બાબા રામદેવ પીરનું સમાધિસ્થળ – રામદેવરા

અરે આપના ગુજરાતમાં લોકો જો કોઈમાં સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જ. એમણે રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. એમનું સમાધી સ્થળ જે રાજસ્થાનના પોખરણ પાસે સ્થિત છે ત્યાં આવેલી છે. એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ જ ત્યાં દર્શનાર્થે ઉમટે છે. એમનાં મેળામાં તો લોકો બહુ દુરથી ચાલતાં એટલેકે પગપાળા ત્યાં નેક, બાધા, આખડીઓ કરીને અનેક નવાં નુસ્ખાઓ અપનાવીને પોતાની અપાર શ્રધ્ધા બાબા રામદેવ પીરમાં વ્યક્ત કરે છે.

બાબા રામદેવજી પીર રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે. એ સાંપ્રદાયિક સદભાવ તથા અમનના પ્રતિક છે. બાબાનું અવતરણ વિક્રમ સંવત ૧૪૦૯માં ભાદ્રપદ શુક્લ બીજનાં દિવસે તોમર વંશીય રાજપૂત તથા રુણીચા નાં શાસક અજમલજીના ઘરમાં થયો હતો.એમની માતાનું નામ મીનલદે હતું. એમણે આખું જીવન શીષિત , ગરીબ અને પિછડેલાં લોકોની વચ્ચે વિતાવ્યું હતું તથા રૂઢિઓ એવં છુત અછૂતનો વિરોધ કર્યો હતો. ભક્ત એમને પ્રેમથી રામપીર અથવા રામનાં પીર (રામાપીર) પણ કહેતાં હતાં. બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે. એમણે હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુ જ નહીં મુસ્લિમ સમુદાયનાં લોકો પણ પીરોનાં પીર બાબા રામદેવ પીરનાં સજદેમાં માથું ઝુકાવે છે. મુસ્લિમ દર્શનાર્થી એમને “બાબા રામ સા પીર” કહીને બોલાવે છે.

રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રામદેવરા (રુણીચા)માં બાબાનું વિશાળ મંદિર છે. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાન થી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવાં ભારત આવે છે. બહુજ બધાં શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે. આ મેળો એક મહિનો કરતાં પણ વધારે ચાલે છે !!!

કહેવાય છે કે જ્યારે રામદેવજીનાં ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવાંલાગી તો મક્કા (સાઉદી અરેબિયા)થી પાંચ પીર એમની પરીક્ષા લેવાં આવ્યાં. એ એમની પરખ કરવાં માંગતા હતાં કે રામદેવ વિષે જે પણ કહેવાય છે એ સાચું છે કે જુઠ્ઠું !! બાબાએ એમનો આદર સત્કાર કર્યો !!! જયારે ભોજનનાં સમય માટે જાજમ બીછાવવામાં આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યાં છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતાં. એના પછી બધાં જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે !!!

રામદેવજીએ કહ્યું —-
” આતિથ્ય અમારી પરંપરા છે !!! અમે તમને નિરાશ નહીં જ કરીએ ….. પોતાનાં જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ એ બધાં જ કટોરા રુણીચામાં જ પ્રગટ કરી દીધાંજે એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતાં હતાં. આ જોઇને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને “પીરોના પીર“ની ઉપાધિ પણ આપી.

રામદેવ પીરના જન્મનો ઈતિહાસ

પિછમ ધરા રા પીર, ધોરા રી ધરતી રા પાલનહાર શ્રી બાબા રામદેવજીનાં આ કળયુગમાં અવતાર પાછળ એક પ્રસંગ જોડાયેલો છે. કહેવાય છે કે જયારે જયારે ધરતી પર પાપનો ભાર વધે છે, માનવતા પર ખતરો વધે છે ત્યરે ત્યારે આ ધરતી પર ભગવાને અવતાર લીધો છે. આવું જ કૈંક ૧૫મી સદીમાં થયું હતું !!!

