓ આદિકાળથી જોડાયેલા જોવા મળે છે. બે બહેનો ઉપર હું સાત ખોટયનો ભાઈલો હોવાથી કોઈની નજર ન લાગી જાય એ માટે મારી બાએ મને ગળામાં મંતરેલી રૂપાની ડોડી, માદળિયું અને હાથમાં પીળા-કાળા રંગની ફટકિયા પારાના કાંડિયા પહેરાવેલા. ૭૦ વર્ષ પછીયે એનું આછુંપાતળું સ્મરણ છે. ભણીગણીને બાજંદો બન્યા પછી પાછેતરી વયે આરંભાયેલી મારી સંશોધનયાત્રામાં બાઈઓના મજેદાર કંઠે ગવાતું એક વિનોદગીત સાંપડયું. એમાંથી માદળિયાના આ લેખના શ્રી ગણેશ મંડાયા ઃ
એના ઓટલામાં પેઠો ચોર લાલ હિંદવાણી
એના અંબોડામાં ઘૂમતો મોર લાલ હિંદવાણી
એના માદળિયામાં એક ચીઠ્ઠી લાલ હિંદવાણી
એને કામણ કરતાં દીઠી. લાલ હિંદવાણી
એ તો કયા ભાઈની નાર્ય લાલ હિંદવાણી
એ તો નરસિંહભૈની નાર્ય લાલ હિંદવાણી
લોકસમાજની માન્યતાઓનું પ્રતિબિંબ એના લોકગીતો માંય જોવા મળે છે. જૂના કાળે રૂપાળું છોકરું નજરાઈ ન જાય, મનની માનેલીને મેળવવા માટે, કુટુંબમાંથી રોગદોગ, તાવ-તરિયો દૂર કરવા, ભૂતપ્રેત ડાકણ-છાકણ કે મેલી વિદ્યાનું વારણ કરવા ગામડાંના નિરક્ષર લોકસમાજમાં માદળિયાં, ડોડી, તાવીજ, મંતરેલા સાત ગાંઠો મારેલા કાળા દોરા પહેરવાનું ચલણ એકકાળે હતું.
ગુજરાતી ભાષામાં માદળિયાના અનેક અર્થો મળે છે. સૌરાષ્ટ્રના લેઉવા પટેલની એક અટક માદળિયા છે. ગાડાનો ભાર ઝીલતો આડો ભારવટિયો એને માદળિયું કહે છે. શેરડીને છરી કે સુડી વડે છાલ કાઢી પાડેલું પતીકું ગંડેરી માદળિયું કહેવાય છે. ઘણી વહાલી વસ્તુને માટે ‘કોટનું માદળિયું’ શબ્દપ્રયોગ થાય છે. માદળિયું એટલે પોટલિયો, ભૂંગળી કે પખવાજ ઘાટનું ડોકનું ઘરેણું. મારે જે વાત કરવી છે તે માદળિયું એટલે મંત્રેલી ચિઠ્ઠી, ભુર્જપત્ર પરનું યંત્ર, પોલો અથવા લાખ ભરેલો તકિયા જેવો નાનો સરખો ઘાટ. ગળે બાંધવાનું મંતરેલું માદળિયું.
