પ્રાચીન ભારતમાં વી૨પૂજા હતી. આજથી બે હજાર વર્ષ પહેલા ‘પંચવૃષ્ણિવીર’ ની પૂજા થતી તેના ઐતિહાસિક પુરાવાઓ ઉપલબ્ધ છે. ગીતાના દશમા અધ્યાયમાં ‘વૃષ્ણીનામ વાસુદેવઅસ્મિ’ એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ પરંપરાનો નિર્દેશ કર્યો છે. દક્ષિણ ભારતમાં બળરામ, શ્રી કૃષ્ણ , સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરૂધ્ધ – આ ‘પંચવી૨’ ની પૂજા વિધિના સંખ્યાબંધ ઉલ્લેખો, શિલાલેખો તથા મંદિરમૂર્તિ મળે છે. એક મત એવો છે કે મૂળના ગુણ ધર્માનુસાર પંચતત્ત્વનો આ સાકાર સ્વરૂપે પૂજાવિધિ છે. એમ કહેવાય છે કે વૈદિકકાળમાં પિપ્પલાદ મુનિના શિષ્યોએ ગુરૂ સાથે પ્રશ્નોત્તરી કરીને જે પંચકર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ શકિતઓની સમજૂતી મેળવી હતી, તેમાંથી જ ઉત્તર કાળમાં ‘પંચવીર’ ની આરાધના શરૂ થયેલી છે. મૂળની પંચ શકિત પ્રમાણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ચૈતન્ય છે તે જ બળરામ, સંકર્ષણ, પ્રદ્યુમન, અનિરૂધ્ધ અને શ્રી કૃષ્ણ છે. આ પંચવીરને તંત્રાનુસાર બ્રહ્મ, પુરુષ, શકિત, નિયતિ અને કાલ કહેલ છે, જે આગળ વધતાં વધતાં પાટ પૂજામાં વીર, પીર, ગણેશ, જોગણી અને જયોત તરીકે રૂપાંતર પામેલ છે. વાસુદેવશરણ અગ્રવાલ જણાવે છે કે, “વતઃ સલમાની પ્રભાવથી પ્રાચીન પંચવીર શબ્દનું જ પંચપીર થઈ ગયું.” (‘પ્રાચીન ભારતીય લોકધર્મ’–૧૯૬૫, લોકભારતી ગ્રંથમાલા-૯, પૃ. ૧૯૪).
આપણે આ સમગ્ર ઘટનાને ઈતિહાસના ક્રમમાં આમ ગોઠવી શકીએ : વેદિકકાળની પંચશકિતની કલ્પના સમય જતાં વીરપુજા તરીકે સ્વીકાર પામેલી છે. ઈ. સ. ની શરૂઆતમાં આ વીરપૂજાએ ભિન્ન ભિન્ન પરંપરામાં ભિન્ન ભિન્ન સ્વરૂપ ધારણ કર્યા છે, જેમ કે બોધ્ધ પરંપરામાં બોધિસત્વ રૂપે, જૈન પરંપરામાં વીર (મહાવીર) રૂપે અને બ્રાહ્મણ પરંપરાની પેટા શાખાઓમાં શૈવ પરંપરામાં વીરભદ્ર રૂપે, શાકત પરંપરામાં ગણેશ રૂપે, વૈષ્ણવ પરંપરાની કૃષ્ણ શાખામાં વૃષ્ણિવીર રૂપે અને રામશાખામાં હનુમાન રૂપે તે ક્રમશઃ વિકાસ પામેલી છે.
આજની પીર પરંપરાનું મૂળ નાથ પરંપરામાં છે અને નાથ પરંપરામાં મૂળની શાકત પરંપરાના ગણેશજીએ પોતાનું સ્વતંત્ર સ્થાન ધારણ કરેલું છે. સંભવત: નાથ પરંપરામાં જ વીર’ નો “પીર’ તરીકે પ્રથમ પ્રયોગ થયો છે. બંગાળનો રાજા ગોપીચંદ ભોગ વિલાસમાં પડી ગયો તેને માતા મેનાવતીના કહેવાથી જાલંધરનાથે દીક્ષા આપી અને સિધ્ધ” થઈ ગયો. સિંધમાં આવેલી સિધ્ધ ગાદીને થાનકને આજે પણ હિન્દુઓ (રાજા ગોપીચંદ” તરીકે અને મુસલમાનો ‘પીર પુત્તા’ તરીકે ઓળખે છે. “પીર પુત્તા’ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ‘પઠાપીર’ તરીકે ઓળખાય છે.) પોરબંદર વિસ્તારમાં આવેલા ભટકડી નામના ગામમાં હાલ પઠાપીરનું એક થાનક છે, જેને ખાસ કરીને ઓડેદરા મહેર માને છે. ઓડેદરામાં (સુમરા) બે શુરવીર પુરૂષ થયા, એક વચ્છરાજ ને બીજા પઠ્ઠાપીર.
