હિમાલય પર્વત તે સૃષ્ટિમાંના સમસ્ત પર્વતોનો રાજા છે, એવી બહુધા બધાની માનીનતા છે, અને તેની ઉચ્ચતાના પ્રમાણથી, તેણે ધારેલા વનસ્પતિના અનન્તત્વથી, ભવ્ય વનશોભાથી, અનેક મહાનદ અને મહાનદીઓની તેમાંથી ઉત્પત્તિ થતી હોવાથી, વિશાળ કંદરાઓ અને ગુફાઓની તેમાં વિપુલતા હોવાથી, ત્યાં હિંસ્રશ્વાપદોનો વિશેષ વસવાટ હોવાથી અને વૃક્ષોના ગગનચુંબિત વિશાલત્વથી એ ગિરિશ્રેષ્ઠને એ પદવી યથાર્થરીતે શોભે છે પણ ખરી. એ પર્વતમાંનાં અરણ્યો અત્યંત ગહન અને ભયંકર છે તેમ જ એ પર્વતપ્રદેશમાં સર્વદા શીતલતાનું પ્રાબલ્ય રહેતું હોવાથી ત્યાંનાં પશુઓ સ્વભાવસિદ્ધ ઊર્ણવસ્ત્રોથી આચ્છાદિત હોય છે, અને જે મનુષ્ય પ્રાણીઓ ત્યાં વસે છે, તેઓ પોતાના શરીરના સંરક્ષણ માટે એ પશુઓને મારીને તેમનાં નૈસર્ગિક વસ્ત્રોનો પોતાના શીત નિવારણાર્થ ઉપયોગ કરે છે.
ભયંકર પર્વત હો કે જલહીન વાલુકારાણ્ય હો, પણ મનુષ્ય પ્રાણીએ પોતાના નિવાસની વ્યવસ્થા ત્યાં ન કરી હોય, એમ કદાપિ બન્યું નથી અને બનવાનું પણ નથી. અર્થાત્ જ્યાં ઘણા જ કષ્ટથી જીવનનો વ્યાપાર કરી શકાય છે, ત્યાં રહીને મનુષ્ય પ્રાણી વૃક્ષ અને લતાઓનો તેમ જ અન્ય પ્રાણીઓનો નાશ કરીને પણ પોતાના નિવાસની વ્યવસ્થા તો કરી લેવાનો જ. એ જ ન્યાયને અનુસરીને એ પર્વતના પણ જે જે ભાગોમાં રહી શકાય તેવું છે, ત્યાં જંગલી ભિલ્લ અને તેવી જ બીજી જાતિના લોકોનો નિવાસ છે જ. જ્યાં મનુષ્યના નિવાસની શક્યતા હોય અને ત્યાં મનુષ્યનો નિવાસ ન હોય, એવું કોઈ સ્થાન ત્રિભુવનમાં પણ મળવું દુર્લભ છે. એ પર્વતરાજનો કાશ્મીરના પ્રદેશમાં પડતો જે ભાગ છે, ત્યાંથી તે ઠેઠ પૂર્વ દિશાના સમસ્ત વિસ્તારમાં અત્યંત પ્રાચીન કાળમાં બકરાં મેઢાં પાળનારા રબારીઓ અને ગોવાળો વિશેષ પ્રમાણમાં વસતા હતા. તેઓ નિત્ય પોતાનાં મેઢાં બકરાંને પોતાના રહેવાની દરીઓમાંથી છોડીને પર્વતના બીજા હરિયાળીવાળા પ્રદેશમાં ચારવામાટે લઈ જતા હતા. કોઈ સારા ઘાસવાળા મેદાનમાં પહોંચ્યા, એટલે ત્યાં જાનવરોને છૂટા ચરવા છોડી દઈને પોતે પોતાના વેણુવાદ્યને વગાડતા બેસતા હતા અથવા તો જો ત્યાંથી વનપુષ્પો મળી આવે, તો તેમની માળાઓ બનાવીને પોતાના, માતાપિતાના, પોતાના તરુણ મિત્રોના અથવા તો ગાયો બળદના ગળામાં તેમનું આરોપણ કરતા હતા. મધ્યાહ્ન સમયે ભોજન વેળા થતાં પોતા સાથે બાંધી લાવેલા ભાતાને છોડીને સર્વ મિત્રમંડળ એકત્ર બેસી તે ભોજનના આસ્વાદમાં લીન થતું હતું. એવો તેમનો નિત્યક્રમ હતો.