લોકજીવનમાં ડોડી, માદળિયાં અને તાવીજ પહેરવાનો રિવાજ હિંદી ફિલ્મોના હીરોને જોઈને નથી આવ્યો. એની પ્રાચીનતા પર નજર કરીએ તો મોહેં જો દડો અને હરપ્પાના પુરાતત્ત્વીય ઉત્ખનનમાંથી પાંચ હજાર વર્ષ પુરાણાં માદળિયાં મળી આવ્યાં છે, આમ માદળિયાંના રિવાજના મૂળિયા દ્રવિડ સંસ્કૃતિ સુધી પહોંચે છે. એમ પુરાતત્ત્વવિદો માને છે. આ રિવાજ ગામડાંના અભણ જ નહીં, નગરોના ભણેલા ગણેલા લોકોમાંય ઘસાતો ભૂંસાતો જોવા મળે છે. તાવીજ અને માદળિયાંમાં હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો અપાર આસ્થા ધરાવે છે. જૈન મંત્રશાસ્ત્રમાં પણ યંત્રો, તાવીજોનો ઉલ્લેખ મળે છે. બોત્તેરિયો, ભક્તામરયંત્ર, વિજયપહુત યંત્ર, ઉવસગ્ગહટ યંત્રના પ્રયોગો ઘણાં ચમત્કારિક પરિણામો આપતાં અનુભવ્યાં છે. પંડિત રામપ્રસાદ ઉપાધ્યાયે આવા બે-ત્રણ પ્રસંગો પણ નોંધ્યા છે.
પ્રખર વિદ્વાન એવા જૈન અવધૂત યોગી(આનંદધનજી જંગલમાં નિજાનંદમાં ભ્રમણ કરતાં હતાં ત્યારે રાજાની એક અણમાનીતી રાણી આનંદધનજીને મળી. તેણે યોગીરાજને રાજા વશ થાય તેવો મંત્ર કે તાવીજ આપવા વિનંતી કરી. નિજાનંદમાં મસ્ત એવા યોગી આનંદધનજીએ કાગળ ઉપર લખ્યું, ‘તેરા પતિ બશ મેં હોવે ઉસમેં આનંદધનકો ક્યા? ઔર ન બશમેં હોવે ઉસમેં આનંદધનકો ક્યા?’ ભોળી રાણીએ એમ માન્યું કે મહાત્માજીએ તાવીજ લખી આપ્યું છે. તેણે તો સોનાના માદળિયાંમાં મૂકી ગળે ધારણ કરી લીધું. એમ કહેવાય છે કે તેનો પતિ તેના વશમાં થયો હતો અને તે ફરીથી માનીતી રાણી બની હતી. અહીં વિશ્વાસની વાત છે.
આવી જ ઘટના સ્વામી વિવેકાનંદજીની છે. સ્વામીજી પરિવ્રાજક અવસ્થામાં ભારતભ્રમણ કરતા હતા. એ વખતે એક ગામમાં એક વૃદ્ધા સ્વામીજીને મળી. વૃદ્ધાના એકના એક દીકરાનો કોઈ પ્રેતાત્માએ કબજો લીધો હતો. વૃદ્ધાએ સ્વામીજીને પુત્રને પ્રેતના પાશમાંથી છોડવવા કાકલુદી કરી. સ્વામીજી કોઈ ચમત્કારોમાં તો માનતા ન હતા. પણ વૃદ્ધાની કકળતી આંતરડીનો આર્તનાદ સાંભળી કાગળ ઉપર ‘ઓઉમ્’ લખીને આપ્યો ને તાવીજમાં મૂકી એને ગળામાં પહેરાવવા કહ્યું. એનો પુત્ર પ્રેતમુક્ત થયો. આ બધામાં શ્રદ્ધા અને આસ્થા અગત્યના છે. શ્રી ઉપાધ્યાયે એવો જ એક સ્વાનુભવનો રસપ્રદ પ્રસંગ નોંધ્યો છે.
