સમગ્ર વિશ્વ અત્યારે કોરોના જેવી મહામારી સામે લડત લડી રહ્યુ છે. આ મહામારીનો નાશ કરવા માટે સરકાર , સમાજ અને અનેક ધાર્મિક સંસ્થાઓ યથા શક્તિ પ્રયત્નો કરી લોકોની સેવા કરી રહી છે. સૌરાષ્ટ્રવાસીયોના તો લોહીમાંજ સેવાવૃતિ રહેલી છે, કોરોના જેવા કપરા સમયમાં દરેક વ્યક્તિ પોતાની સમાજ પ્રત્યે ફરજ સમજી ને પરસ્પર મદદ કરવા માટે અગ્રેસર છે. માનવતાના આદર્શની આજે વાત કરવા બેસુતો આગાઉ પણ આવી અનેક મહામારીયે સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડમાં ભરડો લીધેલ છે. રકતપીત, કોઢ, મરકી, શીતળા, પ્લેગ જેવી મહામારીએ પોતાનુ ભયંકર સ્વરુપ બતાવ્યુ છે. આવા કઠિન સમયમાં આપણા અનેક જતી પુરુષો, સંતો, સિધ્ધો, પીર-ઓલીયા, ફકીરો, સાધુઓએ પોતાના યોગ તપોબળ, ભજનભાવ, દુઆ-બંદગી તથા ભક્તિના પ્રતાપથી અનેક લોકોને સ્વસ્થ આરોગ્યમય નવજીવન આપ્યુ હતું. ‘ધન્ય છે સૌરાષ્ટ્ર ધરણી’ કે જે આવા પુનીત શાશ્વત સંતો-સિધ્ધોની માતૃભૂમી રહેલી છે.અગાઉ આપણા સંતોએ આવી મહાભયંકર મહામારી અને રોગવાળાથી લોકોનુ રક્ષણ કર્યુ છે. ઝવેરચંદ મેંધાણી પોતાના પુસ્તક પરક્મ્મામાં નોંધે છે કે ભયંકર રોગ, રક્તપીત્ત અને તેની નિર્બંધ સારવાર કરનાર સોરઠના ત્રણ સંતોના સ્થાનકો હતા.
(૧) ગધઇ ગીગાભગતનું સતાધાર
(૨) રબારીસંત દેવિદાસનું પરબ-વાવડી
(૩) મુસ્લીમ સંત પીર જમીયલશા દાતારનો ગિરનારી દાતાર ડુંગરો.
હિંદમાં બીજા કોઇ સંતે આવી કાળરોગની સેવા કરી જાણી નથી.
આ મહામૂલા સંતોએ ભયંકર રોગના ચેપનો પણ ભય રાખ્યા વગર અનેક લોકોની સેવા કરી છે આનાથી મોટો માનવાતા નો ઉંચો આદર્શ શું હોઇ શેકે?
ગંગા જમના ગોમતી, કાશી પંથ કેદાર;
અડસઠ તીરથ એકઠાં, દાના તણે દેદાર.
ગેબીનાથથી શરૂ થયેલી પરંપરામાં આપા મેપાનાં શિષ્ય આપા જાદરા થયાં ગામમાં એક કોળી બાળક ગુજરી જાતા તેની માતાનું આક્રંદ સહન નહી કરી શકવાથી આપા જાદરાનાં ઘરેથી આઈ માકબાઈએ અને આપા જાદરાએ પોતાના ગુરુને વિનંતી કરતા કોળી બાળક ને બદલે પોતાના પુત્રને મોકલી આપે તો કોળી બાળ જીવિત થાય તેવી આકરી માંગ ગુરુએ કરતા, પોતાનો પુત્ર હરસુરને તૈયાર કરી કોળી બાળની બદલે મોકલેલ. તે આપા જાદરા પાસે એ અંધ દાનાને તેમના માતા લઈ જાતા. આપા દાનામાં દ્રષ્ટિપાત કરી દેખતા કરેલ અને ત્યાર બાદ ગિર વિસ્તારમાં ગાયુ લઈ જાતા ગરમલી ગામની સીમમાં એક કણબીની નાની બાળા જેનાં માથામાં દુર્ગંધ મારતી દુઃસાધ્ય ઉંદરી થઈ હતી તે ચાટી મટાડેલ.
સંત દાના પાપ પુણ્યના રૂઢીગત ખ્યાલ લઇને બેઠેલા જનસમાજની વચ્ચે જીવતા હતા અને તે જનતાના આધારે નિર્વહતા હતા. તેમ છતા તેણે થડકાટ ન અનુભવ્યો, તિરસ્કૃત માતાને માનભેર જિવાડી, તેના પુત્રને સંત પદે સ્થાપ્યો, અને એ ચલાલાના દાનેવ ભગત ગધઇ મુસ્લીમના મા-બેટા સાથે એક થાળીમાં જમ્યા. ગુરુ દાનાએ ગીગા ભગત ને જુદી જગ્યા કરી દઇને કહયુ કે ‘બેટા ગીગલા અભ્યાગતો ની સેવા કરજે એને રાબડી આપજે.’ આજે ગીરના પહાડો વચ્ચે નું ધર્મસ્થાન સતનો આધાર સતાધાર શોભી રહ્યુ છે. સતાધાર ગીગાભગતનું કર્મસ્થાન રહ્યુ છે. અહિં ગીગા ભગતે ધેનુઓની અને રક્તપીતીઆ માનવીઓ ની સેવા કરી છે. તેમનો જન્મ ઇ.સ. ૧૭૭૭ માં ધજડી ગામે માતાનું નામ લાખુ/સુરૈયા બાઇ, જ્ઞાતી ગધઇ મુસ્લમાન, ચલાલાવાળા આપા દાનાના શિષ્ય, ઇ.સ. ૧૮૦૯ માં સતાધારે આવી જગ્યા બાંધી.
કોરોના ઇ’કાળમુખો, જેના પ્રલયથી છોડે સહુ સાથ;
નથીં પરબે દેવીદાસ નહીં (તો) હરખે ઝાલત ઇ’હાથ!
અમરેલી જીલ્લાનું બગસરા તાલુકાનું ગિરનું નાકુ ગણાતા એવા મુંજીયાસર ગામે પરમાર શાખના પુંજલ રબારી અને સાજણબા નું વાંઝિઆ મેહણુ જેયરામશાહની દુઆથી મટેલુ અને તેને દેવ જેવા ત્રણ પુત્રો દેવો,માંડણ અને રૂડો થયા. પુંજલ રબારીનો પુત્ર દેવો લગ્ન સંસાર માંડી,બે પુત્રનો પિતા બની પછી જ જગતમાં દુખ્યાંભુખ્યાંની ચાકરી કરવા ઘર તજી ગયો હતો.
લોકસેવાની દિક્ષા ત્યારે દોહલી હતી.હરેક યુગને પોતાની કસોટીઓ અને સાધનાની નીતિરીતિઓ હોય છે.તે કાળના સોરઠી યુગમાં દિક્ષીતો માટે ગિરનારની સાત પરક્મ્મા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરકમ્માએ ઉપડ્યો.
એક્કેક પરકમ્મા પુરી થયે એ છોડવડી ગામે ઝૂંપડીએ આવીને એક આદ બે દિવસ રોકાતો.ફરી પાછો નિકળતો. પ્રત્યેલ પરિક્ષાએ દેહને ચકાસ્યો.પચીસેક ગાઉની એક્કેક લાંબી મંજલમાં ગિરકંદરાઓની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યા તેમજ ભયાનક અનુભવો થયા. દેવાએ વિકરાળ અને હિંસક પશુઓથી બાંધવતા બાંધી. દેવાને અઢારભાવ વન્સપતિ સાથે કુંટુંબભાવ બંધાયો. દેવો એકાંતનો બાળ બન્યો. દેવાની આખોમાં ગંભિરતાનું અંજન કરનારુ અનંત આકાશ રાત્રી-દિવસ એની સાથે રંગોની ભાષામાં વાતો કરતુ હતું. એવામા દેવાએ સાત પરકમ્મા પુરી કરી લીધી. સાતમી પરકમ્મા પુર્ણ થતા જ ગોંડલથી ગિરનાર ભ્રમણ માટે પધારેલા મહાત્મા મહાસિધ્ધ શ્રી લોહલંગરી નામના સાધુ મહારાજનો ભેટો થયો. દેવાએ તેને દંડવટ નમન કરી ભક્તિનો માર્ગ ચિંધવા પ્રાથના કરી. આ મહાસિધ્ધ લોહલંગરી મહારાજે પોતાની ઝોળી માંથી રામરજ નો પસો કાઢી દેવાના કપાળે તિલક કર્યુ અને આદેશ કર્યો કે ” દેવા ! દેવોના દાસ, વાવડી ગામની હદમાં સરભંગ ઋષીનો આશ્રામ અને દતાત્રેય મહારાજનો ધુણો છે.આ જગ્યા પર અગાઉના સમયમાં જસો અને વરદાનનામના સંતો આવેલા તેમની સમાત છે.કાપડી સંત મેકરણે આ જગ્યા પર રહી છ મહિના આકરુ તપ કરેલુ, ત્યાં જઇ જગ્યા બાંધજે ને જગત જેને પાપિયાં કહી દરીયામાં ફેકી દે છે તેવા રકતપિતીયાઓના લોહિ પરુ સાફ કરી તેની સેવા કરજે, આવેલ અભ્યાગતો ને ટૂકડો દેજે.’
એ રીતે દેવાએ – દેવીદાસે – પરબ-વાવડીની જગ્યા સ્થાપી ધુણો ચેતવ્યો અને અપરિગ્રહવ્રત આચર્યુ. કશો જ સંધરો કે ગામગરાસ ન કરવાનું વ્રત દેવીદાસ સિવાય કોઇએ લીધું જાણ્યુ નથી. કેમ કે લોકવાયકા આ પ્રકારનું બીરદુ એક દેવીદાસને જ ચડાવેલ છે કે-
કે’ ને ખેતર વાડિયું, કે’ ને ગામગરાસ,
આકાશી રોજી ઉતરે, નકળંક દેવીદાસ.
(કોઇ સેવકોને ખેતરો-વાડિયુ હશે. કોઇને ગામ ગરાશ હશે. પણ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશવૃતિનું જ વ્રત હતું)
પરબ-વાવડીનું આ સ્થાનક અનેક રક્તપીતીયા અને કોઢીયાઓનું આશ્રય સ્થાન બન્યુ. ડવ શાખના આહિરની દિકરી અન્નપુર્ણા અમરમા અને ભેસાણ ગામના કાઠી દરબાર આલા ખુમાણનો સૌથી નાનો દિકરો સાર્દુળ ખુમાણ પણ દેવીદાસ બાપુના સેવા યજ્ઞમાં જોડાણા અને શિષ્યો બન્યા.
એ બંદા તારી મેડીએ સદાય ખુલા દ્રાર;
વાહલા-દહુલા કોઇ નહિં સૌને સરખો તું દાતાર
જમીયલશા પીર ઉર્ફે દાતાર એ જુનાગઢમાં આવેલ જગપ્રસિધ્ધ હિન્દુ-મુસ્લીમની કોમી એકતાના દર્શન કરાવતુ સુપ્રસિધ્ધ સ્થાનક છે. જમીયલશા નામનુ શુધ્ધ સ્વરૂઓ જાણી લઇએ તો જમીલ એટલે ખુદાપાકના પવિત્ર નવ્વાણું નામ માથી એક નામ છે. અરબીભાષામાં જમીલ શબ્દનો અર્થ જોળી થાય છે. જમીયલશાપીર તેની પાસે ચમત્કારી જોળી રાખતા અને જે કોઇ પૈસા કે અન્ય કાંઇ વસ્તુ માંગે તે તેને કાઢીને આપતા હતા.એમની આ દાનવૃતિ ને કારણે તેને દાતાર કહેવાય છે.દાતારનું મૂળ નામ સૈયદ મહમદ અબ્દુલહાદી બકોલબાઝ સૈયદ અબ્દુલ વહાબ હતું. સૈયદ જમીયલશા તેનું ઉપનામ હતું. તેમનો જન્મ ૨૭ રમજામ શરીફ હીજરી પ૮૦ માં (ઇ.સ. ૧૨૨૦) ઇરાનના તુંસ શહેરમાં થયો હતો.જેઓ હઝરત મુસા કાઝીમના વંશના હતા. જેમના પિતા ચિશ્તી સંપ્રદાય પાળતા હતા પણ તેઓ કાદરી સંપ્રદાય પાળતા અને લુહારીકામ કરી પોતાની આજીવીકા રળતા હતા.
દાતાર વિશે એવુ કેહવાય છે કે માત્ર સાત દિવસના હતા ત્યારે નમાઝ માટેની અઝાન સંભળાતા તેમણે ઇસ્લામનો “લાઇલ્લાહા ઇલ્લલ્લાહ મોહમદ રસુલઅલ્લાહ” કલમો પઢીયા હતા. તેઓએ માત્ર ૭ વર્ષની વયે કુરાને શરીફ મોઢે કરી લીધુ અને હાફીઝ બની ગયા હતા અને ૧૫ વર્ષની વયે પિતા સાથે તેઓ હજ પઢવા નિકળી ગયા હતા.
આ હજયાત્રા વખતે તેઓને સ્વપન આવ્યુ કે તમે હિંદુસ્તાનના સોરઠ પ્રાંતમા પોંહચી જાવ ત્યાની પ્રજા ઇશ્વરને ભૂલી ગઇ છે.ત્યાંની પ્રજા અનેક દુઃખોથી ઘેરાયેલી છે, તમે ત્યાં જાવ અને તેના દુઃખ દુર કરો અને લોકોની સેવા કરો. આથી તેઓ જુનાગઢ આવવા નિકળી ગયા હતાં. પરંતુ મક્કાથી આવતી વખતે રસ્તામાં સિંધના મહાનપીર પઠ્ઠાનો તેમને પરિચય થયો અને તે તેમમા શિષ્ય બની ગયા. દાતાર જુનાગઢમાં ક્યારે પધાર્યા તેનો ચોક્ક્સ સમય જાણી શકાતો નથી પરંતુ જ્યારે આવ્યા ત્યારે સૌપ્રથમ માઇ ગઢેચીના નામે ઓળખાતી મસ્જીદની જગ્યા આગળની ગુફામાં રહ્યા હતા. ત્યા રહ્યા પછી પહાડ ઉપર સક્કર માઇ નામની વાવ પાસે ઉતરમાં ઉંચી ટેકરી ઉપર ૧૨ વર્ષ એક પગે ઉભા રહી તપ કર્યુ. આ સમયે તેમની ઉંમર ૨૦ વર્ષ હતી. તેઓ મદીના મુન્વરાથી સોરઠ આવ્યા હતા તેનો ઉલ્લેખ દાતારના ખલીફાઓ પાસેની ફારસી નોંધમાં જોવા મળે છે.
દાતાર અને દાતારની તળેટીમાં રક્તપિતીયાના રોગીઓનું આશ્રય સ્થાન બની ગયુ હતું. અને તેમા દાતારની દુઆથી લોકો સાજા થઇ જતા હતા.તેથી દરેક રકતપિતિયાઓ દાતારની તળેટીમાં આવીને પડયા પાથર્યા રહેતા.આ સિવાય જુનાગઢમાં રક્તપિતીયાનું દવાખાનુ નોહતુ બન્યુ ત્યારે દાતાર જમીયલશા પીરની દુઆથી લોકોને શાંતી વળતી હતી અને અનેક લોકો સાજા થઇ હતા. આજની તારીખે પણ જેને આપણે માનસીક રોગી ગણીયે છીએ તેવા અનેક રોગી દાતાર આવે છે અને થોડો સમય રોકાઇ છે અને સાવ સાજા થઇને જાય છે.આ શ્રધ્ધા અને ધટના જોઇને જુનાગઢના નવાબે આ સ્થળે પ્રિન્સ આલ્બર્ટ વિકટર ઓસાયમ બાંધ્યુ હતુ કેમ કે અહિં સ્થળનો જબરો અનેરો પ્રભાવ હતો.
દાતારનો આ પર્વત કાલમેધના પર્વત તરીકે ઓળખાતો હતો પરંતુ દાતારના આગમન પછી પર્વતનુંનામ દાતાર જ પડી ગયુ.જમીયલશા પીર દાતાર જુનાગઢ આવ્યા એ સમયે આ અવાવરુ પહાડ પર અનેક અવગતીયા આત્માઓ ભૂત, પ્રેત, પલિત થઇને ફરી રહ્યા હતા અને નિર્દોષ પ્રજાજનોને હેરાન કરી રહ્યા હતાં. પરંતુ દાતારે આવીને તેમનાતપોબળના પ્રભાવથી વશ કરી લીધા હતાં. ત્યારથી આ પર્વત ઉપર દાતારની જગ્યામાં આ પર્વત ઉપર ભૂતપ્રેતને દાતારના પ્રભાવથી સહેલાઇથી વશ કરી શકાય છે અને તેને કાઢી શકાય છે.આવી શ્રધ્ધા લોકોમાં બેસી ગઇ અને આજના સમયે પણ આવી બલ્લા વળગેલાનો લોકો શ્રધ્ધાથી અંહિ આવે છે અને ખાસ કરીને ગુરુવારે તેને ચિલ્લાં સામે ઉભા રાખવામાં આવે છે અને લોબાન થતા તેઓ અતીવેદનાથી પીડાતા હોય તેમ સતત રાડો પાડે છે અને જેમ દાતારને દેખતા હોય તેમ તેની સાથે વાતો કરે છે.ત્યારે આપણને એમ થાય છે કે જરુર કોઇ અદર્શ્ય શક્તિ છે જ તે માનવચચક્ષુથી અદ્રશ્ય રહે છે.
દાતાર જુનાગઢમાં કેટલો સમય રહ્યા તે બાબત વિશ્વાસભુત જાણવામાં મળતી નથી. છેલ્લી અવસ્થાએ તેઓ પીરઠ્ઠા નગરઠ્ઠા ચાલ્યા ગયેલા અને ત્યાંજ તેઓ જન્નતનશીન થયા. તેનો રોજા મુબારક પણ સિંધમાં નદી કિનારે બનાવામાં આવ્યો છે.જમીયલશાપીર દાતારનો ઉર્ષ ઇસ્લામી ધર્મના રીવાજ મુજબ હિજરીસન ત્રિજા મહિનાના રબી ઉલઅવ્વલની ૧૨મી તારીખે ઉજજવામાં આવે છે.દાતારના ઉર્ષ વખતે ભવ્ય મેળો ભરાય છે અને સંદલ ચઢાવવાની વિધિ થાય છે.
પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..