તીરથ ,ભૂમિપાવન ,સિદ્ધક્ષેત્ર સુભસાર
નિર્મલ નીર વહે સરસ્વતી સદા મોક્ષોદ્વાર
તીરથ એટલે પવિત્ર જગ્યા. આ પવિત્રભૂમિ કે જ્યાં સરસ્વતિ નદી વહે છે. આ એજ પવિત્ર નગર છે જ્યાં સિદ્ધોની પૂજા થાય છે અને ભગવાન ,ઋષીઓ અને માણસો માણસો સાથે હળીમળીને રહે છે. આ તિર્થનું મહત્વ કાશી, ગયા અને ગોદાવરી જેટલું જ છે. અહિયાં કર્દમ અને દેહુતી રહેતાં હતાં અને કપિલનો નો જન્મ થયો હતો. અહિયાં બિંદુસરોવર નામનું પવિત્ર સરોવર આવેલું છે. જેને માતૃગયા કહેવામાં આવે છે
ટુકમાં માતૃશ્રાદ્ધ માટેની આ ઉત્તમ જગ્યા છે. અહીં તેમના શરીરના પાપા ધોવાય છે અને બિલકુલ સ્વચ્છ બને છે. અહિયાં પ્રાચી મહાદેવ છે જેનો ઉલ્લેખ વેદો અને પુરાણોમાં કરવાંમાં આવ્યો છે. આના પરથી જ આનું નામ કપિલઆશ્રમ પાડવામાં આવ્યું છે
ઇતિહાસ
સિદ્ધપુર નું પૌરાણિક નામ શ્રી સ્થળ પણ છે.. તેનો ઉલ્લેખ ઋગ્વેદમાં દાશુ ગામ તરીકે કરાયો છે. દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે. ૪થી-૫મી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઇરાનથી આવેલા ગુર્જરો સ્થાયી થયા હતા.
૧૦મી સદીની આસપાસ, સોલંકી વંશના શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી. સિદ્ધરાજ જયસિંહે તેની રાજધાની અહીં વસાવી હતી એટલે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું. તેણે શિવ મંદિર, રમણીય મહેલો અને ૮૦ મીટર ઉંચો મિનારો બંધાવ્યો હતો. તેણે મથુરાથી બ્રાહ્મણોને અહીં બોલાવ્યા અને વસાવ્યા હતા. ૧૨મી સદી દરમિયાન મહંમદ ઘોરીએ તેના સોમનાથ પરના આક્રમણ વખતે શહેરનો નાશ કર્યો. આશરે ૩૦,૦૦૦ લોકોની કત્લ કરવામાં આવી હતી અને સોલંકી સામ્રાજ્યનો નાશ થયો. ગુજરાત સલ્તનત વખતે શહેર પાલનપુરના શાસકોના શાસન હેઠળ હતું. ૧૫મી સદી દરમિયાન તે અકબર દ્વારા મુઘલ વંશ હેઠળ આવ્યું. આ સમય દરમિયાન શહેરનો ફરીથી વિકાસ થયો હતો.
૧૪મી સદીમાં ભવાઇના રચયિતા અસૈત ઠાકરનો જન્મ અહીં થયો હતો. સાંખ્ય દર્શનના રચિયતા કપિલ મુનીની જન્મભૂમી પણ સિદ્ધપુર છે.
સિદ્ધપુરના જોવાં લાયક સ્થળો ——
બિંદુ સરોવર
આ સરોવરનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. માતૃશ્રાદ્ધ અર્થાત માતા મોક્ષ /તર્પણ સ્થાન (ઋગ્વેદ). પ્રાચીન ભારતીય હિંદુ પ્રણાલીના પ્રતિકરૂપ આ જગ્યા પવિત્રની સાથે દર્શનીય પણ છે. કપિલ મૂનીએ સાંલ્ય શાસ્ત્ર ની રચના અહીં કરી હતી અને માતા દેવઃહુતિને મોક્ષ અપાવ્યો હતો. સરસ્વતી નદીના કિનારે દેવહુતિની મોક્ષપ્રાપ્તિને લીધે આ જગ્યાને બિંદુ સરોવર તરીકે વિકસાવવામાં આવી. ભારતમાં સિધપુર જ એક એવી જગ્યા છે જ્યાં માતૃશ્રાદ્ધ થાય છે. કારતક મહિનામાં ભારતભરમાંથી હજારો લોકો માતૃશ્રાદ્ધ અને માતાના મોક્ષ માટે અહીં આવે છે.હિન્દુ ધર્મના ઈતિહાસ પ્રમાણે ભગવાન પરશુરામે અહીં પોતાના પાપ ધોયાં હતાં અને માતૃશ્રાદ્ધ કર્યું હતું. સરસ્વતિ નદીના કિનારે કર્મકાંડી બ્રાહ્મણો સિદ્ધેશ્વર મંદિર છે ત્યાં માતાને મોક્ષપ્રાપ્તિ કરાવે છ.
વહોરાઓની હવેલી
સીધ્ધપુરમાં વહોરા જાયીની સુંદર હવેલીઓથી સુશોભિત એક પોલ આવેલી છે. રંગબેરંગી મકાનો જોવા મળે છે. જૂના જમાનાની બાંધણી અને ડિઝાઇન તે મકાનના ભવ્ય ભૂતકાળને રજૂ કરે છે. ૨૦મી સદીમાં બંધાયેલાં આ મકાન ગુજરાતનાં સિદ્ધપુર શહેરનાં છે. આ હેરિટેજ મકાનને આપણે હવેલી કહીએ છીએ. આ મકાનના આર્કિટેક્ચરમાં હિંદુ સંસ્કૃતિ , વિદેશી આર્ટ અને બ્રિટિશ છાંટનો પ્રભાવ જોવા મળે છે. તેના ઐતિહાસિક ભૂતકાળ અને આર્કિટેક્ચરને કારણે આ મકાનનું મહત્ત્વ ખાસ વધી જાય છે. આ મકાનો અને હવેલીઓ તેના સુંદર લાકડાના નક્શીકામ અને અસંખ્ય બારીઓ માટે જાણીતી છે. આની બારીઓ જોતાં તમને જયપુરનો હવામહેલ જરૂર યાદ આવી જાય .
રુદ્રમાળ
આ મહાલય ઇસ ૧૧૦૨માં બનાવ્યો અને ઇસ ૧૩૬૫માં તેણે તોડી પાડવામાં આવ્યો. આ એક ઐતહાસિક ઈમારત છે. જે ૧૧ માળનો હતો, ૧૬૦૦ થાંભલાઓ હતાં, ૧૬ બારણાઓ હતાં, ૧૦૦૦ શિવલીંગો હતાં, અને ૧૦૦૦ ઘંટો હતાં જે બધાં એક સાથે વાગતા. આ રુદ્રમાળ મહારાજ સીધ્ધરાજ જયસિંહે બંધાવેલો. મહાદેવના મંદિરની નજીક હતો એટલે એનું નામ રુદ્રમાળ રાખવામાં આવ્યું છે. અહીનું શિવલિંગ રાજા શિરોહીણ તેને પોતાના સામ્રાજ્યમાં લઇ ગયો અબે તેને એક નવું નામ આપ્યું શરણેશ્વર મહાદેવ
આજે તો એ ખંડેર અવસ્થામાં છે અને બિલકુલ નાશ પામેલો છે. છતા પણ જોવાં જેવો તો છે જ. અત્યારના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીએ આજ નામની એક સુંદર ઐતિહાસિક નવલકથા પણ લખી છે. જે વાંચવા જેવી છે .
રૂદ્રમહાલય વિષે થોડુંક વધારે ——-
રુદ્રમહાલય (સિદ્ધપુર)
રુદ્રમહાલય મંદિર એક ખંડિત મંદિર સંકુલ અને પ્રાચીન સ્થાપત્ય છે. તેનું બાંધકામ ઇ.સ. ૯૪૩માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કરાવ્યું હતું અને ૧૧૪૦માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું. આ મંદિરનો વિનાશ પહેલાં અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહમદ શાહ પહેલાં (૧૪૧૦-૪૪) વડે કરાયો હતો અને તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરીને તેના એક ભાગને મસ્જિદમાં ફેરવ્યો હતો. મંદિરનું તોરણ અને ચાર સ્થંભો હજુ જળવાયેલા છે અને મંદિરનો પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવાય છે.
ઇતિહાસ
સિદ્ધપુર ઐતહાસિક રીતે શ્રીસ્થલ તરીકે જાણીતું હતું. ૧૦મી સદીમાં સિદ્ધપુર સોલંકી વંશના શાસન હેઠળ મહત્વનું નગર હતું. ૧૦મી સદીમાં (ઈસ ૯૪૩) સોલંકી વંશના સ્થાપક મૂળરાજે રુદ્ર મહાલય મંદિર બાંધવાની શરૂઆત કરી હતી. તેની યુવાનીમાં, મૂળરાજે સત્તા મેળવવા માટે તેના કાકાની હત્યા કરી હતી અને તેની માતાના બધાં સગાં-સંબંધીઓની હત્યા કરાવી હતી અને વૃદ્ધાવસ્થામાં તેના આ કાર્યો હજુ મનને શાંતિ આપતા નહોતા. તેણે યાત્રાધામો બંધાવ્યા હતા અને દૂર-દૂરથી બ્રાહ્મણોને તેના દરબારમાં બોલાવ્યા હતા, તેણે શ્રીસ્થલ ખાતે રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત કરી અને ઇ.સ. ૯૯૬માં ગાદી પરથી નિવૃત્ત થયો. પરંતુ રુદ્રમહાલય હજુ પણ અપૂર્ણ હતો અને ૧૧૪૦ સુધી તેનું બાંધકામ પૂર્ણ થયું નહી.
સ્થાપત્ય
આ મહાલય સરસ્વતી નદીને કાંઠે રેતાળ પથ્થરો (સેન્ડસ્ટૉન)માંથી બનાવવામાં આવેલો છે. ચાલુક્યન શૈલીના સ્થાપક સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ આ સ્થાપ્ત્યનું નિર્માણ કરાવ્યું હતું.. ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહે તેનું સમારકામ કરાવ્યું હતું. તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણીકામ ઉપરથી મૂળ સ્થાપ્તયની ભવ્યતા તેમ જ કલાસમૃદ્ધિની પ્રતીતિ થાય છે. મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ ૭૦ મીટર તથા પકોળાઈ ૪૯ મીટર છે. ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્રમહાલય બે માળનો હતો. તેની ઊંચાઈ ૧૫૦ ફૂટ હતી. રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતી. આ શિવમંદિરના શિખર પર ઘણા સુવર્ણકળશ હતા. લગભગ ૧૬૦૦ ધજાઓ ફરકતી હતી. રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો રામાયણ તથા મહાભારતના પ્રસંગોથી કંડારાયેલી હતી.
આજે આ રુદ્રમહાલય ખંડેર અવસ્થામાં જોવા મળે છે અને મહાલયનો નાનકડો અંશ માત્ર જ અવશેષરૂપે જોવા મળે છે. આ સ્થાપત્ય સોલંકી વંશની કલા-સમૃદ્ધિની ઝાંખી કરાવે છે.
અહીંનું મુખ્ય આકર્ષણ છે પ્રખ્યાત રુદ્ર મહાલય. સિધ્ધરાજ જયસિંહે આ કિલ્લો બંધાવ્યો હતો. એની સાથે એક કથા પણ સંકળાયેલી છે. જ્યારે આ કિલ્લાનું ભૂમિપૂજન કરવાનું હતું ત્યારે સિધ્ધરાજ રાજાનાં જ્યોતિષે કહ્યું હતું કે મહારાજ, આ કિલ્લો બાંધવા પ્રથમ સ્તંભ રોપવા જે કુહાડીનો ઘા જમીનમાં કર્યો છે, તે શેષનાગનાં શિશમણિ પર થયેલ છે. એટલે આ કિલ્લો સદાય અજેય રહેશે. પણ રાજા માન્યા નહીં. એમણે વિરોધ કર્યો કે જે વસ્તુ દુનિયામાં છે એનો એક દિવસ તો ચોક્કસ નાશ થવાનો જ છે.
જ્યોતિષે કીધું કે મહારાજ, આપ મારા પર શંકા કરો છો ? મારી જ્યોતિષવિધ્યા કદાપી ખોટી ના હોઇ શકે. જો આપને વિશ્વાસ ના આવે તો આ કુહાડી ઉંચી કરો, લોહીની ધાર ઉડશે પણ પછી તરત જ કુહાડી દાબી દેજો. રાજાની મંજૂરીથી જેવી કુહાડી ઉંચી કરી કે તરત જ જ્યોતિષીનાં કહેવા મુજબ લોહીની ધાર ઉડી અને સીધી રાજાનાં કપડાં પર પડી. રાજાનાં કપડાંને ડાઘ લાગી ગયો. તરત જ કુહાડી દાબી દીધી પણ એટલી વારમાં નીચેથી નાગ સરકી ગયો અને તેના શિશનાં બદલે તેની પૂંછડીએ કુહાડી વાગી. આથી જ્યોતિષીએ કીધું કે મહારાજ, આ બહું ખોટું થયું. નાગ સરકી ગયો કુહાડી એની પૂંછડીએ રોપાઇ એટલે આ કિલ્લાનું નામ અને મહત્વ રહેશે, પણ આ કિલ્લો હવે સદાય અજેય નહીં રહે. આપનું અવસાન થતાં જ થોડાંક સમયમાં આ કિલ્લો પણ ધીમે ધીમે પડી ભાંગશે.
આજે એ કિલ્લો પડી ભાંગ્યો છે. જો કે હાલમાં સરકારે તેને પુરાતનખાતાને હવાલે કરી દીધો છે. એટલે અંદર પ્રવેશી શકાશે નહિં પણ બહારથી કોતરણી અને જગ્યા જોઇ શકાશે.
અરવડેશ્વર મહાદેવ એ સિધપુરનું પ્રાચીન શિવ મંદિર છે. જે નાથ સંપ્રદાયનું મોટું કેન્દ્રસ્થાન છે. આ ઉપરાંત સિધ્ધપુરનો ટાવર પણ જોવાં જેવો છે.
માતૃશ્રાધ સાથે ઇતિહાસનો સુભગ સમન્વય એટલે સિદ્ધપુર દર્શન !!!!!!
——— જનમેજય અધ્વર્યુ.