એક દિવસે ત્યાં મગધદેશ અને અહીં ગંગાતટ એ ઉભયની સીમાના સંમેલનથી કિંચિત્ ઉત્તર દિશામાં આવેલી એક દરીના ગોવાળિયાઓ એક ટેકરી પર ગયા હતા. દિવસો ગ્રીષ્મ ઋતુના હતા અર્થાત્ એ ઋતુમાં ભગવાન સૂર્યનારાયણ કાંઈક અધિક કાળ પર્યન્ત પોતાના પ્રકાશનો સૃષ્ટિને લાભ આપે છે અને તેમાં પણ પર્વત શિખરે તો સપાટી કરતાં ઘણા જ વધારે સમય સુધી સાયંકાળનાં સૂર્યકિરણો વડે ભિન્ન ભિન્ન સ્થાને ભિન્ન ભિન્ન રંગોથી નભોમંડળ રંજિત થએલું દેખાય છે. સદોદિત શીતલતા હોય, તોપણ ગ્રીષ્મકાળમાં તે શીતલતા ત્રાસદાયક જણાતી નથી; કિન્તુ વિરુદ્ધપક્ષે ઉષ્ણ દિવસેામાં એ શીતલતા અમુક અંશે સુખનું એક સાધન થઈ પડે છે. એવા એક દિવસે સાયંકાળે ઉપર કહેલા પ્રાંતના ઉત્તર ભાગમાંની હિમાચલની દરીમાં ઉપરના શિખર ભાગેથી પેાતાના ઢોરોને હાંકતા તે ગોવાળીયાઓ ઉતરી આવતા હતા – નીચે દરીમાં આવતાં જ ઢોરો પોતપોતાના સ્થળે ચાલ્યાં ગયાં, પરન્તુ ઢોરોનું એક ધણ એક બીજી બાજૂએ ગયું – ત્યાં એક વૃદ્ધ ગોવાળિયો ઊભો હતો તે ઘણા જ પ્રેમથી પોતાના ઢોરોનો સત્કાર કરવા માટે આગળ વધ્યો – બધાં પશુ પ્રાણીઓ તેની પાસેથી પસાર થયાં – તે જાણે તેને જોઈને આનંદ પામ્યાં હોયની ! એમ તેમની ચર્યાના અવલોકનથી જણાતું હતું. તે ગોપાલક વૃદ્ધ પણ તેમને જોઈ જોઈને આનંદથી હસ્યા કરતો હતો. જોત જોતાંમાં સઘળાં ઢોરો ત્યાંથી ચાલ્યાં ગયાં અને તેમને તેમના સ્થાનમાં બાંધી દેવામાં આવ્યાં એમ કહેવા કરતાં તેમને પૂરી દેવામાં આવ્યાં, એમ કહીશું તો તે વધારે શોભશે. બધા ગોવાળિયાઓનાં અને બીજા લોકોનાં ઢોરો બંધાઈ ગયા પછી તે વૃદ્ધ ગોપાલક પોતાના ગૃહમાં જવાનો વિચાર કરતો હતો, એટલામાં એક બીજો તેના જ વયનો વૃદ્ધ પુરુષ તેની પાસે આવ્યો અને તે બન્ને પરસ્પર કાંઈક વાર્તાલાપ કરતા બેઠા. એટલામાં ત્રીજો એક તેવો જ વૃદ્ધ ગૃહસ્થ આવ્યો – ચોથો આવ્યો – એમ થતાં થતાં તેની પર્ણકુટીપાસે આઠ દશ વૃદ્ધ પુરુષોનો જમાવ જોતજોતાંમાં થઈ ગયો. એ વેળાએ સૂર્યનો સર્વથા અસ્ત થઈ ગએલો હોવાથી શીતલતાનું પ્રાબલ્ય કાંઈક વિશેષ થએલું હતું. રાત્રિ પૂર્ણમાસીની હોવાથી સર્વત્ર ચંદ્રિકાનો સ્વચ્છ શીતલપ્રકાશ વિસ્તરી રહ્યો હતો, તે સર્વ વૃદ્ધ પુરુષોએ ત્યાં લાકડાં લાવીને અગ્નિ પ્રજ્વલિત કર્યો અને તેની આસપાસ તે સર્વ બેસી ગયા. ક્યાંય ચાર વૃદ્ધ ગૃહસ્થો એકત્ર થઈ બેઠા કે ત્યાં તેમનું પોતાના યૌવન કાળમાં બનેલી ઘટનાઓ વિશે જ સંભાષણ ચાલવાનું, એ એક સર્વ સાધારણ નિયમ જ થઈ ગયો છે; પરંતુ આજે આ વૃદ્ધ મંડળમાં કાંઈ તેવા સંભાષણનો ઉદ્ભવ થયો નહિ. “યવનોના ત્રાસથી કંટાળીને મૌર્યોનો રાજા ગુહપતિ યવનોથી લડતાં રણમાં પડ્યો અને તેની પત્ની મગધદેશમાં પલાયન કરી જતી મારી દૃષ્ટિએ પડી.” એમ એક વૃદ્ધે પોતાના અન્ય વૃદ્ધ મિત્રોને જણાવ્યું એથી સર્વના હૃદયમાં અતોનાત ખેદ થતાં યવનોની બીજી વાતો નીકળી. એમાં “યવનોએ પંચજનપર હલ્લેા કરીને ત્યાં ઘણો જ ત્રાસ પ્રવર્તાવ્યો છે અને પોરસ (પર્વતેશ?) રાજાનો પૂર્ણ પરાભવ કરીને તેના રાજ્યને પાદાક્રાન્ત કરી ગંગાતટ પર્યન્તના સમસ્ત પ્રદેશને જીતી લેવાનો તેમનો ઘનઘોર પ્રયત્ન ચાલૂ છે.” એવી પણ એક વાત નીકળી. જે ગોવાળિયાના રહેઠાણ પાસે એ જમાવ જમેલો હતો તે વૃદ્ધ ગોપાલકનું મન એ વાર્તાઓના શ્રવણથી ઘણું જ ઉદ્વિગ્ન અને સંતપ્ત થઈ ગયું. તે એકાએક બીજાઓને ઉદ્દેશીને કો૫થી કહેવા લાગ્યો કે,“ જે કાળ વીતી ગયો, તે ઘણો જ ઉત્કૃષ્ટ હતો. હવે પછી આપણા જેવા માટે વધારે જીવવામાં લાભ નથી. ‘આ આપણો દેશ એક સમયે યવનોના અધિકારમાં જશે.’ એવું ભવિષ્ય જો પ્રથમ કોઈએ, ભષ્યું હોત, તો મેં તેને ત્યાંનો ત્યાં જ ઊભો ને ઊભો ચીરી નાખ્યો હોત, પણ આજે તે પ્રસંગ પ્રત્યક્ષ આવી પહોંચેલો છે, અને આપણે તેનો વ્યર્થ અને નિરર્થક ઊહાપોહ કરતા બેઠા છીએ. પર્વતેશના વિશાળ રાજ્યની આવી રીતે ધૂળધાણી થાય – અને તે પણ આપણી હયાતીમાં ! એના કરતાં આપણને મોત આવે, તો શું ખોટું છે ?”
એ શૌર્યપૂર્ણ શબ્દ ઉચ્ચારતી વેળાએ એ વૃદ્ધનું શરીર થરથર કંપતું હતું. પ્રત્યેક શબ્દ જાણે તેના અંત:કરણને વેધી તથા ભેદીને જ મુખદ્વારા બહાર પડતો હોયની ! એવો તેની મલિન મુખમુદ્રામાં સ્પષ્ટ ભાસ થતો હતો.
