બુદ્ધભિક્ષુ વસુભૂતિના પત્રને વાંચવા માટે વૃન્દમાલા અતિશય ઉત્સુક હતી. મુરાદેવીના મનમાંનો પ્રમાદ દૂર થાય, અને તે અંત:પુરમાં સુખ સમાધાનથી રહે, એવી વૃન્દમાલાની અંતઃકરણપૂર્વક ઇચ્છા હતી; કારણ કે, મુરાદેવીમાં વૃન્દમાલા ઘણો જ સારો ભક્તિ ભાવ રાખતી હતી. ધનાનન્દ રાજાએ તેને ઘણો જ અન્યાય આપ્યો હતો અને તેના બાળકનો વિના કારણ ઘાત કરાવ્યો હતો, એ ઘટનાના સ્મરણથી વૃન્દમાલાના હૃદયમાં પણ ખેદ તો થતો જ હતો; પરંતુ જે વાર્તા પંદર સોળ વર્ષ પહેલાં બની ગઈ તેને પાછી તાજી કરીને વિના કારણ પોતાના જીવને દુઃખી કરવો, એ તેને સારું લાગ્યું નહિ. તેમ જ ગૃહમાં કલહ ઉપજાવવો, એ પણ તેને ગમતું નહોતું. કદાચિત મુરાદેવીનો પુત્ર જીવતો હોત, અને તેને રાજ્ય પ્રાપ્ત થવાનો સંભવ હોત, તો તો તેણે પોતાની સ્વામિનીને સહાયતા પણ આપી હોત; પરંતુ તેવું કાંઈ હવે હતું નહિ. મુરાદેવી, પોતાના પુત્રનો વધ થયો અને પોતાનું અપમાન થયું, એનું વૈર લેવા માટે જ દ્વેષભાવથી રાજકુળના વિધ્વંસની પ્રતિજ્ઞા લઈ બેઠી છે, એ બનાવ વૃન્દમાલાને મહાન અનર્થકારક ભાસવા લાગ્યો. એમાં વળી નંદકુળનો નાશ કરીને પોતાના પિતૃકુળમાંના કોઈને પાટલિપુત્રના સિંહાસને બેસાડવાની મુરાદેવીની નિષ્ઠા તો તેને અત્યંત અનિષ્ટ લાગી.
મુરાદેવીના હસ્તે એ વ્યૂહની રચના થતાં તેને તેમાં સિદ્ધિ મળશે, એવી તો વૃન્દમાલાને આશા માત્ર પણ હતી નહિ. કારણ કે, મુરાદેવીની શક્તિ તો શી ? પરંતુ પોતાના મનોવિકારોને અનુસરીને એવો કોઈ પ્રયત્ન કરે અને તેની રાજાને ખબર પડે, તો ક્યાંક મુરાદેવી પોતે જ ભયમાં આવી ન પડે, એવી જ વૃન્દમાલાને શંકા થયા કરતી હતી. આટલા વર્ષ તો તે કારાગૃહમાં હતી, અને હવે અચિન્ત્ય તેને કારાગૃહમાંથી મુક્તિ મળતાં આવું કાંઈ પણ આડું અવળું વેતરીને પાછી તે કારાગૃહવાસિની થાય કે એથી પણ કોઈ વિશેષ ભયંકર શિક્ષાને પાત્ર થાય, એ કૃતજ્ઞ દાસી વૃન્દમાલાને ગમતું નહોતું. વૃન્દમાલાની પોતાની સ્વામિનીમાં ઘણી જ પ્રીતિ હતી, અને તેથી જ તેના શિરે કોઈ પણ સંકટ ન આવે, એમ તે કાયા વાચા મનથી રાત્રિ દિવસ ઇચ્છતી હતી. મુરાદેવી પોતાના દ્વેષને આધીન થઈ અચાનક કોઈપણ સંકટને વ્હોરી લેશે, તે ન વ્હોરે અને તેને શાંત થવા માટેનો ઉપદેશ આપી શકાય, એવા હેતુથી જ વૃન્દમાલાએ બુદ્ધભિક્ષુ વસુભૂતિ પાસે જઈને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો હતો. વસુભૂતિ કોઈપણ યુક્તિ કાઢીને મુરાદેવીના રક્ષણનો ઉપાય યોજશે જ અથવા તો તેને સારો બોધ આપીને તેના દ્વેષનો નાશ કરશે, એવો વૃન્દમાલાના મનનો દૃઢ નિશ્ચય હતો. એવામાં સિદ્ધાર્થકે વસુભૂતિનું પત્ર લાવી આપવાથી તો તેને પૂર્ણ રીતે ભાસ્યું કે, ગુરુજીને મુરાદેવીનો કાંઈક પણ વિચાર થયો છે ખરો અને એથી ગમે તે ઉપાયે પણ તે એને શાંતિ પણ આપશે જ. અસ્તુ. પત્રને લઈને તે એક એકાંત સ્થળમાં ગઈ અને ત્યાં તે પત્રને ઊઘાડીને વાંચવા લાગી. તે નીચે પ્રમાણે હતું:–
“સ્વસ્તિ ! ગઈ કાલે રાત્રે તારા અહીંથી ગયા પછી મારું મન ઘણું જ ચિંતાતુર થએલું છે. તેં મુરાદેવી વિશેનો જે વૃત્તાંત કહી સંભળાવ્યો, તે વિશે મેં ઘણોય વિચાર કર્યો. મને અંતે એમ જણાયું કે, મુરાદેવીને જો તેના હાલમાં છે તેવા જ વિચારોમાં રહેવા દેવામાં આવશે, તો પરિણામ સારું નહિ થાય. એનો જ ઘાત થશે. માટે એના સંરક્ષણ માટેની કાંઈ પણ યોજના થવી જોઈએ અને એ યોજના કેવી રીતે કરવી, તેનો ઉપાય મેં શોધી રાખ્યો છે. તું પાછી એકવાર આવીને મને મળી જજે, એટલે મુરાદેવીને અને મારો મેલાપ ક્યાં અને કેવી રીતે થશે, એનો વિચાર આપણે કરી શકીશું. તેનું અને મારું એકવાર મળવું થયું, એટલે આપણી ધારણા પ્રમાણે સર્વ કાર્ય બની શકશે, એમ મારું માનવું છે. આપણને હાલ તો એમ જ લાગે છે કે, મુરાદેવીના આવા વર્તનથી તેના પોતાના ઘાતવિના બીજું કશું પણ થવાનું નથી, પરંતુ એમ પણ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ કારણ કે, હમણાં હમણાં ધનાનન્દ વિશે અમાત્યગણમાં પણ કેટલોક અસંતોષ ઉત્પન્ન થએલો છે અને યવનો તો મગધમાં પ્રવેશ કરવાને અહોરાત્ર પ્રયત્ન કરી જ રહ્યા છે. એવા અશુભ સમયમાં જો થેાડો પણ ગૃહકલહ થયો, તો તે હાનિમાટે પૂરતો છે. એ ગૃહકલહરૂપ અગ્નિની જ્વાળા વધશે, એવો સોળે સોળ આના સંભવ છે, માટે તેનાપર જલવૃષ્ટિ કરીને આપણે તેને શાંત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. મુરાદેવીની ચિત્તવૃત્તિ અત્યારે છે, તેના કરતાં વધારે વિકારવાળી થવા ન પામે, એની તું દિન રાત્ર ચિંતા રાખજે. હું તો એની ચિતામાં નિમગ્ન થએલો છું જ, હવે પછી, મુરાદેવીના અંત:પુરમાં વધારે કોણ આવે જાય છે, તે કોની સાથે વધારે સંભાષણનો વ્યવહાર રાખે છે, શું બોલે છે અને શું આચરણ કરે છે ઇત્યાદિ બાબતોની બની શકે તેટલી સારી તપાસ રાખજે. જો એમાં તને કાંઈ પણ વધારે ઓછું જણાય, તો તેની મને ઝટ ખબર આપજે. હવે વધારે જે કાંઈ પણ કહેવા કરવાનું હશે, તે રુબરુમાં કહીશ. વાંચી લીધા પછી આ પત્રને બાળી નાંખજે – એને સંભાળી રાખીશ નહિ. ભગવાન બુદ્ધનો વિજય થાઓ ! અને તારું કલ્યાણ થાઓ. ભગવાન બુદ્ધ જ પ્રસ્તુત પ્રસંગે આપણને સુખદાયક માર્ગ દેખાડશે. ઇતિ શુભમ.”
એ પત્ર વાંચતાં જ વૃન્દમાલાનું મન કાંઈક શાંત થયું. વસુભૂતિમાં તેની ઘણી જ શ્રદ્ધા હોવાથી તેને એમ જ ભાસ્યું કે, “મારા ગુરુજીએ એ કાર્ય પોતાને શિરે લીધેલું છે, તો હવે એમાં કાંઈ પણ વિઘ્ન આવી શકે તેમ નથી. એ સર્વ કાર્ય યોગ્ય રીતે કરશે જ.” એવી ભાવના કરીને પુન: તે જ રાત્રે ભિક્ષુ વસુભૂતિના દર્શન માટે જવાનો તેણે નિશ્ચય કર્યો, અને તે પ્રમાણે યોગ્ય વેળાએ અંત:પુરમાંથી તે બહાર નીકળી.
