મહાભારતના કર્ણપર્વમાં, ધર્મની વ્યાખ્યા આપવામાં આવી છે. “ધારણાધ્ધર્મ ઇત્યાદિ ધર્મો ધારયતિ પ્રજા:” અર્થાત્ જે ધારણ કરે અથવા આધાર આપે, જે બધાનુ અધિષ્ઠાન હોય તેને “ધર્મ” કહેવાય છે. બીજી પરિભાષા એ પણ છે: “યત અભ્યુદય નિ:શ્રેયસ સિધ્ધિ: સ ધર્મ: ” જેના આચરણથી આ લોકમાં અભ્યદય થાય સુખ, શાંતિ, સમૃધ્ધિ મળે અને પરલોકમાં સુગતિ મળે તે ધર્મ. ત્રીજી પરિભાષા એ છે કે: “શ્રેયતાં ધર્મ સર્વ સ્વ, શ્રુત્વા યૈવા વધાર્યતામ, આત્મનઃ પ્રતિકુલાનિ, પરેષાં ન સ્મારયેત અર્થાત્ કોઈપણને પ્રતિકુળ ન હોય તેવું વર્તન કરવાનો કોઈપણને અધિકાર નથી”.
વિશ્વની ધાર્મિક પરંપરા પર વિહંગાવલોકન કરીશું તો તે સેમાઇટ અને આર્ય એ બન્ને વિશ્વની મૂળભૂત ધાર્મિક પરંપરા ગણી શકાય. સેમાઇટમાં ઇજિશ્વિન, બેબોલિયન આસીરિયન, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામી ધર્મોનો સમાવેશ થાય છે. બજીમાં ખત્તી એટલે હિટાઈટ, ગ્રીક, ઇરાની, રોમન, સ્લાવનિક, ટયુટોનિક, સેલ્ટિક ઇત્યાદ છે. આ બન્નેનાં સમન્વયથી વિકાસ પામેલી ત્રીજી ધાર્મિક પરંપરા છે, ભારત અને પૂર્વએશિયાની. જેમાં બ્રાહ્મણ(પૌરાણિક અને વૈદિક), શ્રમણ (જૈન અને બૌધ્ધ), સંત(ખાસા એટલે શિખ, શૈવ, શાકત, વૈષ્ણવ અને મધ્યકાલીન જ્ઞાન તથા ભકિત પ્રવાહ)નો સમાવેશ થાય છે. આ ત્રણેય ધાર્મિક પ્રવાહો દ્વારા માનવ વિકાસ દેશકાળ પ્રમાણે વિકસતો રહ્યો છે.
મનુષ્યને જયારે અતિ અને અલૌકિક, અભૂત,અને અગમ્ય તત્વોની પ્રતીતિ થઈ, રહસ્યમય બાબતોનો ભેદ ઉકેલી ન શક્યો, પોતાનાથી મહત્તર વિરાટ ઐશ્ય તત્ત્વનું દર્શન થયું ત્યારે ડર, ભય, વિસ્મય, કુતુહલ, કૃતઘ્નતા અને અહોભાવથી પ્રેરાઈને એ તત્ત્વના દેવતત્ત્વની તેણે પ્રતિષ્ઠા કરી, પ્રકૃતિનાં તત્ત્વોને માનવ કલ્પી તેનું યથામતિ પૂજન, અર્ચન કર્યું છે. આ કારણથી જ “ નાનાવર્ષાભિધકારા નાનૈવવિધિને જયતે ” અર્થાત ઇશ્વરના અનેક રંગો, નામ, આકાર, વિધિઓ અને પૂજા અસ્તિત્વમાં આવ્યા છે.
માનવજાતના વન્યજીવનમાં ખડક, ડુંગર, પ્રાણી, વૃક્ષાદિ અનેકાનેક દેવો હતાં. સાગરકાંઠે અને ટાપુઓનાં નિવાસ દરમ્યાન સાગર અને જળચરો સાથે સંબંધિત દેવો હતાં. કૃષિજીવનમાં ખેતી ઉપયોગી તત્ત્વો જેવાં કે પૃથ્વી, આકાશ, સૂર્ય, વાયુ, મેધ,વર્ષા,જળ ઇત્યાદિ દેવો હતાં. ગ્રામ્ય ને નગરમાં વસવાટ બનતાં ગ્રામ્ય ને નગરના દેવોને નિસર્ગાદી દેવોમાં ઉમેરો થયો, કાળક્રમે અરણ્ય, ગ્રામ્ય અને નગરજીવન નીતિ ભારતના સનાતના ધર્મમાં પરિણમી. આ રીતે જેમ જેમ માનવ સભ્ય, સંસ્કૃત બનતો ગયો તેમ તેમ તેની ધાર્મિક પરંપરા વિકસતી ગઇ, પરિણામે પરમતત્વને પામવાના અનેક માર્ગો અસ્તિત્વમં આવ્યા. કચ્છના સંત મેકરણ કાપડી આ હકીકતનું સમર્થન આપતાં કહ્યું છે કે:
મું ભાયો તડ હિકડો,પણ તડ લખ્ખ હજાર,
જી જીતે લંધીયા, ત થીદાં પાર.
અર્થાત મેં માન્યું હતું કે માનવને આત્મકલ્યાણ,ઇશ્વરને પામવા માટે એક જ સારો-માર્ગ રસ્તો છે, પણ એવું નથી એ માટે તો હજારો રસ્તાઓ છે. અનુભવને અંતે એવું લાગ્યું છે કે રાગે જયાંથી પાર કરવાનો પ્રયત્ન કર્યો છે તેઓ ત્યાંથી તરીને પાર પહોંચ્યાં છે.
ભારતવર્ષનાં મૂળ સંસ્કાર, દેશવિદેશની અનેક જાતિઓનું આગમન અને રકતમિશ્રિત સંબંધોને કારણે અનેક સંપ્રદાયો, પંથો, માન્યતાઓ, ધર્મવૈવિધ્ય, ધર્મસહિણતા, સધર્મસમભાવ,શ્રેષ્ઠત્તમ અને હિતકર તત્ત્વોનો સ્વીકાર એ સૌરાષ્ટ્રની સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણો છે. સૌરાષ્ટ્રમાં પ્રાચીન ધર્મનું ઝરણું સ્પષ્ટપણે લોથલની ધાર્મિક પરંપરામથી વહેતું જણાય છે. સૌરાષ્ટ્રનો લોકધર્મ જગવિખ્યાત છે.
લોકધર્મ :
દરેક પ્રજાને પોતાનાં પ્રદેશનો લોકધર્મ હોય છે. આ અંગે શ્રી ક્ષિતિમોહન સેનનું મંતવ્ય ઉલ્લેખનીય છે : “ભારતની પ્રાચીન આર્ય સંસ્કૃતિનો ઉષ:કાળ ઋગ્વેદથી થયો છે, તેમ ઇતિહાસકારો ભાખે છે, પણ એથીયે પ્રાચીન લોકસાહિત્ય લોકધર્મના અવશેષો આપણને અથર્વવેદનાં ઘણાંય સૂકતોમાં મળી આવે છે, અને બાકી રહેલાં આખ્યાનો, કહેવતો, મહાભારતમાં અને પુરાણોમાં સંકળાયેલા જણાય છે. દરેક પ્રજાની સંસ્કૃતિનું હાર્દ તેનાં લોકસાહિત્યમાં જોવામાં આવે છે, પણ આ ઉન્મેષ વિદ્વાન સાહિત્યકારોમાં મોડો થાય. છે.” સૌરાષ્ટ્ર ૬ લોકસાહિત્ય સમૃધ્ધશીલ છે. સૌરાષ્ટ્ર નાં લોકધર્મે યોગીઓનાં યોગ તત્ત્વોનો સોમનાથના શૈવતત્ત્વોનો, વેદના વૈદિક તત્ત્વોનો, વૈષ્ણવનાં સર્વ વ્યાપક તત્વોનો, બૌઘના દયા-કરૂણા તત્ત્વોનો, સૌરના પ્રકાશકતત્વોનો, શાકતના સામર્થયને, સર્વોપરિ તત્વોનો, જૈનોના અહિંસક ને ક્ષમા તત્ત્વોનો, ઇસ્લામની એકોપાસનાના તત્ત્વોનો, સુફીઓનાં નિર્દોષ તત્ત્વોનો, મહાપંથના અભેદ અને નિજાર તત્ત્વોનો, જરથુસ્ત્રોના પવિત્રતાના તત્ત્વોનો, ખ્રિસ્તીના સેવા તત્ત્વોનો પ્રભાવ ઝીલ્યો છે. આ તત્ત્વોનાં સન્વયથી ધર્મના ભેદભાવ વિનાનો આ ઐકય, માનવતાવાદી લોકધર્મ સૌરાષ્ટ્રમાં સથ્પાયો છે. આવાં લોકધર્મની સ્થાપનામાં સૌરાષ્ટ્રનાં સાગરકિનારે અને ભૌગોલિક સ્થિતિએ મુખ્ય ભાગ ભજવ્યો છે.
વેદકાલીન :
પ્રભાસ સંસ્કૃતિનો સમય ઇ.સ. પૂ. ૧૫૦૦ નો ગણાય છે. પ્રભાસના અવશેષો પ્રાગૈતિહાસિકાળનાં જણાયા છે. પ્રભાસક્ષેત્રની પવિત્રભૂમિએ તપશ્વર્યા અને વિદ્યાના ક્ષેત્રે ઉચાંક સ્થાપ્યો હતો.
ઇરાન ઇરાકના આર્યનિવેશમાં ઋશ્વાશ્વન ઋષિનાં દોહિત્ર ક્રાંતિકારી અથર્વવેદી ઋષિ જરથોસ્ત્રએ યજ્ઞવિદ્યાન પરંપરામાં મહાયજ્ઞવેળાએ સોમની પ્રથમ આહુતિ ઇન્દ્રને આપવાને બદલે તેણે વરૂણને આપવાનું નકકી કર્યું, તેથી યજ્ઞમાં ઉપસ્થિત ઋષિઓનાં ઇન્દ્રપક્ષી અને વરુણપક્ષી એમ બે વિભાગ પડી ગયા, પરિણામે ઇન્દ્રપક્ષી ઋષિઓનો વિશાળ સમુદાય સમુદ્રમાર્ગે પ્રભાસક્ષેત્રે આવી વસ્યાં. એક અંદાજ પ્રમાણે આ ક્ષેત્રમાં સાંઇઠ હજાર ઋષઓએ વસવાટ કર્યો હતો. આ પ્રદેશમાં ભારતવર્ષના ઋષિઓ-મુનિઓ, સાધુસંતો, સન્યાસીઓનું આવનજાવન સતત વહેતું રહેતું. વૈદિક સાહિત્યની પરંપરામાં ઋગ્વેદ સંહિતાનાં રચયિતા શાકલ્યઋષિ પ્રભાસનાં હતાં. પ્રભાસમાં ચારણ મહર્ષિ યાજ્ઞવાલ્કયે સૂર્ય ઉપાની કરી યજુર્વેદની સૌર શાખાની સ્થાપના કરી હતી. અથર્વવેદનાં મંત્રદૃષ્ટા ભૃગુવંશી ભિન્ન ભિન્ન ભાર્ગવો પ્રભાસના હતાં. શુકલ અને કૃષ્ણ યજુર્વેદ સંહિતાનાં બન્ને પ્રવચનકારો સૌરાષ્ટ્રના હેતાં. ચ્યવનઋષિએ ચ્યવનપ્રાસ ઔષધ સર્વ પ્રથમ પ્રભાસને તીરે નિર્માણ કર્યુ હતું. પરશુરામ, દત્તાત્રેય અને ધ્રુવજીએ ઉગ્ર કઠિન તપશ્ચર્યા પ્રભાસમાં કરી હતી. શુક્રાચાર્યે સંજીવની વિદ્યા અને લવકુશે ધનુરવિદ્યા પ્રભાસમાંથી હસ્તગત કરી. અંગસત્ય, વસિષ્ઠ, વિશ્વામિત્ર વ્યાસ, વાલ્મિકી, અગ્નિવેશ્ય, મૃકંડ,માર્કંડેય, ગંગાચાર્ય, મુચક, અત્રિ, ઔર્વ, ઋચિક, દધિચિ, ઉદ્દાલક, રામ, લક્ષમણ, જાનકી, પાંડવો વગેરે સરસ્વતીને તીરે તીરે પ્રભાસક્ષેત્રની તેજોમયતામાં સતત વિચરતાં રહેતા સૌરાષ્ટ્રમાં પાટણમાં કપિલમુનિનો આશ્રમ, વેરાવળ દાંણીબારે સ્તંભ ઋષિનો આશ્રમ, ભેંસાણ પાસે પરબવાવડીમાં સરભંગ ઋષિનો આશ્રમ, ગિરનારમાં દામોદર કુંડની ઉતરે અશ્વત્થામાનો અને સત્યધામઋષિનો નિવાસ, માળવેલામાં પરશુરામનો, બગસરાને બગદાણામાં બગડાલમઋષિના આશ્રમો, શિહોરમાં ગૌતઋષિનો આશ્રમ, સૂત્રાપાડા, ગુજરડા ને ચાણકામાં ચ્યવનઋષિના આશ્રમો, ગીરગઢડા દ્રોણમાં દ્રોણઋષિનો આશ્રમ, પોરબંદરમાં ભકત સુદામાનું નિવાસસ્થાન, પિંડારામાં મહામનિ દુર્વાસાનો આશ્રમ, જામવાળા, રાણ ગામોમાં જમદગ્નીયે ઋષિ અને પર રામના આશ્રમો. દ્વારકામાં તિમિર ઋષિનો નિવાસ, પાંચાળનાં ધર્મારણ્યમાં કણ્વ, ગાલવ, માંડવ્ય, અંગિરસ, બૃહસ્પતિ, અત્રિઋષિ ચાર્તુમાસ માટે આશ્રમો બાંધ વિહાર કરતાં. સૌભરિ ઋષિનો આશ્રમ મચ્છુકાંઠે હતો, માધ્યદિન, કાણ્વ, જાબાલ પરાશર, અને કાત્યાયને યાજ્ઞવલ્કયનાં શિષ્યો હતા. આ સર્વ ઋષિઓ, મુનિઓ તપસ્વીઓથી સૌરાષ્ટ્રમાં વેદકાલીન સંસ્કૃતિ ગુંજતી હતી, તેની પ્રતીતિ વેદોની સંહિતાઓ, બ્રાહ્મણગ્રંથો અને સૂત્રગ્રંથોની મૂલ્યવાન અપ્રાપ્ય હસ્તલિખિત પોથીઓ સૌરાષ્ટ્રનાં જુનાગઢ, ભાવનગર અને જામનગરના ગ્રામપ્રદેશોમાંથી મળી આવી છે, તે પોથીઓ આપે છે.
વલ્લભીકાળમાં ઉત્તરાપથથી એક હજાર ચારેય વેદપાઠી, બહુશ્રુત વિધાન બ્રાહ્મણોને બોલાવી તેને વલ્લભી, સિંહપુર, ગિરિનગર જેવાં નગરોમાં વસાવ્યાં હતા. બ્રાહ્મણો પરંપરાગત વેદશાખાનો સ્વાધ્યાય કરતાં, તેમાં ઋગ્વદની બહુવચશાખા, કુષ્ણ યજુર્વેદની. મૈત્રાયણીય અને તૈતરિયશાખા, શુકલ યજુર્વેદની વાજસનેયીશાખા અને અથર્વવેદની અથર્વશાખા વિશેષ પ્રચીલત હતી. બ્રાહ્મણોનાં ગોત્રોમાં કાણ્વ, ગૌતમ, ભરદ્વાજ, શાણ્ડિલ્ય, માનવ, વસિષ્ઠિ, શૌનક, શાર્કરાક્ષિ, કૌણિડન્ય, પરાશર, છાંદોગ્ય, કૌશિક, મગ, કઠ, માધ્યદિન, મૈત્રાયણી ઇત્યાદિ અનેક ગૌત્રોનો ઉલ્લેખ જોવા મળે છે.
બ્રાહ્મણો,પંચમહાયજ્ઞો અને અગ્નિહોત્રીની ક્રિયા નિયમિત કરતાં અને કર્મકાંડ જીવંત રાખતાં. બ્રાહ્મણોએ મહારાજ સિધ્ધરાજનો મંત્ર, જપ, યજ્ઞયાદિ દ્વારા કોઢ મટાતાં શિહોર બ્રિાહ્મણોને દાનમાં આપ્યાંની દંતકથા પ્રચલિત છે. ત્યાં બ્રાહ્મણોએ ‘શિહોર સંપ્રદાય’ શરૂ કર્યો હતો. દસમા સૈકામાં ઉદીચ્ય બ્રાહ્મણો શિહોરમાં આવીને વસ્યાં હોવાનો એ મત છે. ઊનાક્ષેત્રમાં વિદ્યા અને તપયુકત ઉત્તમ ૧૮૦૦૦ અઢાર હજાર જેટલાં ઉનેવાળ બ્રાહ્મણો હતાં. શ્રી કૃષ્ણના પુત્ર સામ્બે ગ્રીસ માંથી સૂર્યપૂજા અને તેનાં પૂજારી શાફદ્વીપય મગ બ્રાહ્મણો લાવી, સૌરાષ્ટ્રનાં દ્વારકાક્ષેત્રમાં અને સાગરકિનારે પ્રસ્થાપિત કર્યા હતાં. આદ્યશંકાચાર્ય દ્વારકા શારદામઠ દ્વારા સામવેદ અને કેવલદ્વેત દ્વારા, મહર્ષિ દયાનંદસરસ્વતીએ આર્યમાજ દ્વારા, બીલખામાં શ્રીમન્નથુરામ શર્મા, મોરબીના મહામહોપાધ્યાય શંકરલાલ માહેશ્વર શાસ્ત્રી,જામનગરના મહામહોપાધ્યાય હાથીભાઇ શાસ્ત્રી, ભાવનગરના પ્રિન્સિ. જેઠાલાલ જેકીશનદાસ કણકીયા, પડધરીનાં રેવાશંકર શાસ્ત્રી જેવાં નામી-અનામી અદ્વિતીય ધાર્મિક પંડિતોએ સૌરાષ્ટ્રમાં વૈદિક અમરવેલનું સિંચન કર્યું છે. અર્વાચીન ભારતના દેદિપ્યમાના સંત સ્વામી વિવેકાનંદે સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે ૧૧ માસ જેટલો સમય રોકાઈ ધાર્મિક અધ્યયન કર્યું હતું. તેઓશ્રીને શિકાગોની વિશ્વપ્રવાસની પ્રેરણા જેતલસર રેલ્વેસ્ટેશનનાં સ્ટેશન માસ્ટરે આપી હતી. સૌરાષ્ટ્રનું માધવપુર ભારતીય ઘર્મસાધનાનું સંગમસ્થાને ગણાયું છે. પાંચ ધર્મોની ગાદી ધરાવતું જામનગર શહેર છોટી કાશી ગણાય છે. ઊના-દેલવાડા આર્યવર્તના ૬૮ પ્રાચીન તીર્થધામોમાં ૨૧મું તીર્થધામ ગણાય છે. સોમનાથ, માધવપુર, જુનાગઢ ગિરનાર, પોરબંદર, દ્વારકા, ધૂમલી, ઢાંક, શાણો, ઊના, શત્રુંજ્ય, તરણેતર, પિંડારક, થાન, શિહોર, હર્ષદ, ચોટીલા, વંથલી, વલ્લભી વગેરે સ્થળો સૌરાષ્ટ્રનાં ધાર્મિકતાના આભૂષણો છે. દ્રોણેશ્વર, બાણેજ, કનકાઇ, તુલશીશ્યામ, ગોપનાથ, જરીયામહાદેવ, ઈન્દ્રેશ્વર, અહમદપુર-માંડવી, ચોરવાડ, નૈસર્ગિક સૌંદર્યધામો છે.
આવનારી પોસ્ટમાં હજુ વધુ માહિતી સૌરાષ્ટ્ર વિશે જાણીશું… ક્ર્મશઃ પોસ્ટ…
માહિતી-સંદર્ભઃ સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ પીંગળશીભાઇ ગઢવી
પ્રેષિત-સંકલનઃ મયુર સિધ્ધપુરા-જામનગર
– સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું
– સૌરાષ્ટ્રની જાજરમાન ઐતિહાસીક માહિતી