‘યજા રાજા તથા પ્રજા’ મુજબ રાજા સંસ્કારી, પ્રજાપાલક અને પ્રજાભિમુખ વહીવટ આપનાર હોય તો પ્રજા સુખી અને સમૃધ્ધ બને છે આવા રાજાની પ્રજા આર્થિક, સામાજિક અને નૈતિક દૃષ્ટિએ સમૃધ્ધ હોય છે. એને રામરાજય કહેવાય.
વ્યકિતનાં કોઈ પૂર્વ જન્મનાં કર્મોનાં ફળ સારાં ન હોય ને દુ:ખી હોય તો તે સુખી માણસને કહે કે ‘ રામબાણ વાગ્યાં હોય તે જાણે અર્થાત દુ:ખીના દુ:ખની વાતો સુખી ન સમજી શકે.
વળી કોઈ દવા અમુક દર્દ માટે સફળ થઈ હોય તો લોકો કહે અમુક દર્દનો રામબાણ ઇલાજ અમુક દવા છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ બે માણસો મળે તો રામ..રામ બોલીને મળે છે. અર્થાત્ તુજમાં રામ..મુજમેં ભી રામ. અરે કોઈ વ્યકિતનો છેલ્લો વરઘોડો નીકળે ત્યારે શબ પાછળ ચાલનારા ડાઘુઓ’ રામ બોલો ભાઈ..રામ બોલતા નજરે પડે છે.
અરે ! મહાત્મા ગાંધીજીનું ગોડસેની ગોળીથી મૃત્યુ થતાં પહેલાં, મહાત્માજીના અંતિમ શબ્દો.. હે રામ હતા. આમ ગરીબ, તવંગર, શિક્ષિત, અશિક્ષિત અગર ગમે તે જાતિન માણસ સહજ રીતે જ રામ બોલે છે.
કહેવાય છે કે રામે પોતાના સમયમાં જેટલાને મોક્ષ આપ્યો હશે તેના કરતાં તેમના નામથી લાખો તરી ગયા છે. શ્રધ્ધા રાખીને રામ નામનો જપ કરનાર એક સમયનો મહાન લૂંટારો વાલિયો મહાન વાલ્મિકી ઋષિ બન્યાનો દાખલો શાસ્ત્રોમાં મોજૂદ છે.
જન્મ અને વનવાસનો હેતુ
ઇશ્વરને જન્મ લેવા કોઈક નિમિત્ત રાખવું પડે છે. ભગવાન શ્રી રામ આંખના પલકારામાં સ્વર્ગમાં બેઠાં બેઠાં રાવણનો નાશ કરી શક્યા હોત પણ ના… ભગવાન ભક્તોના હૃદયના કોડ પૂરા કરવા મનુષ્ય સ્વરૂપમાં પૃથ્વી પર અવતરે છે. અયોધ્યાના રાજા દશરથને ત્યાં રામના જન્મનો હેતુ કંઈક આવો લાગે છે ?
હજારો વર્ષોથી તપ કરતા ઋષિ મુનિઓને એમના તપનું દર્શન રૂપી ફળ આપવા, કોઈક ઋષિના શાપથી શલ્યા બનેલી અહલ્યાનો ઉધ્ધાર કરવા, રામ એક દિવસ દર્શન દેવા તારી ઝૂંપડીએ આવશે તેવા ગુરુવચન ઉપર શ્રધ્ધા રાખી વૃધ્ધાવસ્થાએ પહોંચેલી શબરીનાં એઠાં બોર ખાઈ દર્શન આપવા…અરે ! જટાયુ જેવા પક્ષીરાજનો મોક્ષ કરવા, હનુમાનની દાસ્યભક્તિને સ્વીકારવા કે રાક્ષસોની વચ્ચે તપસ્વિ ભક્તનું જીવન જીવગાર વિભિષણનું રાક્ષસરાજમાંથી રક્ષણ કરવા, રામે જન્મ લઈ વનવાસ વિભિષણનું રાક્ષસરાજમાંથી રક્ષણ કરવા, રામે જન્મ લઈ વનવાસ સ્વીકાર્યો હશે. બાકી રાવણ વધ તો નિમિત્ત માત્ર હતો !!’
વિદ્યાભ્યાસ અને ગુરુનું માહાત્મ્ય
ભગવાન સ્વયં જન્મથી જ ૬૪ કલાઓના જાણકાર હોય છે. છતાં ‘ ગુરુ બિન જ્ઞાાન નહીં‘ મુજબ ગુરુ વિશ્વામિત્રને ત્યાં અભ્યાસ કરવા જાય છે. યજ્ઞાોમાં રાક્ષસો દ્વારા થતાં વિઘ્નોને નિમિત્ર બનાવી વિશ્વામિત્ર રામ- લક્ષ્મણની મદદ માગે છે. ગુરુના આશ્રમમાં વિવિધ શસ્ત્ર વિદ્યાઓ- મંત્ર વિદ્યાઓ સાથે ગુરુએ ‘ બલા અને અતિ બલા ‘ નામની વિદ્યા પણ શીખવી. દિર્ધદ્રષ્ટા ગુરુને ખબર હતી કે લંકા યુધ્ધ વખતે દિવસોના દિવસો સુધી ભૂખ- તરસ અને થાક વેઠવો પડશે. આમ રામે ગુરુનું માહાત્મ્ય વધાર્યું છે.
રામાવતાર એટલે પ્રેમાવતાર
પુત્ર પ્રેમમાં અંધ બનેલ કૈકેઈના પુત્રપ્રેમને જાળવવા, રામ પોતે ગાદીના હકદાર હોવા છતાં અનુજ ભરતને ગાદી આપી.’ ભાતૃપ્રેમનું’ ઉત્તમ ઉદાહરણ જગતને પૂરું પાડયું છે. અને છતાં ય કૈકેઈ તરફ નથી નફરત કે નથી ઘૃણા- અશ્વમેઘ યજ્ઞ સંપન્ન કરવા સીતાની સોનાની મૂર્તિ રાખી યજ્ઞ પૂર્ણ કરવામાં પત્નીપ્રેમની ઝાંખી થાય છે. તો ભરત- શત્રુઘ્નને પોતાની ચરણપાદુકાઓ આખી અયોધ્યા પરત મોકલવામાં રામનો પ્રજાપ્રેમ જણાય છે.
વનવાસ દરમ્યાન પંચવટીમાં કંચનમૃગ દેખાતાં સીતાએ કંચનમૃગના ચર્મની કંચુકીની માગણી કરી. રામ જાણતા હતા કે કંચનમૃગ અસંભવ છે છતાં પત્ની પ્રેમને અગ્રતા આપી મૃગના શિકાર માટે દોડયા. રાવણ વધ પછી વાનરવંશના પ્રતિનિધિ અને પોતાના દાસ હનુમાનજીને પુષ્પક વિમાનમાં અયોધ્યા સાથે લાવવાનું ચૂક્યા નથી જો હનુમાન તરફ સાચો પ્રેમ ન હોત તો ‘ ગરજ સરી એટલે વૈદ્ય વેરી… પણ ના… આ તો પ્રેમાવતાર છે.
સળગતા કોલસા પર અજાણતાં પણ પગ પડે તો પગ દાઝે જ. એમ અજાણતાં પણ રામ…નામ લેવાય તો કલ્યાણ થાય જ !!!
રામનવમી જેવા ઉમદા પર્વ પર ભગવાન રામને કોટિ કોટિ વંદન…
– ગોરધનભાઈ એસ. સુથાર
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ –shareinindia.in@gmail.com પર અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..