ગહન અરણ્ય-હિમાલયમાંનાં ગહન અરણ્યો-અક્ષરશ: ગગનને ચુંબન કરવાને આકાશમાં જનારાં વૃક્ષો તે અરણ્યોમાં હતાં અને વૃક્ષ પણ કેટલા પ્રકારનાં ? તેમના પ્રકારોની ગણના કરી શકાય તેમ નથી. હિમાલયને સર્વ ઔષધિઓના ઉત્પત્તિસ્થાન અને ભંડારની ઉપમા આપવામાં આવે છે, તે કાંઈ ખોટું નથી. સર્વ વનસ્પતિ, સર્વ લતા, અને સર્વ જાતિનાં નાનાં મોટાં વૃક્ષ એ પર્વતમાં શોભી રહેલાં છે, એ પ્રત્યક્ષ હોવાથી કોઈ પણ જાણી શકે તેમ છે અર્થાત્ એ હિમાલયમાંનાં અરણ્યો ગહન હોય, એમાં શું આશ્ચર્ય ? એવા એક અરણ્યના એક ભાગમાં એક આશ્રમ હતું અને તેની ઘણી જ ઉત્તમતાથી વ્યવસ્થા રાખવામાં આવતી હતી. એ આશ્રમને “ચાણકય-આશ્રમ”ના નામથી લોકો ઓળખતા હતા.
બ્રહ્મપુત્રાને જઈ મળનારી એક નાનકડી, પરંતુ અત્યંત રમણીય એવી એક નદીના તીર પ્રદેશમાં એ આશ્રમ આવેલું હતું. એ નદીનો પ્રવાહ બહુ બળથી વાતા વાયુ પ્રમાણે વહેતો જતો હતો, અને તેથી જાણે એ જ કારણથી પડેલું હોયની, તેવી રીતે એ નદીનું નામ મરુદ્વતી હતું. જે સ્થળે ચાણકયાશ્રમ આવેલું, તેટલો જ થોડોક ભાગ કાંઈક શાંત રહેતો હતો. એ આશ્રમનો કુલપતિ ચાણક્ય નામનો એક બ્રાહ્મણ મહાતેજસ્વી, મહાવિદ્વાન અને મહા કોપિષ્ટ બ્રાહ્મણ હતો. તેનું તેજ ગોત્રપતિ પ્રમાણે અગ્નિસમાન પ્રજ્વલિત હતું. તેના આશ્રમમાં અનેક બ્રાહ્મણો અને વિદ્યાધ્યયનેચ્છુ બ્રાહ્મણપુત્રો આવીને વસેલા હતા, ઉપરાંત હિમાલયમાંના ભિલ્લાધિપતિઓ પણ તેને ઘણા જ નમીને ચાલતા હતા. ચાણક્યનું અધ્યયન ચારે વેદ, તેમની શાખા અને તેમની ઉપશાખા તેમ જ તેમના ષડંગો અને ઉપાંગો તથા બીજાં સર્વ શાસ્ત્રો ઈત્યાદિના સમાસવાળું હતું. તે કાળમાં જો કુલપતિ એ નામને યોગ્ય કોઈ પણ ઋષિ હોય, તો તે એ ચાણકય જ હતો, એ સર્વથા નિર્વિવાદ છે. સો બસો વિદ્યાર્થીઓ સદા તેના આશ્રમમાં ભણતા જ રહેતા હતા-ઉપરાંત એ વિઘાર્થીઓ પાસેથી શિક્ષણ લેનારા બીજા વિદ્યાર્થીઓ હોય, તે તો જૂદા જ. એ વિઘાર્થીઓમાંના સઘળા બ્રહ્મવિદ્યા શીખનારા જ હતા, એમ નહોતું; કિન્તુ અસ્ત્રવિદ્યા અને ધનુર્વેદ, તેમજ આયુર્વેદ, કાશ્યપસંહિતા ઈત્યાદિકનું શિક્ષણ લેનારા બ્રાહ્મણ અને ક્ષત્રિય શિષ્યો પણ એ આશ્રમમાં હતા. સારાંશ કે, પુરાણાન્તરે વસિષ્ઠ, વાલ્મીકિ અને વિશ્વામિત્ર ઇત્યાદિ મહર્ષિઓના આશ્રમોનું જે વર્ણન કરેલું છે તે પ્રમાણે જ આબેહૂબ એ ચાણકયાશ્રમની સર્વ વ્યવસ્થા જોવામાં આવતી હતી.
“પ્રાચીન કાળના વસિષ્ઠ વામદેવ પ્રમાણે જ મારી યોગ્યતા છે.” એવો ચાણક્યનો દૃઢ નિશ્ચય હતો. એટલું જ નહિ, પણ “વિશ્વામિત્ર પ્રમાણે જ કોઈ એક ક્ષત્રિય વીરને હસ્તગત કરીને તેના હસ્તે રામાયણમાં વર્ણવેલાં પરાક્રમો જેવાં પરાક્રમો કરાવીશ – એક મહાન્ સામ્રાજય સ્થપાવીશ, પૃથ્વીનો વિજય કરવા માટે અશ્વમેધ યજ્ઞ કરાવીશ અને અસંખ્ય માંડળિકોને નમાવી તેમના મુકુટોમાંનાં રત્નોના પ્રકાશથી તેનાં ચરણના નખો રંગાવીશ. રામચંદ્ર ઈશ્વરનો અવતાર અને અયોધ્યા જેવી નગરીનો પ્રથમથી જ રાજા, એટલે એના જેવા એક મહાન્ પુરુષને વિશ્વામિત્રે સર્વ વિદ્યાઓનું શિક્ષણ આપીને તેને અનેક પરાક્રમો કરવાને સમર્થ બનાવ્યો, એમાં કાંઈ વિશેષતા નથી. પણ હું જે કોઈ રાજ્યનો અધિકારી નથી અને જેની પાસે બીજું પણ કોઈ સાધન નથી એવા ક્ષત્રિયપુત્રને હસ્તગત કરીને તેના હસ્તે જ સમસ્ત આર્યાવર્તમાં, માત્ર એક જ મહાન્ રાજ્યની સ્થાપના કરીને તેને સાર્વભૌમ બનાવીશ ! મગધદેશના રાજાએ વિનાકારણ મારું અપમાન કર્યું છે, મારી યોગ્યતા જાણી નથી અને મત્સરથી ભરેલા ક્ષુદ્ર બ્રાહ્મણોની દુષ્ટ વાણી સાંભળીને મારી અવહેલના કરી છે; તે મગધદેશના રાજાના કુળનું સમૂલ ઉચ્છેદન કરીને તેના સિંહાસને હું આ મારા ક્ષત્રિય કિશોરને બેસાડીશ.” એવા પ્રકારના ઉદ્દગારો તે આશ્રમના કુલપતિના મુખમાંથી વારંવાર નીકળતા હતા. અને એ જ બુદ્ધિથી તે ખરેખર એક કિશેાર વયના પરંતુ તેજસ્વી ક્ષત્રિય કુમારને અને તેની સાથે હિમાલયમાંનાં નાનાં નાનાં માંડલિક રાજ્યોમાંના કેટલાક ક્ષત્રિય અને ભિલ્લ કુમારોને પણ પોતાના આશ્રમમાં લાવીને તેમને ધનુર્વિદ્યાનું અને શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપતો હતો.
એમાં અધિક સંતોષની વાત તો એ હતી કે, તે સર્વ કુમારો મહા આનંદ અને ઉત્સાહથી પોતાના ગુરુ પાસેથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોના પ્રાયોગિક અને શાસ્ત્રીય પાઠ લેતા હતા. પ્રતિદિવસે તેમની વિદ્યાની વૃદ્ધિ થતી જોઈને ગુરુના મનમાં પણ તેટલો જ સંતોષ થતો હતો. દિવસે દિવસે પોતાના ઉદ્દિષ્ટ હેતુની સિદ્ધિનો પ્રસંગ પાસે પાસે આવતો જતો જોઈને ગુરુના મનનું જે સમાધાન થવા લાગ્યું, તેનું વર્ણન થવું અશક્ય છે. હવે તેનું લક્ષ ભવિષ્યના કાર્યક્રમમાં લાગ્યું. “રણક્ષેત્રમાં શત્રુસમક્ષ ઊભા રહીને તેનો પરાજય કરવો, એ અદ્યાપિ મારા શિષ્ય માટે અશક્ય વાર્તા છે.” એમ તો તેને લાગ્યું જ. પણ એથી એમ નથી માનવાનું કે, તે શિષ્યના અંગમાં તેટલું શૌર્ય, વીર્ય અને કૌશલ્ય ન હતું; કિન્તુ એ ગુણોનો તેનામાં પૂર્ણતાથી વાસ હતો. પરંતુ સંખ્યાના પ્રમાણમાં આવશ્યકીય સૈન્યબળ જોઈએ, તે ક્યાંથી લાવવું, એની જ રહી રહીને તેને ચિન્તા થયા કરતી હતી, “મગધદેશનો રાજા મોટો સમ્રાટ છે અને આર્યાવર્તના પૂર્વોત્તર ભાગમાં દૂરદૂર પર્યન્ત તેનું રાજ્ય વિસ્તરેલું છે. પશ્ચિમમાં પણ તેના માંડલિકો અનેક છે. એથી અર્થાત્ જો યુદ્ધ કરવાનો જ પ્રસંગ આવે, તો જરૂર જોઈએ તેટલું સૈન્યબળ મારા પુત્રને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?” એ વિચારે રાત દિવસ તેને બેચેન બનાવી દીધો હતો. એક દિવસે એ જ વિચાર કરતો મધ્યાન્હ સમયે મધ્યાન્હ સ્નાન માટે તે એકલેા એકાટ મરુદ્વતી નદીના પોતાના નિયમિત સ્થાને ચાલ્યો જતો હતો. આશ્રમમાં વિદ્યાર્થીઓની ઘણી જ ગડબડ હોવાથી ગુરુએ પોતાના નિત્યકર્મમાટે નદીના એક વિવક્ષિત ભાગને ખાસ પોતાને માટે જ રાખી મૂક્યો હતો. ગુરુ જ્યારે તે સ્થળે હોય, ત્યારે ત્યાં જઈને તેની સાથે બોલવું કોઈના માટે પણ શક્ય હતું નહિ. તેનો ખાસ માનીતો શિષ્ય ચન્દ્રગુપ્ત જ માત્ર ગમે તે વેળાએ અને ગમે તે સ્થળે જઈને ગુરુના સમાધિનો પણ ભંગ કરી શકતો હતો. જે પ્રમાણે પોતાના દશ છોકરાં હોય, છતાંપણ માતા પિતાનો એક પુત્ર કે પુત્રીમાં અધિક પ્રેમ હોય છે – તેણે અપરાધ કરેલો હોય, પણ તે તેમને અપરાધ ભાસતો નથી અને અપરાધ લાગવા છતાં પણ તેની સહજમાં ક્ષમા કરી દે છે – તે પ્રમાણે જ ચાણક્ય અને ચંદ્રગુપ્તની સ્થિતિ હતી. ગુરુના આશ્રમમાં અનેક શિષ્યો અનેક પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ લેવાને આવી વસેલા હતા. એ ઊપર કહેલું જ છે; પરંતુ તે સર્વમાં ચન્દ્રગુપ્ત તેનો સર્વથી આદ્ય અને અત્યંત પ્રેમપાત્ર શિષ્ય હતો.
વાંચકો જાણી તો ગયા હશે જ કે, ઉપક્રમમાં વર્ણવેલો દરિદ્રી બ્રાહ્મણ અને હિમાલયમાંના ગોવાળિયાને અરણ્યમાંથી મળેલો ક્ષત્રિયવત્સ તે જ એ ચાણક્યાશ્રમમાંના ચાણકય અને ચન્દ્રગુપ્ત હોવા જોઈએ. તે ગોવાળિયાને ચાંદની રાત્રે એક વૃક્ષતળેથી અચાનક એ બાળક મળી આવ્યો, તેથી ભવિષ્યમાં જેને હાથે મહાન કૃત્ય થવાનાં છે, એવા ભાવથી ચંદ્રે પોતે જ પોતાના વંશના એક મહાવીર પુરુષનું રક્ષણ કર્યું, માટે તે દરિદ્રી બ્રાહ્મણે એ બાળકનું ચન્દ્રગુપ્ત નામ રાખ્યું. અને “જે નામ ધારીને ધનાનન્દની રાજસભામાં જતાં મારા માનનો ભંગ થયો હતો, તે નામ એ માનભંગનું પૂર્ણપણે પરિમાર્જન થાય, ત્યાં સુધી છૂપાવી રાખવું જોઈએ અને કોઈ નવું જ નામ ધારણ કરવું જોઈએ; અને જે દિવસે હિરણ્યગુપ્ત ઉર્ફે ધનાનન્દને મગધ દેશના સિંહાસન પરથી નીચે પટકી પાડીશ, તે જ દિવસે મારા પ્રથમ નામનો મારા મુખથી ઉચ્ચાર કરીશ અથવા તો બીજાના મુખથી કરાયલો ઉચ્ચાર સાંભળીશ.” એવી પ્રતિજ્ઞા તે બ્રાહ્મણે કરી. એ બ્રાહ્મણ મહાન કાર્યકર્તા અને તેજસ્વી હતો. તે ગોવળિયા પાસેથી બાળકને માગી લીધા પછી તે પાછો તક્ષશિલા નગરીમાં ગયો નહિ, કિન્તુ ત્યાંથી કેટલાક અંતરપર આવેલા હિમાલયના એક ઉચ્ચ અને અંતર્ભાગમાં જઈને ઉપર કહેલી મરુદ્વતી નદીના તીરે તેણે એક નાની પર્ણકુટી બાંધી અને ત્યાં પોતાના કરી લીધેલા તે બાળકને શસ્ત્ર અને અસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવા માંડ્યું,
“આ એક જ બાળકને ગમે તેટલું શિક્ષણ આપવા છતાં પણ માત્ર એ એકલાની જ સહાયતાથી મારું ઈષ્ટકાર્ય સાધ્ય કેમ થશે ?” એ વિચાર તે બ્રાહ્મણના મનમાં આવ્યો જ. પરંતુ તેનો ઉત્સાહ મહાન્, નિશ્ચય દૃઢ અને પોતાના કાર્ય કરવાના ચાતુર્યમાં વિશ્વાસ અપાર હતો, અર્થાત્ એવા મનસ્વી મનુષ્યને નિરાશા સ્પર્શ પણ ક્યાંથી કરી શકે ? “જેવી રીતે ભગવાન્ રામચંદ્રે દક્ષિણમાંના વાનરોની સહાયતા લઈને રાવણ જેવા પ્રબળ શત્રુનો સંહાર કર્યો, તેવી રીતે હું પણ મારા આ ક્ષત્રિય વીરને હિમાલયમાંના ભિલ્લ, માતંગ, ચાંડાલ ઈત્યાદિ હીન જાતિમાં ગણાતા લોકોની સહાયતા અપાવીને ચાંડાલ કરતાં પણ નીચ એવા એ મગધદેશના રાજકુળનો નિપાત કરાવીશ.” એવી આશા તેણે ધારી અને તેની સફળતા કરવા માટે ભિલ્લ, માતંગ અને ચાંડાલ ઈત્યાદિ લોકોની નીચતાનો વિચાર ન કરતાં પોતાના આશીર્વાદથી તેમને પુનિત – શુદ્ધ કરીને શસ્ત્રાસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવાનો એકસરખો સપાટો ચલાવ્યો. એવામાં સત્વર જ તેની વિદ્વત્તાની પણ સર્વત્ર ખ્યાતિ થવાથી જ્યાં ત્યાંથી બ્રાહ્મણુપુત્રો પણ તેના આશ્રમમાં અધ્યયન કરવાને આવવા લાગ્યા. એવી રીતે એ પર્ણકુટી ઉભી કરવાને એક વર્ષ થયું ન થયું, એટલામાં તે ચાણક્યાશ્રમની અને તેના કુલપતિની કીર્તિનો સમસ્ત હિમાચલ પ્રદેશમાં પ્રસાર થઈ ગયો.
અસ્તુ; હવે પછીને માટે શી વ્યવસ્થા કરવી ? એ વિચારમાં તેનું મન રોકાયેલું હતું. એવી સ્થિતિમાં મધ્યાન્હ સમયે ચાણક્ય પોતાના સ્નાન કરવાના સ્થાન પ્રતિ ચાલ્યો જતો હતો, એ ઉપર કહેલું જ છે. વિચાર કરતા બેસી રહેવામાં તો કાંઈ પણ માલ નથી. પ્રતિજ્ઞા અને કાર્યની સિદ્ધિ કરવી હોય, તો અવશ્ય કાંઈ પણ આરંભ કરવો જોઈએ, એવા તરંગો તે દિવસે ખાસ કરીને તેના હૃદયસમુદ્રમાં ઉત્પન્ન થતા જતા હતા. અર્થાત્ શું કરવું? કાર્યનો પ્રારંભ કેવી રીતે કરવો ? એ વિચારો વિશેષ રીતે તેના મનને ત્રાસ આપતા હતા. ચંદ્રગુપ્ત પ્રાતઃકાળમાં જ ઉઠીને કોઈ શિકારના શોધ માટે અરણ્યમાં ચાલ્યો ગયો હતો. સમય અતિશય શાંત, પરંતુ પ્રખર-તપ્ત-હતો. સૂર્યનારાયણે આકાશના મધ્ય ભાગને પોતાનું આસન બનાવ્યું હતું, સર્વ પશુપક્ષીઓ પણ વિશ્રાંતિ લેવાના હેતુથી પોતપોતાની ગુફાઓમાં અને માળાઓમાં જઈને ભરાઈ બેઠાં હતાં. બ્રાહ્મણના આસપાસના પ્રદેશમાં જો કે સર્વત્ર શાંતિ છવાયલી હતી; પરંતુ તેના પોતાના અંતઃકરણમાં લેશમાત્ર પણ શાંતિનો ભાવ હતો નહિ. ઇષ્ટકાર્ય સિદ્ધ ન થયું હોય, ત્યાં સુધી તેના હૃદયને શાંતિ ક્યાંથી મળી શકે વારુ ? ચાણક્ય એવી રીતે વિચાર કરતો બેઠો હતો, એવામાં એકાએક એક વિલક્ષણ ક૯પના તેને સૂઝી આવી હોય, એમ જણાયું. કારણ કે તેની મુખમુદ્રા એકદમ પ્રફુલ્લિત થઈ ગઈ. એ ઉલ્લાસમાં જ તેણે એકવાર બન્ને હાથે તાળી વગાડી, અને પોતાના મન સાથે જ તે કાંઈ વાતચિત કરવા લાગ્યો. એક બે વાર ગર્દન ડોલાવીને તે સ્વગત કહેવા લાગ્યો, “બરાબર, એમ કીધા વિના હવે બીજો માર્ગ જ નથી. મારા ત્યાં ગયા વિના એ વ્યવસ્થા થવી અશક્ય છે, અને એ વ્યવસ્થા થયા વિના હવે પછીના કાર્યક્રમનો ઉપક્રમ થવો પણ અશક્ય જ છે. અહીં બેસી રહેવાથી જ શું થવાનું છે? જે થવાનું છે તે ત્યાં જ થવાનું છે. માત્ર એક જ વર્ષમાં ચંદ્રગુપ્તે કાંઈ થોડી વિદ્યાનું ગ્રહણ નથી કર્યું અને હું પાટલીપુત્રમાં ગયો હતો, તે વેળાએ હતી તેવી જ સ્થિતિ જો અત્યારે પણ કાયમ હશે, તો મારું કાર્ય સાધી લેવામાં વધારે કઠિનતા પણ થવાની નથી. હજી તો એક વર્ષ પણ થયું નથી અને હું ત્યાં જવાને તૈયાર થાઉં છું, એ બીના થોડીક અડચણ કરે એવી દેખાય છે. પણ એમાં અડચણ શી? આટલો મહાન્ વ્યૂહ રચવાની જે સત્તા ધરાવે છે, તે જ ચાણક્ય પ્રારંભમાં જ આવી શંકાઓથી ઉત્સાહહીન થઈ જાય, તો પછી કાર્ય કેમ થશે? જે મનમાં આવ્યું, તે તત્કાળ ન કર્યું તો પછી સિદ્ધિ કોઈ કાળે પણ થાય તેમ નથી.”
એવી રીતે મનમાં જ કાંઈક વિવેચના, કાંઈક નિશ્ચય અને કાંઈક વિચાર કરતાં કરતાં ચાણક્યે સ્નાન માટે નદીના જળમાં પ્રવેશ કર્યો, એ સમયે વેળાને યોગ્ય એવા મંત્રો એક પછી એક સહજ રીતે તેના મુખમાંથી નીકળતા હતા; પરંતુ તેનું મન એ મંત્રોના ઉચ્ચારણમાં નહોતું, એ તો સ્પષ્ટ જ છે. તેનું મન સર્વથા પોતાના ભવિષ્યમાં કરવા ધારેલા કાર્યોના વિચારમાં જ લીન થએલું હતું. સ્નાન ઈત્યાદિ કરીને તે મધ્યાહ્ન સંધ્યા કરવાને તીરપર મૃગચર્મ પાથરીને તેપર બેઠો અને આચમન કરીને પ્રાણાયામ કરવાની તૈયારીમાં હતો, એટલામાં તેનો માનીતો વત્સ ચન્દ્રગુપ્ત દોડતો દોડતો પોતા તરફ આવતો હોય, એમ તેણે જોયું. આવતાની સાથે જ ચન્દ્રગુપ્તે ગુરુને નમ્રતાથી નમન કરીને આજે પોતે વનમાં શાં શાં પરાક્રમ કર્યા હતાં, તેનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે જ્યારે એક મોટા જંગલી ડુક્કર અને એક અત્યંત સુંદર કૃષ્ણ મૃગ (કાળા હરિણ) ને મારવાનો વૃત્તાંત કહેતો જતો હતો, ત્યારે તેનો સાથીદાર એક બીજો રાજપુત્ર વચમાં જ કહેવા લાગ્યો કે “અને ગુરુજી! એ એકલો જ જ્યારે તે જંગલી ડુક્કરની પાછળ દોડી ગયો, ત્યારે અમને ખરેખર અર્જુનનું સ્મરણ થઈ આવ્યું હતું. અર્જુનના બળની પરીક્ષા માટે ભગવાન શંકરે કિરાતનું રૂપ ધારીને અર્જુનને ઉશ્કેર્યો હતો, તે વેળાએ અર્જુન ખરેખર આ ચંદ્રગુપ્ત પ્રમાણે જ શોભેલો હોવો જોઈએ.” એના બોલવાની ની સમાપ્તિ થતાં જ બીજો એક ભિ૯લ તેટલી જ ઉત્સુકતાથી કહેવા લાગ્યો કે, “ગુરુજી! જો તમે એ ડુક્કરને જોશો, તો ચંદ્રગુપ્તને ઘણો જ ધન્યવાદ આપશો. એટલો મોટો ડુકર આ જંગલોમાં આજ દિન સુધીમાં કોઈએ જોયો જ નથી, છતાં પણ એ તેનાથી રંચમાત્ર પણ બીનો નહિ અને જેવી રીતે લાકડીથી કોઈ કૂતરાને મારી નાખીએ, તેવી રીતે એણે તે ડુક્કરને ઠાર કરી નાખ્યો. આ૫ તે ડુક્કરને જોવાને ચાલો જ.”
પોતાના એકના એક અને પરમપ્રિય પુત્રે કોઈ અદ્વિતીય પરાક્રમ કર્યું હોય, તો જે પ્રમાણે તેનાં માતા પિતાને આનંદ થાય છે, તેવો જ કિંબહુના તેથી પણ વિલક્ષણ આનંદ ચાણક્યના મનમાં થયો. જેને હાથમાં લીધો છે, તેની શૂરવીરતા અત્યાર સુધી તો ઘણી જ સારી છે, પરંતુ જે કાર્ય થવું જોઈએ, તે તો સર્વ હજી બાકી જ છે; તે કાર્યની સફળતા સાથે સરખાવતાં આ કાંઈ પણ નથી, એવો વળી બીજો વિચાર આવતાં તેને થોડાક શોક પણ થયો. પરંતુ તે શોક ક્ષણમાત્રનો જ હતો. તે ક્ષણ વીતતાં જ તે ચંદ્રગુપ્તને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “વત્સ ચંદ્રગુપ્ત ! તારા આ પરાક્રમની વાર્તા સાંભળીને ખરેખર મારા હૃદયમાં ઘણો જ આનંદ થયો છે. સર્વદા એવાં જ પરાક્રમ કરતો રહેજે. પણ હવે તને મારે એક બીજી જ વાત કહેવાની છે. બાળકો ! તમે બધા જરા આઘા ચાલ્યા જાઓ. જ્યારે હું બોલાવું ત્યારે પાછા આવજો.” સર્વ વિદ્યાર્થીઓ સર્વથા ગુરુની આજ્ઞાને જ અનુસરનારા હતા – અર્થાત્ ગુરુની આજ્ઞા થતાં જ તેઓ તરત જ દૂર ચાલ્યા ગયા.
એકાંતમાં ચાણક્ય ચંદ્રગુપ્તને સંબોધીને પુનઃ કહેવા લાગ્યો. “હે પુત્ર ચંદ્રગુપ્ત ! હું થોડા સમયને માટે તારાથી દૂર થવાનો છું. જો કે તારી અવસ્થા હજી ઘણી જ નાની છે, છતાં પણ તારા હાથે જે મારે એક મહત્ કાર્ય કરાવવાનું છે, તેનો આરંભ અત્યારથી જ કરવો જોઈએ. તેને મુલતવી રાખવામાં માલ નથી. ઉપરાંત આ આશ્રમની વ્યવસ્થાનો ભાર આ ચાર માસને માટે તો તારા શિરે જ રહેવાનો. જે મનુષ્ય ભવિષ્યમાં એક મોટા રાજ્યનો રાજા થવાનો છે, તેને તેવા કાર્યભારનો થોડો ઘણો અનુભવ તો મળવો જ જોઈએ અર્થાત્ તું આટલો બધો તરુણ છે, છતાં પણ આ આશ્રમનો સઘળો ભાર તારા માથાપર નાખીને હું એક ચાતુર્માસ્ય પર્યન્ત બહાર જવા ઇચ્છું છું. તું જાણે છે તો ખરો કે, અમુક એક કાર્ય માટે મારે નિશ્ચય થયો, તો તે કદાપિ ફરવાનો નહિ, અને આપણે જો આપણા હેતુને સિદ્ધ જ કરવાની ઇચ્છા રાખીએ છીએ, તો જરૂર તારે મારા વચન પ્રમાણે જ કરવું પડશે, તું મોંઢું વાકુંચુકું કરીશ નહિ. તેમ કરવાની કાંઈ પણ અગત્ય નથી. કારણ કે હું જાઉં છું તે આગળ ઉપરના કાર્યનો પાયો નાખવાને જ જાઉં છું – એમાં મારો બીજો કશો પણ હેતુ નથી. મારે ત્યાં શું શું કરવાનું છે, તે અત્યારે જ તને જણાવી દેવાનું કાંઈ પણ પ્રયોજન નથી. વત્સ ! મગધદેશના રાજસિંહાસને હું જ્યારે તને વિરાજેલો જોઈશ, ત્યારે જ મારાં નેત્રોની બાધાનો અંત થશે. ત્યાર પહેલાં થવાનો નથી, એ નિશ્ચયપૂર્વક માનવું. વધારે હું તને કાંઈ પણ કહેવા માગતો નથી. બીજાઓને જે કાંઈ પણ કહેવાનું હશે તે હું કહી દઈશ; પણ સર્વપર દેખરેખ તો તારે જ રાખવાની છે. તું જ આશ્રમનો સ્વામી છે. તું જ અહીંનો રાજા છે. ભવિષ્યમાં તું રાજ્ય કેવી રીતે ચલાવી શકીશ, એનું અનુમાન તારા આ ચાર માસના વર્તન પરથી સહજમાં કાઢી શકાશે.”
