‘આવો બાપ, આવો!’ શેલા ખાચર, આજ કેમ ઓચિંતા જ પાળિયાદ તરફ ભુલા પડ્યા? એમ કહિ આવકારો આપી આપા વિસામણબાપુ એ ચેલા ખાચર ને સૂરજનારાયણ ના ઉગતા પહોર માં જગ્યામા આવતા જોઇ ભેંટી પડ્યા.
દરબાર શ્રી ચેલા ખાચર,કાઠીયાવાડ ના સિંહ ગણાતા, ન્યાય અને નીતી થી જસદણ નુ શાસન પંકાતુ.
*~ કવિત ~*
ગિરી-વૃંદ-કુંજ ને, હુંકાર થી ગજાવતો
છલંગ ભર સામટી,કંઇક નર ને હંફાવતો
શૃંગાલ શ્વાન મૃગ ના,શિષ ને નમાવતો
શેલણ સિંહ જબ્બર,જસદણ ગઢ દિપાવતો
ગાયકવાડી સુબા ને કાનભંભેરણી થઇ કે તમારુ શાસન જસદણ દરબાર સ્વીકારે એમ લાગતુ નથી અને જસદણ પર જપ્તી બેઠી, હિંગોળગઢ નો ઘેરો મરાઠી ફૌજુએ લઇ લિધો. દરબાર ચેલા ખાચર ના દિવાન સરધાર ના શ્રાવક જેતસી ભગા નામે રાજરીત અને વ્યવહાર બુધ્ધી મા નીપુણ હતા, તેમણે સલાહ આપી કે અત્યારે બળ આજમાવવા થી ખુંવારી થશે અને ઇર્ષાળુઓ ને આનંદ થશે, માટે શાંતી થી એવી રીત રાખવી કે વધુ નુકશાન વગર સંકટ જતુ રહે, આથી શાંત રહી દરબાર ચેલા ખાચરે પાળીયાદ ભણી વિસામણબાપુ ને મળવાની આકાંક્ષા એ પહોચ્યા હતા.
‘ના બાપુ, તમે કાઠી કોમ ને ઉજળી કરી છે, ભાલાય ફેરવ્યા અને ભક્તિ પણ કરી જાણી. જ્યા ચારે ધામ ફરનાર સંતો ની ચરણરજ ફરતી હોઇ ત્યા આવવુ જોઇએ.’
જસદણ દરબાર ચેલા ખાચર માટે આસન નાખવા માં આવ્યા, ‘બાપુ! આપ તો પીર છો, તમારા વેણે લેખ મા મેખ મરાય છે. આજકાલ મરાઠાની રાડ્ય માં સોરઠ બેબાકળો થતો જાય છે, મારા નાનકડા રાજ્ય માં એની નજર પડી છે, ઉકેલ મળતો નથી થાકી ને આપા તમારા શરણે આવવુ પડ્યુ.’ દરબારે પેટ છુટી વાત નાખી.
આપા વિસામણે મરકતા મરકતા જવાબ આપ્યો, એમા ઠાકર ની પાળે આવવા જેવુ શુ છે? મરાઠા ને થતા નાણા દઇ દ્યો, એટલે મેલીકર લઇ ઉપડી જાશે અને એ વાત ના થાય તો ખાંડા ના ખેલ ખેલી લેવા, ભલે જુવાનો ફાગણના ફુલડાં ઝીલી મેદાનની રમતુ રમી લે.
‘એમ થાય એમ નથી! ખાંડા ની રમતેય પુગાય એમ નથી, મરાઠાઓ ને નાણા ની ધરપત નથી, આજ સુધી ભુખાળવા જીયાજી સામજી ને કોઇ ધરાવી શક્યુ નથી. મારો તાલુકો હજી હમણા જ ઉગી ને બે પાંદડે થાય છે. ઠાકર અને ઠાકર ના ચાકર પીર વિસામણની ઓથ વિના કોઇ માર્ગ નથી, વેણે વેણ જે વ્યાધી મટાડે એ આજ જસદણ ને નહી ઉગારે?’
વિસામણ ભગત થોડી વાર મૌન રહિ ગંભીર અવાજે બોલ્યાઃ ‘ખાચર, સિધ્ધ પુરુષ તમારા જસદણ માં જ છે સિધ્ધ જઇતા ભગત જસદણ થી દક્ષિણાદા માર્ગે મઢૂલી બાંધી અન્નના ખાનાર ને તૃપ્ત કરતો બેઠો છે, એને મળો, ઇ ધારે તે કરે તેમ છે.’
‘બાપુ! આ નામ પહેલી વાર સાંભળ્યુ! એ મુળ ક્યાના?’
‘દરબાર! ઉંબરા મુકિ બધાય માનવો ડુંગરા પુજે છે આવા ચીંથરે વીંટ્યા રતન પાંચાળમાં અનેક પડ્યા છે. જોનાર ને જડે એવી વાત છે’
‘ભાડલા ના નાગખાચર ના દીકરા, જનમ ના જોગી, પૂર્વભવ માં સિધ્ધિઓ મેળવી ને જ આપા નાગના ઘેર પીંગળે પોઢેલ છે. પાંચાળ ના પડ માં આવો સિધ્ધ હાલ બીજો નથી.’