અહીં સિદ્ધાર્થક અને ચાણકય વૃન્દમાલાને બુદ્ધભિક્ષુનું પત્ર આપીને પાછા ફર્યો, તે નગરની શોભાને જોતા જોતા ધીમે ધીમે પોતાનો માર્ગ કાપતા જતા હતા. માર્ગમાં ચાલતાં ચાલતાં ચાણક્ય બે કાર્યો કરતો જતો હતો. એક તો, સિદ્ધાર્થકને નાના પ્રકારના પ્રશ્નો પૂછીને તેના મુખેથી નગરની અને રાજકુળની અંતર્બાહ્ય સ્થિતિનું જ્ઞાન મેળવતો હતો; અને વૃન્દમાલાને મળીને તેને પોતાના પક્ષની કરી લેવા માટે શા શા ઉપાયો યોજવા જોઈએ, એનો વિચાર પણ તેના મસ્તકમાં ચાલુ જ હતો. “આજે વસુભૂતિએ વૃન્દમાલાને જે પત્ર પાઠવ્યું હતું, તેમાં બહુધા તેને બોલાવેલી જ હોવી જોઈએ, અને ગઈ કાલે રાત્રે વૃન્દમાલાએ જે વૃત્તાંત કહી સંભળાવ્યો હતો, તે વિષે ભિક્ષુએ કાંઈ પણ વિચાર કર્યો હશે અને તેના સંબંધમાં જ અત્યારે વાતચિત કરવાની હશે,” એવું ચાણક્યે અનુમાન કર્યું. અને એ અનુમાનથી “વૃન્દમાલા અને વસુભૂતિ મધ્યે થનારા પરસ્પર ભાષણનું મારે શ્રવણ કરવું જ જોઈએ. એથી મારા ભાવી કાર્યમાં ઘણા જ લાભનો સંભવ છે. કાલની રાત પ્રમાણે આજે રાત્રે પણ મારે જઈને વસુભૂતિ પાસે બેસવું જોઈએ.” એ પ્રમાણે તેણે નિશ્ચય કર્યો.
બીજી જ પળે તેના મનમાં એક બીજો વિચાર આવ્યો. “પરંતુ આજે પણ કાલ પ્રમાણે કરવાથી કદાચિત વસુભૂતિને સારું નહિ લાગે. માટે આજે હવે બીજી જ કોઈ યુક્તિ શોધી કાઢવી જોઈએ,” એવો નિર્ધાર કરીને સિદ્ધાર્થક સાથે વાતો કરતો કરતો એક મંદિર સમક્ષ અચાનક તે ઊભો રહી ગયો. એ મંદિર કયા દેવનું હતું, એ તો તે જાણી ગયો હતો, છતાં પણ માર્ગમાં થોભવાના હેતુથી તેણે સિદ્ધાર્થકને ખાસ સવાલ કર્યો કે, “આ વિશાળ મંદિર કયા દેવનું છે વારુ?” એ સવાલ સાંભળતાં જ અંગમાં જાણે કંપ થયો હોયની ! તેવા ભાવથી સિદ્ધાર્થકે જવાબ દીધો કે, “નમો અરિહંતાણમ – નમો અરિહંતાણમ – બ્રાહ્મણવર્ય ! આ મંદિર કોનું છે, એ પ્રશ્ન તમે શા માટે કર્યો? જેમના નામનો ઉચ્ચાર પણ મારા મુખેથી કરી ન શકાય, તે વામમાર્ગી કાલિકાના ભક્તોનું એ મંદિર છે. એમાં દેવીની જે મૂર્તિ છે, તેને ચંડિકેશ્વરીના નામથી ઓળખવામાં આવે છે, અને એ દેવીના મુખ સામે આવેલા કુંડમાં પ્રત્યેક મંગળવારે અનેક પશુઓનું રક્ત શોણિત રેડાય છે.” એમ કહીને સિદ્ધાર્થકે એક દીર્ઘ નિઃશ્વાસ નાંખ્યો અને સ્તબ્ધ બની ગયો. એટલે ચાણક્યે વળી કહ્યું કે, “ખરેખર સિદ્ધાર્થક! આ પશુહત્યા બંધ થઈ જાય, તો ઘણું જ સારું થાય; પરંતુ ભગવતી અંબિકાની ઉપાસના કરવામાં એથી કશો પણ પ્રત્યવાય આવી શકે તેમ નથી. હું શિવભક્ત છું, માટે અનાયાસે થનારા આ અબિકાનાં દર્શનનો લાભ મારે લેવો જ જોઈએ. તું અહીં જ ઉભો રહેજે – હું દર્શન કરીને હમણાં જ પાછો આવી પહોચું છું.”
ચાણક્યનો એ મંદિરમાં જવાનો વિચાર સિદ્ધાર્થકને ગમ્યો નહિ. તે તેનો નિષેધ પણ કરવાનો હતો; પણ એટલામાં તો ચાણક્ય મંદિરના દ્વારમાં પ્રવેશ કરીને અંતર્ભાગમાં પણ પહોંચી ગયો. સિદ્ધાર્થક પોતે તો પ્રાણ જતાં પણ મંદિરમાં પ્રવેશ કરે, એમ હતું જ નહિ – અર્થાત્ તે ચાણક્યના આવવાની વાટ જોતો માર્ગમાં જ ઊભો રહ્યો.
એક પ્રહરનો તૃતીય ભાગ વહી ગયો, તોપણ ચાણક્ય પાછો ફર્યો નહિ. સિદ્ધાર્થકથી એ મંદિરમાં પ્રવેશ કરી શકાય તેમ હતું નહિ, અને એ બ્રાહ્મણ નગરમાં નવો જ આવેલ હોવાથી તે આવે ત્યાં સુધી તેને મૂકીને જવાય તેમ પણ નહોતું. કારણ કે, “જો હું એને છોડીને ચાલ્યો જઈશ, તો માર્ગમાં એ ક્યાંક ભૂલો પડી જશે અને ગુરુજી પણ મને દોષ આપશે” એવો તેના મનમાં વિચાર આવ્યો, તેથી તે ત્યાં જ ઊભો રહ્યો; પરંતુ ત્રિસંધ્યાનો સમય થયો, તોપણ ચાણક્ય મંદિરમાંથી બહાર નીકળ્યો નહિ.
એ મંદિરને ચારે દિશાએ દ્વારો હતાં, તે દ્વારામાંના કોઈએક દ્વારમાંથી બહાર નીકળીને તે ભૂલો તો નહિ પડ્યો હોય, એવી સિદ્ધાર્થકના મનમાં શંકા આવતાં તેણે મંદિરની આસપાસ ફરીને પ્રદક્ષિણા કરવા માંડી, અને પ્રત્યેક દ્વાર પાસે થોડી થોડી વાર ઊભો પણ રહેતો ગયો; પરંતુ ચાણક્યનું નામનિશાન ક્યાંય પણ જોવામાં આવ્યું નહિ, અંતે સર્વથા નિરુપાય થઈને તેણે પોતાના વિહારનો માર્ગ પકડ્યો, તે કેટલીવાર વાટ જોઈ શકે વારુ ? છતાં પણ માર્ગમાં જતાં જતાં ચાણક્યને જોવા માટે તેણે પોતાની દૃષ્ટિને અહીં તહીં ફેરવવાનું પણ બાકી રાખ્યું નહિ.
ચાણક્ય એ વામમાર્ગીઓના મંદિરમાં ગયો. તે કોઈ ખાસ કારણને લીધે જ ગએલો હતો. તે સારી રીતે જાણતો હતો કે, “સિદ્ધાર્થ કાંઈ એ મંદિરમાં આવનારો નથી. અને તેથી એને ટાળવાનો મારે જે ઉપાય કરવાનો છે, તે આ મંદિરનો આશ્રય લેવાથી પોતાની મેળે જ થઈ જશે.” એ હેતુથી જ તે ત્વરિત બહાર નીકળ્યો નહોતો. એ ચંડિકેશ્વર મહાદેવના મંદિરમાં પણ કૈલાસનાથના મંદિર પ્રમાણે જ પુષ્કરિણીઓ ઈત્યાદિ સર્વે સાધનો હતાં; માટે ત્યાં જ પોતાના સાયંસંધ્યાદિ કર્મો કરીને ત્યાર પછી બહાર પડવાનો વિચાર કરીને તે ત્યાં જ રોકાયો. સાયં પ્રકાશનો મંદ આભાસ થતાં જ એક પુષ્કરિણીના તટે બેસીને તેણે સંધ્યાવંદન આદિ વિધિનો આરંભ કર્યો અને સ્વસ્થતાથી ધ્યાનમાં લીનતા કરી. બહાર પોતાની વાટ જોતો સિદ્ધાર્થક માર્ગમાં ઊભો હશે, એની તો જાણે તેને કલ્પના જ ન હોયની, એવો તેની ગંભીર મુખમુદ્રાને જોતાં ભાસ થતો હતો. જાણી જોઈને જ જ્યાં કોઈ અમુક પ્રકારનું વર્તન કરતો હોય, ત્યાં એવી કલ્પનાનો ભાસ ક્યાંથી થઈ શકે વારુ ?
સ્વસ્થ ચિત્તે પોતાનાં સર્વ કર્મો આટોપીને ચાણક્ય તે મંદિરમાંથી બહાર નીકળ્યો. મંદિરમાં ગયાને આ વેળાએ તેને લગભગ એક પ્રહર જેટલો સમય થયો હતો. એક પ્રહર પર્યન્ત તેની વાટ જોઈને સિદ્ધાર્થક ઊભો રહે, એ ન બનવા જોગ હોવાથી તેણે તેને શોધવાનો જરા પણ શ્રમ લીધો નહિ.
ચાણક્ય ચંડિકેશ્વરીના મંદિરમાંથી બહાર નીકળ્યો અને રાજમંદિરની દિશામાં તેણે પ્રયાણ કર્યું. તેને માર્ગની જોઈએ તેવી માહિતી હતી નહિ. તથાપિ પ્રથમથી જ જતાં આવતાં કેટલીક નિશાનીઓ ધ્યાનમાં રાખેલી હોવાથી અટકળે તેણે ચાલવા માંડ્યું. ચાણક્યના આ કપટખેલનું કારણ એ હતું કે, “વૃન્દમાલા રાત્રે અવશ્ય વસુભૂતિ પાસે આવશે, માટે તેને માર્ગના મધ્યમાં જ મળવું અને હું માર્ગ ભૂલી ગયો છું, તેથી અચાનક તારો મેળાપ થઈ ગયો, એમ તેને જણાવવું, ત્યાર પછી તેની સાથે જ વિહારમાં જવું – એટલે માર્ગમાં ચાલતાં ચાલતાં કાંઈક પણ સંભાષણ તો થવાનું જ, અને એ સંભાષણથી વૃન્દમાલાના મુખથી મુરાદેવી વિશેની કોઈને કોઈ રહસ્યનું જ્ઞાન પણ થવાનું જ. એથી ભવિષ્યમાં મારા કાર્યસાધનમાં ઘણી જ સુલભતા થઈ પડશે.” એવો ચાણક્યે પોતાના મનમાં વ્યૂહ રચેલો હતો. એ નિશ્ચય કરીને ચાણક્ય રાજમહાલયના પાછળના ભાગમાં આવી ત્યાં ફેરા ફરવા લાગ્યો. વસુભૂતિએ “આજ રાત્રે તું મને આવીને મળી જજે,” એમ લખેલું જ છે, એ વિશે તેના ચિત્તમાં અણુરેણુ માત્ર પણ શંકા હતી નહિ.
લગભગ એક પ્રહર રાત્રિ વ્યતીત થતાં ખરેખર જ વૃન્દમાલા રાજમહાલયના પાછલા ભાગમાં આવેલા દ્વારમાંથી બહાર નીકળી. ચાણક્ય તો માર્ગમાં સામે જ બેઠેલો હતો – તેણે તેને બહાર નીકળતાં અને દ્વારના અંતર્ભાગમાં કોઈને કાંઈ બુઝાવતાં જોયાં. તે એ દ્વારથી દૂર જ ઊભેલો હતો. તેનો હેતુ એ હતો કે, રાજમંદિરની આસપાસ ફરતાં કોઈ જોઈ ન લે તો વધારે સારું. એમાં પણ રાજમંદિરમાંની જ કોઈ વ્યક્તિ માટે તે ફરે છે, એવો સંશય તો કોઈના મનમાં આવવો ન જ જોઈએ.
ચાણક્યના તર્ક પ્રમાણે વૃન્દમાલા ખરેખર મહાલયમાંથી બહાર નીકળી, એ ઊપર કહેલું જ છે. તે નીકળીને વસુભૂતિના વિહારમાં જવાના માર્ગમાં ચાલવા લાગી. એની સાથે માત્ર એક પરિચારક જ હતો. વૃન્દમાલાને ચાણક્યે લગભગ માર્ગનો ત્રીજો ભાગ કાપી જવા દીધો, અને ત્યાર પછી. તેની આગળ નીકળી જઈ પાછો ફરીને તેના મુખ સામે આવીને ઊભેા રહ્યો – જાણે કે સામેથી જ આવતો હોયની ! એવો તેણે ભાસ કરાવ્યો. સામે આવતાં જ “કોણ, વૃન્દમાલા ! અહાહા ! ભગવાન કૈલાસનાથે જ તને આ વેળાએ મારા છુટકા માટે મોકલી આપી છે. વસુભૂતિ ભિક્ષુનું પત્ર તને આપીને હું અને સિદ્ધાર્થક નીકળ્યા, તે ચંડિકેશ્વરીના દેવાલય પાસે આવી પહોંચ્યા. ત્યાં મને દેવીનાં દર્શનમાટે મંદિરમાં જવાની સહજ ઇચ્છા થઈ આવી. ત્યાં બલિદાનના નામે બકરાં અને પાડા ઇત્યાદિ પશુઓની ઘણી જ હત્યા થતી હોવાથી સિદ્ધાર્થકે મને ત્યાં જવાની ના પાડી; પરંતુ મારી ઇચ્છા પ્રબળ થવાથી હું તો અંદર ગયો જ, અને એ ભિક્ષુની અવજ્ઞા કરવાનું ફળ પણ મને મળી ચૂકયું. હું કોણ જાણે કયા દરવાજેથી બહાર નીકળ્યો કે સિદ્ધાર્થક મને મળ્યો જ નહિ. હું પાછો મંદિરમાં ગયો અને અહીં તહીં ભટકીને જે દ્વારના બહારના ભાગમાં સિદ્ધાર્થક મારી વાટ જોતો ઉભેા હતો, તે દ્વારને શોધી કાઢવાનો ઘણોય પ્રયત્ન કર્યો – પ્રત્યેક દ્વારમાં હું રખડ્યો, પણ સિદ્ધાર્થક ક્યાંય જોવામાં આવ્યો નહિ અંતે હું નિરુપાય થયો અને માર્ગમાં ભટકવા લાગ્યો. એટલામાં હમણાં તને અચાનક જોઈ વૃન્દમાલે ! તું ક્યાં જાય છે? મારો જીવ તો ગભરાઈ ગયો છે – જો તું વસુભૂતિને ત્યાં જતી હોય, તો મને સાથે લેતી જા. જ્યારે અમે તારે ત્યાં આવતા હતા, ત્યારે વિહાર પ્રતિ પાછા ફરવાનો સઘળો માર્ગ મેં ધ્યાનમાં રાખ્યો હતો, પરંતુ આવ્યા હતા તે જ માર્ગેથી પાછા ન ફરવાથી – અર્થાત્ બીજો માર્ગ લેવાથી જ મારી ભૂલ થઈ ગઈ અને હું માર્ગમાં ભૂલો પડ્યો.”
ચાણક્યનો એ વૃત્તાંત સાંભળીને વૃન્દમાલાના મનમાં તેના માટે ઘણી જ દયા આવી અને તેથી તે તેને કહેવા લાગી કે, “વિપ્રવર્ય ! હું તને માર્ગમાં મળી ગઈ, એ ઘણું જ સારું થયું. તું તો ખેાટે જ માર્ગે ચાલ્યો જતો હતો. હવે મારી સાથે ચાલ. હું ગુરુજીના વિહારમાં જ જવાને નીકળી છું. તમે બે જણ જે પત્ર લાવ્યા, તેમાં મને વિહારમાં આવી જવાની જ આજ્ઞા કરવામાં આવી છે. ખરેખર મારો અને તારો મેળાપ થયો ન હોત, તો કોણ જાણે તારી શી દશા થઈ હોત! આજ દિશામાં જો તું ચાલ્યો ગયો હોત, તો આખી રાત ભટકતાં પણ તને માર્ગ મળ્યો ન હોત. અસ્તુ; થયું તે ઠીક જ થયું. હવે હું તને કૈલાસનાથના મંદિરમાં સુખરૂપ પહોંચાડી દઈશ. ભગવાન વસુભૂતિ અને સિદ્ધાર્થક બન્ને તારા માટે ચિંતામાં પડ્યા હશે. સિદ્ધાર્થકને કદાચિત્ વસુભૂતિએ તારા શોધ માટે પાછો પણ નગરમાં મોકલ્યો હોય, તો પણ આશ્ચર્ય જેવું નથી.”
“શું કરું? હું સર્વથા નિરુપાય થઈ ગયો. જે દ્વારમાંથી મેં મંદિરમાં પ્રવેશ કર્યો, તે દ્વાર મારા ધ્યાનમાં જ રહ્યું નહિ. એનો જ રહી રહીને મને શોક થયા કરે છે. વળી નગરી વિશાળ અને હું નવો પ્રવાસી, એટલે જોયા જેવી બની.” ચાણક્યે આ શબ્દોથી પોતાની નિર્દોષતાનું સોળે સોળ આના દર્શન કરાવ્યું.
એ સંભાષણ થવા પછી વૃન્દમાલા અને ચાણક્ય બન્ને પોતાને માર્ગે પડ્યા. ચાલતાં ચાલતાં ચાણક્ય તેને કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે! ગઈ કાલે ગુરુજી સમક્ષ તે જે તારી સ્વામિનીનો વૃત્તાંત કહી સંભળાવ્યો, તે સાંભળીને મારું મન ઘણું જ ઉદ્વિગ્ન થઈ ગએલું હતું. તારા ગયા પછી મારું અને વસુભૂતિનું એ વિશે લાંબુ લાંબુ સંભાષણ ચાલ્યું હતું – તેમણે મને મુરાદેવીનો સઘળો પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળીને તો વળી મને વધારે શોક થયો. બિચારીનાં કેવાં દુર્ભાગ્ય!”
