લખતર તાલુકાના ડેડાદરા ગામની આ વાત છે. આ ખાંભી ડેડાદરા ગામના ત્રિવેદી પરીવાર ના સતી અંબા ની છે. જેમનાં લગ્ન ડેડાદરા ના જેશંકર ત્રિવેદી સાથે થયેલા. અંબાના પિતા શિહોર પ્રદેશ ના હતાં આ જોડીના એ વિસ્તારમાં ખુબજ વખાણ થતાં, કોઈ એને ઝાલાવાડની સતી કહેતા.
જેશંકર ખેતી કરતા અને અંબા ખેતીમાં હોંશે હોંશે તેમની મદદ કરતા અને આમ બંને ખુશીથી જીવન ગુજારતા… એવામાં એકવાર વસંત પંચમી એ ગામમાં બ્રાહ્મણ ના ઘરે લગ્ન હતાં. જ્યાં અચાનક લગ્ન ગીતોના રંગ વચ્ચે બંદૂકના એકાએક ભડકા સંભળાવા માંડયા. એટલે જેશંકર સામૈયામાં ગીત ગાતી સ્ત્રીઓના ટોળાં તરફ દોડયો અને તેણે અંબા ને જોઇ ને પાસે બોલાવીને કહ્યું કે જટ જાવ ઘરેથી મારી અને તારી તલવાર લઇને ઝાંપા આગળ આવી પહોચ. બસ પછી તો તેણે ઘર તરફ દોટ મૂકી, એટલામાં તો બુંગીયો ઢોલ વાગવા લાગ્યો અને ડેડાદરાનો કાઠીયાવરણ તલવારો લઇને ઉઠયો.
ઝાંપા બહાર જાનના વોળાવિયા અને બહારવટીયા વચ્ચે ઝપાઝપી શરૂ થઈ, બ્રાહ્મણની જાન લૂંટાઇ તો તો ડેડાદરા નુ પાદર લાજે. આ સમયે વસંત પંચમીની પાંચમ ના તેજ આકાશમાં ડેડાદરા ના જુવાનીયાઓ, જેશંકર અને અંબા ને તલવાર સહિત ઘુંમતા જોયા. અને આમાં બે બહારવટીયા અંબા ની તલવાર ના ભોગ બન્યા. આખરે બન્નેની લાશ લઇ બહારવટીયાઓ નાઠા….
થોડા દિવસ પછી ગામના કોઈકે કહ્યું કે અંબા બોન જેશંકર ને કેજો સાવધ રહે કારણકે બહારવટીયાના માણસો કાલે સીમમાં આવ્યા હતાં ને જેભાઇ ના ખેતરની પછવાડે ગાળીમા જોયા હતા કારણ જેશંકર ને અંબાના લિધે ગામ લુંટી ન શકાણુ તેની દાજ રહી ગઈ હતી અને બે સાથી પણ ગુમાવ્યા હતાં તેનું વેર વાળવા ના લાગમા જ હતા.
એક દિવસ અંબા નિયમ મુજબ ઘરકામ પતાવીને ખેતર ભાત દેવા હાલી, જ્યારે વાડીએ આવીને ચારે કોર જોયું તો જેશંકર ક્યાંય ન મળે, આજુબાજુના તમામ ખેતર જોયા પણ ક્યાંય ન મળે. એવામાં વાવડ મળ્યા કે જેશંકર ને બહારવટીયા પીળીવાવ બાજુ ઊપાડી ગયા છે આવી અફવાઓ ડેડાદરા ને પાદર પહોંચી. અંબા એ અફવામાંથી પોતાને જાણવાનું હતું એ જાણીને કોઈ નો પણ સાથ લીધા વગર સાથમાં માત્ર તલવાર અને લગ્નની ચુદડી લિધી. અને હાલવા માડયુ . ડેડાદરા અને પિહર વચ્ચે ચુડઆબલી ના રસ્તે કોઈ માણસ ને ઉઘાડા ડીલે આંબલી સાથે બાંધ્યો હતો. નજીક આવતાં તેનાં પતિ ને આ દશામાં જોઇ તરતજ તલવાર થી દોરડા કાંપવા લાગી.
એટલામાં તો બહારવટીયોઓ એ દુરથી રાડ કરી કે અંબા સાવધ થાજે. અંબાએ નજર કરી તો ચાર બહારવટીયા ઘસી આવ્યા, અને બહારવટિયો બોલ્યો બ્રામણી તે દિવસે જાન લૂંટવા ન દીધી અને પાછી આજ અમને લુંટી જવા આવીશું. ટુકમા અંબા અને જેશંકર અને બહારવટીયા વચ્ચે ધીંગાણું જામ્યું તે ધીંગાણા મા જેશંકર પડતા અંબાએ ઝીલી લીધો અને અહીં વીરાંગના પત્નીના વીર પતિનું મૃત્યુ થયું.
પતિનું મૃત્યુ થતાં અંબાને સત ચડયું એના પગમાંથી અગ્નિ પ્રકટયો, અને બહારવટીયાએ સતી નુ સત જોઇ હથિયાર એના ચરણમાં ફેંકી દીધા. સતી માતાએ બહારવટીયા સામે જોયું. એટલે બહારવટીયો બોલ્યો માવડી શ્રાપ દેશોમાં હવેથી બ્રાહ્મણના દિકરા દીકરીને કે કોઈ પણ જાનને હાથ નહી લગાડીએ. આ અમારી પ્રતિજ્ઞા છે. જેશંકરના શબ ને ડેડાદરા લાવવામાં આવ્યું. અને ત્યાં તેનાં પોતાના ખેતરમાં જય અંબે ના લોકધ્વની વચ્ચે આ બ્રાહ્મણ વીરાંગના સતી થઇ. આજે પણ એ પતિ પત્નીના સ્મરણચિહ્મ તરીકે એ પાળીયા ઊભા છે. તેની પાસે એક કુંડ છે જેમાં છ મહીના ખારું પાણી અને છ મહિના મીઠું પાણી હાલના કળિયુગમાં પણ જોવા મળે છે. એ સતીના વંશજો પીપળિયા, મોખડકા અને જસાપરમા આજે વસે છે અને વીરાંગના અને વીરના સ્મરણોને યાદ કરી એને પોતાની કુળદેવી તરીકે માને છે.
જે જગ્યાએ કુંડ છે તે જગ્યાએ વર્ષો પહેલાં ખેતર જ હતા અત્યારે તો ગામમાં આવી ગયુ છે હાલમાં આ ગંગવા કુંડ મા જતા પહેલા આ સતિની ખાંભી ના દર્શન થાય છે.
મિત્રો આ સ્થળે થી આ આખી વાત જાણવાં મળી છે અને બીજી વાત એ કે લેખક શ્રી ગોકુલદાસ રાયચુરા એ 1989 લખેલ પુસ્તક સોરઠી વીરાંગના આ પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે જેમાં આ વારતા નું નામ જય અંબે છે… જોકે ત્રિવેદી પરીવારે ત્યાં આ વારતા ને એક પડદામા સરસ રીતે મુકેલ છે. જે રસિકો માટે અમુરત સમાન ગણાય.. અસ્તુ
લેખક – વિરમદેવસિંહ પઢેરિયા