દરબાર ચેલા ખાચર જસદણ ને પંથે જઇતા સિધ્ધ ને મળવા રવાના થયા.
હિંગોળગઢ ફરતુ મરાઠાંનુ સૈન્ય જીવતા નાગદેવની જેમ વીંટળાઇ વળેલ તે રાતોરાત ઉપડી ભાવનગર તરફ રવાના થઇ ગયુ, મરાઠા ના ઘોડા ની લાદ ના ઢગલા, બીમાર જાનવરો, અર્ધજાગ્રત તાપણા સિવાય બાકિ ની છાવણી ઉપડી ગઇ હતી.
લોકો અરસપરસ વાતો કરવા લાગ્યા કે ચેલાબાપુ ખાચર, પેલા પાળિયાદ ગયા ત્યાથી પાછા જસદણ આવી જઇતા ભગત પાસે ગયા, મરાઠા જુલમ ની વાત કરી, જઇતા ભગતે ચેલા ખાચર ને નિશ્ચિંત કર્યા,’હિંદુપત થાપનાર શિવાજી મહારાજ ના પુણ્ય હતા અને મરાઠા સામ્રાજ્ય ના સિમાડા વધી ગયા, પણ હવે તેઓ નુ સ્થાન ફકત લુંટારો એ લિધુ છે તમે સુખે થી નિંદ્રા કરો, હિંગોળગઢની કાંકરી નઇ ખરે, કાલે આખીય છાવણી એને પંથે પડી જાશે, ને આજે છાવણીએ હિંગોળગઢ મુકિ દિધુ.’
‘પણ એવુ થયુ શુ? મરાઠી લશ્કરે રાત માં હિંગોળગઢ પર હજાર દિવા જોયા, ઘોડેસવારો જોયા અને અમરેલી ના સુબા એ ભાગવા મા સલામતી જોઇ અને રાતો રાત શિહોર ઉપડી ગયો’
જઇતા ભગત ગત અવતારે સિધ્ધિઓ મેળવી જ જન્મ લિધો હતો, ભગવાન પંતજલિ એ પણ કહ્યુ છે ‘जन्मोपधिमत्र्तपस्माधिजा सिध्द्य’(જન્મથી, ઔષધીથી, મંત્ર, તપ અને સમાધિ થી સિધ્ધીઓ સાંપડે છે.)તેઓ સંસારી ના હતા અને તેમને ભક્તિ વરી હતી,
જઇતા ખાચર કોઇ પાસે કાંઇ માંગતા નહિ, દાન આપે તો લેતા નહિ. છતા સાધુઓ દરરોજ પાકિ રસોઇ(મિષ્ટાન) જમાડતા. લોકોને મન એ કોયડો હતો કે આ બધો ખર્ચ કોણ ઉપાડે છે. સવંત ૧૮૬૯નુ વરસ કાઠીયાવાડ માટે ભયંકર રહ્યુ હતુ, અન્ન ના અભાવે પશુ અને માનવો રઝળી રઝળી મરી રહ્યા હતા. ભાડલા મા એક વખત આ કાળ માં એક સ્ત્રી નુ મરણ થઇ ગયુ. એનો પતી જઇતાબાપુ પાસે ગયો અને મા વિના બાળકો મરી જશેએમ કહિ કરગરવા લાગ્યો. જઇતા ભગત નુ હ્રદય વલોવાઇ ગયુ, તેઓ એના ઘરે ગયા અને એના બાઇના મૃતદેહ પર નુ કપડું દુર કરી બોલયા, ‘બેન, ઉઠ! તારા બાળુડા ને સાચવ.’ બાઇ ખરેખર ઉંઘ માથી જાગે એમ જાગી જતા જઇતા ભગત ઘરધણી ને કહેતા ગયા, આ કોઠી મા ઘણુ અનાજ ભર્યુ છે એકલપેટો થાતો નહિ અને તુ અને તારા પાડોશી ને ખવડાવજે તો ખુટશે નહિ.’ આમ નાર ને જીવાડી અને જાર પણ અપાવી.
ભાડલા અને એની આસપાસ ના ગામ માં લોકો ઘેલા બન્યા અને ઉભરાવા લાગ્યા, જઇતા ભગતે વિચાર્યુ કે પરમાર્થ કે ભજન એકેય અહિ નહિ થાય, આથી તેઓ એ ભાડલા છોડી ભ્રમણ કરવા નીકળી પડ્યા અને છેવટે જસદણ ના દક્ષિણ ભાગ માં છેવાડે નાની ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા. તેઓ એવી રહેણી કરણી થી રહેતા કે લોકો આકર્ષાય નહિ.
ચેલા ખાચર પાળિયાદ ગયા અને ત્યાથી જઇતા ભગત ને ત્યા અને જઇતા ભગતે મરાઠા ફૌજ થી જસદણ ઉગાર્યુ તો આ ઘટના થી લોકો તેમના તરફ આકર્ષાયા, લોક પ્રસિધ્ધી અત્યંત વધે એ પહેલા તેમણે સમાધી લઇ લેવાનો નિર્ણય કર્યો. સમાધી ગળાવી અને બેસવા તૈયારી કરી ત્યા દરબાર ચેલા ખાચર આવી પહોંચ્યા,
‘ભગત બાપુ! ભારે ઉતાવળ કરી.’ દરબાર બોલ્યા.
‘નિમિત્તે આવવું અને નિમિત્તે જવુ, એ માલિક ના ઘર નુ બંધારણ છે દરબાર! અંજળ ખૂટ્યા પછી વધારે રહેવાતુ નથી’
‘આપ મહાપુરુષ છો, આપની ખોટ પુરાશે નહિ જતા જતા આજ્ઞા કરતા જાઓ’
‘મારી સમાધી ના ત્રીજે દિવસે આપા વિસામણ ને બોલાવજો અને તેમને તીર્થભોજન પુરુ થાય ત્યા સુધી રોકી સમાધી પરની ધજા વડ પર ચડાવવા વિસામણ ભગત ને હાથ મા આપજો. આ કામ બીજા થી થશે નહી.’
આમ કહેતા ભગતે આંખો બંધ કરી,ભગત ના પ્રાણ બ્ર્હમાંડ મા વ્યાપી ગયા. લોકો એ તેમના અચેત શરીર ને સમાધી મા બેસાડી માટી થી ખાડો પૂરી દીધો.
આજે જઇતા ભગત ની સમાધી નો સોળમો દિવસ હતો, આજુબાજુમાંથી અનેક સંતો મહંતો, લોકો એકઠા થયા હતા. મંડળીઓ મા રામસાગર અને મંજીરાની રમઝટ જામી પડી હતી. દરબાર ચેલા ખાચર સમી સાંજથી આવ્યા હતા. વિસામણ ભગત પણ આવ્યા.
‘લાવો આપા જઇતા ની સમાધી પર ધજા ચડાવીએ,’વિસામણ ભગતે આજ્ઞા કરી.
કામકાજ કરવા ગોઠવાયેલા આપાના ભક્તો એ બાવન ગજ ની ધજા લાવી સમાધિ સામે મુકી. આપાએ ધજાને ધૂપ પર ફેરવી બોલ્યાઃ ‘જઇતા સીધ્ધ, બાપ તમારી ધજા બીજો કોણ ચડાવે? તમે જ લઇ લેજો’
આમ કહી ધજા ને વડ તરફ અધ્ધર ફેંકતા ધજા ઉડી અને આપો આપ વડ પર ચડી ગઇ અને લહેરાવા લાગી.
આ પ્રંસંગ નો દુહો આજે પણ ભક્તમંડળ મા ગવાય છે કે,
“ઊંચે કોઇ આંબે નઇ પીર હુંદા પંજા
ધમકમાં ધજા વડે ચડાવી વીહળા.”
વિસામણ ભગતે ધજા ચડાવી, પોતે સમાધિ પાસે બેસી રામસાગર મંગાવ્યો, રામસાગર ને ખોળે લઇ આપા વિસામણ સાવળ ગાવા લાગ્યા, માનવસાગર સાવળ ના સ્વરો માં ડોલવા લાગ્યો, સાથે જઇતા ભગત ની સમાધી પર ચણેલા પથ્થરો ડોલવા લાગ્યા.
ભજન પુરુ થતા દરબાર ચેલા ખાચરે પુછ્યું:‘ભગત! આ તો નવાઇ ની વાત, સમાધી પણ સાવળ ના સ્વર મા ડોલવા લાંગી’
‘દરબાર ચેલા ખાચર! કશી નવાઇ ની વાત નથી, સિધ્ધપુરુષ કાળ થી અજીત હોઇ છે, તેઓ સમાધી મા બેસી સાંભળે એ તો સહજ વાત છે’
દરબાર ચેલા ખાચર સાથે તમામ પ્રજા જઇતા ભગત ની સમાધી ને નમી, આખી રાત ભજન ચાલ્યા,સવારે તમામ જનો ને દરબાર ચેલા ખાચર તરફ થી મીઠો પ્રસાદ જમાડવા માં આવ્યો. આ ઘટના સવંત ૧૮૭૬ માં બની હતી.
આજે જસદણ માં જઇતા ભગત ની સમાધી તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે,વડ નુ વૃક્ષ પણ ત્યા છે, સાધુઓ રહે છે, જસદણ તરફ થી પૂજારીઓ ને નિર્વાહ માટે જમીન આપવા માં આવી હતી.
નાગધર નીપજ્યો જઇતોસિધ્ધ જ કે,
વા’લા વિસારીશ નંઇ સગપણ સરા લાગે.
પ્રેષિતઃ કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન ☀
📌ફોટો સૌજન્યઃ ઉદયભાઇ વાળા
📌સૌજન્યઃ સોરઠ ના સિધ્ધો(કાલિદાસ મહારાજ),વિસામણ ચરિત્ર
જય કાઠીયાવાડ