બિચારો ચંદ્રગુપ્ત ખરેખર નમાણું મોઢું કરીને જ ચાણક્યનું એ ભાષણ સાંભળતો જતો હતો. તેને પોતાના ગુરુના થનારા વિયોગના સ્મરણથી ઘણો જ ખેદ થયો. બાલ્યાવસ્થાથી જે ગોવાળિયાએ એનું લાલન પાલન કર્યું હતું તેના કરતાં પણ માત્ર એક વર્ષમાં જ ચાણક્યે એના મનનું વિશેષ આકર્ષણ કર્યું હતું – તેથી એ ગુરુરાજના વિયોગથી થનારું દુ:ખ તેને અસહ્ય ભાસતું હતું. તે ગુરુને નમ્રતાથી કહેવા લાગ્યો. “ચાણકય મહારાજ! હજી તો મારા શિક્ષણની સમાપ્તિ થઈ નથી, ત્યાં તો આપ મને છોડી જવાની વાત કરવા બેઠાને? ત્યારે મને સાથે જ શામાટે નથી લઈ જતા ? જ્યાં આપ ત્યાં જ હું – કાંઈ ૫ણ સંકટ આવતાં હું બ્હી જઈશ, એવી ભીતિ રાખશો નહિ. જો આપ મારા સમક્ષ હશો, તો હું કાળથી પણ ડરનાર નથી. વધારે શું કહું ? પરંતુ જો આપ મને અહીં એકલો જ છોડી જશો, તો માત્ર મારી મનોવૃત્તિ શાંત રહેવાની નથી. સાથે રહેતાં ગમે તે સુખ દુઃખ વીતે તેની મને પરવા નથી.”
“તું સંકટથી ગભરાઈ જઈશ, એમ ધારીને હું તને સાથે નથી લઈ જતો એમ બિલકુલ નથી. હાલનો વખત જ એવો છે કે, મારે એકલાએ જ જવું જોઈએ. હવે એ વિશે વધારે કશું પણ તારે બોલવું નહિ – હું કહું તેવી રીતે વર્તવું, એ જ તારું કર્તવ્ય છે. આમ કરવામાં તારા કલ્યાણ વિના મારો બીજો કોઈ પણ હેતુ નથી, એ બીજી વાર કહી બતાવવું જોઈએ તેમ નથી; કારણ કે તે તું સારી રીતે સમજે છે.” ચાણક્યે ગંભીર ભાવથી ભવ્યમુદ્રા કરીને ચંદ્રગુપ્તના મનનું સમાધાન કર્યું.
ગુરુના મુખમાંથી આવાં વચનો નીકળતાં ચન્દ્રગુપ્ત અધિક શું બેાલી શકે વારુ? તેનાથી કાંઈપણ બોલાયું તો નહિ, પણ તેના મનમાં જે અતોનાત દુ:ખ થતું હતું, તે આર્ય ચાણક્ય સ્પષ્ટતાથી જોઈ શક્યો; છતાં પણ ચાણક્ય જેટલો પોતાના મનોવિકારોને વશ થઈ જનારો હતો, તેટલો જ તે નિશ્ચયી પણ હોવાથી તેણે પોતાના નિશ્ચયને અણુમાત્ર પણ ન્યૂન થવા દીધો નહિ. તેણે પુન: પોતાના મનમાં વિચાર કર્યો કે, “હવે તો મનમાં જે કાર્ય કરવાની ઇચ્છા થએલી છે, તે કાર્યનો આરંભ કરવો જ જોઈએ. કાર્યની ઉપેક્ષા ન કરવી. આ કાર્ય એવું છે કે, એની સિદ્ધિમાં કોણ જાણે કેટલા દિવસો લાગશે, એનો નિશ્ચય નથી. માટે એનો જેટલો જલ્દી પ્રયત્ન અને પ્રારંભ થાય, તેટલો તે વિશેષ સફળ થવાનો સંભવ છે.”
નિશ્ચયી પુરુષે પોતાના નિશ્ચિત કાર્યને કરવામાં કદાપિ વિલંબ કરતા નથી, એ નીતિતત્ત્વ ચાણક્યમાં સંપૂર્ણ રીતે વ્યાપેલું હતું. તે જ દિવસે રાત્રે ચાતુર્માસ્ય જેટલી કરવી જોઈતી સર્વ વ્યવસ્થા કરીને બીજે દિવસે ઉષઃકાળમાં કુલપતિ ચાણક્ય પોતાના પ્રિય શિષ્યોને આનંદપૂર્વક ભેટી તેમને આશીર્વાદ આપીને આશ્રમમાંથી નીકળી વિદેશમાં જવામાટે પ્રવાસને પંથે ચાલતો થયો.
ચંદ્રગુપ્ત દૃષ્ટિ પહોંચી શકી ત્યાં સુધી નિ:સ્તબ્ધતાથી ગુરુરાજને જોતો આશ્રમના દ્વારમાં ઉભો રહ્યો.
આગળની વાત હવે પછીના ભાગમાં..
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો