સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે. અગાઉ સૌરાષ્ટ્ર, સોરઠ, હાલાર અને ગોહિલવાડ પંથકની વાત કરી. આજે વધુ પંથકોનો પરિચય મારે વાચકમિત્રોને કરાવવો છે.
ઝાલાવાડ પરગણું ઃ
ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન, લખતર, સાયલા, ચુડા, મૂખી, બજાણા, પાટડી અને અન્ય નાની રિયાસતો ઝાલાવાડમાં હતી. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં ઝાલાવાડ પરગણાનું ક્ષેત્રફળ ૪૩૯૨ ચો.માઈલ દર્શાવ્યું છે. એનાં ઘણાંખરાં સંસ્થાઓના રાજવી ઝાલા રાજપૂતો હતા. તેથી તેનું નામ ઝાલાવાડ પડયું છે. ઝાલાવાડ રણના કાંઠે બજાણા સુધી ફેલાયેલું હતું. એના પૂર્વ ભાગની કંઠાખ્ય પટ્ટી ‘જતવાડ’ના નામે જાણીતી હતી. ઝાલાવાડના માનવીઓની વાણી અને પાણીની કહેવતો આજેય લોકકંઠે રમે છે અને લોકસમાજના માનવીની ઉઘાડી ઓળખ આપે છે. જેમ કે,
કંકુવરણાં લૂગડાં, ધોવા લઈ જાય પાણો,
પવાલા જેવડા ચૂડલા, ઈ ઝાલાવાડી જાણો.
લોટમાં કાંકરી ને ભાંભળાં પાણી
આખાબોલા માનવી, ઈ ઝાલાવાડી જાણો.
ઓખામંડળ પરગણું ઃ
ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ પણ કહે છે. આ પ્રદેશ જૂનાકાળે ગાયકવાડના તાબામાં હતો.
સૌરાષ્ટ્રની પશ્ચિમે આવેલ ઓખામંડળ અગાઉ બેટ હતું. દ્વારકા ઓખામંડળમાં આવ્યું છે. આ નામ ક્યારે પડયું તે જાણી શકાતું નથી. પુરાણોના પાનાં ફેરવતાંય આ નામ ક્યાંય જડતું નથી. ઓખામંડળ અંગેની અનેક ઉક્તિઓ આજે ય સાંભળવા મળે છે.
આંક અરિઠા આંબલી, ઓખા મેળો એહ,
એક ન હોત શ્રીનાથજી, તો દીઠા જેવો દેહ
ઊંટકડો ને આંબલી, ઓખો મેળો એહ,
હડકો નળે દ્વારકાનાથ, નયે જડયો દેહ.
ખડકાળ અને પથરાળ કાયાવાળો, લાલપીળી પામરી ઓઢેલ, કટારા, બાવળિયાં, અરણી, કરમદો, આંબલી અને ઊંટકડોના પુષ્પ અલંકારની માળા ગળે ધારણ કરી કંઈ કંઈ કાળથી પુરાણો અનેક તવારિયોને જન્મ દેતો ઓખો મનખાવતારમાં એકાદવાર જોવા જેવો તો ખરો જ.
પાંચાળ પંથક ઃ
ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે.
આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશના નામે જાણીતો છે. થાન પાસે આવેલા તરણેતરમાં તરણેતરિયો મેળો આજે ય ભરાય છે.
અમૃત પંડયા નોંધે છે કે પાંચાલ નામ સૌરાષ્ટ્રમાં શી રીતે આવ્યું તે સમજાતું નથી. પાંચાલી પાંડવોના વખતમાં થઈ ગયાં. રામચંદ્રજી એના પહેલાં ઘણા વરસે થયા. કેટલાક માને છે પંચાળ નામ પાંચાલ દેશ પરથી આવ્યું છે. મૂળ પાંચાલ ઉત્તર ભારતમાં હાલ બરેલી અલિગઢ છે ત્યાં હતું. દ્રોપદીનો પિતા તેનો રાજા હતો. કિંવદંતી અનુસાર પાંડવો આ ભૂમિ પર આવેલા. અર્જુને અહીં મત્સ્યવેધ કરેલો. દ્રોપદી અર્થાત્ પાંચાલીના નામ પરથી પંચાળ પ્રદેશ કહેવાયો હોવાનું અનુમાન છે. આ કંકુવરણી (રતુંબડી) ધરતીના પટાધર પુરુષો નમણી નારીઓ, નવરંગ તોરિંગ (અશ્વો). કિલ્લોલતા સારસ અને મૃગલા વખણાય છે. એ દુહા કહે છેઃ
આછા પાણી વીરડે, ધરતી લાંપડીઆળ
સરતીર્યાં સારસ લવે, પડ જુઓ પાંચાળ
ગૂઢે વસ્તર ગોરિયાં, પગ પીંડીનો તાલ,
પનઘટ ઉપર પરહરે પડ જુઓ પાંચાળ
કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભોંય દેવકો પાંચાળ.
મચ્છુકાંઠો ઃ
હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો. મચ્છુકાંઠાના માનવીની ઓળખ આપતો દુહો ઃ
મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
ચંગા માડું નીપજે, પાણીહુંદો ફેર.
માંડવધાર (ડુંગર)ની ગાળીઓમાંથી ગળતું પાણી ભારે ગણાય છે. એને પીનાર માનવીના દેહ વજ્જર જેવા પણ હૈયાં મીણ જેવાં મુલાયમ હોય છે. અહીંનું ખડ ખાઈને ઉછરતા માલઢોરના આઉમાંથી અમી જેવા દૂધની શેડયું વછૂટે છે. મચ્છુ નદી માલધારીઓની માતા ગણાય છે. અહીં વસતા અઢારે વરણના માનવી પટાધર (શૂરવીર) પાકે છે. એવો એના પાણીનો ગુણ છે. માનવીનો અમુક પ્રકારનો સ્વભાવ એ પંથકનાં પાણી, પરિસ્થિતિ અને પ્રાદેશિક વાતાવરણમાંથી જ ઘડાય છે.
ઘેડપંથક ઃ
જેમ કચ્છનું રણ બીજા રણોથી નિરાળું છે તેમ ઘેડ પ્રદેશ સૌરાષ્ટ્રના બાકીના પ્રદેશથી નિરાળો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં ૧૩મી સદીમાં થયો હોવાનું શંભુપ્રસાદ દેસાઈ નોંધે છે. ફળદ્રુપ ધરતીના કારણે ઘેડ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. કુતિયાણાથી પોરબંદર જતાં દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય છે. માધવપુરમાં વહેતી છેલ નદી મહિયારીથી આગળ વધી બાંટવાના સિમાડે થઈ બગસરા પહોંચે છે. ત્યાં બીજી નદીઓ મળે છે. એ વિસ્તાર મોટા ઘેડના નામે ઓળખાય છે. છેલ નદી આગળ જતાં ખમીદાણા, સુજ, ખીરસરા પાસે કાંપ ઠાલવે છે તેથી ત્યાંની ધરતી મબલખ પાક પકવે છે. આ વિસ્તાર નવલખા ઘેડ તરીકે પણ જાણીતો છે. ઘેડમાં ભાદર, છેલ, ઓઝત, મધુવંતી, મેધલ, ઉખેણ, કાલુન્દ્રી અને ઝાંજેસરી જેવી નદીઓ આવેલી છે. ચોમાસાની ઋતુમાં આ પ્રદેશમાં શ્રાવણ માસ અર્ધો ઉતરે ન ઉતરે ત્યાં સુધી પાણી ભરાયેલાં રહે છે. નવા બંદર પાસે ભાદર નદી સમુદ્રને મળે છે. ત્યાંનું બારું જો ન ખૂલે તો જન્માષ્ટમી સુધી ઘેડના ખેડૂતો ઘેર જ રહે છે. પાણી ઉતરે ને વરાય થાય પછી વણ (કપાસ) પગુંધળી, જુવાર કે ચણા વાવે છે. તે પાકે ત્યાં સુધી માત્ર ધ્યાન જ રાખવાનું. ખડ કે નીંદણ કંઈ કરવાનું નહીં એટલે લોકકવિ કહે છે ઃ
નાખો એટલું નીપજે, ને કરીએ એટલી ખેડ,
નહીં નીંદવું નહીં ખોદવું, ઘમ કે ગોરંભ ઘેડ.
ચોમાસાની મોસમમાં ખેડૂતો ઢીંચણસમો ગારો ખુંદીને ખેતરે ભલે જવું પડે પણ રસાળ ધરતીમાંથી અઢળક ઉપજ આવે એટલે એનું વળતર મળી જાય છે ઃ
છેલ (નદી) ફરે ને છેતરે, કાદવ ભાંગે કેડય,
વણ (કપાસ) ચણા ને ગુંધળી ઘર ભરી દયે ઘેડ.
ઘેડ પંથકમાં ૧૦૭ જેટલાં ગામડાં આવેલાં છે. એ બધાં ઊંચા ખડકાળ ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં પુર આવે ત્યારે એ બેટ બની જાવે છે. આમ છતાં ઉનાળામાં ગરમ પવન વાય ને ધૂળની ડમરીઓ ઉડે. પીવાનું પાણી ભરવા માટે દૂર દૂર સુધી બાઈઓને રખડવું પડે છે એટલે તો એના માટે ઉક્તિ કહેવાય છે ઃ
બરડો, બારાડી ને ઘેડ
ઈ ત્રણેય ને મોસમનો નહીં મેળ.
લીલી નાઘેર ઃ
હાલારમાં ઓખા પાસેનું પરગણું ‘બારાડી’ના નામે જાણીતું છે. બારાડી પંથકની દક્ષિણ-પૂર્વ માધવપુરથી લઈ કોડીનાર તથા ચોરવાડ અને જાફરાબાદના દરિયાકાંઠાનો વિસ્તાર નાઘેર તરીકે ઓળખાય છે. નાઘેર અસલ નાઘેર રજપૂતોના તાબામાં હતું. તેના ઉપરથી પ્રદેશ નાઘેર તરીકે ઓળખાયો હશે એમ કેપ્ટન મેકમર્કો નોંધે છે. સૌરાષ્ટ્રનો આ સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ તરીકે ઓળખાય છે. ત્યાંની ઘણી ચીજો વખણાય છેઃ
વાજા ઠાકોર, અંબવન, નારપદ્મણિ ઘેર,
રેંટ ખટુકે વાડિયે ભોંય લીલી નાઘેર.
અર્થાત્ ઃ જ્યાં વાજા રાજપૂત અને ઠાકોરોની વસ્તી છે, જેના હર્યાભર્યાં આંબાવાડિયા કેરીઓથી લચી પડે છે. ઘેર ઘેર પદ્મણિ નારીઓ છે. વાડિયુંમાં રેંટ ખટુકે છે એવી લીલીછમ નાઘેરની ધરતી કાઠિયાવાડનું કાશ્મીર ગણાય છે.
બારાડી પંથક ઃ
હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન નરનારીઓ, ગાયો, ભેંસો, ઘી અને પથરા પણ વખણાય છે. એની વાત આ દુહા કરે છેઃ
વસતી જ્યાં બહુ મેરની, નારી પાતળ પેટ,
ઘી પથ્થર વખાણમાં, ભોંય બરડો બેટ.
શિયાળે ભલો માળવો, ઉનાળે ગુજરાત,
ચોમાસે સોરઠ ભલો, બરડો બારે માસ.
બાબરિયાવાડ પંથક ઃ
બાબરિયાવાડ એ દરિયાકાંઠા ઉપર ગોહિલવાડ અને સોરઠ એ બેની વચ્ચે આવેલો પંથક છે. એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલનું ગણાય છે. બાબરિયા રાજપૂતો ઉપરથી આ પરગણાનું નામ પડયાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. તેમાં ઘણાં નાના સંસ્થાનો તથા જંજિરાના હબસી રાજવીનું જાફરાબાદ પણ છે. બાબરિયાવાડ હાલમાં સોરઠમાં ભળી ગયેલું છે.
