મુંબઈ માથે મંદાર પુષ્પની છડી જેવી ઉષા ઉગી ગઈ છે. અન્ય સ્ત્રીમાં આશક્ત થયેલા ઈન્દ્રની આંખ જેવો અરૂણ આભને ઝરૂખે ટલ્લા દઈ રહયો છે. ચંચળ લહેરોથી ઉછળતો સાગર ઘૂઘવાટા કરી રહયો છે. મલકેલી માનુનીની જેમ મોહમયી મુંબઈ નગરી મલકી રહી છે. એવે વખતે પુજાપાઠથી પરવારીને મુંબઈની રૂ બજારના રાજા શેઠ પ્રેમચંદ રાયચંદ પોતાના બેઠકખંડમાં બેસીને બોલ્યા-
‘મે ‘ તા, આપણું ભલું કરનાર કોઈ આવ્યું છે.’
‘હા શેઠજી, માગનારાઓ મલકમાં ક્યા તૂટો છે..??’
‘અરે બોલ્ય મા મે’તા, એ માગનારા ન હોત તો આપણે આપત કોને? લેનાર કોઈ ન હોત તો આ પ્રેમચંદ પુણ્યનું ભાથું ક્યાંથી બાંધત? ભાઈ! મોકલો, મારી પાસે મોકલો!’
પ્રેમચંદ શેઠનો આ તો રોજનો નિયમ હતો. આવનારાઓને અંતરનો આદર આપીને પુછે-
‘બોલો ભાઈ!’
કોઈ શેઠને કાને વાત નાંખે,
‘શેઠ, અમારા ગામને પાદર એક વાતની ઉણપ છે’
‘કઈ વાતની?’
‘ધરમશાળા હોય ને તો વટેમારગુને આશરો મળે, ગરીબ પડયા રહે.’
શેઠ ગરવું હસીને બોલતા, ‘ભાઈ બહુ રૂડી વાત, કેટલા રૂપિયામાં થાય?’
‘પચ્ચીસ હજારમાં તો અહલાતૂન બની જાય, તમારૂ નામ રઈ જાય.’
પ્રેમચંદ શેઠનો હુકમ છૂટે- મે ‘તા, આ ભાઈને છવીસ હજાર રૂપિયા અબ ઘડીએ ગણી દયો.’
મુંઝાઈને વેણ કાઢતો પચીસને બદલે છવીસનો આંકડો સાંભળી આવનાર માણસ ‘શેઠ, પચ્ચીસ તો બસ થઈ પડશે.’ કહે ત્યારે શેઠ હસીને વળતો જવાબ દેતા- ‘ભલા માણસ ઘરે જાશોને ત્યારે છોકરા તમારી થેલી ફંફોળશે કે બાપા, મુંબઈથી શુ લાવ્યા? ઉપરના હજાર છોકરા માટે! સમજ્યા?’
અને પછી બીજાને બોલાવતા-ખેરાત કરીને પેઢીએ પૂગતા.
આ પ્રેમચંદ રાયચંદ શેઠ મુળ સુરતના દશા ઓસવાળ શ્રાવક રાયચંદ દિપચંદનો દિકરો. મા બાપને ઘરે જન્મીને સોળ વરસની ઉંમરે મુંબઈ તકદીરનું ત્રાજવું લઈને કમાવા પૂગેલો.
તે દિ મુંબઈમાં રતનચંદ લાલાએ પ્રેમચંદને વાણોતર રાખી લીધો. બેન્કના વહીવટમાં પ્રેમચંદે બેંકના અંગ્રેજ અમલદારોને પંડયના કરી લીધા. એક દિ’ પ્રેમચંદ પોતાનો ધંધો આદરી વાણોતરમાંથી વેપારી થઈ ગયો. અમેરીકામાં લડાઈ જાગી. પ્રેમચંદ તકનો લાભ લીધો. કોલાબાથી વાલકેશ્વર સુધીનો દરિયા પુરવાની પરવાનગી પ્રેમચંદે મેળવી. ધી બોમ્બે રેકલેમેશન કંપનીના નામે દશ હજારનો એક એવા બે હજાર શેર કાઢયા, પહેલા હપ્તાના પાંચ હજારના શેરની છત્રીસ હજાર બોલાયા.
પ્રેમચંદ શેઠનું નામ કરોડપતિના ચોપડે ચઢયું. મુંબઈમાં પ્રેમચંદ માલેતુજાર થઈ બેઠા. દાતારીની દીવડો જેવો દિલમાં ઝબકારા કરે છે. રાજમાં માનપાનનો પાર નથી. પ્રમાણિકતાનાં પગથિયે ઉભા ઉભા વણજુ કરનારા વાણીયાનાં એક દિ’ વળતાં પાણી થયા.
જેની આંગળીને ટેરવે શેર બજાર નાચતું હતું તે શેર બજાર તુટયું. ભાવ ગગડયા અને પ્રેમચંદ શેઠની તિજુરીનું તળીયું દેખાણું, માથે બે કરોડનું દેવું ને લેણું દસ લાખનું થયું. તેમ છતાં પ્રેમચંદે બજારમાં પગ ઠેરવી રાખ્યો. શેરબજારને પડતી મુકી રૂ બજારમાં પગ દીધો. ઉંચા ભાવે રૂ ખરીદ કર્યું પણ તેના પણ ભાવ ગગડયા.
લેણદારોના તકાદા ઉઠયા. પ્રેમચંદના મિત્રોએ ઘણું સમજાવ્યા પણ કોઈની વાત કાને ધરી નહીં, મુંબઈ માથે કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનના ગાંડીવમાંથી છુટેલા બાણોથી ઘવાયેલી કૌરવોની સેનાની જેમ તડકો તડફડતો હતો. પર્વતના મુળને ખોદી નાંખનારી ચંદ્રભાગાના ધસમસતાં જળપ્રવાહની જેમ લેણદારોની ધોંસ પ્રેમચંદ શેઠ માટે પડતી હતી તોય લક્ષ્મીને ટચલી આંગળીને ટેરવે તોળી જાણનાર વાણીયો હરેર્યો નહી.
પ્રેમચંદ શેઠ અદાલતને આંગણે આવ્યા. એક વખતનો કરોડપતિ આજે કંગાલ થઈને નાદારી નોંધાવવા કોર્ટમાં ઉભો હતો. લેણદારોની ઠઠ જામી હતી.
પ્રેમચંદ શેઠને જોતાં જ અંગ્રેજ કમિશનર મિ.બેલી બોલી ઉઠયા-
‘પ્રેમચંદ શેઠની નાદારી નહીં નોંધાય. પ્રેમચંદ શેઠને આજે પણ અદાલત આસામી તરીકે ઓળખે છે.’
ભર અદાલતમાં ઉઠેલા આ શબ્દોએ પ્રેમચંદ શેઠને ભાવમાં ભીંજવ્યા. એની આંખમાંથી હરખના ટાઢાબોળ આંસુ ઉતર્યા. પ્રેમચંદ શેઠે વળી પાછો વેપારમાં પગ ઠેરવ્યો. દરિયાદિલના વેપારીએ વેપારમાં ઝડપું દેવા માંડી. રૂ બજાર જેની આંગળીના વેઢામાં રમી રહી છે એવો રૂ બજારનો રાજા વેપારના રણે ચઢ્યો. મોં ફેરવીને રીસામણે ગયેલી રિધ્ધિ અને સિધ્ધિને ચપટી વગાડતામાં પોતાના ચરણો ચુમતી કરી દીધી. લેણદારોનો આના-પાઈ શીખે વ્યાજ સહિતનો હિસાબ ચુકવી દીધો.
પ્રેમચંદ શેઠ નિયમ મુજબ બેઠક ખંડમાં બેસીને બોલવા લાગ્યા-
‘છે કોઈ આપણું ભલુ કરનાર?’
એટલે હેતુમિત્રોએ પ્રેમચંદ શેઠને સલાહ આપી-
‘શેઠ આમ પૈસા વાપરી નાંખશો તો પછી તમારી પાસે શું રહેશે?’
પ્રેમચંદ શેઠે સલાહકારોને જવાબ દીધા- ‘ભાઈ આ પૈસા વાપરું છુ તે પૈસા પ્રેમચંદ શેઠના છે. કાલ્ય પ્રેમચંદ શેઠ મરી જાય અને પાછળ પૈસા પડયા રહે એ પૈસા કોના?’
સલાહ દેનારા પાસે જવાબ નહોતો એટલે પ્રેમચંદ શેઠ આગળ વધ્યા-
‘ભાઈ! પાછળ તિજુરીમાં પડયા રહે એ પૈસા કાવા-દાવાઓ વપરાશે કે જુગાર દારૂમાં વપરાશે એ કોને ખબર છે. માટે જેટલા પૈસા વાપરુ, એટલા જ પૈસા પ્રેમચંદ રાયચંદના ગણું છું. હવે પછી કોઈએ મને આવી સલાહ આપવી નહી.’ તે દિ ખુશામતખોરોના મો સિવાઈ ગયા હતા.
નોંધ- આ દિલાવર દિલના દાતાનો જન્મ ઈ.સ.૧૮૩૧માં સુરતમાં થયો હતો. તેમનું અવસાન ઈ.સ.૧૯૦૬ના ઓગસ્ટની ૩૧ તારીખે થયું હતું. તેમણે ૭૬ ગામમાં ધર્મશાળા, વિદ્યાર્થીઓને પુસ્તક માટે અઢી લાખ, કુવા-તળાવ કન્યા યુનિવર્સિટી, પુસ્તકાલય વગેરે મળીને ૬૦ લાખ દાન કર્યું હતું. તે ઉપરાંત તેમણે ગુપ્ત દાનનો ધોધ વહેવાડાયો હતો. અમદાવાદને આંગણે તેઓ તા.૧૮-ર-૧૮૬૫ના રો આવ્યા હતા. પી.આર.ટ્રેનીંગ કોલેજ માટે રૂ.૮૦ હજાર અને દસ હજાર વર્નાક્યુલર સોસાયટીને આપ્યા હતા. મુંબઈનું રાજાબાઈ ટાવર પોતાના માતાના નામથી બંધાવ્યું હતું…
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..