શકટદાસના શબ્દોનો રાક્ષસના હૃદયમાં વજ્રાઘાત સમાન આઘાત થયો. ચન્દનદાસને છોડવી લાવવાનું વચન આપીને તેને તે વધસ્થાનમાં લઈ ગયો હતો. “મારાં સ્ત્રી અને બાળકો માટે વ્યર્થ તું તારો જીવ ન આપ.” એમ ચન્દનદાસને કહીને “હું પોતે જ મારાં સ્ત્રીપુત્રોને તેમને સ્વાધીન કરીશ, એટલે ચન્દ્રગુપ્ત ચન્દનદાસને અવશ્ય છોડી દેશે.” એવી આશાથી શકટદાસને લઈ ચાલવાને તૈયાર થયો હતો, એટલામાં તો ચન્દ્રગુપ્ત જ ત્યાં આવી પહોંચ્યો. પરંતુ ભાગુરાયણ અને ચન્દ્રગુપ્તનો તો કાંઈ જૂદો જ અભિપ્રાય હોય એમ દેખાયું. એથી રાક્ષસ મહાભારત ધર્મસંકટમાં આવી પડ્યો. સ્થિતિ વિપરીત થવાથી કોઈપણ ઉપાય તેની બુદ્ધિમાં આવી શક્યો નહિ. “જો આ વેળાએ ચન્દ્રગુપ્તને સિંહાસને બેસાડીને હું તેના સાચિવ્યનો સ્વીકાર કરું, તો જ એ ચન્દનદાસને છોડે; નહિ તો આ મારા એકનિષ્ઠ મિત્ર – અરે ભક્તને અવશ્ય શુળીએ ચઢાવીને મારી નાંખવામાં આવશે, અને એ મરશે એટલે એની પત્ની પણ સતી થવાની જ. આ બધા સંહાર કોનામાટે ? લોકો તો એમ જ કહેવાના કે, રાક્ષસનાં સ્ત્રીપુત્રોના પ્રાણના રક્ષણ માટે જ એ બધો સંહાર થયો ! ત્યારે આવો વધ મારે થવા દેવો જોઇએ ખરો કે? ના – ના – એમ તે કોઈ કાળે પણ થાય નહિ.” એવી તેની ભાવના થઈ,
પરંતુ એ વધ ટાળી દેવા માટે ભાગુરાયણ અને ચન્દ્રગુપ્તે જે એક ઉપાય સૂચવ્યો હતા, તે પણ રાક્ષસને માન્ય નહોતો. એટલે પછી કેમ બને? “મારી પ્રતિજ્ઞાનો ભંગ કરીને આ નન્દવંશના ઘાતકોની સેવાનો હું સ્વીકાર કરું, તો જ શાંતિ થશે કે શું? મિત્રવધ ન થવા દેવા માટે હું મારા અને મારાં સ્ત્રીપુત્રોનો વધ કરવાની વિનતિ કરું છું, તો પણ એમના આત્માને શાંતિ થતી નથી. એમણે તો મને પોતાનો સેવક બનાવવાની ધારણા જ નિશ્ચિત કરી રાખી છે. પરંતુ મને હવે સચિવ બનાવવાથી એમને શો લાભ થવાનો છે ? મારાં નેત્રો સમક્ષ જ આવા ભયંકર કારસ્થાનની સિદ્ધિ થઈ ગઈ એટલે હું તો અંધ જ બની ગયો છું. હું જન્માંધ પ્રમાણે સર્વથા અંધકારમાં જ રહી ગયો, એટલે હવે મારી પ્રધાનપદવીનું મહત્ત્વ શું ? હવે લોકો મને માનની દૃષ્ટિથી જુએ, એ સર્વથા અસંભવિત છે. મારાવડે જ આવી રીતે નન્દવંશનો સમૂલ અને સશાખ ઉખાત થએલો છે, એવો જનસમાજનો દૃઢ નિશ્ચય જ થઈ ગયો છે. વળી એ રાજવંશના ઉચ્છેદનું કાવત્રું રાક્ષસે જ રચેલું છે, એવી કોઈના મનમાં શંકા ન આવે અથવા તો પોતે આદરેલા નરયજ્ઞમાં હોમાતા મનુષ્યોનો ચીત્કાર સાંભળી શકાશે નહિ, એવી ધારણાથી જ તે અણીના અવસરે ત્યાંથી છટકી ગયો હતો, એવી બહુધા બધાની ધારણા થએલી છે.