તેના એ શબ્દોનું બીજાઓના મનમાં પણ થોડું ઘણું પરિણામ થયું. ખરી રીતે જોતાં એ ગોવાળિયાઓ, તે બહુધા જંગલમાં વસનારા મનુષ્યો જ હતા તેથી કયો રાજા ક્યાં આવ્યો અને તે કોણ તથા ક્યાં ગયો, એની માહિતી તેમને હોવાનો ઘણોજ થોડો સંભવ હોવો જોઈએ અને જો તેઓ હિમાલયના પૂર્વભાગમાં હોત, તો આ પશ્ચિમ દેશમાં શી રાજ્યક્રાન્તિ ચાલે છે, એની કોઈ કાળે પણ તેમને જાણ થઈ શકત નહિ. પરંતુ સિકંદરે આક્રાન્ત કરેલા પંજાબ અને મગધદેશની પશ્ચિમ મર્યાદાના મધ્ય ભાગમાં આવેલી ઉત્તર વિભાગસ્થ દરીઓમાં વસનારા એ દીન મનુષ્યોને મહત્ત્વાકાંક્ષી યવનોથી ઘણોજ ત્રાસ થવા માંડ્યો હતો. સિકંદર બાદશાહે હિંદુસ્તાનમાં આવ્યા પછી પાછા સરહદની બહાર જતાં સુધીમાં લગભગ વીસ મહિના જેટલોજ સમય વીતાડ્યો હતો. પરન્તુ પંજાબના રાજાનો પૂર્ણ પરાભવ કરવાથી તેની ભૂતૃષ્ણા અધિક તીક્ષ્ણ થતાં ગંગાના તટને ઉલ્લંઘીને મગધ દેશને પણ જીતી લેવાની તેને મહત્ત્વાકાંક્ષા થઈ આવી. એ મહાત્ત્વાકાંક્ષાને લીધેજ ઉપર કહેલા મધ્ય પ્રાંતના નિવાસીઓને એની ચઢાઈઓથી ઘણો ત્રાસ થવા લાગ્યો હતો. હલ્લાઓ કરીને ઢોરોને ઉપાડી જવાં અને કવચિત્ કવચિત્ સ્ત્રિયોનું પણ હરણ કરવું ઈત્યાદિ તેમનાં દુષ્ટ કર્મો ચાલૂજ હતાં. પર્વતની તળેટીમાં રહેનારા લોકો તો એ લુટારાઓના હલ્લાથી એટલા બધા કંટાળી ગયા હતા, કે પોતપોતાનાં ઝૂંપડાં અને ઢોરોના ગોઠાને ત્યાંથી ઉઠાવીને તેમણે હિમાલયના અંતર્ભાગમાં આવેલા ગહન અરણ્યમાં જ જઈ વસવાનું વધારે યોગ્ય વિચાર્યું, “જંગલી હિંસ્ર પશુઓ ચાર ઢોરોને મારીને ખાઈ જાય તે સારું; પણ એ દુષ્ટ યવનોનો ત્રાસ નઠારો !” એવો જ પ્રત્યેકનો વિચાર થઈ ગયો હતો. એ પર્વત નિવાસીઓને એવો દુ:ખદાયક અનુભવ મળેલો હોવાથી યવનોનું નામ નીકળતાં જ જો તેમના હૃદયમાં સંતાપ થાય, તો તે સ્વભાવિક જ કહેવાય. એ સમસ્ત વૃત્તાંત જાણવા પછી ઉપર્યુક્ત ગોપાલકોના ઉદ્દગારનું વાચકોને આશ્ચર્ય લાગશે નહિ. વાત પરથી વાત નીકળતાં પ્રત્યેક ગ્રીક લોકોએ એટલે યવનોએ કરવા માંડેલા બલાત્કારના કોઈના મોઢેથી સાંભળેલા અથવા પ્રત્યક્ષ અનુભવેલા વૃત્તાંતો કહી સંભળાવ્યા. ગ્રીક લોકોમાં ગવાલંભના – બળદ યજ્ઞના – સ્થંડિલમાં બળિદાન આપવાનો પરિપાઠ હતો, – તેથી ગ્રીક લોકનો જય થયો, તે વેળાએ એ ગરીબ ગોવાળિયાઓના સારા હૃષ્ટપુષ્ટ બળદોને બલાત્કારે પકડી લઈ જઈને તેમના અનેકવાર યજ્ઞો કર્યા હતા. એ સઘળા ત્રાસોથી તે ગોવાળિયાઓ ઘણા જ દુ:ખી થઈ ગયા હતા; અને “આ દુષ્ટને શિક્ષા કરવાને કોઈ પુરુષ પુંગવ કેમ અવતરતો નથી?” એમ વારંવાર બોલીને તેઓ પરમેશ્વરને પણ ઉપાલંભ આપતા હતા. પરંતુ એ તેમની પ્રાર્થના પરમેશ્વર સાંભળતો હોય, એવું કોઈ ચિન્હ અદ્યાપિ તો તેમના જોવામાં આવ્યું નહિ – તેઓ સર્વથા નિરાશ થએલા હતા. વૃધ્ધોનું ઉપર્યુક્ત પરસ્પર સંભાષણ ચાલતું હતું, એટલામાં આપણા મુખ્ય વૃદ્ધ ગોપાલકની એક કન્યા દોડતી આવી અને પોતાના પિતાને ઉદ્દેશીને કહેવા લાગી, કે “બાપા, પેલી આપણી કપિલાના નવા વાછડાનો ક્યાંય પત્તો લાગતો નથી. આજે પહેલી જ વાર તે પોતાની માતા સાથે ચરવાને ગયો હતો; હવે ગાયને દોવાનો સમય થએલો છે; પણ તેનો શોધવા છતાં પત્તો નથી મળતો. વાછડો કેવો સુલક્ષણો અને નમાણો હતો, બાપા!”
કન્યાના એ અંતિમ શબ્દો અતિશય ગદ્ગદિત કંઠથી ઉચ્ચરાયલા હતા અને તેનાં નેત્રો પણ અશ્રુપૂર્ણ દેખાતાં હતાં. એ વૃદ્ધનો ગોઠો કાંઈ નાનો સૂનો નહોતો-અર્થાત તે ઘણો જ મોટો હતો. છતાં પણ જો તેમાંથી એક મેઢું માત્ર પણ ક્યાંય ખોવાઈ જાય, તો તે વૃદ્ધના હૃદયમાં અનિવાર્ય ખેદ થતો હતો. તેમાં પણ જે કપિલા ગાયનો વાછડો આજે ખેાવાયો હતો, તે ગાય પર અને તેના વાછરડા પર તો તેનો અતિશય પ્રેમ હતો. તે કાળમાં ઢોરોની અધિક સંખ્યા તેજ અધિક ધન મનાતું હતું અને તેમાં પણ પશુ સામુદ્રિક પ્રમાણે સર્વ સુલક્ષણ સંપન્ન કોઈ વત્સ અથવા તો ગાય જેની પાસે હોય, તે મહાન્ ભાગ્યશાળી, એવી જ લેાકેાની દૃઢ ભાવના હતી. જે વાછડો હાલમાં ખેાવાયો હતો તે એવોજ સુલક્ષણો હોવાથી તે ખોવાયા ની વાત સાંભળતાં જ તે વૃદ્ધ ગોવાળીયાનું મન એકાએક ઉદ્વિગ્ન થઈ ગયું અને તત્કાળ તે પોતાના સ્થાનપરથી ઊઠીને ઊભો થયો. ગ્રીક યવન લોકો ગરીબ બિચારા ગોવાળીયાઓનાં ઢોરોને કેવી રીતે ચોરી જાય છે, એ વિશે