સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે
સતીને શૂરની માતા, સંતને ભકત પ્રસૂતા,
કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી.
ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર અક્ષાંશ અને ૬૯”.૦પ થી ૭૨.૨૦” પૂર્વ રેખાંશ ઉપર ગુજરાત રાજયનો સૌરાષ્ટ્ર પ્રદેશ આવેલો છે. તો ઉત્તરે કચ્છનો અખાત, દક્ષિણે ખંભાતનો અખાત, પૂર્વે અમદાવાદનો જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જેનું ભૂપૃષ્ઠ ઊંધી રકાબી આકાર જેવું છે. મધ્યભાગ ઊંચો અને છેડાના ભાગે ગોળાકારમાં ઢળતો છે. આ પ્રદેશનું કેન્દ્રબિંદુ ગોંડલ છે. આ પ્રદેશ એ પંદર જેટલાં જુદાં જુદાં વિભાગોમાં વિભકત થયેલો છે છે.
બરડો, બારાડી, ઓખો, હાલાર, નાઘેર, ઘેડ,
પંચાળ ને મરછું કાંઠો, વાગડ,વાળાંક,
ગોહિલવાડ ને ઝાલાવાડ ને કાઠીવાડ કહું,
જતવાડ, સોરઠની બોલી રહી ધીક ;
અમરેલી, જામનગર, જુનાગઢ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર એ છ જિલ્લાઓ, ૬૯ તાલુકાઓ, ૪૭૬૨ ગામડાઓ, ૧૩૧૧:૩૨ ચો. માઇલનો અર્થાત્ રાજયનો ૪.૩૩% વિસ્તાર જંગલોનો,ત્રણ બાજુ આશરે ૮૨૦ કિ.મી. નો લાંબો સમુદ્રકિનારો, ૧૬ નાની મોટી – ખાડીઓ, ૨૮ બંદરો, ૯૩ પહાડ-ડુંગરાઓ, ૧૮૦ નદીઓ, એક નાનું રણ, પ-મોટા ટાપુઓ, ૧૭૦ જેટલી માનવ કોમો-જાતિઓ, ૧૧૧ લાખની જનસમુદાયની વસ્તી-વાળો, ૬૪.૩૩૯ ચો કિ.મી અર્થાત્ આશરે ૨૨૮૫૬ ચો. માઈલનું ક્ષેત્રફળ, ૩૪ કિ.મી. ની લંબાઈ અને ૨૫૬ કિ.મી.ની પહોળાઇ ધરાવતો સૌરાષ્ટ્ર ભૌગોલિક, સાંસ્કૃતિક અને સામાજિક અનેકવિધ લાક્ષણિકતાઓથી સુશોભિત દ્વીપકલ્પ છે.
ઉબ્રજ, ઉજજયન્ત, આનર્ત, અનુપ, લાટ, કુશદ્વીપ કુશાવર્ત, પાતાળદ્વીપ, આભીર, સુર્યરાષ્ટ્ર, સુરાષ્ટ્ર, સોરઠ, સુરઠ્ઠ, સુરક્ષા, સારાઓસ્ટેસ, હોરેટ, સેરોસ્ટસ, સુરસ્ટર્ન, સુરાષ્ટ્રનું, સૌરાષ્ટ્ર, સાયરાષ્ટ્રી, સુરથ, સુલૈચા, કાઠવાડ, કાઠિયાવાડ, વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટસ, યુનાઈટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનું સંયુકત રાજય અને સૌરાષ્ટ્ર એવાં જુદાં જુદાં નામાભિધાનથી આ પ્રદેશ ઇતિહાસ પ્રસિધ્ધ છે. “સૌરાષ્ટ્ર” નામ કેવી રીતે પડયું એ અંગે વિદ્વાનોમાં જુદાં જુદાં મત પ્રવર્તે છે. મહર્ષિ યજ્ઞવલ્કયે પ્રભાસમાં સૂર્યઉપાસના દ્વારા શુકલ-યજુર્વેદ શાખાની રચના કરી. એ શાખાના અનુયાયીઓ “સૌરા” કહેવાયા અને તેના ઉપરથી સૌરાષ્ટ્ર નામ પડયું હોવાનો એક મત પ્રવર્તે છે.
ઇતિહાસવિદ્ અમૃત પંડયાના મતે આ ભૂમિનાં લોકો આ પ્રદેશ ને “દિલમુન” અર્થાત્ સૂર્યનો દેશ તરીકે ઓળખાવતા. બૌધ્ધની બાવરૂ જાતક્કથાનુસાર નાવિકોને તેઓ કહે છે કે “જે દેશમાં સૂર્ય ઉગે છે તે સુરાષ્ટ્ર દેશથી અમે આવીએ છીએ” આજે પણ સૂર્યપૂજક જાતિઓ સૌરાષ્ટ્રમાં વિદ્યમાન છે. બીજા મંતવ્યો પ્રમાણે ‘શૂર’ના નામ બનવા સૂસૂ લોકોની ભૂમિને કારણે, તેમજ યાદવો અને રાષ્ટ્રિકોના વસવાટથી આ પ્રદેશ ને સુરાષ્ટ અને કાળક્રમે ‘સૌરાષ્ટ્ર’ જેવું સંસ્કૃત નામ મળ્યું હોવાની માન્યતા છે. પુરાતનકાળથી આ પ્રદેશ સમૃદ્ધ, સંસ્કૃત, શિષ્ટ, સભ્ય, સાહસિક, સત્ય, આતિથ્ય પ્રેમી, માયાળુ,ધાર્મિક, રસાળ અને સુંદર પ્રદેશ તરીકે પંકાયેલો છે.
આવનારી પોસ્ટમાં હજુ વધુ માહિતી સૌરાષ્ટ્ર વિશે જાણીશું… ક્ર્મશઃ પોસ્ટ…
માહિતી-સંદર્ભઃ
સૌરાષ્ટ્ર સત્યમ્ શિવમ્ સુંદરમ્
લક્ષ્મણભાઇ પીંગળશીભાઇ ગઢવી
પ્રેષિત-સંકલનઃ
મયુર સિધ્ધપુરા-જામનગર