મંત્રતંત્ર યોગના સંશોધન દરમ્યાન મને પણ તાવીજ-માદળિયાનો અદ્ભૂત અનુભવ થયો છે. કેટલાક ચમત્કારીક પ્રસંગોના સાક્ષી થવાના સંજોગો પણ ઊભા થયા છે. જ્યારે હું કિશોર વયનો હતો. મારા પિતાની કાફેમાં બેસતો. ભણવાની સાથે ગુઢવાદના પુસ્તકો વાંચતો. તાંત્રિક સાધુઓને મળતો. મારો આ શોખ ખૂબ જ જાણીતો હતો. એકવાર મૂળ ઉત્તર ભારતનો પણ મારા ગામમાં ફળની લારી ફેરવતા એક ભૈયાજીએ મને ધંધો સારો ચાલે તેના માટે તાવીજ-માદળિયું મંત્રી આપવા કહ્યું. મેં બહુ ધ્યાન આપ્યું નહીં. તે મારી પાછળ પડી ગયો ને વારંવાર મંત્રેલું માદળિયું આપવા માંગણી કરવા માંડયો. એકવાર એક હસ્તલિખિત ગ્રંથમાં ‘વ્યાપાર વિજય કમલાયંત્ર’નો પ્રયોગ વાંચવા મળ્યો. મેં તે યંત્ર કાગળ ઉપર લખી ભૈયાજીને આપ્યું. તેને માદળિયામાં મૂકીને પહેરવાથી ૨૦ વર્ષમાં તો તે લાખોપતિ બની ગયો. ફ્રૂટ અને વાહનોની દલાલીમાં અઢળક કમાણો. તેની અદ્ભૂત સફળતાનું મને પણ આશ્ચર્ય થાય છે. આમ ક્રોસ, માદળિયા, કંઠી, કડાં, મંત્રપોટલીઓ એ શ્રદ્ધાનો સવાલ છે, પણ આ વિષયના જાણકારો કહે છે કે ભારતીય મંત્રશાસ્ત્રમાં આપેલા ગૂઢ મંત્રોમાં અપાર શક્તિ પડેલી છે. તેની ઉપાસના અચૂક ફળ આપનારી ગણાય છે.
મંત્રતંત્રની ગૂઢશક્તિનો મહિમા લોકસંસ્કૃતિના ખભે ચડીને લોકજીવનમાં એક યા બીજા સ્વરૂપે ઉતરી આવ્યો છે. એનું ધસાતું ભૂસાતું સ્વરૂપ આજેય જળવાયેલું જોવા મળે છે. ગામડાંઓની વિધવિધ જાતિઓના બાલ, અબાલ અને વૃદ્ધો પોતાની સુરક્ષા માટે અનેક પ્રકારના માદળિયાં, તાવીજ અને મંતરેલા દોરા હાથે, ગળે ચાંદીના માદળિયામાં બાંધે છે. માતા બાળકના ગળામાં તાવીજ પહેરાવે છે. શકુંતલાએ સર્વદમનના ગળામાં તાવીજ બાંધ્યું હતું. તે તાવીજ તેના માતા કે પિતા સિવાય કોઈ ઉઠાવી શકે નહીં એવું અભિમંત્રીત કરેલું હતું. ભૂતપ્રેત અને બલાથી બચવા માટે આવાં તાવીજ બાંધવામાં દોરા-ધાગાના મંતરેલાં તાવીજો આપતા જોવા મળે છે. રવિવારે કે મંગળવારે તાવીજને લોબાન, ગુગળ કે અગરબત્તીનો ધૂપ દેવાનું કહેવામાં આવે છે, જેને પવિત્ર ગણવામાં આવે છે. આ તંત્રયુગની પરંપરા આપણે ત્યાં ઉતરી આવેલી જણાય છે.