વાતચીત ચાલતી હતી, એટલામાં પોતાના જ એક સારા વાછડાના ગુમ થવાની ખબર મળી, એ તે ગોવાળિયાને એક મોટું દુશ્ચિન્હ જ ભાસ્યું. તેનો એવો જ નિશ્ચય થયો કે, “આજે ઢોરો ચરવા ગયાં હતાં, તે પાછાં ફરતી વેળાએ એ વાછડો પાછળ રહી જવાથી કોઈ યવન જ તેને લઈ ગયો હશે.” તેજ ક્ષણે તેણે નિર્દોષ પશુ બાળકનો શોધ કરવા માંડ્યો. “આપણા ઢોરો આજે ચરવાને ક્યાં સુધી ગયાં હતાં, સાથે ચારવા જનાર માણસની એ વાછડા પર ક્યાં સુધી નજર હતી, તેને બીજા કોણે કોણે ક્યાં સુધી જોયો હતો?” ઇત્યાદિ નાના પ્રકારના શોધો તેણે ચલાવ્યા. અંતે તેને એટલો ખુલાસો મળ્યો કે, શિખરે જતાં સુધી એ વાછડો હતો, પણ શિખરપરથી ઢોરોને નીચે લાવવામાં આવ્યાં, ત્યારથી તે જોવામાં નથી આવ્યો. એથી એ વાછડો ઉપર જ ક્યાંક અટકી બેઠેલો હોવો જોઈએ, એવો સર્વનો તર્ક થયો; પરંતુ માત્ર એવા તર્કથી જ નિરાશ થઈને બેસી રહેનારાઓમાંનો એ વૃદ્ધ ગોવાળિયો નહોતો. “એ ગોવત્સનો શોધ કરવા પૂર્વે હું અન્નનો આહાર કરનાર નથી.” એવી પ્રતિજ્ઞા કરીને તે પર્વત શિખરે જવામાટે તૈયાર થયો. પોતાના તીરકામઠાંને સાથે લઈને અને “મારી સાથે જે કાઈ પણ આવવાને તૈયાર હોય, તેણે ખુશીથી આવવું.” એમ બોલીને તે પર્વત પર ચઢવા લાગ્યો.
ઉપર એક સ્થળે કહેલું જ છે કે, રાત્રિ પુર્ણિમાની હતી. ગ્રીષ્મ ઋતુ હોવાથી નભોમંડળ પણ નિરભ્ર હતું અને આકાશનો સમસ્ત પ્રદેશ ચંદ્રમાંથી દ્રવનારા તેજોરસથી જાણે વ્યાપ્ત થએલો હોયની ! એવો ભાસ થતો હતો. દૂર દૂરનાં હિમાલયનાં અત્યુચ્ચ શિખરે પ્રથમથી જ હિમાચ્છાદિત થએલાં હતાં અને તેમાં આ પૂર્ણિમાની સોજજવલ કાંતિવાળા ચંદ્રનાં શ્વેત કિરણોનું મિશ્રણ થતાં એવો આભાસ થતો હતો, કે તે આકાશસ્થ કાંતિ આકાશગંગાના ઓઘમાંથી ધો ધો ધ્વનિયુત વહન કરતી આ ભૂલોકમાં સર્વત્ર પ્રસરતી હોયની! હિમાલયમાંનાં અરણ્યો હિંસ્ત્ર અને અન્ય પશુઓથી સર્વથા ઉભરાયલાં જ હોય છે, પરંતુ તે રાત્રે સર્વ સ્થળે વ્યાપી રહેલી ચંદ્રકાન્તિના પ્રભાવથી જાણે સર્વ પ્રાણીઓ મોહ પામી સ્તબ્ધ થઈ ગયાં હોયની! એવો સર્વત્ર પ્રસરેલી શાંતિના સમીક્ષણથી મનોનિશ્ચય થતો હતો.
સર્વત્ર એવી દિવ્ય શેભા દૃષ્ટિગોચર થતી હતી ખરી, પરંતુ એ વૃદ્ધ ગોપાળકનું એમાં કિંચિદ્માત્ર પણ ધ્યાન હતું નહિ – માત્ર એક બ્રહ્મમાં જ ચિત્તની બીનતા કરી બેઠેલા કોઈ એક સાધુ પ્રમાણે તે વૃદ્ધ ગોપાલકનું ચિત્ત તેના તે સુલક્ષણ ગોવત્સમાં જ લાગી રહ્યું હતું. તેનાં નેત્રો જો તે ગોવત્સ ક્યાંય દેખાય, તો તેને જોવા માટે જ અને તેના કર્ણો જો તે ગોવત્સનો આર્ત સ્વર ક્યાંયથી સંભળાય તો તે સાંભળવા માટે જ ઉત્સુક થઈ રહ્યાં હતાં. એની સાથે નીકળેલા બીજા મનુષ્યોમાં કેટલાક તરુણો પણ હતા, પરંતુ એ વૃદ્ધને વત્સશોધન માટે અત્યંત આતુરતા હોવાથી તેમના કરતાં એનાં પગલાં વધારે ઊતાવળે પડતાં હતાં. શિખરના સમીપમાં આવી પહોંચતાં જ તેણે ભિન્ન ભિન્ન મનુષ્યોને ભિન્ન ભિન્ન માર્ગે વિચરવાની અને તે વત્સનો શોધ કરવાની આજ્ઞા આપી અને પોતે તે જ એક માર્ગમાં એકલોજ આગળ ચાલ્યો. એ માર્ગમાં વિચરતાં તેને જે જે જાળીઓ અને નાની નાની ગુહાઓ દેખાઈ, ત્યાં ત્યાં તેમની પાસે જઈ જઈને તેણે ગોવત્સનો પુષ્કળ શોધ કર્યો, પરંતુ વ્યર્થ. ગોવત્સનો ક્યાંય પત્તો લાગ્યો નહિ. અંતે નિરાશ થઈ તે ઢોરો હમેશ જે માર્ગેથી નીચે ઊતરતાં હતાં, તે માર્ગથી ભિન્ન એવો એક અતિશય વિકટ બીજો નીચે ઊતરવાનો માર્ગ હતો, તે માર્ગ કદાચિત્ તે ગોવત્સ ગયો હશે, એવી કલ્પનાથી, રાત્રે એ માર્ગમાં ગમન કરવામાં કાંઈ પણ કઠિનતા થશે, એનો લેશ માત્ર પણ વિચાર ન કરતાં તેણે તે માર્ગમાં સંચાર કર્યો. જો કે આવા માર્ગમાં વિચરવાની તેને હમેશની ટેવ હતી, તો પણ એ માર્ગ એવો તો દુર્ગમ્ય હતો કે એ પંથે નીચે ઉતરતાં અનેક વાર તેને અડચણોનો અનુભવ થવા લાગ્યો. ધીમે ધીમે લગભગ માર્ગના ત્રણ ભાગ જેટલો પંથ તો તે કાપી આવ્યો. બાકી એકજ ભાગ રહેલો હતો – અહીંથી સામે પૂર્વદિશામાં મગધદેશ પ્રતિ જવાનો એક તેવાજ પ્રકારનો વિકટ ફાટો ફૂટતો હતો. તેથી ત્યાં ઊભો રહીને “અહીંથી નીચે ઉતરતા માર્ગે જવું કે મગધદેશમાં જતા આ માર્ગે થોડુંક આગળ વધવું?” એના વિચારમાં તે વૃદ્ધ ગોથાં ખાવા લાગ્યો. થોડીકવાર સુધી સમતોલ કાંટા પ્રમાણે એકવાર એક બાજુએ અને એક વાર બીજી બાજૂએ તેનું મન વળવા લાગ્યું. કોઈ પણ પ્રકારનો નિશ્ચિત વિચાર કરી શકાય નહિ, અંતે નીચેના માર્ગે ઉતરવાનો નિશ્ચય કરીને તે જેવો આગળ ચાલવા જતો હતો એવામાં કોઈ અર્ભકના રડવાનો ધ્વનિ તેને સંભળાયો હોય, એવા ભાસથી તે ઊભો રહી ગયો. પરંતુ “આટલી મોડી રાત્રે અહીં અરણ્યમાં કોઈ અર્ભક રડતું હોય, એ અસંભવિત છે. કોઈ ચમત્કારિક શ્વાપદ બરાડા પાડતું હશે.” એવી રીતે મનનું સમાધાન કરીને પાછો તે આગળ વધવા જતો હતો, એટલામાં વળી પણ તે અર્ભકનો કંઠશોષપૂર્વક રડવાનો અવાજ તેને કાને પડ્યો. હવે તેને વિશેષ શંકા રહી નહિ અને તેથી “આ શો ચમત્કાર છે? અવશ્ય એનો શોધ કરવોજ જોઈએ.” એવો નિશ્ચય કરીને તે મગધદેશના માર્ગમાં વિચર્યો; કારણ કે, તે રોદન ધ્વનિ તે પ્રદેશમાંથીજ આવતો હતો.