ઉંદસરવૈયા ઃ
ગોહિલવાડને અડીને ઉંદસરવૈયા પરગણું આવેલું છે. આ સૌથી નાનો પ્રાંત છે. તેનું ક્ષેત્રફળ ૧૬૦ ચો.માઈલ ગણાય છે. એની પૂર્વ અને દક્ષિણ સીમાએ ખંભાતનો અખાત અને શેત્રુંજી નદી છે. ઉંદસરવૈયા પાછળથી ગોહિલવાડમાં ભળી ગયું હોવાનું નોંધાયું છે.
ભાદરકાંઠો અને નોળીકાંઠો ઃ
ભાદર એ સૌરાષ્ટ્રની અતી પ્રાચીન અને સૌથી મોટી નદી છે. ભાદર અને ભાદરમાં ભળી જતી નાનીમોટી નદીઓ ઘેડ પ્રદેશના ધોવાણનો કાંપ સમુદ્રમાં ઠાલવે છે. પરિણામે ઘેડના છીછરા સમુદ્રને આ નદીઓએ કાંપ વડે પૂરી દીધો છે. ભાદર નદી ઉપરનો પ્રદેશ ભાદરકાંઠાના નામે ઓળખાય છે. દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલા ઘેડની બરોબર દક્ષિણે નોળીકાંઠા ઉપરનો વિસ્તાર ‘નોળીકાંઠા’ તરીકે જાણીતો છે.
ભાલબારું ઃ
ભાલપ્રદેશની ભૌગોલિક સ્થિતિ અને ભુપૃષ્ટ રચના અંગે ભગવદ્ગોમંડલની નોંધ બોલે છે કે ૨ હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દ્વિપકલ્પ નહીં પણ ટાપુ હતો. કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો. સિંધુ મુખ સૌરાષ્ટ્રનો પૂર્વ ભાગ હતો. કાળક્રમે સિંધુ નદીએ વહેણ બદલ્યું. ખંભાતનો અખાત પાછો હટી ગયો અને અગ્નિકોણ તરફનું રણ ‘ભાલ પરગણું’ બની રહ્યું. ભાલ નપાણિયો મુલક ગણાય છે. પણ એમાં અઢળક ચાસિયા ઘઉં પાકે છે. વર્ષો પહેલાં એન વિગ્મોર નામની અમેરિકન બાઈ કેન્સરના ઉપચાર અર્થે મુંબઈ આવી. એણે ભાલના દાઉદખાની ચાસિયા ઘઉંના જવારાના રસથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું. એણે જગત આખાની ઘઉંની ૧૫ જાતોમાં ભાલિયા ઘઉંને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા. દુહામાં એના ગુણગાન ગવાયા ઃ
નહીં છાશ છમકો ને છાંયડો, એવા કેતાક અવગુણ કહું?
પણ ભૂંડામાં ભલું એટલું, ભાલ નીપજે ઘઉં.
નળકાંઠો ઃ
ભાલ, સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વચલો વિસ્તાર નળકાંઠો કહેવાય છે. નળના કાંઠે પઢારોની વસ્તી વિશેષ જોવા મળે છે. તેઓ અહીંની મૂળ પ્રજા છે. એમના મંજિરારાસમાં સાગર સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
અહીં આવેલું નળસરોવર ૫૦ ચો.માઈલમાં પથરાયેલું છે. ચોમાસામાં તેમાં ચાર પાંચ ફૂટ પાણી ભરાય છે. તેમાં ખરુ નામનું ઘાસ ઊગે છે. એમાં બીડ નામનું કાળું કંદ અને થેક થાય છે. શિયાળો આવતા છેક રશિયા અને સાઈબિરિયાથી અસંખ્ય યાયાવર પક્ષીઓ કુંજ-સારસ અહીં પોતાનાં બચ્ચાં ઉછેરવા આવે છે. આજે તો નળસરોવર પ્રવાસનધામ તરીકે વિકાસ પામ્યું છે. ગુજરાત રાજયની રચના થયા પછી ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાઓમાં આ બધા પંથકો અને પરગણાં સમાઈને લુપ્ત થઈ ગયાં છે. ‘સાપ ગયા ને લીસોટા રહ્યા’ એના જેવું છે ભાઈ.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