સમાજને અવગણીને ધ્રાંગધ્રાના ધણીએ સવા ભગતને આવકાર્યા

ધ્રાંગધ્રા ઉપર વિધાતાના તિલક જેવા સવારના સૂર્યના કિરણો રમી રહ્યાં છે. રાજમહેલના વિશાળ ઉપવનની વૃક્ષ ઘટામાંથી વૈશાખી કોયલના ટહુકા વેરાઈ રહ્યાં છે. રસભોગી મકરંદોના ગુંજને કળીઓ ખીલીને ફુલ બની રહી છે. એવે વખતે ઝાલા વંશના રાજવી રાજ માનસિંહ કચેરીમાં આરૂઢ થઈ વેણ બોલ્યા-

‘દિવાનજી, આજ મારે હરિજનવાસમાં ભગવાનના દર્શન કરવા જવું છે માટે તૈયારી કરાવો.’
રાજ માનસિંહના વેણ સાંભળી સૌ તાજુબ થઈ ગયા? આભડછેટના અજગર ભરડે ભીંસાયેલો સમાજ, પળવાર સૌ મૂંગા થઈને હુડા રાજવી સામે ટગર ટગર જોઈ રહ્યાં.

‘બાપુ? ધ્રાંગધ્રાનો ઘણી હરિજનવાસમાં જઈને ઉભો રહે એ ઠીક ન કે વાય? ‘ દિવાને દ્રઢતાથી વેણ કાઢયા એટલે રાજ માનસિંહે એટલી જ મક્કમતાથી કહયું-

‘મારે ભગતના દર્શન કરવા છે એ વાત પાકે પાયે જાણજો..’
‘બાપુ, આ પગલું આપના મોભાને છાજે નહીં. વાત ટાળવા દિવાને દાવ નાંખ્યો.’

‘તો પછી ભગતની દરબારગઢમાં પધરામણી કરાવો, મારે ભગતની સાથે વેણ વાતુ કરવી છે. આ મારો નિરધાર છે. એટલું વદીને રાજ માનસિંહ અટકી ગયા. હજુર કચેરીના કારભારીઓ મુંઝાયા. કેમ કરવું એની કોઈને દ્રશ્ય સુઝતી નથી.’

વાત એમ બની હતી કે ધંધુકા પરગણાના ઝાંઝરકા ગામના હરિજન સવા ભગત પોતાના  સેવકોના કાલાવાલા કરીને ધ્રાંગધ્રાંના હરિજનવાસમાં આવ્યા છે. ઉપરવાળા સાથે અંતરનો ત્રાગડો બાંધી જાણનાર સવા ભગતની તે દિ સુવાસ ભાલ અને ઝાલાવાડની ધરતી ઉપર છવાઈ ગઈ હતી. ભગતના પરગટ પરચાની વાતુ પથરાઈ ગઈ હતી.

ધંધુકાના થાણદારનો ઘોડા માટે ઘાસનો ભારો ભગવાને માથે ઉપાડી સરકારી વેઠની કસૂરમાંથી સવા ભગતને માળામાં મન પરોવી દીધેલું. હરિજન ખોળાઓમાં રમતું હૃદય પૂરી ભક્તિ પંથે પડી ગયેલું.

આવા સવા ભગતને મોઢામોઢ મળવાનું રાજ માનસિંહનું મન પાછું વાળવા રાજના કારભારીઓએ ઘણાય છબરડા કર્યા પણ રાજવીએ લીધી વાત મૂકી નહીં.
દીવાને પુરોહિતને તેડું મોકલ્યું!

રાજના તેડે પુરોહિત દેખત પગલે રાજ કચેરીમાં ખડા થયા એટલે દિવાને સવા ભગતને દરબાર ગઢમાં પધરામણી કરવાની રાજ સાહેબની માંગણીની વાત કાને નાંખી. સાંભળતા જ પુરોહિત પંડયે પુગ્યા રાજ માનસિંગ પાસે જઈને કહ્યું.

‘બાપુ? ન ભૂતો ન ભવિષ્યતિ.’

ધ્રાંગધ્રાંનો ધણી હળવું હસીને બોલ્યા-‘મારે વર્તમાનમાં આ વાત બતાડવી છે.’

‘કોઈ દિ રાજમહેલમાં હરીજનના પગલાં પડયા નથી.’ રાજપુરોહિતને બાપુએ કહયું-

‘પુરોહિતજી, સવા ભગતની હું દરબાર ગઢના ચોકમાં પધરામણી કરાવવા માંગુ છું. એ પાછા વળે પછી તમારે ચોકમાં ગંગાજળ છાંટવું હોય તો છાંટજો. મારે ભગતને મોઢામોઢ મળવું છે. એ વાતમાં તલભાર ફેરફાર નથી. આ મારો નિરધાર છે.’

રાજા માનસિંહનું પછી તો ફરમાન છુટયું, ‘ભગતની પધરામણી કરાવવા દિ-વાર નક્કી કરો.’

ભગતને રાજનું તેડું ગયું. વાત વાવડે ચડીને ગામમાં ફરી વળી. થોકે થોક લોકો ઉમટીને દરબારગઢના ચોકમાં ખડકાવા લાગ્યું. માનસિંહજી બાપુએ ઝરૂખામાં બેઠક લીધી. ભગત માટે ચોકમાં પાટ ઢળાવી, પાટ પાટે ઘડકી નખાવી.

વખત થતાં સંત સમાજના જેના આસન ઢળાઈ ગયા છે એવા સંત ભગત પોતાના ભજન મંડળી સાથે હરિગુણ ગાતા ઝાંઝપખાલ અને કરતાલના અવાજોને આભમાં રમતાં મૂકતાં હરિજનવાસમાંથી નીકળી ઉભી બજાર વીંધી હાલી નીકળ્યા. ભક્તિના ભાવમાં ભીંજાયેલો ભગત! દરબારગઢના ચોકમાં આવીને ઝરૂખે બેઠેલા ઝાલાવાડના ધણી સામે બે હાથ જોડી હરખાતા મોઢે ઉભા રહ્યા. હકડેઠઠ માનવમેદની મીટ ઘડી ભગત માથે તો ઘડી જ રાજ માનસિંહ માથે રમવા માંડી!

માનસિંહજીએ કહ્યું ભગત, ‘પાટ ઉપર બીરાજો, ‘

ગરવા અને ગુણિયલ રાજવી ઉપર ભગતે નજર તોળી જવાબ દીધો.

‘બાપુ, એક વણકરને ખોરડે અવતરેલો, હું અદનો આદમી ઝાલાવાડના ધણી સામે પાટ ઉપર બેસું એ અરધે નહીં.’

‘ભગત, હું તમને ભાવથી કહુ છું. પાટ ઉપર બિરાજો.’

ભગતે પાટ ઉપર આસ વાળ્યું. રાજય તરફથી શ્રીફળ અને રૂપિયા એકસો એકની ભેટ ધરવામાં આવી.

રાજ માનસિંહે ભગત સામે મીટ માંડીને બોલ્યા- ‘ભગત તમારા ચમત્કારની વાતું તો મારે કાને ઘણી આવી છે. આજ ચમત્કાર મારે નજરે જોવો છે!’

‘અરે ઝાલાવાડના ધણી, હું હરિનું નામ લઈ જાણનારો માણસ છું. બીજું હું કંઈ જાણતો નથી.’

‘ભગત, મારે પરચો જોવો છે.’

રાજ માનસિંહ જ્યારે આરાહે ચઢયા એટલે સવા ભગત બોલ્યા-
‘બાપુ! આ દરબારગઢમાં આજ સુધી જેનો પડછાયો પણ પડયો નથી એવા હરિજન સમાજનો માનવી દરબારગઢમાં પાટ ઉપર માનપાન સાથે આસન વાળીને બેઠો છે એ ઓછો ચમત્કાર લેખો છો?’

ભગતનો જવાબ સાંભળી જનમેદનીએ તાળીઓની ગગડાટે દરબારગઢના ગુંબજોને ભરી દીધા.

નોંધ-રાજ સાહેબ સર માનસિંહજી ધ્રાંગધ્રાંની ગાદી ઉપર ઈ.સ.૧૮૬૯ના વર્ષમાં આવ્યા હતા. ૩૧ વર્ષ તેમણે રાજ્ય ભોગવ્યું હતું. દરમ્યાન તેમણે ધ્રાંગધ્રાંમાં કન્યાશાળા, ન્યાયની અદાલતો, શહેર સુધરાઈ, માન સરોવર વગેરે પ્રજાકીય પગલાં લીધા હતા.
આ વાતને ધ્રાંગધ્રાના વયોવૃધ્ધ નિવૃત ઓફિસર અમુભાઈ ઝાલાએ સમર્થન આપ્યું હતું.

તણખો-
ધનપતિ થઈ ગયા પછી કોઈ કામ કરવાનું નહીં રહે એમ માનનારો મહામુર્ખ છે, કારણ કે એકઠી કરેલી સંપતિ અને વૈભવને ટકાવી રાખવા પણ સતત સંત્રીની જેમ જાગ્રત રહેવું પડતું હોય છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!