એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા.
સૌરાષ્ટ્રમાં આદિમાનવ ધ્રાંગધ્રાની ધરતી જે ભૂકંપને કારણે દક્ષિણ આફ્રિકાથી છૂટી પડી સૌરાષ્ટ્રની સાથે જોડાણી. તેની સાથે આવેલો મનાય છે. સોમનાથ પાસે હિરણ નદીનાં કિનારે થયેલાં ખોદકામના અવશેષોને આધારે એક લાખ વર્ષ પહેલાં પ્રથમ આદિમાનવે અને ૪૦,૦૦૦ વર્ષ પહેલાં બીજા આદિમાનવે અહીં આવી વસ્યો હોવાનું અનુમાનાય છે.
વૈદિક સાહિત્યમાં ઋગ્વદમાં, યજુર્વેદના પરિશિષ્ટમાં શતકો પૂર્વે લખાયેલાં સ્તોત્રોમાં, રામાયણનાં કિર્કિંધાકાંડમાં, મહાભારતના આદિપર્વમાં ને વનપર્વમાં, પુરાણકાળના બ્રહ્મપુરાણ, સ્કંદપુરાણ, વાયુપુરાણ, હરિવંશપુરાણ, ગરુડપુરાણ, કુર્મપુરાણ વામન પુરાણ, પાણિનીના વ્યાકરણમાં, સૂત્રકાર બૌધ્ધાયનની દક્ષિણાપથની વિગતોમાં, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં, દેવલ સ્મૃતિમાં, એરિયન અને મિનાન્ડરની નોંધોમાં, બુધ્ધની બાવરૂ જાતકકથામાં, જુનાગઢના રુદામન અને સ્કંદગુપ્તના કોતરાયેલ લેખોમાં, કાન્હડે પ્રબંધ, રાજશેખરની કાવ્યમીમાંસામાં, વસંતવિલાસ-શાસ્ત્રવાર્તા, સમ્મચયમાં, પ્રબંધચિંતામણીમાં, પરદેશી મુલાકાતી હ્યુએનશ્યાંગ અને ઈલિંગનાં પ્રવાસગ્રંથોમાં, પરિપ્લસ અને ટોલેમીની ભૂગોળમાં, વલ્લભીના તામ્રપત્રોમાં, સિકકાઓમાં આ પ્રદેશનો ઉલ્લેખ તેની પુરાતન-પ્રાચીનતા સિદ્ધ કરે છે.
રંગપુર, રોઝડી, જસદણ અને પિંડારાના ઉત્પન્નમાંથી મળી આવેલાં પાષાણયુગનાં પથ્થરના ઓજારો, વલ્લભીપુર, અમરેલી, ઇંટવા, કણજેતર, માધવપુર, કુતીયાણા, ગોપ, હાથબ, કીંદરખેડા, વસઇ, અને જુનાગઢમાંથી મળી આવેલા મૃદભાણડો અવશેષના અનેક પ્રકારના વાસણો, રમકડાંઓ, રોમનકોઠીઓ તેમજ સોમનાથ, લાખાબાવળ અને આમરામાંથી મળી આવેલાં હડપ્પીયકાલીન તામ્રસંસ્કૃતિના અવશેષ, શવાલીકની તળેતી અને પીરમબેટમાંથી નીકળેલાં અશ્મીભૂત ફોસીલ્સ અવશેષો, અશોકનો શિલાલેખ, ગામ ગામડે પાદરના પાળિયા, મંદિરો, શિલાલેખો, ભગ્નવેશો, વાપિઓ, વાવ-કુવા-તળાવો, નદી, નાળાં, પર્વતો, ડુંગરાઓ, ટીંબા, ટેકરીઓ, ખીણો, પ્રાચીન નગરો, એ સર્વે આ પ્રદેશની પ્રાચીનતાની ગવાહી પુરતા આજે પણ ઊભા છે. સૌરાષ્ટ્રના ટીંબાઓ, રંગપુર અને સિંધુ સંસ્કૃતિઓ ગ્રામવાસી સંસ્કૃતિનાં દર્શન કરાવે છે. સૌરાષ્ટ્રનાં ઉત્ખન્નો બતાવી આપે છે કે પ્રાગઐતિહાસિક યુગમાં માણસોનો નદી તટે વસવાટ હતો.
સૌરાષ્ટ્રના ઇતિહાસવિદશ્રી શંભુપ્રસાદ દેસાઇનાં મંતવ્ય અનુસાર: “ઇતિહાસ અને પુરાતત્ત્વના વિદ્વાનો તેમજ સંશોધનોથી વિશ્વાસપૂર્વક સિધ્ધ કરી ચૂકયાં છે કે વૈદિક યુગ પૂર્વે પણ સૌરાષ્ટ્રમાં સભ્ય અને સંસ્કૃત પ્રજા વસતી. પ્રભાસ પાટણના શીતળાના ટીંબાના, રોજડીના ટીંબાના ઉત્ખન્નોથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે મોહન-જો-ડેરોના સમયમાં પણ અહીં વસાહતો હતી”. સૌરાષ્ટ્રમાં પ્રાચીનમાં પ્રાચીન અને સમૃધ્ધમાં સમૃધ્ધ સંસ્કૃતિની ભૂમિ રહી છે.
ઈતિહાસની સામગ્રી : સુપ્રસિધ્ધ સૌરાષ્ટ્રના પુરાતત્ત્વવિદ્ શ્રી મણિભાઈ વોરા સૌરાષ્ટ્રના ઇતિહાસની સામગ્રીની નોંધમાં જણાવે છે કે: “પ્રજાકંઠે રહેલ લોકસાહિત્ય, બારોટોની વહીઓ અને ચારણી સાહિત્ય, તીર્થગોરોના ચોપડાઓ, જૈનમુનિઓ અને બ્રાહ્મણ પંડિતોએ લખેલ પોથીઓ, પ્રબંધો, પ્રકાશો, વારિધિઓ, વિલાસો, માળાઓ, મંજરીઓ, મિરાતો, દીપિકાઓ, સ્વપઠનાર્થે લખેલી હસ્તપ્રતો, રાજરાજનાં દસ્તાવેજો, વેપારી ને મહંતોના ચોપડાઓ વગેરે અભ્યાસીઓને આમંત્રે છે. ઘણાં જીર્ણપાનાઓનોં ગુજરી બજારોમાં દર્શન થાય છે! યુનાની, આરબ વગેરે વિદેશી પ્રવાસીઓનાં લખાણો, સ્કંદપુરાણો, દ્વયાશ્રય, કર્ન લટોડની પોથીઓ, બોમ્બે ગેઝેટિયરના અંકો, બર્જેસ-કઝિન્સના ગ્રંથો, રાસમાળા, કાઠિયાવાડ સર્વસંગ્રહ, સોરઠી તવારીખ, દેશી રાજય મંડળ, ગુજરાત સર્વસંગ્રહ, આર્કિઓલોજી ઓફ ગુજરાત, વિલ્બરફોર્સ-બેલનાં પુસ્તકો, ગદ્ર,આચાર્ય,ડિરકલકરના શિલાલેખ-ગ્રંથો,દુર્ગાશંકર શાસ્ત્રી, રત્નમણિરાવ ભીમરાવ, હરિપ્રસાદ શાસ્ત્રીના ઇતિહાસ ગ્રંથો, જીનવિજય, કનૈયાલાલ મુન્શી, અમૃત પંડયા, કનૈયાલાલ દવે, કૃષ્ણાવીરજીના પુસ્તકો, જુના કાઠિયાવાડ રાજ્યોમાં લખાયેલા પુસ્તકો આપણી સમક્ષ છે. પ્રભાસ અને સોમનાથ, માંગરોળ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, જામનગર, દ્વારકા, સર્વસંગ્રહ, જીર્ણદૂર્ગ અને ગિરનાર શત્રુંજ્ય અને રાજય માહિતી વિભાગના હાલના પ્રકાશનો પણ છે.”
આવનારી પોસ્ટમાં હજુ વધુ માહિતી સૌરાષ્ટ્ર વિશે જાણીશું… ક્ર્મશઃ પોસ્ટ…
– સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું
માહિતી-સંદર્ભઃ
સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ પીંગળશીભાઇ ગઢવી
પ્રેષિત-સંકલનઃ
મયુર.સિધ્ધપુરા-જામનગર