એટલે હવે મારી અપકીર્તિમાં અવશિષ્ટ તો શું રહ્યું ? મારા નામને જે કલંક લાગવાનું હતું, તે તો લાગી ચૂક્યું છે. માટે હવે તો જે પ્રયત્ન કરવાનો છે, તે માત્ર મારા પ્રાણની રક્ષા માટે જ છે. મારા મિત્રનો વધ ન થાય તેટલા માટે આ નીચોની સેવાનો સ્વીકાર કરવા અને મારા નન્દવંશના પક્ષપાતને છોડી દેવો, એ કાર્ય મારાથી કાલત્રયે પણ બની શકશે કે? જ્યારે નન્દવંશનો આવી ક્રૂરતાથી સંહાર કરવામાં આવ્યો, અને જેમ કોઈ કસાઈ બકરાંનાં માથાં ધડથી જૂદાં કરી નાંખે છે, તેવીરીતે સર્વ નંદોને એમણે કાપી નાંખ્યા, ત્યારે એ નિર્દયોને આ બિચારા ચન્દનદાસની દયા તો ક્યાંથી જ આવે? અવશ્ય એ આનો વધ કરવા વિના રહેવાના નથી જ. પરંતુ એને ઉગારવાનો હવે બીજો ઉપાય જ રહ્યો નથી. અર્થાત્ જો ભાગુરાયણ આદિનું વચન હું માનું, તો જ આ અનિષ્ટ પ્રસંગ ટળે. પરંતુ નંદવંશનો નાશ કરનારા અધમોની સેવા ન કરવાની મેં પ્રતિજ્ઞા કરેલી છે, તેનો આ ચન્દ્રનદાસના વધના નિવારણ માટે ભંગ કરવો કે શું ? એક બાજુએ મિત્રનો વધ અને બીજીબાજૂએ પ્રતિજ્ઞાનો ભંગ, એ બેમાંથી કઈ વસ્તુનો સ્વીકાર કરવો અને કઇને તિરસ્કાર કરવો? પ્રતિજ્ઞાનો ભંગ કરીને આ નન્દવંશઘાતક ચાંડાલોથી મિત્રતા કરવી કે? ના – ના – એના કરતાં તો મિત્રનો વધ થાય, તો શું ખોટું ? ભલે તેમ થાય, પણ આ ચાંડાલોના મંડળમાં તો શામેલ ન જ થવું” એવા અનેક પ્રકારના વિચારો કરતાં કરતાં અંતે રાક્ષસે એવો નિશ્ચય કર્યો કે, “મારી પ્રતિજ્ઞાના પાલન માટે ચન્દનદાસ અને તેની પત્નીનું બલિદાન અપાય તો તે માટે ચિન્તા નથી; પરંતુ કોઈપણ રીતે પ્રતિજ્ઞાનો ભંગ તો ન જ કરવો. ચન્દનદાસને છોડવવાથી જો સંકટ ટળી જતું હોય, તે પણ તે આવી રીતે ટાળવું ઇષ્ટ નથી.” એવો નિશ્ચય કરીને રાક્ષસ ચન્દનદાસ પ્રતિ વળ્યો અને તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “તારા મૃત્યુના પ્રસંગને ટાળવા માટે ગમે તેવું સંકટ હું મારા શિરે વ્હોરી લેવાને તૈયાર છું, પરંતુ રાજદ્રોહી, રાજઘાતક અને વિશ્વાસઘાતક પુરુષોની સેવા સ્વીકાર્યા વિના તારું સંકટ ટળે તેમ નથી, અને તે સ્વીકારવાની મારી ઇચ્છા નથી. માટે હવે ભગવાન કૈલાસનાથનું સ્મરણ કરીને આવેલા મૃત્યુને માન આપવાની તૈયારી કર. હવે બીજું હું તને કશું પણ કહી શકતો નથી. હવે મારો કોઈપણ ઉપાય નથી. ગમે તો અજાણપણે, પણ તું આ રાજઘાતક લોકોના ક૫ટપાશમાં સ૫ડાયો, પોતાના ઘરમાંથી ભોંયરું કાઢવા માટે અનુમોદન આપ્યું અને અપરાધ કર્યો, તે તેનું આ શાસન મળે છે, એમ જ ધારીને તારે મનમાં સંતોષ માનવો. અત્યારે હવે એ જ કર્તવ્ય છે.”
