ચારણ મહાત્મા પિંગળશી પરબતજી પાયક

ચારણનો શિરમોર હતો, લાખેણો લાયક,
વકતા ને વિદ્વાન, પ્રખર પિંગળશી પાયક.

આઈશ્રી સોનલમાના અંતેવાસી, સમાજને જાગૃત કરનાર, યુગપુરુષ સ્વશ્રી પીંગળશીભાઈ પાયક સાચા અર્થમાં ચારણ ઋષિ હતા. સ્વહિત કે પરિવારની ખેવના કર્યા વિના સમગ્ર જીવન સમાજ સેવામાં અર્પણ કરી સમગ્ર ચારણ સમાજને ઊજળો બનાવ્યો.

સ્વ. શ્રી પિંગળશી બાપુનો જન્મ કચ્છ વાગડના લોદ્રાણી ગામે તા.૧૬ એપ્રિલ વિ.સ.૧૯૬૪ ચૈત્ર સુદ પુનમ હનુમાન જયંતીના શુભ દિને થયો હતો.તેમના પીતાનુ નામ પરબતજી પાયક હતુ. લોદ્રાણીમાં ગુજરાતી ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યા બાદ તેઓશ્રી ભુજની વ્રજભાષા પાઠશાળામાં દાખલ થયા. એ સમયે કચ્છનાં રાજકવિશ્રી હમીરજી ખડીયાના શિષ્ય બની પિંગળ અને ચારણી સાહિત્યનો અભ્યાસ કર્યો તેમજ ભુજની ઓફ્રેડ હાઈસ્કૂલમાં મેટ્રીક સુધી ભણ્યા.

મેટ્રીક પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં બી.એ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને એલ.એલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

pingalshi

કચ્છ અને ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેમણે લગ્ન કર્યા અને કસ્ટમમાં ઉચ્ચ હોદાની નોકરી સ્વીકારી. ત્રણ વરસનાં ટૂંકા લગ્ન જીવન પછી તેમનાં પત્ની અને નવજાત પુત્રીનું અવસાન થતાં હરિ ઈચ્છા બલવાન ગણીને બીજા લગ્ન ન કર્યા અને જીવનભર અવિવાહિત રહી જીવન સમાજને સમર્પિત કરી દીધું. ભાવનગરની ચારણ બોર્ડિંગ પિંગળશી બાપુનું માનસ સંતાન. બોર્ડિંગના સંચાલન માટે પ્રતિષ્ઠિત નોકરી છોડી ગૃહપતિની જવાબદારી સ્વીકારી. ચારણોની અસ્મિતાને જાગૃત કરવા ચારણ દ્વિમાસીક પ્રકાશન શરૂ કર્યું. એ સમયગાળામાં ચારણ સમાજનાં તારણહાર આઈશ્રી સોનલમાનું પ્રાગટય થયું. પિંગળસિંહ બાપુએ દેવી શકિતનો પરચો મેળવ્યો. આઈ સોનલનાં બાળક બની રહ્યા. આઈમા સાથે સમગ્ર ભારતવર્ષના પ્રવાસો કર્યા. સંમેલનો કર્યા. સમાજની શકિતને સંગઠિત કરી સમાજ આળસ મરડીને બેઠું થયું. એક પ્રખર ઈતિહાસકાર અને કાવ્યશાસ્ત્રનાં જ્ઞાતા હોવાના કારણે પિંગળશી બાપુ ભકત કવિ દુલાભાઈ કાગ, મેરૂભા મેઘાણંદભાઇ લીલા, પિંગળસિંહભાઈ નરેલા શંકરદાન દેથા, જેવા એ સમયના પ્રખર ચારણી સાહિત્યકારોનાં અંતરંગ વર્તુળમાં રહીને સાહિત્ય ગોષ્ઠીઓ કરી અને ચારણી સાહિત્યનાં પુનરુત્થાનમાં મહત્વનું યોગદાન આપ્યું.

આઈશ્રી સોનલમાના સ્વધામ ગમન બાદ આઈઓનાં જીવન ચરિત્ર સાથે આઈ સોનલનાં જીવન ચરિત્રગ્રંથ અને સમગ્ર ભારતવર્ષ પ્રવાસ અને ચારણ મહા- સંમેલન ના ઇતીહાસ દર્શાવતો ‘માતૃદર્શન’ નામક એક અમૂલ્ય ઐતિહાસિક ગ્રંથ લખી સમાજને ચરણે ધર્યો.

તા.૦૯.૦૮.૧૯૮૭ વિ.સં. ૨૦૪૩ શ્રાવણ સુદ-૧૫ રવિવારનાં ચારણ ઋષી મહાત્મા પિંગળશી બાપુએ અંતિમ વિદાય લીધી.

પિંગલ નામ પવિત્ર, પિંગલ શાસ્ત્ર સમાન
ચારણ સત્ચરિત્ર, ચારણ જાત સન્માન.

સંદર્ભઃ કચ્છના ચારણ કવિઓ- આશાણંદભાઇ ગઢવી
પ્રેષિત-સંકલનઃ મયુર.સિધ્ધપુરા-જામનગર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!