ડોડી, માદળિયાં, તાવીજ, યંત્રો એ દેવપ્રતીકો મનાય છે. યંત્ર પૂજામાં દેવની મૂર્તિને બદલે જે તે દેવ કે શક્તિના સિદ્ધ કરેલાં યંત્રો કે દેવની આંગીની પૂજા થાય છે. મંત્રો વડે સિદ્ધ કરેલા યંત્રોમાં માનવીનું રક્ષણ કરવાની શક્તિ રહેલી છે એમ જ્યોતિષશાસ્ત્રીઓ માને છે. યંત્રો, માદળિયાં કે ડોડી કોણે સિદ્ધ કેેરેલાં છે તેના પરથી તેનું પરિણામ મળે છે. એને સિદ્ધ કરનાર માણસ આચારવિચારમાં પવિત્ર હોય, મંત્રોનો મલાજો જાળવી એના નીતિનિયમો અને આચારસંહિતાનું પાલન કરનાર હોય તો એના સિદ્ધ કરેલાં માદળિયાં તુરત ફળ આપે છે. કહેવાતા સુધરેલા લોકો આને અંધશ્રદ્ધામાં ખપાવે છે. એમાં એમનો ય સાવ વાંક નથી. આ કામ ઘણાં ખોટાં કરનારાના હાથમાં પણ આવી ગયું છે. ભૂવા-ભારાડી બધા સાચા જ હોય છે એવું યે નથી. પણ લોકજીવનમાં હજારો વર્ષથી ચાલતી આવેલી પરંપરા પાછળ કોઈક તથ્ય અવશ્ય હોય છે જ. આના સંશોધકોનો આજે દુકાળ છે. વિદેશીઓ આનો અભ્યાસ કરવા આપણે ત્યાં આવે છે ત્યારે આપણને આ પરંપરાનું મૂલ્ય સમજાય છે.
પરણીને સાસરે ગયેલી કન્યાને અઘરણી આવે અને 5 મે મહિને ખોળો ભરવાનો થાય ત્યારે માતા અને બાળકના રક્ષણ મોેટે તેને રાખડી બાંધવામાં આવે છે. એમાં લોખંડની નાની કડી, ઘસીને કાણી કરેલી કોડી, વાદળી કે કાળા કપડાની ચીંથરીમાં અડદના દાણા, હનુમાનજીના પગે ચડાવેલા તેલની મળી લઈ પોટલી બનાવી તેને સીવીને સગર્ભા નારીના હાથે બાંધવામાં આવે છે. એમ કહેવાય છે આ ટૂચકાથી મેલા તત્ત્વો મા-બાળકને કનડતા નથી. કોઈ સ્ત્રી અકાળે મૃત્યુ પામે અને પુરુષ બીજી પત્ની કરે ત્યારે મરનાર સ્ત્રીનો અતૃપ્ત આત્મા આવેલી બાઈને પજવે નહીં તે માટે નવી આવેલી બાઈ સોના-રૂપાના ચકદામાં મૃતક બાઈના પગલાં કોરાવીને તે ડોકમાં ‘શોકયપગલાં’ તરીકે પહેરે છે. આ રિવાજ આજે ય જોવા મળે છે.
કોઈવાર સાજોનરવો માનવી એકાએક ગાંડો થઈ જાય, કોઈને વળગાડ આવે કે કુટુંબમાં લાંબી માંદગી મુકામ માંડીને બેસી જાય ત્યારે ગામડાના ભૂવા-ભારાડી આવા દોરા, માદળિયાં કે તાવીજ મંતરી આપે છે. મંત્ર વડે સિદ્ધ કરેલા માદળિયાથી માંદગી દૂર થાય કે રાહત થાય પણ માદળિયાંની મદદથી માણસમાં એક જાતની આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ વધે છે. મનોવિજ્ઞાાનની દૃષ્ટિએ જોઈએ તો શ્રદ્ધા વડે માણસનું અર્ધુ દુઃખ દૂર થઈ જાય છે. માદળિયાં કદાચ અંધવિશ્વાસનું પ્રતીક હોય તો પણ માનવી એ શ્રદ્ધાને સહારે જીવી જાય છે, ટકી જાય છે એ ઓછી ઉપકારક વાત નથી. પોઠોની વણજાર લઈને જૂના કાળે દેશભરમાં ફરનારા વણજારા આજે ય ગળામાં રામદેવપીરના રૂપાના ચકદાની માળા પહેરે છે. અંબાજી, બહુચરાજી કે સાળંગપુર હનુમાનજીના દર્શને જનાર હનુમાનજીની ડોડી કે માતાજીના ચકદાં કાળા દોરામાં પરોવીને પહેરે છે ને પોતાના બાળકોને હોંશેહોંશે પહેરાવે છે. આમ ડોડી, માદળિયાં ને તાવીજનો સંબંધ ધર્મની સાથે, શક્તિની સાથે અને પીર-પીરાણાંની સાથે પણ જોડાયેલો છે.