રાક્ષસનો એ નિશ્ચય જાણીને ચન્દ્રગુપ્ત તથા ભાગુરાયણ બન્ને આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાનાં સ્ત્રીપુત્રોના રક્ષણમાટે એક ખરા મિત્રનો વધ થાય છે, એ જોઇને અવશ્ય રાક્ષસનું હૃદય પીગળી જશે અને તેથી આપણી બધી માગણીઓ એ કબૂલ રાખશે, એવી તેમની ધારણા હતી. પરંતુ તે ધારણા તેમને નિષ્ફળ થતી દેખાઈ. હવે કોઈપણ પ્રકારે રાક્ષસ આપણા પક્ષમાં આવે, એ શક્ય નથી, એમ હવે સ્પષ્ટતાથી તેમને ભાસવા લાગ્યું. આર્ય ચાણક્યે અત્યારસુધીમાં રાક્ષસને પોતાના પક્ષમાં તાણવા માટે અનેક પ્રયત્ન કર્યા, પણ તે સઘળા નિરર્થક નિવડ્યા. હવે એ જો પોતાના પક્ષમાં ન જ આવે, તો બહાર જઇને અનેક ઉપદ્રવ જગાડશે, માટે એને કોઈપણ રીતે પુષ્પપુરીમાં જ અટકાવી રાખવો, એ જ ઉપાય હવે તેમની પાસે અવશિષ્ટ રહ્યો હતો. રાક્ષસ જો બહાર નીકળી જાય, તો મગધદેશના શત્રુઓને મળીને ચઢાઈ કરે, એ નિશ્ચિત જ હતું. માટે જો એ સંકટને ટાળવું હોય, તો તેને પુષ્પપુરીમાંથી બહાર નીકળતા અટકાવવો જ જોઇએ. પર્વતેશ્વર સાથે મળી જઇને એણે જ નન્દવંશનો નાશ કરાવ્યો, એ અફવા ઉડાવવાનું કામ જેટલું સહેલું હતું, તેટલું લોકો સમક્ષ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરવાનું કાર્ય સરળ હતું નહિ. ન્યાયાધીશ સમક્ષ કોણ જાણે કેવા પૂરાવા નીકળે, એનો નિયમ નહોતો. એ સધળું ચન્દ્રગુપ્ત, ચાણક્ય અને ભાગુરાયણ સારી રીતે જાણતા હતા. ચાણક્ય તો રાક્ષસની યોગ્યતાને વળી બધા કરતાં વધારે પિછાનતો હતો.
જો બનેલી બધી ઘટનાને ભૂલી જઇને રાક્ષસ ચન્દ્રગુપ્તને મગધેશ્વર માનવાનું એકવાર કબૂલ કરે, તો પછી પોતાના વચનથી તે કોઈ કાળે પણ ફરવાનો નથી અને ભવિષ્યમાં તે આવી રીતે અસાવધ પણ રહેવાનો નથી, એવો ચાણક્યનો દૃઢ નિશ્ચય હતો. ચાણક્યની હવે પછી વધારે દિવસ મગધદેશમાં રહેવાની ઇચ્છા નહોતી. ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરીને પ્રધાનપદે વિરાજવાની તેની મહત્વાકાંક્ષા હતી નહિ, તેની માત્ર બે જ ઇચ્છાઓ હતી:- એક તો પાટલિપુત્રમાં આવવા પહેલાં જ્યારે તે તક્ષશિલા નગરીમાં હતો, ત્યારનો આર્યોપર યવનોના હાથે થતો જુલમ તેના મનમાં ખૂંચ્યા કરતો હતો, તે જુલમનો નાશ કરવા માટે તક્ષશિલા પર્યન્ત આર્યોના રાજ્યનો વિસ્તાર વધારવા અને તે કાર્ય નન્દરાજ દ્વારા જ પાર પાડવું, એવી ધારણાથી તે પાટલિપુત્રમાં આવ્યો હતો. ત્યાં નન્દરાજાએ અપમાન કરવાથી તેનું વૈર વાળવાની ઇચ્છા હતી. તે ઇચ્છા તો સર્વથા સિદ્ધ થઈ ચૂકી; અને બીજી ઇચ્છા જો રાક્ષસ સહાયભૂત હોય, તો સત્વર જ પાર પડી શકે તેમ હતું. રાજ્યના મુખ્ય મંત્રીમાં જોઇતા સર્વ ગુણો રાક્ષસમાં છે, એનો ચાણક્યને પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ તેણે રાક્ષસને ચન્દ્રગુપ્તના પક્ષમાં લાવવાનો આટલો બધો પ્રયત્ન આદર્યો હતો. ચાણક્ય મહા કૃતનિશ્ચયી હતો, એ તો હવે વાચકોને નવેસરથી કહેવું પડે તેમ નથી જ. એથી જ તેણે રાક્ષસના નિશ્ચયને ફેરવવા માટેના ઉપાયો દૂર રહીને જ ચલાવવા માંડ્યા હતા. એકવાર તેણે ભાગુરાયણને મોકલીને દાણો દાબી જોયો અને પછી ચન્દનદાસનો વધ પોતાના હેતુથી જ થાય છે, એવો રાક્ષસને ભાસ કરાવીને પરિણામ શું આવે છે, તે પણ જોયું. પરંતુ ઉપર કહ્યા પ્રમાણે તેનો એ પ્રયત્ન પણ ફળીભૂત થયો નહિ.
રાક્ષસ ચન્દનદાસને મરવા દેવાને પણ તૈયાર થયો, એ જોઇને ચન્દ્રગુપ્ત તથા ભાગુરાયણ હવે પછી શું કરવું, એવા ભાવની મુદ્રાથી એકમેકને જોવા લાગ્યા. તેમના એ પરસ્પર દૃષ્ટિપાતનો ભાવાર્થ રાક્ષસ સમજી શક્યો નહિ. થોડીવાર રહીને ચન્દ્રગુપ્તે ચાંડાલોને સબૂર કરવાની નિશાની કરીને કહ્યું કે, “ચાંડાલો, તમે આ મનુષ્ય હત્યાનું કાર્ય કરશો નહિ. જ્યારે અમાત્યરાજ પોતે જ અહીં હાજર છે, ત્યારે તેમનાં સ્ત્રી પુત્રો માટે આ બિચારા શેઠનો જીવ લેવો, એ અમને યોગ્ય નથી લાગતું. હાલ તો એને લઈ જઈને કારાગૃહમાં રાખો; કિંબહુના, છોડી જ દ્યો તો વધારે સારું.” એમ કહીને પાછો તે ચન્દનદાસને કહેવા લાગ્યો કે “ચન્દનદાસ ! તમે આનંદથી તમારે ઘેર જાઓ. પરંતુ પાટલિપુત્ર છોડીને બીજે ક્યાંય જશો નહિ. તમારી ક્યારે આવશ્યકતા પડશે, એનો નિયમ નથી. માટે અમે જ્યારે તમને બોલાવીએ, ત્યારે અમારે ત્યાં આવવાની કૃપા કરજો.”