અસપતના મોટા પુત્ર સમોહીતના નામ ઉપરથી સુમરા જેવી શાખા પડી. આ સમોહીતને બે પુત્રો હતા. મોટા દાદા વાછરા અને તેથી નાના સુરસમો સુરસમાની ત્રીજી પેઢીયે કરણજી નામના રાજા થયા. આ કરણજી બે પુત્રો હતા. જેમા મોટા પુત્ર હમીરજી અને નાના પુત્ર ગોપીચંદ જે પઠ્ઠાપીર તરીકે પૂજાય છે. આ પઠ્ઠાપીર નો જન્મ વિ. સંવંત 883 ની સાલમાં સિંધના નગરઠઠ્ઠામાં થયેલો.
ગોરખનાથના મૂળ બાર થાનકો અને બારે થાનકોની અલગ અલગ પરંપરાઓ-પંથો પ્રવર્તમાન થયેલ છે, તેમાથી કચ્છમાં આવેલા થાનકના અધિષ્ઠાત્રા ગણેશજી મનાય છે. ગુજરાતની પીર પરંપરામાં જોવા મળતું ગણેશજીનું પ્રાધાન્ય એમ માનવા પ્રેરે છે કે ગુજરાતની પીર પરંપરાનું કેન્દ્ર કચ્છ છે. પાટ પૂજામાં આવતી દત્તાત્રેય ગાદીનું રહસ્ય પણ કચ્છસિંધની ઓઘડપીરની પરંપરા સાથે જણાય છે. આ બધાનો વિચાર કરતા આપણે ત્યાં પીર પરંપરાનો ઉદ્દભવ ઈ. સ. ની દશમી સદી પછી માનવો સયુકત રહેશે.
શ્રી નાગર અજપાળને દશમી સદી પૂર્વે જણાવે છે, પરંતુ ત્યારે અંજાર સાથે સંકળાયેલ અજપાલ જરૂર છે, પણ એને “પીર’ નો દરજજો પાછળથી મળેલો હોય એમ બની શકે. આપણા ધાર્મિક ઈતિહાસમાં આવો દાખલો ભગવાન બુધ્ધનો છે. બુધ્ધનો સમય ઈ. સ. પૂર્વનો છે, પરંતુ તેમને ‘અવતાર’ તરીકેનો દરજજો લગભગ હજારેક વર્ષ પછી પ્રાપ્ત થયેલો છે.પાટ પૂજામાં ‘પાટ’ નું અર્થઘટન હજુ વધારે સ્પષ્ટતા માગી લે છે. મૂળમાં પટ્ટ એટલે ‘અધિષ્ઠાન’ છે અધિષ્ઠાન એટલે મુખ્ય આધાર અથવા રહેઠાણ. આત્મા જેના આધારે રહેલો છે તે અધિષ્ઠાન એટલે કે પાટ છે. પાટ મનુષ્યના શરીરનું પ્રતીક છે અને પાટ વચ્ચેની જયોતિ તે વાસ્તવમાં મનુષ્યની અંદરની જયોતિ છે. આ જયોતનો સાક્ષાત્કાર મનુષ્યનું પરમ લક્ષ્ય છે. આ માટે આપણે આપણા શરીર રૂપી પાટને સમજવાનો છે. બૌધ્ધ, જૈન જેવી શ્રમણ પરંપરાની માફક પીર પરંપરા પણ જાત કેન્દ્રી છે. બૌધ્ધ પરંપરાની માફક જ પીર પરંપરામાં ‘આત્મા’ ને ‘પવન” કહેવામાં આવેલ છે. પવનની ગતિ સર્પ જેવી છે, જે બૌધ્ધ પરંપરા મુજબ પાંચ ચક્રોમાં આવજા કરે છે. નાથ પરંપરામાં (હઠયોગમાં) અને પીર પરંપરામાં ચક્રોની સંખ્યા છે માનવામાં આવી છે. ચક્રનો આકાર કમળ જેવો છે એટલે આ સમગ્ર સાધનાને ‘કમળ ભેદનની સાધના પણ કહેવામાં આવેલ છે. આમ પ૨ પરંપરાનું લક્ષ્ય દશ ઈન્દ્રિયોથી થતા દશ દોષોને પરહરિને દશ પારમિતા (દાન, શીલ, શાંતિ, વીર્ય, ધ્યાન, પ્રજ્ઞા, ઉપાય, કૌશલ્ય, પ્રણિધાન અને બલ) ની પ્રાપ્તિનું છે. આ પ્રાપ્તિની પૂર્ણતા તે જયોત પ્રાગટયનો આરંભ છે. આમ પીર પરંપરા તે પ્રકાશના પુત્રોની – નૂરી જનની પરંપરા છે. લખમો માળી કહે છે તેમ કામ ક્રોધને હટાવી, મન માયલાની ખબરું લાવે તે ‘પીર’ છે.
પીર એટલે વીર, વીર એટલે તીર્થ કર, જેણે ઈન્દ્રિયો જીતી છે તે તીર્થકર છે. પીર સ્વયં પૂજય છે. એની પીરાઈ ઉદાત્ત જીવન ભાવનાના પટ છે. ઉદાત્ત જીવન ભાવનાનાં બાર લક્ષણો છે.
૧. ઝાડવાં ઉછેરવા, વડલા-પીપળાની પૂજા કરવી, આંગણે તુલસી રોપવી,લીલું પાન તોડવું નહિ.
૨. ગાયુંનો હવાડો ભરવો, ઘર આંગણે કુંડિયું રાખવું, એઠવાડ બીજા જીવના મોઢે જાય તેમ કરવું.
૩. પંખીડાંને દાણો પાણી દેવા, કીડીબાઈના કીડીઆરા પૂરવાં, જીવ હિંસા કરવી નહિ.
૪. અન્ન, વસ્ત્ર અને પાણી બગડે નહિ તેનું ધ્યાન રાખવું, ઘ ૨, આંગણું, ચોક, શેરી અને ગામ સ્વચ્છ રાખવાં.
૫. માર્ગ ભૂલ્યાને માર્ગ બતાવવો, સદુમાર્ગે ચાલવું.
૬. સૌ કોઈને આવકારો આપવો, આશરો આપવો, આશ્વાશન આપવું, પાણી પાવું, રોટલો ખવડાવવો.
૭. માતા-પિતા, ગુરૂ-વડીલ અને બેન-દીકરીયું, ભાઈ-દીકરાનું માન જાળવવું જીવન સાથીનેસમાન દરજજો આપવો.
૮. વાણી-વર્તનમાં સંયમ અને સચ્ચાઈ રાખવી. કોઇનો તુચ્છકાર કરવો નહિ.
૯. નિંદા, ઈર્ષા, ચડામણી ત્યજવાં, પ્રેમ-માન-આનંદ વધારવા.
૧૦. આપણા ધર્મ જેટલો જ બીજાના ધર્મનો આદર કરવો, ઊંચનીચ રાયરંકના ભેદ પરહરવા.
૧૧. માપસર ખાવુ, માપસર પીવું, માપસર મોજ મસ્તી અને ઉત્સવ ઉજવવા, આત્મચિંતન કરવું.
૧ર પોતે પોતાની જાતમાં તૃપ્ત-પરિતપ્ત પ્રસન્ન રહેવું કે ઇશ્વર સ્મરણ કરવું.
જોઈ શકાશે કે આ બાર લક્ષણો આપણા સમાજમાં સદીઓથી આત્મસાત થયેલાં છે. પીર પરંપરાની આ બારાઈ છે, જેના આચરણ થી જીવનમાં પીરાઈ પ્રગટે છે.
📌 લેખકઃ
નરોત્તમભાઇ પલાણ
📌 પ્રેષિત-સંકલનઃ
મયુર.સિધ્ધપુરા-જામનગર
M-97256 30698