શાકભાજીની કહેવતોનો ઈસ્કોતરો

કહેવત છે ‘દુબળો જેઠ દિયરમાં લેખાય.’ જેમ સોળ શણગાર નારીના રૃપને નિખાર આપે છે એમ કહેવત ભાષાને શણગારે છે. કહેવત લોકબોલીનું સૌંદર્ય વધારે છે. ભાષાને સમૃદ્ધ કરે છે. વિશ્વની કે ભારતની કોઈપણ ભાષા કે બોલી એવી નહીં હોય જેમાં કહેવતો રમતી ન હોય? આપણું લોકવાઙ્મય ચાર વિભાગોમાં વહેંચાયેલું છે. લોકોક્તિ, લોકગીત, લોકકથા અને લોકનાટય. લોકોક્તિમાં સ્વતંત્ર દૂહા-સોરઠા, ભડલીવાક્યો, રૃઢિપ્રયોગો, લૌકિક વ્યૂત્પત્તિ, મહેણાંટોણાં તથા કહેવતોનો સમાવેશ થાય છે.

લોકવાણીની કહેવતો એવી જીભવગી જડીબુટ્ટી છે, જે ઘણી વખત જે વાત લાખ શબ્દોથી નથી સમજાવી શકાતી તે માત્ર એક બે પંક્તિની ચોટદાર કહેવત સમજાવી જાય છે. લૂણ-મીઠા વગરનું ભોજન જેમ મોળું લાગે એમ કહેવત વગરનું બોલવું મોળું લાગે છે. કહેવત ભાષાને ચાર ચાંદ લગાડી દે છે, કહેવત એ લોકઅનુભવનું પ્રમાણભૂત કથન છે. કહેવત સાંસ્કૃતિક સંદર્ભ અને પૂર્વજોના અનુભવોનું તારણ હોય છે. આથી તે ડહાપણ, સમજણ, ઉપદેશ અને શાણપણ આપે છે. જેમ કે ‘કરજ અને કન્યા કરગરવાથી ન મળે.’ ‘અધીરાનું લેવું નઈં ને ઉછીનાનું ખાવું નઈં.’ આજે તો આ કહેવતો લોકબોલીમાંથી ઝડપથી લુપ્ત થવા માંડી છે ત્યારે મારે રસોડાની રાણી અને ભોજનમાં રંગત લાવતી શાકભાજીની કહેવતોનો ઈસ્કોતરો ઉઘાડવો છે.

તુરિયાના રસકસ

તુરિયું કહે હું ત્રણ દહાડા ને ચીભડું કહે હું ચાર.
પરવળ કહે હું પાંચ જ દહાડા, કાંદો-લસણ ચીરકાળ.

કારેલું કડવું ઘણું તુરિયું લાવે તાવ,
ઘીલોડે બુદ્ધિ ઘટે, નિંબ નિરોગી સાવ.

તુરિયું કહે હું વાંકુચૂંકું, મારા ડીલે સળી,
મારા ખાવામાં સ્વાદ કરો તો નાખો, લીંબુ ને મરી.

ગલકું તૂરિયું ને કાકડી, ભાદરવાની છાશ,
તાવ સંદેશો મોકલે, આજ આવું કે કાલ?

છાશ ખાય છોકરાં ને દૂધ ખાય ડોશી,
તુરિયાંશા છોકરાંને તુંબડાશી ડોશી.

તાવ કહે હું તુરિયામાં વસુ, ગલકુ દેખી ખડખડ હસું,
જેના ઘરે જાડી છાશ, તેને ત્યાં મારો વાસ.

ઠંડી દૂધીના રસકસ

કડવી વેલકી કડવી તુંબડિયાં, સબ તીરથ કર આઈ;
ગંગા નાહી જમુના નાહી તોય ન ગઈ કડવાઈ (દૂધી)

દૂધી કહે હું લાંબી લીસી મારી ઉપર છાલ,
મારો સ્વાદ જો જોવો હોય તો નાખો ચણાની દાળ.

પાપડી કતાર ગામની

* કતાર ગામની પાપડી ને લસણનો વઘાર,
* ગરજ બિચારી બાપડી, ખાસ શીરો ને પાપડી.
વેલે લાગી પાપડીને ડોશી મૂઈ તે આપડી.

* પાપડીભેગી ઈયળ બફાય
પાપડી કહે હું પાંચ લીલવાની સૌને મન છું પ્રસન્ન,
જો ખાવાની મજા કરો, તો નાખો લીલું લસણ.

* સુરતનું ઊંધિયું ને મુંબઈની વાત,
કતાર ગામની કટારી (પાપડી)

વખણાય ભલી ભાત.

સ્વાદ બગાડણ મૂળો

* રાગ બગાડણ રાયતું, પુરુષ બગાડણ મૂળો,
બાયડી બગાડણ  પિરાણું-પિયર ને સ્વાદ બગાડણ મૂળો.

મૂળા તો ઘણાં મળે, પણ કંદમૂળ કહેવાય,
વૈષ્ણવ લોકો વાપરે ને તેની દાંડલી શ્રાવક ખાય

*  દૂધમાં ખાંડ ને મૂળામાં મીઠું.

* ભાજી શાકમા નઈંને મૂળો ઝાડમાં નઈં.

* મા મૂળો ને બાપ ગાજર
તેનો દીકરો સમશેર બહાદૂર

* મૂળાનો ચોર ને મોગરીનો માર

* મોસાળમાં જઈશું ને મૂળા-મોગરી ખાઈશું.

* મૂળજીભાઈના મૂળા.

* મોટાની વાદે મૂળા નો લેવાય.

* અણદીઠાનું દીઠું ને માર મૂળામાં મીઠું.

* મફતના મૂળા કેળાં કરતાં સારાં

* ધોયેલા મૂળા જેવો

* ભાજી મૂળાનું તે કંઈ શાકમાં લેખું?

* એના મનમાં તો બધા ભાજીમૂળા છે.

વેંગણ-રીંગણાં

* આવો મારા ઇંધણ ધોરી,
તમે તો લાવ્યાં વેંગણ (રીંગણાં) ચોરી

* પોથીમાંના રીંગણાં તે બારશે ખવાય

* કોઈને વેંગણ ગરમ લાગે
તો કોઈને વાલોળ વાયડી પડે.

* બાપા રામ રામ, તો કહે રેંગણાં

* રીંગણી પર હિમ પડયું ને ગરીબ પર ત્રાપ પડી.

* ઝાડ બીડ બળી ગયાં ને રીંગણીએ હિમ ઠર્યા.

(અર્થાત્ સારા સારા માણસોનો કોઈએ ભાવ ન પૂછ્યો ને ગણતરી વગરના કોઈ માણસને મોટો કર્યો.)

* વેંગણની છાલ ને મુંઝારાની ચાલ : (અર્થાત્ મુંઝારાનો રોગ વેંગણની છાલથી મટી જાય એમ)

* આટલેક ઝાડળે સીદીભાઈ હીંચકે (ઉખાણું)

* લીલીશી ટોપીમાં ટાંચણિયું લટકે (ઉઘાણું)

* કાળા બેંગન ઉસકી લીલી ઘટા
ખટરસ ભોજન ચલે ચટંચટા.

* બે વતાહને બાવન ભાણાં, તળે બાળવા ન મળે છાણાં,
ઘરમાં ત્યારે તપેલાં કાણાં, એ વાતમાં શા ઠેકાણાં.

લીલીછમ ભાજી

* અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ત્યારે લઈ આવ્યો કોથમીર.

* તાંદળજાની ભાજી ને વૈદ્ય થાય રાજી

* કુંવાડીઆની ભાજીએ ગરીબ થયા રાજી

* દમડીની ભાજીમાં ઘર બધું રાજી

* મેથીની ભાજી ને પાતરાંના ભજિયાં

* જેવી ભાઈની ભાજી એમાં બહેની રાજી

* ભાવની ભાજી સારી પણ કમનનો કંસાર ખોટો.

* ભેંસ બ્રાહ્મણ ને ભાજી, વધુ પાણીએ રાજી

* ડોડીની ભાજી ને રોટલા, ખાઈને ભાંગે ઓટલા

* વિદુરજીની ભાજી – (હલકી પણ પ્રેમથી અર્પણ કરાયેલી વસ્તુ)

* પાઈની ભાજી ને ટકાનો વઘાર

* ટકે શેર ભાજી ટકે શેર ખાજાં

* ડોડી કહે હું દિલ ભાવતી, સૌ કોઈ મને ખાય,
ગરીબ લોક બહુ વાપરે, આંખે ઠંડક થાય.

* કોથમીર વિનાની કઢી એવી સ્ત્રી વગરની મઢી

* લૂણીની ભાજી ને લસણનો વઘાર.
કાંદા-ડુંગળીના રસકસ

* કેળાં કેરી ને કાંદા એના
વેપારી બારે મઈના માંદા.

ધોળો ગોળ દડિયો, ને મૂંછપૂંછ વાળો,
ગરમીનો છે દરિયો, વળી શરદી હટાવનારો

સમારતાં નેત્રે નીર ઝરે, ગરીબ જન ગુણ ગાય,
ભોંય-ભીતર વૃધ્ધિ થતી, ખાતાં શોક સમાય.

* મૂળ રાતાં ફૂલ ધોળાં પાન જૈસી ભૂંગળી
લુળાણાની લાજ રાખી ધન્ય માતા ડુંગળી.

* જગ્યાની સંકડાશ પડતી હોય તો ડુંગળી ખાઈને સભામાં બેસવું.

મરચાંના રસકસ

* લીલું તીખું તરકંડુ, ને ઉપર કલંકી ટોપી,
લીલું સૂકું રાતું થાતું, મસાલાનું મોતી

* માંસ મરચું ને દારુ, એ ત્રણ મરદને સારું
પણ પચે તો સારું નઈંતર સોમલ કરતાં નઠારું.

સરગવાની શિંગ

* લાંબી લાંબી લાકડી ને ઝાડ પર લટકે
શિંગોનું તે શાક થાય, તે ચાટી ચાટી પટકે.

* લટકે તરૃપર લહેરમાં, લાંબી શિંગ જણાય,
જાણીતી બે જાતની, મીઠી જગ વખણાય.

ગાજરિયાંના ગુણ

ગુંદા ગરમર ને ગાજરિયાં જોઈએ તેટલાં જડે,
ગુજરાત દેશમાં થોડાં થોડાં પણ કાઠિયાવાડમાં મળે.

* રાતાં રાતાં રતનજી ને ઉપર લીલાં પાન
મૂળાનો તે સગોભાઈ, અથાણામાં માન.

* ગાજર કાપતાં આવડે નઈંને નવલખીનું બાનું લેવા જાય.

* ગાજરની પપુડી વાગી ત્યાં સુધી વાગી, નઈં તો કરડી ખાધી.

* ગરજના માર્યા ગાજરાં ખાવા

પરવળ : શાકતણો સરદાર

* ઉત્તમ પરવળ શાકમાં, રાગે રાગ મલ્હાર;
ચતુર મન ઇચ્છા કરે, શો ખપ દોય ગમાર!

* માંદાને મન ભાવતાં, સાજાને સુખકર,
ધનિકને પ્રિય છે બહુ, શાકતણો સરદાર.

* શ્રીમંતના પરવળ ને ગરીબની ભાજી.

પાતરાંના રસકસ

* નામ ત્યારે પાતરાં, પણ જમવાની મજા,
પેટ સામું ન જુએ તે, જરૃર આવે કજા.

* પાતરાંના ભજિયાં ને ડાંડલાનું શાક,
નાતની હોય રજા તો પાતરાં ખાવાની મજા.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!