એટલું કહી રાક્ષસ પ્રતિ જરા પણ ન જોતાં ભાગુરાયણને લઈને ચન્દ્રગુપ્ત ત્યાંથી ચાલ્યો ગયો. રાક્ષસપર નજર રાખનારા બીજા મનુષ્યો તો હતા જ. ચન્દ્રગુપ્તના જવા પછી ચાંડાલોએ ચન્દનદાસને છોડી મૂક્યો. છૂટતાં જ તે રાક્ષસ પાસે આવી તેનાં ચરણોમાં પડીને તેને કહેવા લાગ્યો કે, “આજે આપ અહીં પધાર્યા, તેથી જ મારો જીવ ઉગર્યો નહિ તો આજે હું ખરેખર જ નિર્વાણપદે પહોંચી ગયો હોત. પાછળથી શો હાહાકાર થવાનો છે, એ વિશે હું સર્વથા અજાણ હતો, અને હું એવો મૂર્ખ કે, આપે મારા ઘરમાંથી ભોંયરું કાઢવાની વ્યવસ્થા શામાટે કરેલી છે અને મને બોલાવીને આજ્ઞા આપવાને બદલે માત્ર પત્રથી જ કાર્ય શામાટે ચલાવ્યું છે? ઇત્યાદિ પ્રશ્નને પૂછવાને પણ આપ પાસે આવ્યો નહિ. હવે કૃપા કરીને આપ મારે ઘેર ચાલો. આપનાં પત્ની આપના માટે ઘણી જ ચિંતા કર્યા કરે છે, તેમને પણ હું ત્યાં તેડી લાવીશ.” રાક્ષસે ચન્દનદાસનું એ ભાષણ ધ્યાનથી સાંભળી લીધું. એથી રાક્ષસનું હૃદય ઘણું જ દ્રવી ગયું; છતાં પણ એના બોલવામાં કાંઈ પણ બનાવટ હોય, એમ સ્પષ્ટ દેખાયું. પરંતુ ચન્દનદાસ અને રાક્ષસનો પરસ્પર એટલો બધો ગાઢ સ્નેહસંબંધ હતો, કે ચન્દનદાસ પણ ચાણક્ય સાથે મળી ગયો હશે અને એ પણ પોતાને ફસાવવાનો પ્રયત્ન કરતો હશે, એવી શંકા માત્ર પણ રાક્ષસના મનમાં આવી નહિ, “હમણા જ એને કાંઈ પણ પૂછીશ, તો કદાચિત્ એ જાગૃત થશે; માટે એની સાથે એને ઘેર જઇને સાધારણ વાતચિત કરતાં કરતાં જે રહસ્ય હશે, તે જાણી લેવાશે.” એવો તેણે વિચાર કર્યો અને તેની સાથે તે ચાલતો થયો.
રાક્ષસના મનને એવો હવે સોળેસોળ આના નિશ્ચય થઈ ગયો કે, “આ દુષ્ટોએ જો કે આટલો બધો અત્યાચાર કર્યો છે, તો પણ મને કારાગૃહમાં નાંખવાની કે ન્યાયના નિયમથી શિક્ષા કરવાની એઓ હિંમત કરી શકતા નથી, ત્યારે હવે ખરેખરી બીના કેવી રીતે બની અને કયા કયા મનુષ્યોને પોતાના પ્રપંચજાળમાં ફસાવીને, એમણે પોતાનો દાવ સાધ્યો છે, એની બને તેટલી માહિતી મેળવવી જોઇએ. લોકોના મનમાં હાલ મારા વિશે ઘણા જ ખરાબ વિચારો બંધાયેલા છે, માટે અત્યારે લોકોને ત્યાં મારે વિશેષ જવું આવવું સારું નથી અને વળી મારી સઘળી હીલચાલો પર ચાણક્યની દૃષ્ટિ તો હોવાની જ, છતાં પણ મારી અસાવધતાનો લાભ લઈને એમણે આટલાં બધાં કાવત્રાં નિર્વિઘ્ને પાર પાડ્યા, તેનો ભેદ તો ગમે તેમ કરીને પણ જાણવો જ જોઈએ. હા – ચન્દનદાસના ઘરમાં બેઠાં બેઠાં એ કાર્ય કદાચિત્ સાધી શકાશે.” એ ધારણાથી તે પોતાના મિત્ર ચન્દનદાસને ત્યાં ગયો અને જતાં જ પોતાની ઇચ્છા પ્રમાણે કાર્યના આરંભની મનમાં યેાજના કરવા લાગ્યો.
પ્રથમ જ તેના મનમાં જે વિચારવા જેવો પ્રશ્ન આવ્યો, તે એ હતો કે, “આ આટલું મોટું કારસ્થાન કોઈના પણ જાણવામાં ન આવતાં સિદ્ધ કેમ થયું? જો એમ જ માનીએ કે, અંદરના માણસો ફૂટવાથી એમ થઈ શક્યું; તો એ ફૂટનારા કોને કોને ધારવા? પર્વતેશ્વરે દેખાડેલાં પત્રોપર મારી મુદ્રા તો ખરેખરી જ હતી. અર્થાત્ મારી મુદ્રા સાચવનાર હિરણ્યગુપ્ત – કે જેને હું ઘણો જ વિશ્વાસનીય ધારતો હતો, તે જ બહુધા ફૂટેલો હોવો જોઇએ; નહિ તો બીજા કોઈના હાથમાં મારી મુદ્રા જાય, એ શક્ય જ નથી. કદાચિત હિરણ્યગુપ્ત પોતે ફૂટ્યો નહિ હોય, તો તેની અસાવધતાથી મુદ્રા ક્યાંક આડી અવળી થઈ ગઈ હશે અને તે બીજા કોઈને હાથ ચડી ગઈ હશે. છતાં પણ આ કારસ્થાન રચનારે એ મુદ્રા મેળવવા માટે પ્રયત્ન તો કરેલો હોવો જ જોઈએ; કારણ કે, ખેાટાં પત્રો લખવા માટેનું મુખ્ય સાધન તો મુદ્રા જ છે અને એવાં ખોટાં પત્ર દ્વારા તે પર્વતેશ્વરને અહીં બોલાવવાનું પોતાનું કાર્ય તેણે સાધેલું છે. માટે હિરણ્યગુપ્તની અસાવધતાથી એ મુદ્રા ક્યાંક પડી ગઈ હોય અને તે બીજાને હાથ ચડી ગઈ હોય, એમ બનવું પણ અશક્ય છે. બનાવટી પત્રો કરવાનો વિચાર થતાં જ મુદ્રા મેળવવા માટે એ દુષ્ટોએ ખાસ પ્રયત્ન કરેલો હોવો જોઈએ; અને તે પ્રયત્ન એ કે, હિરણ્યગુપ્તને ફોડ્યો હોય અથવા તો બીજા કોઇની મારફતે એ મુદ્રાની ચોરી કરાવી હોય, એ જ હોવો જોઈએ.
પરંતુ મુદ્રા ચોરાયલી પણ હોવી જોઈએ નહિ. કારણ કે, મને જ્યારે જ્યારે તેની અગત્ય પડી હતી, ત્યારે ત્યારે તે હિરણ્યગુપ્ત પાસે જ હતી. બસ એ દુષ્ટોના કાર્ય માટે જ માત્ર ચોરીથી એનો ઉપયોગ પણ થએલો હોવો જોઈએ અને એ ઉપયોગ હિરણ્યગુપ્ત દ્વારા જ થએલો હોવો જોઈએ. હિરણ્યગુપ્તને એમણે પોતાનું શસ્ત્ર બનાવ્યું હોય, તો તેમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી જ અને હિરણ્યગુપ્તને ફોડ્યો, એટલે મારી એક આંખ જ ફોડી નાંખી, એમ કહી શકાય – એટલે હું આંધળો થયો, તેમાં પણ કાંઈ આશ્ચર્ય જેવું નથી, પણ હિરણ્યગુપ્ત કેવી રીતે ફૂટ્યો હશે? દ્રવ્યની આશાથી ? એ તો શક્ય નથી લાગતું. ત્યારે બીજી શી વસ્તુની આશાથી તે કૃતઘ્ન થયો હશે ? સ્ત્રીના મોહમાં તો નહિ સપડાયો હોય ? પણ સ્ત્રીનો મોહ ક્યાંથી હોય?”
સ્ત્રીનો પ્રશ્ન આવતાં જ રાક્ષસ કિંચિત્ સ્તબ્ધ થઈ ગયો અને થોડીક વાર પછી એકદમ દીર્ઘ નિઃશ્વાસ નાંખીને આત્મગત બોલવા લાગ્યો કે, “શાબાશ ! શત્રુઓ, શાબાશ !! જો મારા ધારવા પ્રમાણે થયું હોય, તો ખરેખર તમને ધન્યવાદ જ ઘટે છે ! જેને દુષ્ટ મુરાના મંદિરમાં મેં મારી દૂતિકા તરીકે રાખી હતી, તે દુષ્ટ દાસી દ્વારા જ તમે હિરણ્યગુપ્તને ફોડ્યો હશે – જો એમ જ હોય, તો મારું શસ્ત્ર તમે મારી છાતીમાં જ ભોક્યું, એમાં અણુમાત્ર પણ શંકા નથી. પત્રો વિશે તો આ ભેદ જણાયો, પણ રાજઘાતનો ભેદ શો હશે ?”
રાક્ષસને એ વિચારસાગરમાં તણાતો છોડીને આપણે હવે આર્ય ચાણક્યના દર્શનનો લાભ લઈશું.
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો