ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમાને સાંધતી ડુંગરમાળ વચ્ચે મા અંબાના બેસણાં. લાખો યાત્રીઓ ભાવપૂર્વક શ્રધ્ધા સાથે અવિરત આવતા રહે છે. જ્યાં કટાવ અને ઓગડનાથના ધર્મ સ્થાનકો લોકહૃદયમાં સદાય રમતા રહે છે. બહુચરાજી અને મા ઉમિયાનાં યશોગાન સદા ગવાતાં રહે છે. જ્યા સિધ્ધપુરના ધર્મસ્થાનકો દેશભરના ભાવિકોની ભીતરમાં શ્રધ્ધાના સિંચન કરતા રહે છે. અનેક ત્યાગી, તપસ્વીઓના તપોબળની તેજ રેખાઓ નિરંતર તણાતી રહે છે..
જ્યાં ચાવડાઓની શૂરવીરતાના સાથિયા પુરાયા છે. જ્યાં સોલંકી યુગનો સુવર્ણ સમય સમૃધ્ધિ અને સ્થાપત્યનો ઈતિહાસ અંકિત થયો છે. જ્યાં વાઘેલાઓની વીરતાના વારણા લેવાયા છે. કંઈ કેટલાં પુરાતન સ્થાનકોનો વિસ્તાર વિસ્તરેલો છે. જેનું વર્ણન કરતાં શબ્દભંડોળ ખૂટી પડે એવી નક્કર નકોર હકીકતોનો હિસાબ માંડયો મંડાય નહિ, જેની પુરાતન જ્યોતના અજવાળા યુગના અંધારા ઉલેચે છે, ત્યારે ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલે..
તાના-રીરીના સંગીત અને શહીદીથી ઉજજવળ બનેલા વડનગરથી માંડીને વાવ સુધીની ધરતીમાં ધરબાયેલ અનેક વીર અને વિભૂતિનું સ્મરણ થઈ આવે. અહલ્યાબાઈ હોલકરને પણ આકર્ષી ગયેલી આ ધરતી ઉપર એમણે બંધાવેલા સ્મારકો સંશોધકોને આશ્ચર્ય પમાડે. ઉંઝાના હેમાળ પટેલ અને અસાઇત ઠાકરના ગોર યજમાનના સંબંધની સુવાસ આજે પણ મહેંક મહેંક થતી રહી છે. જેણે વિધર્મી આક્રમણને ખાળવા અને ટાળવા લોકશિક્ષણના કાર્ય માટે ભવાઈ વેશ દ્વારા હરતી ફરતી વિદ્યાપીઠ સ્થાપી. જનસમાજને ઈતિહાસ, ધર્મકથા,-સામાજીક કથાઓ, દ્રશ્ય અને શ્રાવ્ય આપીને એક અનોખો ઈતિહાસ રચી જાણ્યો..
અભયસુરીસાગર મહારાજ સાહેબનું સમાધી સ્થાન, જૈનો માટે વંદના કરવાનું સ્થાન પણ આ ભૂમિ પર રચાયું છે.
વટવચન ખાતર ખપી જનાર શુરવીરોની ખાંભીઓ આ ભૂમિ પર ખડી છે. કંઈ કેટલાય કુટુંબોની કુળદેવીઓ મોઢેશ્વરી માતાજીથી માંડીને શકટ અંબા સુધીના સ્થાનકો અહિં વિસ્તરેલા. પૂજા કે નૈવેદ્ય માટે કુટુંબીજનોને અહીંનો પંથ ખેડવો પડે છે. બ્રાહ્મણવાડાની ગોદડનાથની જાગતી જગ્યાનો ઈતિહાસ જોધપુરના મહારાજ સુધી આંબે છે.
તે સાથે રાધનપુરમાં નવાબી, દાંતામાં નાની ઠકરાત અને અન્ય નાના દેશી રજવાડાઓના ગામો પથરાયેલા. રાજ્યે રાજયે દાણ એટલે કે કરવેરાના ભિન્ન ભિન્ન ધોરણ વસ્તુના આદાન પ્રદાન પર પાબંધી. આવા આપખુદ કાયદાના કારણે ખોરાકી વસ્તુઓની તંગી રહે. આવા કપરાં સંજોગોમાં લોકોને સસ્તી ચીજવસ્તુઓ કેમ મળી રહે તેનો વિચાર ગંભીરતાથી પ્રાગદાસ પટેલે કર્યો. લોકસેવાનો મનસુબો લઈને બેઠેલા આ આઝાદીના આશકને શામ દામ દંડ ભેદની નીતી અપનાવવામાં કોઈ આપદા નહોતી. કારણકે તેનો કડપ એટલો પથરાયેલો હતો કે કોઈપણ અમલદાર પણ ઉંચે સાદે પ્રાગદાસ પટેલ સામે વેણ ન કાઢી શકે.
રાષ્ટ્રભાવનાએ રંગાયેલા પડછંદકાયા અને કાડાં બળીયા આ પ્રજાના પ્રહરીને કોઈ પડકારી શકે તેમ નહોતું. એના સુધી અને એની ભેરે રહેતા આવા લોકનેતાએ નક્કી કર્યું કે નાના માંકા અને અડખે પડખેના ગામડાના માણસને ખાધા ખોરાકીની વસ્તુઓ સસ્તી કેમ મળે! જવાબ જડયો રાજયોના કરવેરા અને પાબંધીનીપાળ તોડી માલ માંકામાં ઉતારવો.
પટાધર પ્રાગદાસ પટેલનો મનસુબો મક્કમ હતો. એને હિંસા કે અહિંસા ખપતી નહોતી. ડારા ડફારાથી કામ ઉકેલવાની આવડત આ અડાભિડ આદમીને સહજસાધ્ય હતી. ખભે જોટાળી જંજાળ્ય ખભે ભેરવીને ઘોડે રાંગ વાળે ત્યારે સીમનું માણસ સો સો સલામું ભરે. દરબારી સરકારી અમલદારો એ કે આદર કરે. આવા પાટીદારની પ્રભા અને આભા પરગણાંને રક્ષિત રાખતી હતી. ગાંધી યુગનો ઉદય થયો ને પ્રાગદાસ પટેલે પ્રજાના પ્રહરી બનવાનું પણ લીધું હતું. ગોઠિયાઓને ગોઠવી દીધા. દેશી રાજ્યોના કરને અવગણીને જીવન જરૂરી વસ્તુઓને ઉતારવા માંડી. સૌને પડતર ભાવે વેચી કરીને એક નવતર અખતરો કરીને સૌની અચંબામાં નાંખી દીધેલા.
તણખો- ભારતના બંધારણે સ્વતંત્રતા બક્ષી છે. સ્વચ્છંદતા નહિ, સ્વતંત્રતા જ્યારે સ્વચ્છંદતામાં પરિવર્તન પામે છે, ત્યારે કુટુંબ, સમાજ અને શાસન માટે અનેક વિટંબણા સર્જે છે સ્વચ્છદંતાને કારણે નિર્દોષ લોકોને સહન કરવું પડતું હોય છે.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