સાન્થલ ગામમાં એકબાજુ ગામનાં બધાં આબાલવૃદ્ધ સૌ ગામવરમા જમવા માટે સુંવાળા ગામે ગયેલા છે જ્યારે બીજી બાજુ દરબાર વેગડસિંહને ત્યાં વિવા વાજમનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.
આવો મોકો જોઈને ધાડપાડુ ઓનો ધાડાઓ સાન્થલ ગામ માથે ખરા બપોરે ટુટી પડયાં. આવાં બપોરે પોતાનો વાસ છોડીને નિકળેલા લેંબાની ચકોર નજર ગામને ગોંદરે ગોકીરો મચાવીને ધસમસતા આવતાં ધાડપાડુ પર પડી. મારા દિકરાએ લાગ જોઇને ઘા કર્યો છે. આવું બોલીને ઘરે ગયો ત્યાં જઇને પડેલી પછેડી લીધી, કસકસાવીને કેડ્ય બાંધી, ગળામા ઢોલ વળગાડીને ચોરે આવ્યો અને હાથમાં જેડી લઇને આંતરડા બહાર અધ્ધર થઇ જાય એટલાં જોરથી બુગીયો વગાડવા માંડયો રીડીબાંમ…. રીડીબાંમ…. રીડીબાંમ…
બરાબર એ વખતે રાજપુત પોતાની પીઠભરી પરણેતર હંગાથે વરલાડો વેગડસિંહ બાકી રહેલા બે મંગળફેરા ફરી રહ્યા છે ત્યાં ગામનાં ચોરે વાગી રહેલો બુંગીયો વેગડસિંહને સંભળાયો ને ક્ષત્રિય લોહી ઊકળી ઊઠ્યું. માનો ન માનો પણ મારાં ગામ ઊપર આફત આવી છે તે વગર બપોરે બુંબિયો ઢોલ વાગે નહીં. તેનો હાથ તલવારની મુઠ પર પડયો ત્યાં લોકો આંખો ફાડીને જોઇ રહ્યા. વરવહુ ની વચ્ચે વીંટળાઇ પડેલી વરમાળા કાપીને બોલ્યો રાજપુતાણી હુ જાઊં છું ગામને વ્હારે જીવતાં હશુ તો મળશુ નકર છેલ્લા રામ રામ….
ઘોડી સાથે ચાલતા થયા વેગડસિંહ એ જાય એ જાય લેંબો ઢોલ વગાડી વગાડીને થાકી ગયો જાણે પાણી ના હોજમાં ડૂબકી દઇ માથાંબોળ બહાર નીકળી આયો હોય એવો પરસેવે રેબઝેબ થઈ ગયો. ઢોલના પડા ટીપાઈ ટીપાઈને ઢીલા પડી ગયો હતાં હવે ધીંગાણા મા કામ આવે એમ ન હતો. લેંબાએ ઢોલને ગળામાંથી કાઢી નાંખ્યો ને હાથમાં રણભેરી લીધી અને જોરૂકી એક દોટ મૂકી ગામનાં લીમડા પર ચડીને ફૂંકવા માંડયો. એટલી જોરથી ફુંકી ગલોફામા લોહીના ટસર ફુટી આવી હાલતમાં લેંબો પાછી પાની કરતો નથીં. ખરાં બપોરે ખારા ગામથી ખાબકેલા લુંટારા સાન્થલ નો સીમાડો છોડીને ગામને ગોદરે આવે તે પેહલા વેગડસિંહ તેમનું ખાગુ બાધી ને ઊભાં રહ્યાં. લુંટારા સામે ભટકાણા જોરદાર ધીંગાણું જામ્યું દુશ્મનો ના ટોળા વચ્ચે પડીને વેગડસિંહ ખાંડાના ખેલ ખેલવા માડયા. તલવારના ઝાટકા માથે પડતા ધબા ધબબ લાશો ઢળવા લાગી કેહવાય છે કે લેબા નો એક કુતરો પણ આ ધીંગાણા મા કામ આવેલ.
વેરીઓના કુડળામા પડેલો વેગડસિંહ ચુકી ગયા ને વઢાઈ ગયાં. કુતરો અને વેગડસિંહ સાથે કામ આવ્યાં. વેગડસિંહને આ દશામાં જોઇ ને પોતાના કુતરાની દશા જોઇને લેંબો રણભેરી ફેંકી જમીન પર પડેલી વેગડસિંહની તલવાર ઝાલી ધીંગાણા મા કુદી પડે છે ને દુશમનો પર ઘા કરવાં માડયો એક લુંટારા એ લેંબાને છેતરી ઘા કર્યો.
ગામને ગોદરે આવીને જોયું તો સુવાળાના ગામવરમા જઇને પાછાં આવ્યાં એટલીવારમાં ગામ આખું ભેળાઇ ગયું કાળો કેર વર્તાવ્યો. પોતાના ગામનાં રક્ષણ માંટે ત્રણ ત્રણ જીવો એ સામે ચાલીને હસતાં મુખે પોતાના દેહના બલિદાન દઇ દીધાં.
ઉત્તર ગુજરાતની ધરતી માથે આવેલા મેહસાણા જિલ્લાનું સાન્થલ ગામને ઝાંપે પોલીસસ્ટેનની નજીક આ વાતની સાક્ષી પુરતાં આ ત્રણેય પાળીયા અડીખમ ઉભા છે
ફોટો સૌજન્ય. પોપટભાઈ મારા મિત્ર સાન્થલ મેલડી કેટરશ વાળા. આ વાત મફતભાઈ રણેલાકરે પણ લખી છે.
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……..卐……..卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..