અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં.
અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક.હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ ગ્રંથ લખેલો કે જેનું અધ્યયન આજે પણ તત્વચિંતકો કરે છે.આવા હતા અષ્ટાવક્ર…તેઓ અષ્ટાવક્ર એટલા માટે કહેવાણા કે તેમના આઠ અંગ વાંકા હતાં.બે હાથ,બે પગ,બે ઘુંટણ,છાતી અને માથું.પરિણામે એમનું શરીર એકદમ વિચીત્ર આકારનું હતું.પોતાના પિતા દ્વારા અપાયેલ શાપને લીધે તેમની આ દશા થયેલી. પણ કહેવાય છે ને – “રૂપથી ગુણ વાલાં.” એટલે જ તો મહર્ષિ યાજ્ઞવલ્ક અને રાજા જનકના એ ગુરૂ હતાં.
હાં,તો આવા મહર્ષિ અષ્ટાવક્ર જનકના દરબારમાં શાસ્ત્રચર્ચા માટે આવ્યાં ત્યારે બધાં દરબારી એમનું કઢંગુ શરીર જોઇને હસવાં લાગ્યાં,દાંત કાઢવા લાગ્યાં.
જનકે આ જોયું અને હજી કાંઇ બોલવાં જાય ત્યાં જ તેમની નજર સભાની વચ્ચે ઊભેલા અષ્ટાવક્ર પર પડી.અષ્ટાવક્ર પણ બીજા બધાની જેમ ખડખડ હસતા હતાં.
જનકને આશ્ચર્ય થયું.એને કુતુહલ જાગ્યું કે અષ્ટાવક્ર શા માટે દાંત કાઢે છે !
એટલે વિનમ્રભાવે જનકે અષ્ટાવક્રને પૂછ્યું – “મુનિવર્ય ! આ બધાં હસે છે એ તો આપના વિચીત્ર દેખાવને હસે છે,એનું કારણ હું સમજી શકું છું.પણ આપ શું કામ હસો છો ?”
અને ત્યારે અષ્ટાવક્રએ જવાબ આપ્યો – “જનક ! મને એટલા માટે દાંત આવે છે કે તું ચમારોની સભા ભરીને સત્યનો નિર્ણય કરવા બેઠો છે.”
© © © © ©
અષ્ટાવક્ર [ ભારતીય સંસ્કૃતિના મહાન મહર્ષિનો ટુંક પરિચય ] –
અષ્ટાવક્ર કહોડ અને સુજાતાના પુત્ર હતા.કહોડ મહર્ષિ ઉદ્દાલકના આશ્રમમાં ભણતાં,તેની મેઘાવી બુધ્ધિથી પ્રસન્ન થયેલ ઉદ્દાલકે તેમને પોતાની પુત્રી સુજાતાનો હાથ આપ્યો હતો.
અષ્ટાવક્રએ સુજાતાના ગર્ભમાં રહીને સુજાતા,ઉદ્દાલક અને કહોડ વચ્ચે થયેલા શાસ્રોચાર સાંભળેલા અને આથી તેણે ગર્ભમાં જ શિક્ષણ લીધેલું.એક વખત કહોડ સુજાતાને વેદના સુક્તો સંભળાવી રહ્યાં હતાં.ત્યારે એક સુક્તમાં કહોડે બોલવામાં ભુલ કરી.આથી સુજાતાના ગર્ભમાં રહેલા અષ્ટાવક્રએ પેટમાં હલનચલન કર્યું.જે કહેવા માંગતા હતાં કે,પિતાજી આપનો ઉચ્ચાર ખોટો છે ! કહોડે આ જોયું અને તેના ગુસ્સાનો પાર ન રહ્યો.તેણે શ્રાપ આપ્યો કે તારા જન્મસમયે તારા આઠ અંગ વાંકા થશે.પરિણામે અષ્ટાવક્ર શરીરે કજોડા હતાં.
એક વખત કહોડ મિથિલારાજ જનકની સભામાં ઇન્દ્રપુત્ર બંદિ જોડે શાસ્ત્રચર્ચા કરવા ગયાં.એ વખતે જે આ ચર્ચામાં હારે તેને વિજેતા કહે એ પ્રમાણે કરવું પડતું.બંદિએ કહોડને હરવ્યા.અને બંદિએ કહ્યું એ પ્રમાણે ગંગાના પાણીમાં સમાધિ લેવી પડી !
આ બાજુ અષ્ટાવક્ર દિવસે દિવસ મોટા થાય છે.તે ઉદ્દાલકને પોતાના પિતા સમજતો અને ઉદ્દાલકના એક નાના પુત્ર શ્વેતકેતુને પોતાનો ભાઇ સમજતો.એકવાર ઉદ્દાલકના ખોળામાં શ્વેતકેતુ બેઠો હોય છે ત્યારે અષ્ટાવક્ર પણ બેસવા જાય છે.આથી,શ્વેતકેતુ ગુસ્સે ભરાઇને તેને ઉઠાડી મુકે છે અને કહે છે કે તારા પિતા હોય એના ખોળામાં બેસ.
અષ્ટાવક્ર સુજાતા પાસે જાય છે અને જવાબ માંગે છે કે મારા પિતા કોણ છે ? સુજાતા તેને બધું સત્ય કહે છે.અને ખિન્ન થયેલ અષ્ટાવક્ર જનકની સભામાં જઇ બંદિને પડકાર ફેંકે છે,શાસ્ત્રચર્ચા માટે.બંદિ અષ્ટાવક્ર સામે હારે છે આથી અષ્ટાવક્ર એણે પોતાના પિતાને જેમ ગંગામાં સમાધિ લેવા કહેલ તેમ કરવા જણાવે છે.ત્યારે બંદિ ખુલાસો કરે છે કે,તમારા પિતા જીવંત છે.મારા પિતા ઇન્દ્રને મહાયજ્ઞ યોજવો હતો આથી સારા બ્રાહ્મણોની જરૂર હોવાથી તે આમ કરતો હતો.અને હવે તે યજ્ઞ પુર્ણ થયો છે.બંદિ આટલું કહી કહોડને સભામાં હાજર કરે છે.
કહોડ પોતાના પુત્રથી ખુશ થાય છે અને તેને સુમંગા નદીમાં સ્નાન કરવા કહે છે,જેથી અષ્ટાવક્રનું શરીર સ્વરૂપવાન અને સામાન્ય માણસ જેવું સુડોળ થઇ જાય છે.
– Kaushal Barad.
જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.