“હા – દુર્ભાગ્ય તો ખરાંજ !” વૃન્દમાલાએ કહ્યું, “પરંતુ હવે તે દુર્ભાગ્યના સ્મરણથી જીવને સંતાપમાં નાખવાથી અને આકાશમાં દુર્ગ બાંધી તેમાં રહેવાની કલ્પના કરવાથી શો લાભ મળવાનો હતો? એવા વિચારોથી પોતાની હાનિ વિના બીજું કાંઈ પણ ફળ થવાની આશા નથી.”
“વૃન્દમાલે ! તું પણ આમ બોલે છે કે ?” ચાણક્ય પોતાના વિચારોનું મંગળાચરણ કરતા બોલ્યો. “શું સ્ત્રીઓ જે પ્રતિજ્ઞા કરે છે તે પૂરી નથી જ થઈ શકતી? માત્ર મુરાદેવી આવી પ્રતિજ્ઞા ન કરે તો સારું ખરું; પણ કેટલીક સ્ત્રીઓએ કરેલી આવી પ્રતિજ્ઞાઓની સિદ્ધિનાં પણ અનેક ઉદાહરણો મારા જાણવામાં છે. એનો જરાપણ અપરાધ ન છતાં એના નામને અને પિતૃકુલને કલંકિત કરનારો આરોપ એના શિરે મૂકવામાં આવ્યો અને અંતે એના પુત્રનો પણ ઘાત કરવામાં આવ્યો, એના કરતાં એના દીર્ધ દ્વેષ માટે બીજું વધારે પ્રબળ કારણ તો શું જોઇએ વારુ?”
ચાણક્યે એ વાક્યો કાંઇક આવેશથી ઉચ્ચાર્યાં, એથી વૃન્દમાલાના મનમાં આશ્ચર્ય થતાં તે આવા અંધકારમાં પણ તેને વિલક્ષણ દૃષ્ટિથી જોવા લાગી. થોડીકવાર તો તે કાંઈપણ બોલી નહિ. અંતે તેણે મૌન્યનો ભંગ કરીને કહેવા માંડ્યું કે:-
“બ્રહ્મવર્ય ! તું કહે છે તે વાત ખરી છે, અમને પણ એમ જ જોવામાં આવે છે. પરંતુ જેમ કોઈ પર્વત આવીને શરીર પર પડ્યો હોય, તો તેની નીચે દબાઈને મરી જવા વિના બીજો કોઈ પણ ઉપાય આપણા હાથમાં હોતો નથી, તેવી જ રીતે જ્યાં રાજાએ જ અન્યાય કર્યો હોય, ત્યાં બીજા કોઈથી શું થઈ શકે વારુ ? ન્યાય માગવો કોની પાસેથી ? કેમ ખરું કે ખોટું?”
“હું ખોટું નથી કહેતો. અક્ષરે અક્ષર ખરું પણ રાજાના અન્યાયમાટે ન્યાય આપનાર શ્રી કૈલાસનાથ તો છે જ, તેના નામથી જે આપણે ઉદ્યોગ કરવા માંડ્યો હોય, તો આપણને વિજય મળવાની પૂરેપૂરી સંભાવના છે.” ચાણક્યે પુનઃ પોતાના બુદ્ધિવાદને આગળ મૂક્યો.
પરંતુ વૃન્દમાલાએ એનું કાંઈ૫ણ ઉત્તર આપ્યું નહિ, એટલે થોડી વાર રહીને ચાણક્ય પુનઃ તેને કહેવા લાગ્યો કે, “વૃન્દમાલે! તારા બોલવા ઉપરથી હું સ્પષ્ટ સમજી શકું છું કે, તું પોતાની સ્વામિનીના સંરક્ષણ માટે ગમે તેવું સાહસ કરવાને તૈયાર થાય એમ છે.”
“જો મારી સ્વામિનીની સંરક્ષા થતી હોય, તો ગમે તે સાહસ હું કરીશ. એ વિશે તિલમાત્ર પણ સંશય કરવો નહિ. જો પ્રાણ આપવાનો પ્રસંગ આવશે, તો પ્રાણાહુતિ પણ આપીશ. એથી વધારે બીજું તે શું હોઈ શકે?” વૃન્દમાલાએ પૂર્ણ આવેશથી એ વાક્ય ઉચ્ચાર્યાં. એ સમયે તેની મુખમુદ્રામાંથી સ્ત્રીની સ્વાભાવિક મૃદુતાનો સર્વથા લોપ થઈ ગયો હતો, અને તેનું સ્થાન કોઈ એક શુરવીર પુરુષને યોગ્ય હોય, એવાં શૌર્ય અને ગાંભીર્યે લીધું હતું.
“ધન્ય ! સ્વામિનિષ્ઠા હોય તો આવી જ હોવી જોઇએ. તને મેં ગઈ કાલે જોઈ ત્યારથી જ મારો નિશ્ચય થઈ ચૂક્યો હતો, કે તું ખરી સ્વામિનિષ્ઠ છે. નહિ તો મુરાદેવી પરથી રાજાની પ્રીતિ એાછી થાય, તેને કારાગૃહમાં નાંખવામાં આવે અને તેના પરિચારકોને લાભની કાંઈ પણ આશા ન હોય, એવા સમયમાં તેના માટે આવી ચિંતા કોણ રાખે ? ખરેખર તને જેટલા ધન્યવાદ આપીએ તેટલો થોડો જ છે.” ચાણક્યે વૃન્દમાલાની સ્પષ્ટ સ્તુતિ કરી. એ સ્તુતિ સ્તોત્રને સાંભળી વૃન્દમાલા મનમાં ઘણી જ સંતુષ્ટ થઈ અને કહેવા લાગી કે, “વિપ્રવર્ય ! આમાં હું કાંઈ પણ વિશેષ કરતી નથી. મારો એ ધર્મ છે અને તે ધર્મ પ્રમાણે હું વર્તન કરું છું.”
“ખરું – એ તારો ધર્મ છે, એ માન્યું; પરંતુ એ ધર્મનું પાલન કરનારાં દાસદાસી આજે ભાગ્યે જ ક્યાંક જોવામાં આવે છે. તેમાંની તું એક છે, એ જ માત્ર પ્રશંસાનું કારણ છે.” ચાણક્યે પોતાના મતને દૃઢાવ્યું.
થોડીક વાર સુધી પાછાં બન્ને મૂક મુખે માર્ગમાં ચાલવા લાગ્યાં ચાલતાં ચાલતાં વળી ચાણક્ય તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો; “વૃન્દમાલે ! જેવી રીતે તું પોતાની સ્વામિનીના પ્રાણરક્ષણ માટે ગમે તે સાહસ કરવાને તૈયાર છે, તેવી જ રીતે તેના કોઈ પણ મનોહેતુને પાર પાડવા માટે સાહસ કરવાને તૈયાર થાય ખરી કે ? મારા ધારવા પ્રમાણે તો થવી જ જોઈએ.”
“એ વિશે વળી પ્રશ્ન તે શો કરવાનો હતો ? વધારે શું કહું? આજે દેવી જે વિષયને સંભારીને આડું અવળું જેમ આવે તેમ બક્યા કરે છે, તે કાર્ય જો સુલભ અને સાધ્ય હોત, તો તેની સિદ્ધિ માટેના પ્રયત્નમાં પણ મેં મુરાદેવીને મારાથી બનતી સહાયતા આપી હોત. પણ એ કાર્ય અસાધ્ય છે અને મારી સહાયતાનો ઉપયોગ થાય તેમ નથી. મુરાદેવી તો એક ઉન્મત્ત મનુષ્ય પ્રમાણે જ બક્યા કરે છે. તે કહે છે કે, “હું નંદકુળનો નાશ કરીશ અને તેને સ્થાને-સિંહાસને મારા પિતૃકુળના કોઈ પણ મનુષ્યની સ્થાપના કરીશ.” એમાં શો સાર ? હા, કદાચિત એનો પુત્ર અત્યારે જીવતો હોત, તો એમ બની પણ શકત. પણ આ ધારણા વ્યર્થ છે,” વૃન્દમાલાએ પોતાના વિચારો નિષ્કપટતાથી વ્યકત કરી દીધા.
ચાણક્યે તેના છેલ્લા શબ્દોને લક્ષમાં ન લેતાં હસિત મુદ્રાથી તેને કહ્યું કે, “જો મુરાદેવીનો પુત્ર જીવતો હોય અને તેને સિંહાસનારૂઢ કરવાના જો તે પ્રયત્ન આદરે, તો તો તું સહાયક થવાની ને ? ઠીક વૃન્દમાલે ! તું ખરેખરી સ્વામિનિષ્ઠ સેવિકા છે. તું નિત્ય વંદન કરવાને યોગ્ય છે. તારા જેવી પુત્રીનાં માતા પિતા અને તારા જેવી સ્ત્રીના પતિ આદિને ખરેખરાં સદ્દભાગ્યશાળી જ સમજવાં જોઈએ.”
“તું નિત્ય વંદન કરવાને યોગ્ય છે.” એ શબ્દોથી વૃન્દમાલાના હૃદયમાં આનંદનો જે ભાવ થયો, તે ન વર્ણવી શકાય તેવો હતો.
આગળની વાત હવે પછીના ભાગમાં..
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો