” હાઉં આપા માણસિયા ! હવે મશાલ ઓલવી નાખો ; ઝટ કરો. મારો બાપલિયો.”
શેલણા ગામના દરબારગઢના વિધાવડ ફળીમાં જ્યારે સાંજના વાળુની પંગત પડે અને ખાવા માટે મનખો ઊભરે ત્યારે શેલણા ગામના ગામધણી પીઠા ખુમાણ, પોતાના પસાયતા આપા માણસિયાને સૂચના આપે છે કે
” મશાલ ઠારી નાખો. મલાજાવાળા માણસના મોઢા ઉપર અજવાળું પડે અને ઓળખાણ થઈ જાય તો બચ્ચારા જીવને સોખમણનો પાર નૈ – અંધારા હોય તો ઈ આપણને અને આપણે એને ઓળખીએ નૈ હાઉં. સૌનાં સત – મા ‘ તમ રહી જાય, બાપા ! ”
વિક્રમ સંવત ૧૯૫૬ નો મયલ દુકાળ, આખા કાઠીયાવાડ ને એની ખુમારી, એનાં ગૌરવવંતા જીવન અને વટ- વહેવારને પોતાની મુઠ્ઠીમાં દબાવીને પાકેલાં જાંબુડાને ચોળે એમ ચોળી રહ્યો ‘ તો ! કાઠિયાવાડને આંગણે એણે લીલું ઝાડવું પણ રહેવા નો ‘ તું દીધું – ખવાય એવાં હતાં એવાં પાન અને છાલ પણ ખંડાઈ – બફાઈને માણસો દ્વારા ખવાઈ ગયાં ‘ તાં ને અખાદ્ય હતાં એને પશુઓએ પૂરાં કર્યાં હતાં. એકાદ વરસના લાંબા ગાળામાં સૂરજ મા ‘ રાજે એની ભઠ્ઠી એવી તો ધખધખાવી ‘ તી કે કૂવા – વાવનાં તળિયાં પણ દૂણાઈ ગયાં ‘ તાં.
અને એના જેવો જ દુણાટ માનવીના કાળજામાં પણ થયો ‘ તો.શ્રાવણી મેધની માયા – મમતાથી વરસતાં માનવીનાં કાળજાં આ દુકાળે હોલાં જેવા કરી મેલ્યા ‘ તાં ! કેવી માયા અને કેવી મમતા ? રહેમ અને રખાવટ વીરડાની જેમ ઉલેચાઈ ગયાં ‘ તાં !
માં ભારતીની ધરેલી અંજલિ સરખો આ રળિયામણો મુલક તે દિ ‘ છપનિયા કાળના પનારે પડ્યો ‘ તો !
સોરઠના ધણવંતા ડુંગરા, જળવંતી નદીઓ અને ધાનવંતાં
ખેતરો, કાળાં ભઠ્ઠ થઈને ઊભાં ‘ તાં… ધરતીના પેટમાંથી ઢગલા મોઢે ધાન પકવનારાં એનાં સંતાનો, બટકું રોટલા માટે ‘ માણ ‘ છાંડી ગ્યા ‘ તાં. ક્યાંક ક્યાંક તો એવા કાળા બનાવો પણ નોંધાયા ‘ તા કે પાલી બે પાલી બાજરા માટે માબાપે એનાં પેટ વેચ્યાં ‘ તાં, એને ” ખધ્યા ” એવી વ્યાપી ‘ તી કે છોકરાં ભૂખ્યાં સૂઈ જાય પછી મોટેરાંએ
રોટલાના બટકાં ખાધેલાં !
ઘરેઘરમાંથી ધાનના બોકાસા ઊઠતા ‘ તા… હરાયાં ઢોરની જેમ માનવટોળાં, અન્ન માટે આથડતાં હતાં.આવા વસમા સમયમાં, શેલણા ગામના પીઠા ખુમાણને કંપારી છૂટે છે : ” અરરર ! આ તો કાળો જમોર થ્યો, ભાઈ ! આ દુકાળે તો હે દેવરાવી, બાપ ! ”
ચોવીસ કલાકના એકધારા વિચાર – મથામણને અંતે દરબાર પીઠા ખુમાણે, આંટાળી એની પાધડી કાળના પંજા સામે ઊંચી કરી. પોતાના પસાયતા આપા માણસિયાને એણે ટૌકો કર્યો : ” માણસિયા લુણસર ! આપણા શેલણા ગામનો ગરાસ કેવડોક ? ”
” કા બાપુ ! એકાએક ઈ વાત કાં સંભારી ? ”
” મારે એને લાંબો કરવો છે આપા ! લાંબો કર્યો હોય તો એકાદ વરસને આંબે ખરો ? ”
” અરે બાપુ ! ઈ શું બોલ્યા ? નવ હજાર વીધાં જમીન આપણા શેલણા ગામની અને આઠ ગામમાં આપણો ભાગ – ચીખલી, નવા ગામ, જાંબુડા, આદસંગ, દોલતી અને મોટા ઝીંઝુડામાં ય આપણી જમીન.”
” તો પછે હવે પરિયાણ કરો માં. આ કાળા બોકાસા મેંથી નથી સંભળાતા, આપા ! ”
” શાના બોકાસા, બાપુ ? ”
” શાના શું ? આ છપનિયા કાળના. ” પીઠા ખુમાણના ચહેરા ઉપર વેદનાના વળ અંકાયા : ” આ છપનિયો તો માણસની આબરૂ માથે છીણી મૂકી દેશે, ભાઈ ! કાળ જાશે અને કેણીઓ રહી જાશે – આપણી કોઠીઓમાં અન્ન હોય અને માણસનાં જણ્યાં ભૂખ્યાં ટળવળે ? અરરર ! તો તો કોપ થઈ જાય.”
” પણ બાપુ ! આમાં તો આભ ફાટ્યું છે – એને થીંગડાં કેમ દેવાશે ? ”
” આપણાથી થાય એટલું કરી છૂટીએ , બાપ ! આ ગામ અને ગિરાસ શા કામનાં છે ? આપણે સદાવ્રત ચાલુ કરો.”
” ભલે બાપુ ! રોટલા અને ખીચડું દઈએ.”
” ના ના…! માણસિયાભાઈ ! ખીચડી તો મલક બધો આપે છે. આપણે કાંક નોખું આપો. ”
” શું આપશું, બાપુ ? ”
” લાપશી આપો – કાલ્ય કોણે દીઠી છે, આપા ? ”
અને સંવત ૧૯૫૬ ની સાલમાં શેલણા ગામે ભૂખ્યાં – દૂખ્યાં માણસોને માટે લાપશીના સદાવ્રત ચાલુ થયાં.
સવાર – સાંજ દરબારગઢના પાછલા ફળીએ ખાનારાઓની લાંબીલાંબી પંગત પડે છે. સેંકડો માનવીઓનો જઠરાગ્નિ શાંત બને છે. દરબારના હૈયે સંતોષની લહેરો ઊઠે છે.
” પીઠા બાપુ ! એક ભૂલ ચિંધાડું ? દરબાર પાસે આવીને કોઈક જાણભેદુએ હળવે સાદે કહ્યું : જો તમે કહો તો દેખાડું.”
” બોલ્ય ભાઈ ! ”
” આપને રસોડે માણસ તો ઘણું જમે છે, મૂળ જમવાવાળાં રહી જાય છે. એને નકોરડો ઉપવાસ થાય છે, બાપુ ! ”
” કઈ રીતે ભાઈ ? ”
” જેણે કોઈ દિ ‘ હાથ લાંબો કર્યો નથી, પારકું ખાવા કરતાં મોતને વા ‘ લું કરે એવા વટવાળા માણસોની આ વાત છે, બાપુ ! એનાથી ન મજૂરી થઈ શકે કે ન તો હાથ લાંબો થઈ શકે, ઈ બધાં સૂરજના અજવાળામાં તો ધર્માદો ન ખાય.”
” આ ધર્માદો નથી, ભાઈ ! જેનું છે એને આપવાનો વહેવાર છે.”
” છતાં એ શરમાય, બાપુ ! ”
” ખરી વાત….હું સમજી ગ્યો હોં ભાઈ ! ” દરબારે કાનની બૂટ પકડી : ” આજથી ભૂલ સુધારી લેશું.”
અને સાંજે આપા માણસિયાને સૂચના મળી : ” આપણે રસોડે મશાલો નથી સળગાવવાની, ભાઈ ! ”
” પણ બાપુ ! ખાવા પૂરતું તો અજવાળું જોવે ને ? ”
” ના બાપ ! દરબારે માથું ધુણાવ્યું : ” આપણે અજવાળાં નથી કરવાં. મલાજાવાળાં માણસો પેટની આગ ઓલવવા આવે અને અજવાળે આપણે એને દેખી જાઈં,
તો બચ્ચાડા જીવને ભોંઠામણનો પાર ન રિયે ! આપણે કાંઈ કીરતિ માટે આ થોડું કર્યું છે, આપા ? અંધારે અંધારે ભલે ખાય જાય. સૌની લાજ – મરજાદા જળવાય, ભાઈ ! ”
અને આ પછી છપનિયા કાળના આખા વરસ સુધી, રસોડે મશાલો ન થઈ. આખું વરસ લાપશીનું સદાવ્રત ચાલ્યું !
આખા વરસનો મયલ દુકાળ. પેદાશમાં એક પાઈ પણ નહીં અને હડેડાટ મનખો જમે !
હજારો માણસોની હોજરીઓને શાંત કરવા માટે શેલણાના ગિરાસ ઉપર કરજ કરીને, રાણી સિક્કાના રૂપિયા આવતા રહ્યા.
ઊધઈ કણ કણ ધૂળ કરીને રાફડો બાંધે, એમ શેલણાની ઉપર કરજનો રાફડો બંધાતો ગયો. એક વરસને અંતે રૂપિયા એક લાખ અને એંસી હજારનું તોતિંગ ઋણ આ ગિરાસદારના ખાતે લખાઈ ગયું !
ભાવનગરના રાજવી મહારાજા ભાવસિંહને આ વાતની ખબર પડી કે શેલણાના ઉદારચરિત આ, પાતળા ગિરાસદાર ઉપર હદ બહારનું દેવું થઈ ગયું છે. મહારાજા ભાવસિંજીને દરબાર પીઠા ખુમાણ ઉપર અનોખો પ્રેમ. ભાવસિંહજી પીઠા ખુમાણને કાકા કહીને સંબોધતા.
શેલણા ગામે રાજવીએ મુકામ કર્યો. એકાંત મળતાં એણે પીઠા બાપુને હળવેક રહીને વાત કરી, ” સાંભળ્યું કાકા ! કે તમારી ઉપર મોટું કરજ ચડી ગયું છે. ”
” મારી ઉપર નૈ બાપા ! શેલણાના ગિરાસ ઉપર.” હસીને પીઠા ખુમાણે જવાબ વાળ્યો : ” ઈ કરજ તો મહારાજ ! ગિરાસ વેચીને ચુકવાઈ જાશે…”
” બાપા ! ભેળું લઈને જન્મ્યા નથી અને ભેળું લઈને મરવાના નથી.”
” ના ના… શેલણાનું કરજ ભાવનગર રાજ્ય ચૂકવી આપશે. તમે પણ ભાવનગરના ભાયાત છો, કાકા ! ”
” બધી વાત ખરી મહારાજ સા ‘ બ ! ” દરબાર બોલ્યા : તો તો મારું ધમ્યું સોનું ધૂળ મળે, બાપ ! સદાવ્રત હું બાંધું અને ખરચો ભાવનગર ભોગવે ? અરે, તો મલક દાંત કાઢે બાપા ! કે ભલાં સદાવ્રત બાંધ્યાં.”
” તો ? ”
” તો શું ? મારો વા’લો સારાં વાનાં કરશે. ઘીને ઠામ ધી થઈ રહેશે. સાચા દિલથી જો આ બધું થયું હશે તો જરૂર રૂડાં વાનાં થશે.”
અને સંવત ૧૯૭૦ માં પીઠા ખુમાણનું અવસાન થયું. આ પછી એના ગિરાસનો વહીવટ સંભાળનાર કાળુભાઈ લાખાભાઈ જેબલિયાએ પોતાના બનેવીનું આ કરજ ભરપાઈ કર્યું .”
સંદર્ભ:- “ઇતિહાસનું ઉજળું પાનું” પુસ્તક
લેખક – નાનાભાઈ જેબલિયા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..