ડોડી, માદળિયાં કે તાવીજની પરંપરા ગુજરાતમાં કે ભારતમાં જ છે એવું નથી. યુરોપ અને અમેરિકામાં માદળિયાં અને નજરબંધી માટેના પારાની માળા લોકો પહેરતા આવ્યા છે. અંગ્રેજીમાં માદળિયાં કે તાવીજને ચાર્મ અથવા સ્પેલ્સ કહે છે. જો કોઈ પદાર્થનું તાવીજ ન હોય તો અમુક શબ્દોનો મંત્ર પણ રક્ષણ માટે અપાતો હતો. બ્રાહ્મણોને રક્ષણ માટે ગાયત્રી મંત્ર શીખવાય છે તે રીતે યુરોપમાં પણ મંત્રોચ્ચાર માટે શબ્દો અપાતા હતા. યુરોપમાં તો કોઈ ઉપર ટોણો કરવા કે એને વશમાં કરવા માટે વ્યક્તિના નામ ઉપર જાદુ કરવામાં આવતું હતું. કોઈને નુકસાન પહોંચાડવા માટે તેનું નામ જાણી લેવાતું હતું. પછી એ નામ ઉપર મેલી વિદ્યા અજમાવાતી હતી. આપણે ત્યાં બચપણમાં ટીનુ, ટીનિયો, ખોડો, બચી, ભૂરી, ભફળો, બેબલી, ભૂરિયો જેવા હુલામણાં નામો રાખવા પાછળનું એક કારણ કોઈ સાચું નામ જાણીને બાળક પર મેલી વિદ્યા ન અજમાવે તે પણ છે.
ન્યૂગિનીમાં તો ખેતીવાડીનો પાક સારો ઉતરે તે માટે મંત્રો અને માદળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતર ઉપર જઈને કોઈ પવિત્ર પુરુષ ખેતરને પવિત્ર વાતો સંભળાવે છે. આ પરંપરાનું પગેરું રશિયા સુધી પહોંચ્યું છે. ત્યાં કોઈ વેપારીને વેપારમાં ખોટ જાય. ત્યારે ધંધામાં બરકત આવે તે માટે માદળિયાં કરાવે છે. હાથે તાવિજ બાંધતા પહેલાં મધ વડે સ્નાન કરે છે. પછી ખુલ્લા ખેતરમાં ઊભો રહે છે. એ વખતે એના શરીર પર જેટલી વધુ મધમાખીઓ આવીને બેસે એટલા પ્રમાણમાં વેપાર વધે છે એમ માને છે.
ઓફસફર્ડ એન્સાઈક્લોપીડિયામાં માદળિયાં અને તાવીજ માટે એક અલાયદો વિભાગ રાખવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે તિબેટમાં રસોઈઘરમાં રસોઈ ન બગડે તેને માટે તાવીજ રાખવામાં આવે છે. તાવ-તરિયો કે માથાનો દુખાવો મટાડવા અલગ અલગ તાવીજોનો ઉપયોગ કરવામાં આવે છે.
આજે વિજ્ઞાાન આટલું આગળ વધ્યું હોવા છતાં ધર્મ, શ્રદ્ધા, યંત્ર, મંત્ર સાથે સંકળાયેલા માદળિયાં અને તાવીજમાંથી લોકવિશ્વાસ જરાયે ઓછો થયો નથી. લોકપરંપરાને ઘસારો લાગે છે પણ તે ઝડપથી લુપ્ત થઈ જતી નથી તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..