સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી આવે.
એમાં આવેલ વર્ધમાનપુરીમાં(વઢવાણ) ઉગમણી પા સતવારાપરામાં જોધાણી શાખાના માનભાઇનાં રહેણાક. તેમને એક લાડલી દીકરી પાનબાઇ. પાનબાઇનું બાળપણ. કૂવાના કાંઠા ઠેકવા, તળાવમાં તરવું, ઝાડ પરથી ધુબાકા મારવા, આંબલીપીપળી રમવી, રમત-ગમ્મતમાં ચપળ એવી ભરત-ગૂંથણકળામાં અજોડ, રંગબેરંગી હીરના દોરા થકી કાપડ પર ગુંજાર કરે, ભરે, રાધાકૃષ્ણ, શિવપાર્વતી, ચણિયામાં રાસ-લીલા શ્રીકૃષ્ણ-ગોપીઓની, કાપડના હૈયા પ્રદેશ પર મોર કળા કરી નાચે ઢેલ કને, એવાં એવાં કંઈક ચિત્રો દોરેલાં અને આલેખેલાં.
હવે તો પાનબાઇનાં બાળપણ ઉતરી ગયા અને જોબનના નવરંગ આલેખાયા છે. માથા પરથી મોસલો ઉતરી ગયો છે. એની જગ્યા પર ભાતીગળ ચૂંદડી આવી ગઇ છે. શરીર પર પોલકું ભરત ભરેલ અને ઘેરદાર ઘાઘરે તેની ચાલ બદલાઇ છે. તે હંસની ચાલે ધીમે ધીમે પગ માંડે ચાલે.
બાપની લાડલી ગગી પાનબાઇ પ્રભાતના પો’રમાં જાગે, પાણી ગરમ કરે, અને બાપને જગાડે. દાતણપાણી આપે, તાંબાકૂડીમાં ગરમ પાણી આપે, સ્નાન કર્યા પછી પૂજા-પાઠ, ધ્યાન, ધારણા કર્યા પછી શિરામણી આપે. શિરામણીમાં બાજરીના ઢાલ જેવા મોટા રોટલામાં કોપટી ઉખેડી પાશેર ગાયનું ઘી ગરમ કરી રેડે, અને કઢિયેલ દૂધ. દૂધ-રોટલા ખાઇખાઇ માનભાઇ જાુવાનજોધ લાગે.
પાનબાઈની ચાકરી એવી ઘરની સુઘડતા. વાળવું, ચોળવું, દળણાં-પાણી કરવાં, વલોણું ફેરવવું. આંગણે આવેલને છાશ આપે, છાશની પરબ. આમ પાનબાઇ દિલાવર દિલની બહોળા દિલની પાનબાઇ.
માનભાઈની જોબનની વાતો લોકમુખે ચાલી આવે છે. માનભાઇ જોધાણી ‘ઝાલાવાડના સંઘ’ સાથે જોડાણા. સંઘ જાત્રાનાં સ્થળો જોવા જાય છે. રાત પડે ત્યાં ડેરા-તંબૂ લગાવે. હાથે રસોઇ બનાવી જમે. આમ દિવસો ઉપર દિવસો પસાર થતા જાય છે. ત્યાં સાસણગીર આવ્યું… ગરવા ગિરનારનાં દર્શન થયાં. જંગલોનાં ઝુંડઝુંડ પસાર થતાં જાય છે. ‘જયગિરનારી’ના ધ્વનિના પડઘા ચોગરદમ ફેલાય છે. અવાજ સાંભળતાં સાવજ ડણકતો. સંઘના મોવડી માનભાઇ કને સાવજ ભરખ માટે મોં ફાડે છે ત્યાં મોંમાં ભાલો ભોંકી દીધો. ભાલો આરપાર ઉતરી ગયો તાળવું તોડીને. લોહીની ધારાઓ વછૂટી. સાવજ પડયો ત્યારે સંધ્યાના રંગો ધરા પર પડતા હતા અને ધરા પણ લાલમલાલ બનેલ. આવા જોરુકા માનભાઈ.
બાપુની પ્રતિકૃતિ પાનબાઈ. મોરના ઈંડાને ચીતરવાની શી જરૂર. રમત-ગમ્મતમાં પણ એટલી પાવરધી. બરછી, તીર, તલવાર, તેગ ચલાવવામાં કુશળ મર્દાનગીની રમત રમવામાં સૌકો’ વહા વહા…વહા પોકારી ઉઠે. સૌરાષ્ટ્રની ધરામાં તરણેતરના મેળામાં ઘોડેસવારીની રમતદોડમાં ગયેલ ત્યારે પણ બહુમાન મેળવેલ.
વર્ધમાનપુરી (વઢવાણ) ઉગમણી પા. સાંજના ટાણે બુંગિયો ઢોલ વાગ્યો ધ્રિસાંગ…ધ્રિસાંગ…ધ્રિસાંગ અને રીડિયા-રમણ થયાં… કોઇ ગાયના ધણને બચાવો… નરાધમો ગાયોને હાંકી જાય છે. ગૌ-ધન બચાવો, કોઇ વીર-વીરાંગના ?
પાનબાઇ સાંજનું વાળુ બનાવતી હતી. ને અવાજનાં આંદોલનો એના કાને અથડાણા ઃ કોઇ ગાયના ધણને બચાવો !
બડાક બેઠી થઇ, હડી કાઢી ઘરમાં ગઇ. વીજળી જેવો ચળકતો ભાલો લીધો. છલાંગ મારી વાડામાં ગઇ. વછેરા પર ચઢી, વછેરાને એડી મારી. ફૂલઝર વછેરો પવનપાવડી ઘોડયે ઉડવા લાગ્યો. પલકવારમાં વછેરો રણકદેવડીના દહેરા કને આવ્યો ને પાનબાઇના મુખેથી વેણ વછૂટયાં ઃ ઓ નરાધમો… ગૌતરીઓને મૂકી દો ! નહિ તો એક સાજો સારો નહિ જાવ. તમારી કાળભૈરવી આવી પૂગી છે.
ભોગાવા મધ્યે રાણકદેવીના દહેરા કને ધિંગાણું થયું. પાનબાઇ ભાલા વીંઝતી જાય છે. કંઈક ડફેરોને છાતીમાં ઘા વાગ્યા. કંઈક ડફેરો ધરાદોસ્ત થયા. પાન રણચંડીશી ઘૂમવા લાગી છે. રૂંવાડે રૂંવાડે શૂરાતન ઉભરાણું છે. ઘા દે છે અને ઘા ઝીલે છે. અંગઅંગમાંથી લોહીના ફુવારા ઉડી રહ્યા છે.
ગામને ગોંદરે માનભાઈને વાવડ મળ્યા કે, ‘તમારી દીકરી ગાયની વહારે ચડી છે. અને ગામલોકો આથમણી કોર ગયેલ છે.’ આટલાં વેણ સાંભળતાં હરશી ઘોડીને એડી મારી. પવનપાવડી ઘોડયે ઉડી… દૂરથી પોતાની દીકરીને ધીંગાણું કરતી જાુએ છે. હૈયામાં હરખ માતો નથી. અને ભલકારા દેવા લાગે છે ઃ ‘તું તો જોગમાયાનો અવતાર’ ‘તું તો મારો દીકરો !’ ‘તેં જનમ લીધો પ્રમાણ જોધારી કુટુંબમાં !’ ત્યાં રાણકદેવડી કને આવી પહોંચે છે. બાપુ માનભાઇ વીરતાથી ઘૂમે છે. સામસામી તરવારોની તાળી પડે છે. વીજળીના ચમકારા થાય છે. ચકમક ઝરે છે. આમ બાપ ને દીકરી ડફેરોનાં મસ્તકો ઉડાડે છે. પોતાના શરીર પર પણ અનેક ઘા પડયા છે. ભયથી કંઈક ડફેર ભાગ્યા. ધરા કંકુવરણી થઇ ગઇ. બંને ધરતી માતાની ગોદમાં કાયમ માટે પોઢી ગયાં, વીરગતિ પામ્યાં !
નોંધ ઃ આ પ્રસંગ ૧૮૭૦માં બનેલ છે. જોધાણી કુટુંબમાં પાળિયામાં લખેલ છે, કે માનભાઈ અને તેમની દીકરી પાનબાઈ ગાયની વહારે ધાતાં મરેલ છે. સતવારા જોધાણી કુટુંબના નવયુવક-યુવતી લગ્ન પછી દર્શને આવે છે. નૈવેધ, શ્રીફળ વધેરી દીવો-ધૂપ કરે છે.
આજે પણ જોધાણી કુટુંબમાં-પરિવારમાં આ પાળિયો પૂજાય છે. કાળીચૌદસના દિવસે સિંદૂર છાપા ચોડાય છે, નૈવૈધ ધરાવે છે.
આ કથા પાળિયાના અક્ષરો પરથી અને જોધાણી કુટુંબના વડીલો પાસેથી મળેલ છે. ઘટના સત્ય છે.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