એ ધ્વનિની દિશાને અનુસરીને તે પાંચ સાતસો કદમ જેટલો દૂર ગયો, ત્યાં એક વિશાળ વટવૃક્ષની છાયામાંથી એ રોદનધ્વનિ આવે છે, એમ તેના ધ્યાનમાં આવ્યું અને તેથી ઊતાવળે તે ધારેલા વૃક્ષ તળે દોડી ગયો. ત્યાં પહોંચતાં જ એક શ્વેત વસ્ત્રમાં વીટાળેલું એક અર્ભક પોતાપરના વસ્ત્રને ખસેડવાનો પ્રયત્ન કરતું તેના જોવામાં આવ્યું તત્કાળ તેને ઉચકીને છાયામાંથી તે સ્વચ્છ ચંદ્રિકાના પ્રકાશમાં લઈ આવ્યો. તે અર્ભકના અદોષ મુખને સ્પષ્ટતાથી અવલોકી તેને છાતી સરસું ચાંપીને તે વૃદ્ધ મનસ્વી ઈશ્વરને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “શિવશંભો ! કૈલાસનાથ ! આવા એક સુંદર અર્ભકને આવા ગહન અરણ્યમાં નાખી જનાર નરપશુ તે કોણ હશે. વારૂ? ગમે તે હોય. મારે તેની શી પંચાત ? અવશ્ય એના પાલકપર કોઈ અસહ્ય વિડંબના આવી પડી હશે, ત્યારે જ તે પોતાના પ્રાણાધિક બાળકને આવા વિકટ વનપ્રદેશમાં મૂકી ગયું હશે ! હે કૈલાસેશ્વર ! મારા ગોવત્સનો શોધ કરતાં તેં મને આ અર્ભક આપ્યું, તો તેથી તારી એવી જ ઇચ્છા જણાય છે, કે એનું પાલન પોષણ મારા હાથે જ થવાનું છે. જો કે હું દીન છું તો પણ ઘણા જ પ્રેમથી એને હું ઉછેરીને મોટું કરીશ.”
કારણ ગમે તે હોય, પણ એ વૃધ્ધે છાતી સરસું ચાંપતાં જ તે દીન બાળક એકાએક રડતું બંધ થઈ ગયું અને તે વૃદ્ધના શરીરને વધારે ને વધારે વળગવા લાગ્યું. “ગોવત્સના શોધનિમિત્તે પરમેશ્વરે અપરાત્રિને સમયે મને અહીં બોલાવીને આ બાળક મારા સ્વાધીનમાં આપ્યું છે એમાં ઈશ્વરનો કાંઈ પણ ઊંડો હેતુ સમાયલો હોવો જોઈએ.” એવી રીતે મનમાં અનેક વિધ વિચારોને જન્મ આપતા તે વૃદ્ધે પોતાના નિવાસસ્થાનનો માર્ગ લીધો. પછી શું પૂછવું ? તે જેને તેને એમ જ કહેવા લાગ્યો કે, “ભગવાન કૈલાસનાથનો મને જ આ બાળક આપવાનો મનોભાવ હતો. મારા હસ્તે જ એના પ્રાણ બચવાના હતા. એ જ કારણથી ઈશ્વરે મારા ગોવત્સને ગુમ કર્યો હતો ” પ્રત્યેક સ્ત્રીપુરુષને તેણે તે બાળકનું દર્શન કરાવ્યું. એ બાળકને નિહાળીને બધાના મનનો એવો જ નિશ્ચય થયો કે, “એ કોઈ ઉચ્ચ કુળનું જ બાળક હોવું જેઈએ.” પરંતુ બાળકનું શરીર તપાસી જોતાં માત્ર એક રત્નખચિત રક્ષાબંધન વિના બીજી કોઈ પણ વસ્તુ તેના શરીર પર જોવામાં આવી નહિ.
આગળની વાત હવે પછીના ભાગમાં..
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો