સોલંકીયુગની સ્થાપના – સોલંકીયુગ ગાથા

કોઈ પણ રાજવંશની સ્થાપના ત્યારે જ થાય જયારે જે તે સમયમાં રાજ કરતો રાજા નબળો હોય. લોકોની પણ અપેક્ષા એ જ હોય કે હવે શાસન બદલાય તો સારું !!! એ સમયનો માહોલ મહત્વનો હોય છે. રાજા નબળો હોય એણે કશું પણ કર્યું જ ના હોય એથી ઉલટાનું એ રાજાએ પ્રજા પર દમનકારી વલણ અપનાવ્યું હોય. જો કે નવાં આવનાર રાજવંશનાં રાજાની અતિમહત્વાકાંક્ષા પણ વધારે મહત્વની હોય છે.

આવા સંજોગોમાં ભલે તે સમયમાં રાજ કરતાં રાજવંશના કોક રાજા ભલે શક્તિશાળી અને સારો હોય પણ એનાં અનુગામીઓ સારાં ના હોય હોય તો એની પહેલાનાં રાજાનું કર્યું કારવ્યું ધૂળમાં મળી જઈ શકે છે. આવાં સંજોગોમાં જે નવાં વંશની સ્થાપના કરે છે એ રાજા પ્રજાવત્સલ અને લોકપ્રિય બની શકે એમ હોય છે. એ રાજા પણ પ્રજાની નાડ પારખવામાં ખરો ઉતરતો હોય છે.

આવાં સમયે અન્ય રાજ્યોના રાજાઓને એમ લાગે છે કે —- “આ રાજા તો નવો સવો છે …. એ વળી શું ઉકાળવાનો છે કે એ શું ઉખાડી લેવાનો છે આપણું!!” કારણકે એ રાજાઓએ આ રાજાની શક્તિના પરચાનો સ્વાદ હજી ચાખ્યો જ નથી હોતો. જો એ રાજા વિજય પ્રાપ્ત કરે તો એની વાહવાહ થાય છે અને ભારતવર્ષના અન્ય રાજાઓ પણ એની નોંધ લે છે. આવા સંજોગોમાં જ એક શક્તિશાળી રાજા પ્રજાને મળે છે અને જે તે રાજ્યને એક સુખ્યાત રાજવંશ !!!

સોલંકી યુગની સ્થાપનામાં પણ કૈંક આવું જ બન્યું છે અને એટલાં જ માટે ગુજરાતને ચાર ચાંદ લગાડે એવો રાજવંશ મળ્યો છે જેની ગુજરાતને ઘણા વર્ષોથી તલાશ હતી એવો જ !!!

ચૌલુક્ય અથવા સોલંકી એ અગ્નિકુળમાંથી ઉત્પન્ન થયેલાં રાજાપુતોમાંના એક હતાં. વડનગર અભિલેખમાં આ વંશની ઉત્પત્તિ ભગવાન બ્રહ્માજીના ચુલુક અથવા કમંડલમાંથી થયેલી દર્શાવવામાં આવી છે. એમણે ગુજરાતમાં દસમી શતાબ્દીના ઉત્તરાર્ધથી તેરમી શતાબ્દીના પ્રારંભ સુધી શાસન કર્યું હતું. એમની રાજધાની અણહિલવાડ(પાટણ)માં હતી.

સોલંકી યુગની સ્થાપના સન ૯૪૨માં થઇ હતી અને તેનો અંત સન ૧૨૪૪માં આવ્યો હતો. આ યુગમાં કુલ ૧૧ જેટલાં રાજાઓ થયાં હતાં.

  • ૯૪૨-૯૯૭ મૂળરાજ
  • ૯૯૭-૧૦૦૮ ચામુંડરાય
  • ૧૦૦૮-૧૦૨૨ દુર્લભરાજ
  • ૧૦૨૨-૧૦૬૪ ભીમદેવ પ્રથમ
  • ૧૦૬૪-૧૦૯૪ કર્ણદેવ પ્રથમ
  • ૧૦૯૪-૧૧૪૦ સિદ્ધરાજ જયસિંહ
  • ૧૧૪૩-૧૧૭૨ કુમારપાળ
  • ૧૧૭૨-૧૧૭૬ અજયપાલ
  • ૧૧૭૬-૧૧૭૮ બાળ મૂળરાજ – મુળરાજ -૨ (રાણી નાયકીદેવી)
  • ૧૧૭૮-૧૨૪૨ ભીમદેવ દ્વિતિય
  • ૧૨૪૨-૧૨૪૪ ત્રિભુવનપાળ

નોંધ : ગુજરાતી વિકિપીડિયા અને અન્ય સ્રોત્રોમાં સાલવારી ખોટી છે જે મેં સુધારી લીધી છે !!!

સોલંકીયુગ પહેલાં ગુજરાતમાં ચાવડાવંશનું રાજ્ય હતું અને સોલંકી યુગ પછી વાઘેલા વંશની સ્થાપના થઇ હતી અને કચ્છ રાજ્યના રાજાઓ પણ ગુજરાત પર રાજ્ય કરતાં હતાં .

કેટલાંકના મનમાં એ સંદેહ જરૂર ઉભો થાય કે દક્ષિણ ભારતમાં જે પ્રખ્યાત ચાલુક્ય વંશ હતો તેને આ વંશ સાથે કોઈ સંબંધ ખરો કે !
જવાબ છે —- “ના” કારણકે દક્ષિણ ભારતમાં જે રાજવંશ હતો તે “ચાલુક્ય” હતો જયારે આ “ચૌલુકય” છે. આ વંશના શાસક જૈન ધર્મ ના પોષક અને સરંક્ષ હતાં. આમતો બધા સનાતન ધર્મની રક્ષા કરતાં હતાં !

ગુજરાતના ચૌલુકય વંશનો ઈતિહાસ આપણને મુખ્યરૂપથી જૈન લેખકોનાં ગ્રંથોમાંથી જ પ્રાપ્ત થાય છે. આ બધાં લેખકો ચૌલુક્ય શાસકોની રાજસભાની શોભા વધારતાં હતાં.

આ ગ્રંથોમાં —- હેમચંદ્રાચાર્યનું દ્વાશ્રયકાવ્ય, મેરુતુંગકૃત પ્રબંધચિંતામણી, સોમેશ્વર કૃત કીર્તિકૌમુદી, જયસિંહસુરિ કૃત કુમારભૂપાલ ચરિત આદિ ઉલ્લેખનીય છે !!! જેનાં અધ્યયનથી આ વંશના શાસકોની રાજનૈતિક તથા સાંસ્કૃતિક ઉપલબ્ધિઓનું વિવરણ પ્રાપ્ત થાય છે.

ભારતીય સાહિત્ય સિવાય મુસ્લિમ લેખકો અલગર્દીજી, ઈબ્ર-ઉલ- અતહર, હસન નિજામી આદિના વિવરણોથી તુર્કો તથા ચૌલુક્યોના સંઘર્ષનો પરિચય આપણને થાય છે. ચૌલુક્ય રાજાઓના અભિલેખ જે પણ કઈ ન્યુનાધિકરૂપમાં મળ્યાં છે એનાં પરથી એમનાં ઈતિહાસ પર પ્રકાશ જરૂર પડે છે !!! એમાં સૌથી મહત્વપૂર્ણ અભિલેખ કુમારપાળની વડનગર પ્રશસ્તિ (ઇસવીસન ૯૭૧)છે જેની રચના શ્રીપાલે કરી હતી !!! અલ્યા ભાઈ મારાં મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે એ એ કે —- કુમારપાળ રાજગાદી પર ૧૧૪૩માં બેઠાં અને એમનો અસ્ત થયો ઇસવીસન ૧૧૭૨માં તો પછી એમનના નામનો અભિલેખ ઇસવીસન ૯૭૧માં કઈ રીતે ? આ સમય ગાળો તો સોલંકી યુગના સંસ્થાપક મૂળરાજ સોલંકીનો છે. આ વિષે કોઈ પ્રકાશ પાડી શકે એમ છે ખરું !!!

આની અતિરિક્ત તલવાડા, ઉદયપુર(ભિલસા), કાદિ આદિના લેખોમાં રાજા સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમ દ્વિતીય આદિ ચૌલુક્ય રાજાઓની ઉપલબ્ધિઓનું વિવરણ મળે છે. આ બધાં સાક્ષ્ય પ્રમાણોનાં આધારે જ ચૌલુક્ય એટલે કે સોલંકીયુગનું વિસ્તૃત વિહંગાવલોકન શક્ય બન્યું છે.

આને લીધે જ આપણને જે જરૂરી છે એ માહિતી અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે.જે આપણી ઇતિહાસમાં રસ અને રુચિ જાળવવા માટે પુરતી છે. આ રસ અખૂટ છે પણ એ સુકાઈ ના જાય એ જોવાની પણ આપણી પણ જવાબદારી છે જ !!!

સોલંકી વંશનો રાજનૈતિક ઈતિહાસ —-

અણહિલવાડના ચાલુક્યોના ઉદય પૂર્વે ગુજરાતનો ઈતિહાસ સામાન્યત: કનૌજનાં ગુર્જર પ્રતીહારોસાથે સંબંધિત છે.

પ્રતિહાર મહેન્દ્રપાલનું સામ્રાજ્ય ગુજરાત સુધી વિસ્તૃત હતું તથા એમનાં ઉત્તરાધિકારી મહિપાલે પણ ઓછામાં ઓછું ઇસવીસન ૯૧૪ સુધી અહી પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. મહીપાલનો રાષ્ટ્રકૂટ શાસક ઇન્દ્ર તૃતીય(સન ૯૧૫-૯૧૭) દ્વારા પરાજય થયો તે પશ્ચાત આ પ્રતીહારોની સ્થિતિ નિર્બળ પડી ગઈ. રાષ્ટ્રકૂટો સાથે અનવરત સંઘર્ષના પરિણામસ્વરૂપ ગુજરાત ક્ષેત્રમાં ભારે અરાજકતા એવં અવ્યસ્થાનો શિકાર થઇ ગયું. આ પ્રતિહારો અને રાષ્ટ્રકૂતોના પતન પછીથી ચૌલુક્યોને ગુજરાતમાં પોતાની સત્તા સ્થાપિત કરવાનો સુઅવર પ્રાપ્ત થઇ જ ગયો.

શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે તેમ — ” જે થાય છે તે સારાં માટે જ અને જે થવાનું છે તે પણ સારા જ માટે” એ વાત સોલંકીયુગ માટે સાચી પડતી જણાય છે. All Is Well એ ન્યાયે સોલંકીયુગે ગુજરાતમાં પોતાનાં મજબુત પાયા નાંખ્યાં !!!

સોલંકીયુગના રાજાઓ સ્વપ્નદ્રષ્ટા હતાં. એમનાં ૩૦૨ વર્ષના શાસનકાળ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓના સોપાનો સર કર્યા છે. ગુજરાત જે નાનાં નાનાં રજવાડાઓમાં વહેંચાયેલું હતું તે એક થયું. સૌરાષ્ટ્રના રાજાઓ પર અવિસ્મરણીય વિજય પ્રાપ્ત કર્યો તેમ જ કચ્છ પર પણ. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ તેમને પોતાની વિજયપતાકાઓ લહેરાવી. તેમણે ગુજરાત બહાર પણ ભારતના સુખ્યાત રાજાઓ જેવાં કે પૃથ્વીરાજ ચૌહાણને મદદ કરી. આને લીધે જ પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાત તરફ આકર્ષાયા હતાં. તો માળવાના રાજાઓ પર પણ વિજય મેળવ્યો હતો.

રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન કુખ્યાત મહમૂદ ગઝનીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું અને ગુજરાતની શાન સમા અતિપ્રાચીન એવાં સોમનાથ જ્યોતિર્લીંગનો દ્વંસ કર્યો હતો. જો કે પાછળથી સોલંકીયુગના રાજવીઓએ સોમનાથ મંદીરનું પુન:નિર્માણ કરાવ્યું હતું! આ સિવાય અનેક મંદિરો, દેવાલયો, જિનાલયો, વાવો અને બીજાં અનેક ઐતિહાસિક સ્મારકો બંધાવ્યા હતાં. મોઢેરાનું સૂર્ય મંદિર, અમદાવાદનું કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, વિજયનગર પોળો ફોરેસ્ટના મંદિરો અને સ્મારકો, વડનગરનું તોરણ અને અતિપ્રખ્યાત રૂદ્રમહાલયને ગણાવી શકાય. સહસ્રલિંગ તળાવ અને મીનળસર સરોવરનો ઉલ્લેખ અહી અવશ્ય જ કરવો પડે તેમ છે કારણકે એ વગર તો ઇતિહાસની જાણકારી અધુરી જ ગણાય.

આ સમયમાં દરેક ધર્મને પ્રાધાન્ય મળતું હતું અને લોકો સુખેથી રહેતાં હતાં એનું કારણ છે સોલંકીયુગના મહાપ્રતાપી રાજાઓ! પ્રજા જો સુખચૈનથી રહેતી હોય તો રાજાને બીજું કશું કરવાનું રહેતું જ નથી. રાજાએ જે વિજયપતાકાઓ લહેરાવી હોય છે એનો સીધેસીધો કે આડકતરો લાભ રાજયમાં વસવાટ કરતી પ્રજાને જ મળતો હોય છે. વિજયપતાકાથી એક વાત તો સાબિત થઇ જાય છે કે રાજ્યમાં અને રાજયની સરહદો પર કોઈ પ્રકારનો આંતર કલેહ થતો નથી. આનું એક સારું પરિણામ એ પણ આવે છે કે વ્યાપાર-ધંધાને વેગ મળે છે. રોજીરોટીની વ્યાપક તકો ઉભી થાય છે સાથોસાથ દેશાટનની. મંદિરો સુરક્ષિત તો પ્રજા સુરક્ષિત. આ વાત સોલંકી યુગને બિલકુલ લાગુ પડતી જણાય છે. એટલે જ આબધા આસ્પેકટોને લીધે જ સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે જેમાં જરાય અતિશયોક્તિ નથી જ !!!

એક વાત કહેવાની રહી ગઈ કે સોલંકીયુગના શાસનકાળ દરમિયાન મહમૂદ ગઝની પછી ઇસવીસન ૧૦૨૫ થી ઇસવીસન ૧૧૭૩સુધી એટલે કે મહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યાં સુધી કોઈ મુસ્લિમ આક્રમણ થયું નહોતું. ૩૦૨ વર્ષ ના શાસન દરમિયાન લગભગ ૧૫૦ વર્ષ સુધી તો કોઈ જ આક્રમણ થયું નહોતું એટલેજ ગુજરાતની જાહોજલાલી વખણાતી હતી સમગ્ર ભારતવર્ષમાં.

લોકોક્તિઓ અને કેટલાંક ઈતિહાસકારો ભલે એમ કહે કે અલ્લાઉદ્દીન ખિલજીએ સોલંકી યુગનો અંત આણ્યો પણ ઐતિહાસિક રીતે એ વાત સાચી નથી. કારણકે અલ્લાઉદ્દીન ખીલજીનો સમયગાળો છે ઇસવીસન ૧૨૯૬થી ઇસવીસન ૧૩૧૬.. જયારે સન ૧૨૪૨થી ૧૨૪૪ એ સોલંકી યુગના છેલ્લા રાજા ત્રિભુવનપાળનો શાસનકાળ છે. વાઘેલા વંશના ધોળકા સહિત રાજા લવણપ્રસાદનાં પુત્ર વિરધવલે સોલંકીયુગના અંતિમ શાસક ત્રિભુવનપાળને હરાવી અણહિલવાડ પર પોતાનો કબજો જમાવ્યો હતો. અલાઉદ્દીન ખીલજીએ ગુજરાતમાં રાજપુતાના સફાયાની શરૂઆત આ જ વંશના કરણ વાઘેલા ઉર્ફે કરણઘેલાથી કરી હતી અને સૌરાષ્ટ્રના રાજપૂતોને હરાવ્યા હતાં. અલબત્ત સોલંકી યુગમાં મહંમદ ઘોરી અને કુત્બુદ્દીન ઐબક દ્વારા આક્રમણ જરૂર થયાં હતાં પણ કોઈ વિશેષ હાની ગુજરાતને નહોતી થઇ. ગુજરાત અડીખમ જ રહ્યું હતું એ કેટલાંકની આંખોમાં ખુંચે છે. ખાસ કરીને આપણા ગુજરાતીઓની આંખમાં આવું ના જ થવું જોઈએ. ગુજરાતી વિકિપીડિયા અને ગુજરાતી વેબસાઈટો અને સોશિયલ મીડીયાએ ઈતિહાસ કરતાં કહીસુની વાતોને જ પ્રાધાન્ય આપે છે. જે માત્ર ગોસીપ બનીને જ રહી જાય છે !!! લોકો સાચી માહિતીથી અજ્ઞાત જ રહેતાં હોય છે !!!

સોલંકીકાળ એ એ ગુજરાતનો ત્રીજો લાંબો અને યશસ્વીકાળ ગણાય છે. એટલાંજ માટે આ કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. સોલંકીકાળના આરંભથી જ અણહિલવાડનો પોરભાવ વધવા માંડયો આ સમય દરમિયાન સોલંકી વંશની સત્તા ધીમે ધેમે આખા ગુજરાતમાં વિસ્તરી. આ જ સમયે આ રાજ્યે – પ્રદેશે “ગુર્જર” તરીકે નામ કાઢ્યું. કાળક્રમે આ પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્ય – “ગુર્જર દેશ”, “ગુર્જરતા”, “ગુજ્જરતા”અને છેલે “ગુજરાત” તરીકે ઓળખવા લાગ્યો. આમ ગુજરાતને એક નવી ઓળખાણ મળી. જે સદીઓ સુધી દિલોદિમાગમાં છવાઈ જનારી નીવડી.

સોલંકી યુગની એક વિશેષતા એ પણ છે કે એનાં યશસ્વી રાજાઓનો શાસનકાળ સુદીર્ઘ છે. એટલે જ તેઓ યશકલગી ઉમેરી શક્યાં છે એટલું તો ચોક્કસ છે.

આ યુગના અધ્યયન વગર ગુજરાતનો ઈતિહાસ અધુરો જ ગણાય. ઉદય થાય તો અસ્ત પણ થવાનો જ છે. કારણકે કાળ એ ચિરંજીવ નથી. આ કાળનો ઉદય કેમ થયો એ તો આપણે જોયું – જાણ્યું. પણ એનો અસ્ત કેમ થયો એ વિષે આપણે જયારે વાઘેલા વંશની વાત કરીશું ત્યારે જ આવશે.

આ યુગનાં મહત્વના રાજાઓ વિષે વિગતે વાત કરવામાં આવશે જ.
હવે પછીનો લેખ આ યુગના સંસ્થાપક મુળરાજ સોલંકી વિષે !!

!! જય જય ગરવી ગુજરાત !!
!! જય રાજપુતાના !!
!! હર હર મહાદેવ !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!