રાજા અજમલજીએ પોતાનાં રાજ્યમાં પોતાની પ્રજા સાથે સુખ શાંતિપૂર્વક રાજ્ય કરી રહ્યાં હતાં ……..એમને માત્ર એક જ વાતની ઓછપ હતી …… એ હતી પુત્રરત્ન. એ સર્વસંપન્ન હોવા છતાં પણ પોતાની નિ:સંતાનતાને કારણે ચિંતિત રહેતાં હતાં. એ જગન્નાથજી પરમ ભક્ત હતાં ……… કહેવાય છે કે ૧૨ વર્ષ પૂરી જઈ ચુક્યા હતાં અને એ જ્યારે પણ જતાં ત્યારે પોતાનાં રાજ્યની સુખ-શાંતિની મનોકામના કરતાં હતાં !!!

એક વાર સારો વરસાદ થવાથી એમણે ખેતી માટે પોતાનાં રાજ્યમાં પ્રસ્થાન કર્યું. એ સમયે કેટલાક ખેડૂતો અજમલજીને જોઇને એને અપશુકન માનીને પાછાં પોતાનાં ઘરોની તરફ જવાં લાગ્યાં (એક અંધ વિશ્વાસ છે કે જો કોઈ શુભ કાર્ય હેતુ માટે જાય અને સામેથી જો કોઈ નિ:સંતાન આવે તો અપશુકન થાય છે !!!)

ત્યારે અજમલજીએ એમણે એમ પૂછ્યું કે —- આટલી સરસ બારીશ થઇ છે તો તમે પાછાં કેમ જાઓ  છો ?

ત્યારે ખેડૂતોએ એમણે બતાવ્યું કે તમારું નિ;સંતાન હોવું જ અમારે માટે અપશુકન છે !!! અત: ખેતરોમાં જવાનો કોઈ જ મતલબ નથી !!! આ સાંભળીને અજમલજીને મનોમન બહુજ દુખ થયું પરંતુ દયાળુ પ્રકૃતિનાં હોવાનાં કારણે એમણે ખેડૂતોને સજા ના કરીને એમની હાથ જોડીને ક્ષમા માંગીને વિદાય લીધી !!!

અજમલજી જ્યારે મંદિરે પહોંચ્યા ત્યાંરે મંદિરમાં મૂર્તિ સમક્ષ પોતાનું દુખ પ્રગટ કર્યું. પરંતુ એ મૂર્તિ પાસેથી કોઈ જ પ્રત્યુત્તર ન મળતાં અજમલજી ક્રોધિત થઇ ગયાં અને એ મૂર્તિ પર પ્રસાદનાં લાડુનો પ્રહાર કર્યો. આ બધું જોઇને પૂજારીજી ત્યાં આવ્યાં અને અજમલજીને પાગલ સમજીને એમ આખી દીધું કે ભગવાન તો આ પથ્થરની મૂર્તિમાં નથી !!! ભગવાન તો ક્ષીરસાગરની કોખમાં શેષનાગની શય્યા પર વિશ્રામ કરી રહ્યાં છે !!! અજમલજી એ પુજારીની વાતોમાં આવી ગયાં અને ક્ષીર સાગરમાં ભગવાનનાં દર્શન કરવાં માટે ડૂબકી લગાવી દીધી !!!

પરંતુ ભગવાનનો ચમત્કાર તો જુઓ …….. વિષ્ણુ ભગવાને એ પુજારીના કહ્યા અનુસાર જ શેષનાગની શય્યા પર અજમલજીને દર્શન આપ્યાં આ જોઈને અજમલજી પ્રસન્ન થયાં. પરંતુ ભગવાન વિષ્ણુજીનાં માથાં પર બંધાયેલી પટ્ટી જોઇને ચિંતિત તહીને બોલ્યાં
” હે પ્રભુ તમારાં માથા પર આ પટ્ટી કેમ બંધાયેલી છે ?
ત્યારે ભગવાન વિષ્ણુજી બોલ્યાં ——
“આ તો મારાં ભક્તનો  પ્રસાદ છે !!!”
આટલું સાંભળીને અજમલજી પ્રભુની સામે ભાવુક થઇ ગયાં અને પોતાની અશ્રુધારા વહાવીને પોતાની પીડાનું પ્રભુ સામે વર્ણન કરવાં લાગ્યાં !!!

