૧. બૌરી જાતિના ચોરનો કાંટો, ૨. બેરડ જાતિના ચોરોનું ખાતરિયુ, ૩. ચોરી પ્રસંગે સાથે રખાતો છરો, ૪. ભટકતી જાતિના ચોરોનું ખાતરિયુ, ૫. ગુજરાતના કોળી અને વાઘરી, ૬. બેરડ જાતિના ચોરનું ખાતરિયું- અરસ કુંચી, ૭. ચોરની છરી, ૮. પથરા ફેંકવાની ગોફણ, ૯. કંજાર ચોરોનું ખાતરિયું, ૧૦ ચોરોનો ચામડાનો ગોફણો, ૧૧. ગુજરાતના ચોરોનું અણિદાર ધારિયું, ૧૨. ભીલ ચોરોનું તીરકામઠું, ૧૩. મીના જાતિના ચોરોનું ખાતરિયું, ૧૪. કૈકાડી જાતિના ચોરોની પુંગી, ૧૫. ગુજરાતના ચોરોની વાંસી, ૧૬. ચોરોની કડિયાળી ડાંગ, ૧૭. કોળી ચોરનું કાતરિયું.
પ્રાચીન ભારતવર્ષમાં ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓનો સુપેરે સંગમ થયો હતો. આ ઉપરાંત આઠ પ્રકારની આપ કળાઓ (માનવીની કોઠાસૂઝની કળાઓ) પણ હતી. તેમાં ય એક ખાતર પાડવાની – ચોરી કરવાની કળા સામેલ હતી એની લોકોક્તિ છે:
રાગા પાગા ને પારખાં, નાડી ને વળી ન્યાય,
તરવું, તાંતરવું, તસ્કરવું એ આઠે ય આપકળા
જૂના કાળે આપણે ત્યાં ચોરીના શાસ્ત્રનો વિકાસ થયો હતો ચતુર ન હોય તે હરગિજ ચોર ન થઈ શકે. ખાતર પાડવાના પણ નિયમો, આચારસંહિતા, રીતરિવાજો, શુકન-અપશુકન, સંદેશા મોકલવાની સાંકેતિક બોલી, ચોરી સમયના નિશાનો, ચિહ્નો આ બધું એ શાસ્ત્રમાં સમાઈ જતું. મનોજબાબુની બંગાળી નવલકથા ‘નિશિકુટુમ્બ’માં ચોરી કરવાની પ્રાચીન પરંપરાના સંકેતો સાંપડે છે. શ્રી ધુ્રવ ભટ્ટ એમની નવલકથામાં ખાતર પાડનારને ‘તિમિરપંથી’ કહે છે.
એમણે એમાં ચોરી, ચકારી, ચાલાકી અને ચોરોની ચતુરાઈનું આખું શાસ્ત્ર આપણી સમક્ષ ધરી દીધું છે. પ્રાચીન ભારતમાં ‘ચોરી શાસ્ત્ર’નો અદ્ભુત વિકાસ થયો હતો એમ થોડા વર્ષો પૂર્વે થાણાના ઓરિએન્ટલ ઇન્સ્ટીટયૂટની ‘ઇતિહાસપત્રિકા’માં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચૌર્યશાસ્ત્રના પ્રાચીન ઉપાસકોની દ્રષ્ટિએ આજની ચૌર્યકળામાં પહેલા જેટલું ગૌરવ કે શાસ્ત્ર માટેના નીતિનિયમો માટેનો આદર રહ્યો નથી. આજે અહીં તસ્કરવિદ્યાના માલમી ચોરો ખાતર પાડવા માટે કેવી કેવી ચાલાકીઓ કરતા અને કેવા સાધનો વાપરતા તે વાત ઉજાગર કરવી છે.
પ્રાચીન કાળથી માનવી હથિયારોનો ઉપયોગ શિકાર અને સંરક્ષણ માટે કરતો આવ્યો છે. એનો ત્રીજો ઉપયોગ યુદ્ધ ધિંગાણામાં અને ચોથો ઉપયોગ ચોરી અને લૂંટફાટ માટે થાય છે. યુદ્ધ અને શિકારના હથિયારોમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે એટલું વૈવિધ્ય ચોર લોકોના દેશી હાથવગા હથિયારોમાં પણ જોવા મળે છે. જુદી જુદી જાતિના ચોરો અમુક ખાસ પ્રકારના હથિયારોનો ચોરી પ્રસંગે ઉપયોગ કરે છે. ગામડાના અનુભવી અને કોઠાસૂઝવાળા પગીઓ અને સીમરખાઓ હથિયારો ઉપરથી ચોરોને સફળતાપૂર્વક પકડી પાડે છે. આ રહ્યા ચોર જમાતોના જુદા જુદા હથિયારો.
બેરડની કંગટી
મહારાષ્ટ્રમાં આવેલ ધારવાડ, બેલગામ અને બીજાપુર તરફથી ગુજરાતમાં આવતી બેરડ જાતિની તસ્કર ટોળકીઓ ખાતર પાડવા માટે ખાતરિયાને મળતી કંગટી નામનું બે વેંત લાંબુ ત્રણેક આંગળ પહોળું અને છેડે અણીદાર લોઢાની આરવાળું હથિયાર રાખે છે. ચોરી માટેનું બીજું હથિયાર એ ‘અરસુકુંચી’ છે એ પણ બે એક વેંત લાંબુ અને નાનકડા ત્રિકમ જેવા આકારનું હોય છે. ચોરી પ્રસંગે ડહેલા, ખડકીઓ કે ઓરડાના કમાડ તોડવા માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત તેઓ કુહાડા, નરાજ, દાતરડું, સોટા તલવાર અને બનાવટી જામગીરી (બંદૂક) રાખે છે ચોરી કરીને નાશી છૂટયા બાદ કોઈ પાછળ પડે તો ભગાડી મૂકવા માટે ગોફણમાંથી ગડગડિયા પાણા ફેંકે છે. બંદૂક બનાવટી હોય પણ લોકોને બીવરાવવા અને ધાક બેસાડવા માટે લસણિયા ફટાકડા રાખે છે. ગામમાં પેસતા જ ધડાકા કરી ગામ ગજવી મૂકે છે.
કામાટીનું ઉલમુખ
પુના સાતારા અને અહમદનગર તરફથી તેલુગુ બોલી બોલનારા ચોરો આપણે ત્યાં આવે છે. કામાટી, વડારી, પાથરટ અને ભામટા ચોરો ખાતર પાડવા નીકળે છે ત્યારે તેમની પાસે તવેથા, કડછી, અણીદાર છરી, તાળા ખોલવાના આંકડાકોરણું, સૂડી અને વીંધણાનો ઉપયોગ કરે છે. આવા રોજબરોજના ધંધાદારી વપરાશના સાધનો હોવાથી લોકોને તેમના પર શક જતો નથી આ ચોરો ડોકની કંઠીઓ, કોથળા કે ખીસ્સા કાપવા માટે વાઘનખના દાતરડા આકારની નાની છરી રાખે છે. તેને તેઓ ઉલમુખના નામે ઓળખાવે છે. આ ઉલમુખ ઉપરના હોઠ કે દાઢ વચ્ચે રાખે છે. સ્ત્રીઓ ચોળીની અંદરના ખીસ્સામાં અથવા અંબોડામાં રાખે છે. નાના ચાકુઓ તો છીંકણી કે ભાંગની ડબલી કે ચુનાની ડાકલીમાં સંતાડી રાખે છે. આ લોકો રેલ્વેમાં ચોરી કરવા નીકળે છે ત્યારે તેમની પાસેના સામાનમાંથી ચાવીઓના ઝૂમખા, કોથળી, પાકીટ, સોયદોરા, છત્રી અને વેશપલટા માટેના કપડાની થેલી ઉપરાંત ચીથરાં કે ગાભા ભરેલી થેલી મળી આવે છે. શહેરોમાં બાઇઓ, પેન્ટપીસ કે નવી સાડી બનાવી ભાવતાલની રકઝક કરી ગાભા ભરેલી થેલી વળગાડી દે છે.
ભીલોના તીરકામઠાં
ખાનદેશ અને દક્ષિણમાંથી આવતા ભીલ જાતિના લોકો ખાતર પાડવા જાય છે ત્યારે પોતાની સાથે લાકડીઓ, ડંડા, તીરકામઠા, ગોફણો, સાચી ખોટી તલવારો ભાલા, છરી અને જામગરી બંદૂકો રાખે છે. ચડ્ડી બનિયન જેવો વેશ ધારણ કરીને નીકળતી આ તસ્કર ટોળકી બારણા તોડવા માટે લોખંડના ભારે વજનદાર કુહાડા ઉપરાંત ઘરફોડ માટે વેંત દોઢ વેંત લાંબો અણીદાર ખીલો રાખે છે. પાલનપુરિયા ભીલો ખાતરિયાનો અને પંચમહાલ તરફના ભીલો ડંડા અને પથ્થરો સાથે રાખે છે.
કૈકાડી ચોરોનું નરાજ
મૈસુર દક્ષિણ મહારાષ્ટ્ર અને મદ્રાસ તરફથી આવતા કૈકાડા જાતિના ચોરો ખાતર પાડવા જાય ત્યારે પોતાની કમરે કામળી કે ધોતી બાંધીને એમાં પાણકા રાખે છે. ઘા કરવા માટે ગોફણ ને હાથમાં ડંડા રાખે છે. આ ઉપરાંત ધારિયા, કુહાડી, છરી, નરાજ, મશાલ અને ઘણીવાર તલવાર ને બંદૂક પણ રાખે છે. શિલાકલ એ ચોરોનું મુખ્ય હથિયાર ગણાય છે તે આશરે એકાદ ફૂટ લાંબુ અને છેડે પાતળી થતી આવતી નરાજ હોય છે. તેને પંસકોલ્લુ પણ કહે છે. મરાઠી કૈકાડી ચોરો પાસે કામચલાઉ સીડી પણ હોય છે. આ સીડી દોરી અને ઝાડના નાના મોટા સોટા, ગોફણ અને નવા હાથાવાળી કુહાડી રાખે છે. તેમના બૈરાં પાસે ચાવીઓનો ઝૂમખો અને તાળા તોડવાનો અણીદાર સળિયો પણ હોય છે.
ગણેશિયો: શુકનવંતો ગણાય છે
ચોર લોકો ચોરી કરવા નીકળે ત્યારે નાના નાના સાધનો ઉપરાંત શુકનવંતો ગણેશિયો પણ રાખે છે. મંગલમૂર્તિ ગણેશ લગ્નપ્રસંગના માંગલિક દેવ હોવા છતાં ચોરોના ય ઇષ્ટદેવ ગણાય છે. વેપારી વાણિયા વ્યાપારમાં બરકત આવે એના માટે દિવસે ગણેશ સ્મરણ કરે છે એમ ચોરી કરવા જતા ચોરો રાત્રે ગણેશનું સ્મરણ કરીને ચોરી કરવા નીકળે છે અને ચોરી કરવાનું સાધન ગણેશિયો સાથે રાખે છે એટલે તો કહેવાય છે:
ગવરી તારા પુત્રને સમરે મધુરા મોર;
દી’એ સમરે વાણિયા ને રાતે સમરે ચોર.
ચોરો શુભકાર્યમાં સર્વદા સિદ્ધિ આપતા અને વિઘ્ન હરતા દેવને સમરવા માટે ખાતરિયા (હથિયાર)ને ગણેશિયો એવું શુકનવંતુ નામ આપ્યું છે. એમ કહેવાય છે કે કાળી ચૌદશની રાતે ગણેશિયાને સ્મશાનમાં લઈ જઈ અગ્નિમાં તપાવવામાં આવે છે એવી ચોરોની માન્યતા છે કે આવો ટૂચકો કરવાથી ગણેશિયો કાર્યમાં સિદ્ધિ આપનારો બની રહે છે.
વાંસી અને કાતરિયાં
ચોરોનું બીજું અગત્યનું સાધન વાંસી અને કાતરિયા છે આ કાતરિયાની લંબાઈ અઢીથી ત્રણ ફૂટ જેટલી હોય છે. નક્કર લાકડામાંથી બનાવવામાં આવતા આ હથિયાર ઉપર ચામડાની વાઘરીના ચાપડા મારેલા હોવાથી એની મજબૂતાઈ જળવાઈ રહે છે. આ કાતરિયા આદિવાસીઓના બુમરેંગ જેવું કામ આપે છે.
ચોરે ચતુરાઈપૂર્વક ફેંકેલું કાતરિયું સડ સડ સડ અવાજ કરતું હવામાં ઊડે છે. ચાલીસથી પચાસવારના અંતરે ઉભેલા માણસની ટાંગ (પગ) તોડી નાખે છે. જો શિયાળ કે સસલા જેવા જાનવરોને વાગે તો એનો ઘા જીવલેણ બની રહે છે. આથી આ હથિયાર મોટા ભાગે સસલા જેવા જાનવરના શિકાર માટે વપરાય છે. વાસી નામનું હથિયાર વિશેષ કરીને કોળી લોકો પાસે જોવા મળે છે તેઓ તીરકામઠા, મીણબત્તી, દિવાસળીની પેટી, ચાવીઓનો ઝૂમખો, મોટા છરા કડિયાળી ડાંગ (લાકડી) અને ધારિયા જેવા હથિયારો રાખે છે.
ઔંધિયાના અણીદાર ચિપિયા
ઔંધિયા જાતિના ચોરોનું ખાતરિયું બૈરિયા જાતિના ચોર કરતા નાનું અને સફાઈદાર હોય છે. આ લોકો પાસે જાતજાતના ને ભાતભાતના ખાતરિયા જોવા મળે છે. ઘણીવાર તેઓ પકડાઈ જવાની બીકે અણીદાર કડછીઓ જ વાપરે છે. મોટાં તાળા તોડવા માટે અણીદાર ચિપિયો ને છરીઓ રાખે છે જ્યારે નાના તાળા તોડવા માટે નરેણી કે ચપ્પુ વાપરે છે.
ભટકતી જાતિના ચોરો દિવસ દરમ્યાન દંગા બાંધીને ગામને પાદર કે સીમ શેઢે પડી રહે છે. તેમના હથિયારો મોટા ભાગે દંગામાં કે મુસાફરી વખતે ગાડામાં ખાસ બનાવેલા ચોરખાનામાં સંતાડી રાખે છે. ગામડાના લોકો હથિયાર વગરના દેખાતા ભટકતા લોકો પર ભાગ્યે જ વહેમ જાય છે. લોકો તેમને પેટિયું (રોટલો) રળી ખાનાર શ્રમજીવી પ્રજા જ ગણે છે.
વડારિયા ચોરોની કંગટી
વડાર જાતિના ચોરો અધરાત મધરાત પછી અંધારિયામાં ચોરી કરવા નીકળે છે ત્યારે સાથે છરી, નરાજ કે કંગટી સાથે રાખે છે. આ કંગટી એ દોઢ ઇંચ જાડો ને બેં વેંત લાંબો લોખંડનો અણીદાર સળિયો જ છે. આ ચોરો દિવાલમાં બાકોરા પાડવામાં બહુ હુંશિયાર હોતા નથી. કંગટીના આડાઅવળા ઘાના નિશાન પરથી ચતુર પગી કહી આપે છે કે આ ખાતર પાડવાનું કામ નક્કી વડારિયા ચોરનું જ છે.
માંગેલા ચોરોના ખંતોડા
પુના, કોલ્હાપુર, બીજાપુર અને સતારા તરફના માદીગરુ કે માંગેલા જાતિના ચોરો ખાતર પાડવાના હથિયારને ખંતોડાના નામે ઓળખે છે. તેમાં એક છેડો છીણી જેવો ધારદાર અને તેનો આકાર એકાદ ફૂટ લાંબા સળિયા જેવો હોય છે. આ ચોરો ચોરી કરવા નીસરે ત્યારે પોતાની પાસે ગોફણ, પાણકા, લાકડી, મશાલ, કુહાડી, છરા, કટારી, તલવાર, બંદૂક અને ભોંભડાકા સાથે રાખે છે. તેમના હાથમાં લાંબી લાકડી હોય છે. આ લાકડી માંગેલા જાતિની ઓળખ આપે છે. માણસના ખભા જેટલી ઉંચાઈનો લાકડીનો જાડો છેડો હાથમાં રાખીને ચાલે છે. જયારે અન્ય લોકો લાકડીનો પાતળો છેડો હાથમાં રાખતા હોય છે. ચોરી કરવા નીકળતી વખતે તેઓ હાથમાં લાકડી રાખતા નથી જરૃર પડયે તેઓ રસ્તામાંથી મેળવી લેતા હોય છે. નાગના ખેલ બતાવીને પેટિયું રળતા અને ક્યારેક ચોરીની કળા અજમાવી લેતા હોય છે. આ લોકો પોતાને જેસલમેરના ભટ્ટી કુળના રાજકુમાર ભેરિયા ગારૃડીના વંશના ગણાવે છે.
રામોશીના લસણિયા ભડાકા
રામોશી જાતિના ચોરો રાત વેળાએ ચોરી કરવા નીકળે ત્યારે ગામડામાં જઈ મશાલો સળગાવી લસણિયા ટેટાના ભડાકા કરી ગામ લોકોને ડરાવી ગભરાવીને હાથ પડે તે માલ લૂંટી જાય છે. કોઈવાર ઘરમાંથી માલ કઢાવવા ઘરધણીે મશાલથી દઝાડીને ડારો (ડર) બતાવે છે. તેઓ હથિયારમાં સોટા, ગોફણ, પાણકા, નરાજ કે કુહાડા રાખે છે.
કુર્તન અને ખંતિયા
ખાનદેશ ધારવાડ કે મધ્ય પ્રાંતમાંથી આવતા બોરિયા, ફ્રાસ, મેવારી, અડવીચંચર, બટગીર, પારધી વગેરે જાતિના ચોરો, કુહાડા, બંદૂક, ભાલા, છરા, મશાલ અને કીંકરા- ફરસી જેવું હથિયાર રાખે છે. તેઓ ખાતર પાડવા કેતુર કે કુર્તનનો ઉપયોગ કરે છે.
જૂના કાળે આંતરરાજ્ય ટોળીઓ ચોરી કરવા ગુજરાતમાં આવતી આજે જમાનાના પરિવર્તનની સાથે ચોરી કરનાર જાતિની ખાસિયતો બદલાઈ ગઈ છે. ચોરી અને લૂંટફાટના સાધનો બદલાઈ ગયા છે. તસ્કરવિદ્યા પર કોઈએ સંશોધન હાથ ધરવા જેવું છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