અજમલજીની પીડા સાંભળીને ભગવાન વિષ્ણુએ એમણે વચન આપ્યું કે ‘તમે નિશ્ચિંત થઈને પોતાનાં ગૃહનગર તરફ પ્રસ્થાન કરો હું સ્વયં ભાદરવા સુદ બીજે આપના ઘરમાં અવતાર લઈશ !!!”

આ સાંભળીને અજમલજી આશ્વાસિત તો થઇ ગયાં પણ એમણે પૂછ્યું કે
” હે પ્રભુ !!! મારાં જેવાં અજ્ઞાનીને એ ખબર કેવી રીતે પડશે કે તમે પધાર્યા છો ?”
ત્યારે પ્રભુ બોલ્યાં  —-

ભાદુડા રી બીજ રો જદ ચંદો કરે પ્રકાશ ।
રામદેવ બણ આવસું રાખીજે વિશ્વાસ ।। 

અર્થાત જ્યારે ભાદરવા સુદી બીજે ચંદ્ર દર્શન થશે ત્યારે તમારાં રાજમહેલમાં હું કુમકુમનાં પગલાંથી મારું આગમન થશે !!!

આ આશ્વાસન પામીને અજમલજીએ પ્રભુ વિષ્ણુજીની વિદાય લીધી અને પાછાં પોતાનાં રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું. એક મહિના પછી ભાદરવા સૂદ બીજનો એ દિવસ પણ આવી ગયો કે જેનો અજમલજી બહુજ ઉત્સુકતાથી ઈન્તેજાર કરી રહ્યાં હતાં. ભગવાન વિષ્ણુજીએ પોતાનાં વચનાનુસાર ચન્દ્ર દર્શન થતાં જ રાજ મહેલમાં કુમકુમનાં પગલાં સાથે અવતાર લીધો !!! કુમકુમના પગલાં અને પારણામાં નાનાં રામદેવને જોઇને અજમલજી અત્યંત પ્રસન્ન થયાં અને આ શુભ સમાચાર રાણી મીનલદેને સંભળાવવા દોડી ગયાં. રાણી મીનલદે હર્ષથી ભાગતી દોડતી પારણા તરફ આવી ત્યારે બાળક રામદેવે ઉકળતા દુધને શાંત કરાવીને માતા મીનલદેને પ્રથમ પરચો આપ્યો.. આ જોઇને માતા મનોમન જ પ્રભુની લીલાને સમજી ગઈ અને બાળક રામદેવને ગોદમાં લઇ લીધો !!!

રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ. અહી એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધા પૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે. આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુ બાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપુર અને દર્શનીય છે.. એમાં મુખ્ય સ્થળ છે  ——- રામદેવ પીરની સમાધિ !!!

રામદેવ પીરની સમાધિ  ——-

અવતારી પુરુષ એવં જન-જનની આસ્થાનાં પ્રતિક બાબા રામદેવજીએ પોતાની સમાધીનું સ્થળ, પોતાની કર્મસ્થળી રામદેવરા (રૂણીચા)ને જ પસંદ કર્યું. બાબા એ અહીંયા ભાદરવા સુદી અગિયારસે વિક્રમ સંવત ૧૪૪૨માં જીવિત સમાધિ લીધી !!! સમાધિ લેતાં સમયે બાબાએ ભક્તોનાં મનમાં શાંતિ એવં અમનથી રહેવાની સલાહ આપતાં જીવનનાં ઉચ્ચ આદર્શોને અવગત કરાવ્યા …. બાબાએ જે સ્થળ પર સમાધિ લીધી હતી એ સ્થળ પર બીકાનેરના રાજા ગંગાસિંહે ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. આ મંદિરમાં બાબાની સમાધિ સિવાય એમનાં પરિવારવાળાની સમાધિઓ પણ સ્થિત છે. મંદિર પરિસરમાં બાબાની મુંહ બોલી બહેન ડાલીબાઈની સમાધિ , ડાલીબાઈનું કંગન એવં રામ ઝરોખા પણ સ્થિત છે.

રામદેવ પીરની સમાધિ

ડાલીબાઈનું કંગન  ——-
રામદેવ મંદિરમાં સ્થિત પથ્થરનું બનેલું ડાલીબાઈનું કંગન આસ્થાનું પ્રતિક છે. ડાલીબાઈનું કંગન ડાલીબાઈની સમાધિની પાસેજ સ્થિત છે. માન્યતા અનુસાર આ કંગનની અંદરથી નીકળવાથી બધાં લોકોનાં બધાં જ રોગકષ્ટ દૂર થઇ જાય છે. મંદિરે આવવાંવાળાં બધાં જ શ્રદ્ધાળુઓ આ કંગનની અંદરથી અવશ્ય જ નીકળે છે …… આ કંગનની અંદરથી નીકળવા પશ્ચાત જ બધાં લોકો પોતાની યાત્રાને સંપૂર્ણ માને છે !!!

ડાલીબાઈનું કંગન

રામ સરોવર  ———–

રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે.  આ લગભગ ૧૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં ૨૫ ફૂટ ઊંડું છે !!! વરસાદમાં પૂરું ભરાઈ જવાનાં કારણે આ સરોવર બહુજ રમણીય સ્થાન બની જાય છે !!! માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતીનાં બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખાં રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. કહેવાય છે કે —-જાંભોજીનાં શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ જ ભરાયેલું રહે છે…… ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. એવં એનું જલ પોતાની સાથે લઇ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે !!!

પરચા બાવડી  ————-
પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્તાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર  નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે !!!

પરચા બાવડી

રૂણીચા કુવો  ———–

રૂણીચાકુવો રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને નવીનતમ છોડોનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત: ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે બાબા રામદેવજીએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું. ત્યારથી જ આ સ્થળ “રાણી સા નો કુવો”નાં રૂપમાં ઓળખાવા માંડ્યું પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઇ થઇને એ “રુણીચા કુવા”માં પરિવર્તિત થઇ ગયું. આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકનાં માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવં રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામગૃહ પણ બનેલું છે . મેળાના દિવસોમાં અહીંયા બાબાનાં ભક્તજનો રાત્રીમાં જમવાનું આયોજન પણ કરતાં હોય છે

ડાલીબાઈની જાળ  ———–

ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી. એ સ્થળ મંદિરથી ૩ કિલોમીટર દૂર NH-15 પર સ્થિત છે. કહેવાય છે કે રામદેવજી જ્યારે નાનાં હતાં ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું …… બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી !!! ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોનાં ઉદ્ધાર કરવાં એવં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું. આજ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું !!!!

પંચ પીપળી  ————-

પંચ પીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલાં પાંચ પીરોને એમનાં કટોરા, કે જે તેઓ મક્કા ભૂલી આવ્યાં હતાં એમાં ભોજન કરાવ્યું હતું. એજ પાંચ પિરોને કારણે પાંચ પીપળાનાં ઝાડ ઊગ્યાં હતાં અને બાબા રામદેવજી ને “પીરોના પીર રામસાપીર”ની ઉપાધિ પણ પ્રાપ્ત થઇ હતી. આ સ્થળ મંદિરથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે …….. અહીયા બાબા રામદેવનું એક નાનું મંદિર એવં સરોવર પણ છે !!!

ગુરુ બાલીનાથજીની ધૂણા ———–

રામદેવજીનાં ગુરુ બાલીનાથજીના ધુણા અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંયા ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી !!! આ એજ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવાં હેતુ છુપાવાનું કહ્યું હતું !!!

શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવં રામદેવસર તળાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથનાં આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંયા ધુણા પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે ….. બાલીનાથજીનાં ધુણાની પાસે જ એક પ્રાચીન બાવડી પણ સ્થિત છે …… રામદેવરા આવવાંવાળાં લાખો શ્રદ્ધાળુઓ બાબાનાં ગુરુ મહારાજનાં દર્શન કરવાં અવશ્ય જાય છે.

ભૈરવ રાક્ષસ ગુફા  ———-

બાળપણમાં બાબા રામદેવે બધાં જનમાનસમાંથી ભૈરવ નામનાં રાક્ષસનાં આતંકમાંથી મુક્ત કરાવ્યાં હતાં. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો……

આ ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે …… પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહી સુધી જવાનો પાકો સડક માર્ગ છે !!!

રામદેવરા મેળો ———-

રામદેવારમાં પ્રતિવર્ષ ભાદરવા સૂદ બીજ થી ભાદરવા સૂદ એકાદશી સુધી એક અતિવિશાળ મેળો ભરાય છે. આ મેળો બીજની મંગળા આરતીની સાથે શરુ થાય છે ……. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ મેળામાં શામિલ થવાં અને મન્નતો માંગવા માટે રાજસ્થાન જ નહીં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો પહોંચે છે !!!

કોઈ પગપાળા તો કોઈ યાતાયાતનાં વાહનોનાં માધ્યમથી રામદેવરા પહોંચે છે. રુણિચા પહોંચતાં જ ત્યાની છટા અનુપમ લાગે છે ……. મેળાના દિવસોમાં ” રુણિચા” નવી નગરી બની જાય છે. મેળાના અવસર પર જાગરણ આયોજિત થાય છે તથા ભંડારોની પણ વ્યવસ્થા હોય છે

મેળામાં ઘણાં કિલોમીટર લાંબી કતારોમાં ચાલતાં ચાલતાં ભક્તજન બાબાનો જયજયકાર કરતાં દર્શન હેતુ આગળ વધે છે. આ મેળાના અવસર પર પંચાયત સમિતિ એવં રાજ્ય સરકાર પૂર્ણ વ્યવસ્થા કરવામાં જુટેલી રહેતી હોય છે

આ મેળા સિવાય અતિરિક્ત માઘ મહિનામાં પણ મેલો ભરાય છે !!! એને માઘ મેલો કહેવામાં આવે છે ….. જે લોકો ભાદરવા મેળાની ભયંકર ભીડથી થાકી-કંટાળી જતાં હોય છે. એ લોકો માઘ મેળામાં અવશ્ય શામિલ થાય છે તથા મંદિરમાં શ્રદ્ધાભિભૂત થઈને ધોક લગાવે છે !!!

મેળાનું દ્રશ્ય લોભામણું, મનભાવન, મનમોહક એવં સદભાવ અને ભાઈચારાનાં પ્રતિક જેવો જ અનુભવ બધાંને જ થાય છે. બધાં યાત્રીઓનાં મુખમાંથી એક જ સંબોધન “જય બાબેરી” નીકળતું પ્રતીત થાય છે !!!

માન્યતાઓ

ઘોડલિયો  ——–

ઘોડલિયો અર્થાત ઘોડા બાબાની સવારી માટે પૂજાય છે. કહેવાય છે કે  ——- બાબા રામદેવજીએ બાળપણમાં જ પોતાની માં મીનળદે પાસેથી ઘોડાની જીદ કરી હતી !!! બહુજ સમજાવવા પર બાળક રામદેવના ના માનવા પર અંતે હાર માનીને માતાએ એમનાં માટે એક દરજી (રૂપા દરજી)ને એક કપડાંનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો તથા સાથે જ એ દરજીને કિંમતી વસ્ત્રો પણ એ ઘોડાને બનવવા હેતુ આપ્યાં. ઘરે જઈને દરજીના મનમાં પાપ આવ્યું ….. અને એણે એ કિંમતી વસ્ત્રોની જગ્યાએ ચિંથરામાંથી એ ઘોડાને બનાવ્યો અને ઘોડો બનાવીને માતા મીનળદેને આપી દીધો.

માતા મીનળદેએ બાળક રામદેવને કપડાંનો ઘોડો આપતાં એને એની જોડે રમવાનું કહ્યું. પરંતુ અવાતારી પુરુષ રામદેવને દરજીની ધોખાઘડી જ્ઞાત હતી !!! અત: એમણે દરજીને સબક શીખવાડવાનો નિર્ણય લીધો. એ ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. આ જોઇને માતા મીનળદે મનોમન ગભરાવા લાગી …… એમણે તરત જ એ દરજીને બોલાવીને એ ઘોડા વિષે પૂછ્યું તો એણે માતા મીનળદે બાળક રામદેવની માફી માંગતા કહ્યું કે એણેજ ઘોડામાં ધોખાઘડી કરી છે અને હવે પછી એવું ક્યારેય નહીં થાય એવું વચન આપ્યું !!! આ સાંભળીને રામદેવજી પાછાં ધરતી પર ઉતારી આવ્યાં અને એ દરજીને ક્ષમા કરતાં ભવિષ્યમાં આવું ન કરવાનું કહ્યું અને આજ ધારણાને કારણે જ આજે પણ બાબાનાં ભક્તજન પુત્રરતનની પ્રાપ્તિ હેતુ બાબાને કપડાંનાં ઘોડાઓ બહુજ શ્રદ્ધાપૂર્વક ચઢાવે છે !!!

આ વાતને દોહામાં બહુજ સુંદર રીતે વર્ણિત કરાઈ છે

હરજીને હર મિલ્યા સામે મારગ આય |
પુજણ દિયો ઘોડલ્યો ધૂપ ખેવણ રો બતાય  ||

નગારા (હાજરી)  ——-

કહેવાય છે કે ભક્તોને પ્રભુભક્તિમાં દરેક વસ્તુમાં જ ભગવાનનો વાસ નજરે પડે છે. આજ વાતનું સાક્ષાત ઉદાહરણ છે રામદેવ મંદિરમાં રખાયેલું ૬૦૦ વર્ષ પુરાણું નગારું. આ નગારું રામદેવજીની કચેરીમાં રાખેલું છે !!! કહેવાય છે કે અહીંયા શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે એ અહીં નગારાં વગાડીને બાબાને પોતાની હાજરી (ઉપસ્થિતિ) જરૂર દર્જ કરાવે છે !!!

પગલિયા  ————-

પગલિયા”પદ ચિન્હો”નોજ રાજસ્થાની ભાષામાં પર્યાય છે. બાબાની પગલિયા શ્રદ્ધાળુ પોતાનાં ઘરમાં પૂજા માટે મંદિર કે અન્ય પવિત્ર સ્થાન ઉપર રાખે છે !!! પગલિયાનું વર્ણન આ દોહામાં કરવામાં આવ્યું છે  ——-

અને દેવાં કા તો માથા પૂજીજે |
મારે દેવ રા પગલિયાપૂજીજે || 

અર્થાત બધાંજ દેવતાઓના શીશની વંદના થાય છે. જ્યારે બાબા રામદેવ એક માત્ર એવાં છે કે જેમનાં પદચિન્હ (પગલિયા) પૂજાય છે !!!

પવિત્ર જલ  ———-

જે પ્રકારે ગંગાજળની શુદ્ધતા એવં પવિત્રતાને બધા જ હિંદુ ધર્મનાં લોકો માને છે. એજ પ્રકારે બાબા રામદેવજીનાં નિજ મંદિરમાં એવં અભિષેક હેતુ પ્રયુક્ત થવાંવાળું જળનું પણ એક પોતાનું મહાત્મ્ય છે !!! આ જળ બાબાની પરચા બાવડીથી લેવામાં આવેલું છે. એવં એમાં દૂધ,ઘી,શહદ, દહીં, એવમ સાકરનું મિશ્રણ કરીને એને પંચતત્વશીલ બનવવામાં આવે છે. એવં બાબાનાં અભિષેકના કામમાં લેવાય છે !!! શ્રદ્ધાળુ આ જળને રામ જરોખામાં બનેલી નિકાસ નળીમાંથી પ્રાપ્ત કરીને બહુજ શ્રદ્ધાથી પોતાનાં ઘરે લઇ જાય છે. ભક્તજનોનું માનવું છે કે જે પ્રકારે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે. એજ પ્રકારે બાબાનાં જળનું નિત્ય આચમન કરવાથી બધાં રોગો -વિકારો દુર થઇ જાય છે !!!

માટીની ગોળીઓ (દવાઓ ) ———-

રામસરોવર તળાવની માટીને ખોદીને દવાઓનાં રૂપમાં ખરીદીને શ્રદ્ધાળુ પોતાની સાથે લઇ જાય છે. પ્રચલિત માન્યતા અનુસાર બાબા રામદેવ દ્વારા ખોદવામાં આવેલાં આ સરોવરની માટી નો લેપથી ચરમ રોગ એવં ઉદર રોગોથી છુટકારો મળે છે. સફેદ દાગ, દાદરમ ખુજલી , કુષ્ટરોગ એવં ચામડીના રોગોથી પીડિત સેંકડો લોકો પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો રામસરોવર તળાવની માટીમાંથી બનેલી ગોળીઓ પોતાની સાથે લઇ જાય છે. પેટમાં ગેસ , અલ્સર એવં ઉદર રોગથી પીડિતો પણ મીટ્ટીનાં સેવનથી ઈલાજની માન્યતાથી ખરીદી કરીને લી જાય છે. બાબા રામદેવનાં જીવનકાળમાં રામસરોવર તળાવની ખોદાઈમાં અહમ ભૂમિકા નિભાવવાવાળાં સ્થાનીય ગુંદલી જાતિનાં બેલદાર તળાવની માટીની ખોદાઈ કરી કરીને પરચા બાવડીનાં પાણીની સાથે મીટ્ટીની ગોળીઓ બનાવે છે એવં એને વેચે છે !!!

પગપાળા ચાલવાની હોડ ———-

રામદેવરા(રુણિચા)માં પ્રતિવર્ષ ભાદરવા મહિનામાં એક માસ સુધી ચાલતો આ મેલો આયોજિત કરવામાં આવે છે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે …… આ શ્રદ્ધાળુઓ પોતપોતાનાં ઘરેથી બાબાનાં દરબાર સુધીની આ સફર પગપાળા જ કરતાં હોય છે !!! કોઈ પુત્રરત્નની ચાહમાં તો કોઈ રોગ કષ્ટ નિવારણ હેતુ, કોઈ ઘરની સુખશાંતિ હેતુ આ માન્યતા લઈને પણ બાબાનાં દરબારમાં ચાલતાં જવાંવાળાં ભક્તોને બાબા ક્યારેય ખાલી હાથ નથી મોકલતાં એવું માનીને કીન કેટલાય કિલોમીટર ચાલીને અહીં આવે છે !!! પગપાળા યાત્રા કરનારાં શ્રદ્ધાળુઓ અમૂમન એક સંઘની સાથે જ યાત્રા કરે છે અને આ સંઘની સાથે અન્ય શ્રદ્ધાળુ પણ માર્ગમાં જોડાય છે !!!

બધાં પદયાત્રીઓ બાબાની જયકારનાં નારા લગાવતાં નાચતાં ગાતાંઆ યાત્રા કરે છે. રાત્રી રોકાણનાં સમયે એ રોકાણ સ્થળે જમ્મા જાગરણ પણ કરે છે. જયારે પગપાળા યાત્રી પોતાની યાત્રા પૂર્ણ કરીને રામદેવરા પહોંચે છે તો એમનાં માથાં પર જરાય થાક મહેસુસ વર્તાતો નથી એમનો ચહેરો પણ થાકથી કરમાયેલો-મુર્ઝાયેલો હોતો નથી !!! પણ અનેકગણા જોશની સાથે બાબાની જયનાં ઉદ્ઘોષ સાથે ભક્તજન બાબાનાં દર્શન હેતુ માઈલો લાંબી કતારોમાં ઉભાં રહી જતાં હોય છે !!!

દેખાવમાં એક કિલ્લા જેવું લાગતું આ મંદિર અનેક મન્નતો પૂરી કરનારું છે. કઈ કેટલાય લોકો આ મંદિર પરિસરમાં બેગ-બિસ્તરા સાથે પડેલાં જ હોય છે. આજ તો બાબા રામદેવ પીરની લોકપ્રિયતા દર્શાવે છે. અવતાર હોય કે નહોય પણ લોકોની તેમનામાં અપાર શ્રધ્ધા છે. કદાચ રાજસ્થાનનું આ સ્થળ સૌથી વધારે ભક્તજનો (શ્રદ્ધાળુઓ)થી ઉભરાતું સ્થળ છે.જે કોઈ ઐતિહાસિક અને દર્શનીય સ્થાનોથી કામ નથી જ. આવા સ્થળોએ અપાર શ્રધ્ધાથી એકવાર નહીં પણ અનેકવાર જવું જોઈએ !!!
શત શત નમન બાબા રામદેવ પીરને !!!

——— જનમેજય અધ્વર્યુ !!!

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!