શ્રી પદ્મનાભસ્વામી મંદિર – તિરુવનંતપુરમ

કેરળ એટલે ભગવાનનો પોતાનો દેશ -પ્રદેશ. કેરળની પ્રાકૃતિકતા આગળ તો બધાં જ રાજ્યો અને દુનીયાના ઘણાં બધાં દેશો ઝાંખા પડે. કેરળ જેટલું પ્રાકૃતિક અને નૈસર્ગિક છે એટલું જ એ ધાર્મિક પણ છે જે. ગોપુરમ એ આમ તો સમગ્ર દક્ષિણ ભારતની વિશેષતા છે. તે અહીં પણ સોળે કળાએ ખીલી ઉઠી છે …… ભારતના મંદિરો લગભગ તો બધાં જ આગવી વિશેષતા ધરાવે છે. એમાં પણ ભારતનાં કેટલાંક અતિ સમૃદ્ધ આવક, અસ્કયામત અને સંપત્તિની દ્રષ્ટિએ ગણતરી કરવામાં આવે તો પદ્મનાભ સ્વામી મંદિરની એમાં અવશ્ય જ ગણતરી થાય

શેષશાહી વિષ્ણુનું ત્રણ દરવાજામાંથી દર્શન કરાવતું આ મંદિર ખરેખર અદ્ભુત અને અલૌકિક છે. કાષ્ટની સુંદર કોતરણી એ કેરળની આગવી લાક્ષણિકતા છે. જે આ મંદિરને બીજાં મંદિરોથી અલગ તારવે છે. ભગવાન વિષ્ણુની શેષશાહી મૂર્તિ તો ઘણી જગ્યાએ છે પણ જેટલી વિશાળ અને સાથે સુંદર પણ જે અહીં છે તેવી બીજી એકેય જગ્યાએ નથી. આમ તો આ મંદિર એ પદ્મનાભ પેલેસનો જ ભાગ છે. જેને પાછળથી મંદિર તરીકે અલગ કરી દેવામાં આવ્યો છે પેલેસ એની બાજુમાં જ છે !!! જે પણ એટલોજ જોવાંલાયક અને વખાણવા લાયક જ છે !!!! શહેરની વચ્ચોવચ્ચ આવેલું છે  આ મંદિર જે કેરળના રત્ન સમાન છે !!!

તિરુવનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર કેરળનાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે. કેરળ જ્યાં ભવ્ય મંદિર સ્થાપિત છે એ કેરળ દક્ષિણ ભારતનું એક સુંદર રાજ્ય છે. જેનાં પ્રાકૃતિક મનભાવન દ્રશ્ય બધાંનેજ રોમાંચિત કરી દે છે. આ સ્થાન સંસ્કૃતિ એવં સાહિત્યનો અનોખો સંગમ છે. એની ચારે તરફ તો ખુબસુરત સમુદ્ર તટ છે અને બીજી તરફ પશ્ચિમ ઘાટની પહાડીઓનું અદભૂત નૈસર્ગિક સૌંદર્ય. આ બધી અમૂલ્ય નીધીઓની મધ્યમાં સ્થિત છે ——– પદ્મનાભ સ્વામી મંદિર !!!

મંદિરની ખુબસુરતીને જોઇને દરેકનાં મનમાં ભક્તિભાવનો સંચાર સ્વત :જ જાગૃત થઇ જાય છે. પદ્મનાભ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વિષ્ણુ ભગવાનનાં આ રૂપનાં દર્શનો કરવાં માટે વિશ્વભરમાંથી લોકો અહીંયા પહોંચે છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમાં સ્થિત આ મંદિર બહુજ કુશળ વાસ્તુશિલ્પ, કારીગરી દ્વારા બનાવેલું છે એનું સ્થાપત્ય જોતાં જ બને છે મંદિરનાં નિર્માણમાં મહીં કારીગરીની પણ કમાલ જોવાંલાયક છે

આ મંદિર તિરુવનંતપુરનાં ઘણાં પર્યટનસ્થળોમાંનું એક ગણવામાં આવે છે. પદ્મનાભ સ્વામિ મંદિર ભગવાન વિષ્ણુનાં ભક્તોનું મહત્વનું સ્થાન રહ્યું છે !!! તિરુઅનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર ભારતના પ્રમુખ વૈષ્ણવ મંદિરોમાંનું એક છે તથા તિરૂવનંતપુરમનું ઐતિહાસિક સ્થળ પણ છે !!! મંદિરની દશામાં ઘણાં સુધાર કાર્યો કરવામાં આવ્યાં હતાં તથા ઇસવીસન ૧૭૩૩માં આ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવ્યું જે ત્રાવણકોરના મહારાજા માર્તંડ વર્મા દ્વારા સંપન્ન થઈ શક્યું !!!

શ્રી પદ્મનાભસ્વામી મંદિર

માન્યતા  ———

પદ્મનાભ સ્વામિ મંદિરની સાથે એક પૌરાણિક ઈતિહાસ જોડાયેલો છે. અહીં નું મહત્વ બહુજ વધારે છે. અહીંની એક માન્યતા છે કે જ્યાં ભગવાન વિષ્ણુની પ્રતિમા પ્રાપ્ત થઇ હતી પદ્મનાભસ્વામી મંદિર એ જ સ્થાન પર સ્થિત છે !!! ભગવાન વિષ્ણુનાં દેશમાં સમર્પિત ૧૦૮ દિવ્ય દેશમ મંદિર છે !!! આ મંદિર એમાંનું એક છે !!!

સ્થાપત્ય  ————
પદ્મનાભ સ્વામી મંદિરનું નિર્માણ રાજા માર્તંડ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મંદિરનાં પુનર્નિર્માણમાં અનેક મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સર્વપ્રથમ આની ભવ્યતાને આધાર બનવવામાં આવ્યો અને મંદિરને વિશાળરૂપમાં નિર્મિત કરવામાં આવ્યું. જેમાં એનું શિલ્પ સૌંદર્ય બધાને પ્રભાવિત કરે છે. આ ભવ્ય મંદિરનું સપ્ત સોપાન સ્વરૂપ પોતાનાં શિલ્પ સૌંદર્યને દૂરથી જ પ્રભાવિત કરે છે !!! આ મંદિર દક્ષિણ ભારતીય વાસ્તુકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે !!! આ મંદિરનું વાસ્તુશિલ્પ દ્રવિડ એવં કેરલ શૈલીનું મિલા – ઝૂલા રૂપ છે !!!

આ મંદિરનું ગોપુરમ દ્રવિડ શૈલીમાં બનેલું છે. પૂર્વી કિલ્લાની અંદર સ્થિત આ મંદિરનો પરિસર બહુજ વિશાળ છે જેનો એહસાસ આની સાત મંજિલા ગોપુરમ જોઇને જ થઇ જાય છે. આ ગોપુરમ ૩૦ મીટર ઊંચું છે અને આ ગોપુરમ બહુસંખ્યક શિલ્પોથી સુસજ્જિત છે. આ મંદીરની સામે એક બહુજ મોટું સરોવર છે જેને “પદ્મતીર્થ કુલમ ” કહેવામાં આવે છે !!! એની આસપાસ ખપરૈલ ( લાલ ટાઈલ્સ )ની છતનાં સુંદર ઘરો છે. આવાં પુરાણા ઘર અહીંયા ઘણી જગ્યાએ જોવાં મળે છે !!!

ગણવેશ ———

મંદિરનાં દર્શન માટે વિશેષ પરિધાન ગણવેશને ધારણ કરવાનો હોય છે. જેમાં મંદિરમાં પ્રવેશ માટે પુરુષોએ ધોતી તથા સ્ત્રીઓએ સાડી પહેરીને જ પ્રવેશ કરવાનો હોય છે. આ ગણવેશ અહીં ભાડે કે વેચાતો મળે છે !!!

ગર્ભગૃહ  ———

મંદિરનાં ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુજીની વિશાળ મૂર્તિ બિરાજમાન છે. જેને જોવા માટે હજારો ભક્ત દૂર દૂરથી અહીંયા આવે છે. આ પ્રતિમામાં ભગવાન વિષ્ણુ અનંતશૈયા અર્થાત સહસ્રમુખી શેષનાગ પર શયનમુદ્રામાં બિરાજમાન છે. અહીંયા ભગવાન વિષ્ણુની વિશ્રામ અવસ્થાને પદ્મનાભ એવં અનંતશયનમ પણ કહેવામાં આવે છે અને આ રૂપમાં વિરાજિત ભગવાન અહીં પર પદ્મનાભ સ્વામીના નામે વિખ્યાત છે. અહીં ભગવાન વિષ્ણુનું દર્શન ત્રણ હિસ્સામાં થાય છે !!!

[૧] પહેલાં દ્વારમાંથી ભગવાન વિષ્ણુનું મુખ એવં સર્પની આકૃતિનાં દર્શન થાય છે
[૨] બીજાં દ્વારમાંથી ભગવાન વિષ્ણુનો મધ્યભાગ તથા કમળમાં વિરાજમાન બ્રહ્માનાં દર્શન થાય છે
[૩] ત્રીજાં દ્વારમાંથી ભગવાન વિષ્ણુનાં ચરણોનાં દર્શન થાય છે !!!

શિખર પર ફરતા ધ્વજ પર ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુનાં વાહન ગરુડની આક્રતી બનેલી છે. મંદીરનું મહત્વ અહીંની પવિત્રતાથી વધી જાય છે. મંદિરમાં ધૂપ દિપ એવં શંખનાદ થતો જ રહે છે મંદિરનું સમસ્ત વાતાવરણ મનમોહક એવં સુગંધિત રહે છે. આ મંદિરમાં એક સ્વર્ણસ્તંભ પણ છે. પૌરાણિક ઘટનાઓ અને ચરિત્રોનું મોહક ચિત્રણ મંદિરની દીવાલો પર જોવા મળે છે. જે મંદિરને અલગજ ભવ્યતા પ્રદાન કરે છે. મંદિરની ચારે તરફ આયાતકર રૂપમાં એક ગલિયારો છે !!! ગલિયારામાં ૩૨૪ સ્તંભ છે જેના પર સુંદર નક્કાશી કરવામાં આવેલી છે જે મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાડીદે છે. ગ્રેનાઈટથી બનેલાં આ મંદિરમાં નકશીકામનાં અનેક સુંદર ઉદાહરણ જોવાં મળે છે !!!

વિશેષતા  ———

પવિત્રકુંડ, કુલશેકર મંડપ અને નવરાત્રી મંડપ આ મંદિરને વધારે સુંદર અને આકર્ષક બનાવે છે. ૨૬૦ વર્ષ પુરાણા આ મંદિરમાં માત્ર હિંદુ જ પ્રવેશ કરી શકે છે. આ મંદિરનું નિયંત્રણ ત્રાવણકોર શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ મંદિરમાં દરવર્ષે ૨ મહત્વપૂર્ણ વાર્ષિકોત્સવ મનાવે છે. એક પંકુનીના મહિના (૧૫ માર્ચ -૧૪ એપ્રિલ)માં અને બીજો એપ્પસીના મહિના (ઓક્ટોબર -નવેમ્બરમાં)  !!! મંદિરના આ વાર્ષિકોત્સવમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાગ લેવાં માટે આવે છે તથા પ્રભુ પાસે સુખ શાંતિની કામના કરે છે !!!

મંદિરની સંપત્તિ  ——-

મંદિર તથા એની સંપત્તિનાં સ્વામી ભગવાન પદ્મનાભસ્વામી જ છે. બહુજ દિવસો સુધી આ મંદિર તથા એની સંપત્તિઓની દેખરેખ અને સુરક્ષા એક ન્યાસ (ટ્રસ્ટ)દ્વારા કરવામાં આવતી હતી. જેનાં અધ્યક્ષ ત્રાવણકોર નાં રાજપરિવારનો જ કોઈ સદસ્ય હોતો હતો, પરંતુ વર્તમાન સમયમાં ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયે રાજપરિવારને આ મંદિરનાં પ્રબંધનની અધ્યક્ષતા કરવાં પર રોક લગાવી દીધી !!!

જુન ૨૦૧૧માં સર્વોચ્ચ ન્યાયાલયે પુરાતત્વ વિભાગ તથા અગ્નિશમન વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે મંદિરના ગુપ્ત તહખાનો ખોલો અને એમાં રાખેલી વસ્તુઓનું નિરીક્ષણ કરે. આ તહખાનોમાં રાખેલી લગભગ ૨ લાખ કરોડની સંપત્તિનો પતો મળ્યો છે !!! જોકે હજી સુધી તહખાના -બી ને નથી જ ખોલવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે આ તહખાનાના ખોલવા પર રોક લાગવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે અ સંપત્તિ મંદિરની છે અને મંદિરની પવિત્રતા અને સુરક્ષા સુનિશ્ચિતકરી જ દેવી જોઈએ !!!

પદ્મનાભ સ્વામી મંદિર ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. કેરળમાં આવેલા સાત પરશુરામ ક્ષેત્ર પૈકીનું આ એક ક્ષેત્ર છે. આ ઉપરાંત દેશભરમાં આવેલા ભગવાન શ્રીવિષ્ણુનાં ૧૦૮ પવિત્ર મંદિર પૈકી આ મંદિર એક છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની ભવ્ય મૂર્તિ છે. જેનું નિર્માણ નેપાળ ખાતેની ગંડકી નદીના કિનારેથી લાવેલાં ૧૦૦૦૮ શાલિગ્રામથી કરવામાં આવ્યું છે

એક કથા અનુસાર દીવાકર મુનિએ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન માટે પ્રાર્થના કરી. શ્રીકૃષ્ણ એક નાના તોફાની બાળક સ્વરૂપે હાજર થયા. આ બાળક મુનિએ પૂજામાં રાખેલ શાલિગ્રામને ગળી ગયું. આથી ગામલોકો આ તોફાની બાળક પાછળ દોડયા બાળકરૂપી શ્રીકૃષ્ણ એક વૃક્ષ પાછળ સંતાઇ ગયા. અચાનક તે વૃક્ષ પડી ગયું અને અનંતશયનમ્ સ્વરૂપે વિષ્ણુમાં ફેરવાઇ ગયું તે ખૂબ વિશાળ બની ગયું. તેથી દીવાકર મુનિએ કહ્યું કે, “હે ભગવાન તમારું આટલું વિરાટ સ્વરૂપ હું જોઇ શકતો નથી. તમે નાના બની જાવ”. આથી ભગવાને તેમનું કદ ત્રીજા ભાગનું કરી નાખ્યું. તેથી આ મંદિરમાં ત્રણ દ્વાર રાખવામાં આવ્યાં છે. આ ત્રણેય દરવાજામાંથી ભગવાન વિષ્ણુનાં દર્શન થાય છે. આ ત્રણેય દ્વારને અનુક્રમે બ્રહ્મા વિષ્ણુ તથા મહેશ નામ અપાયાં છે

પદ્મનાભ મંદિરનો ઇતિહાસ 

ઇ.સ. ૧૭૩૧માં શ્રી પદ્મનાભ સ્વામી મંદિરનું નિર્માણ ૧૮મી સદીમાં થઇ ગયેલા ત્રાવણકોરના રાજા માર્તંડ વર્માએ (૧૭૨૯થી ૧૭૫૮) ૧૭૩૧માં કરાવ્યું હતું. તે પછી ઇ.સ. ૧૭૫૦માં તેમણે સમગ્ર રાજ્ય ભગવાન પદ્મનાભ સ્વામીને અર્પણ કરી દીધું અને તેમણે પોતાનું નામ પદ્મનાભ દાસ અર્થાત્ ભગવાન વિષ્ણુનો સેવક તેવું ધારણ કર્યું. તે પછી ૧૯૭૧માં રાજવી પરિવારોની સત્તા સરકારે પાછી ખેંચી લીધી
તે પછી રાજવી પરિવારે એક ટ્રસ્ટનું નિર્માણ કર્યું. આજે આ મંદિર ટ્રસ્ટથી ચાલે છે. આ રાજવી પરિવારના વડા (હાલના) ઉત્તરદોમ થિરુનવ માર્તંડ વર્મા આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે

પદ્મનાભ મંદિરની કેટલીક અજાયબી ———

આ મંદિરના ભોંયરાંમાંથી એક રૂમમાંથી એક ટન સોનું મળી આવ્યું છે. તેમાં ઘણા જૂના સોનાના સિક્કા છે. ૧૮ ફૂટ લાંબી સોનાની ચેઇન પણ મળી છે. ઘણા જ હીરા તથા પુષ્કળ ઝવેરાત પણ મળ્યું છે. એક અંદાજ મુજબ ૫૦ હજાર કરોડ રૂપિયાનો ખજાનો તેમાંથી મળ્યો છે, જોકે આ બધા અંદાજ છે. ખરેખર આંકડો ૧૦૦ હજાર કરોડ કરતાં પણ ઘણો વધુ છે. ભોંયરાના એક રૂમમાંથી સોનાના અસંખ્ય પેન્ડલ તથા સોનાના રાજદંડ પણ મળી આવ્યાં છે. ૧૨-૧૨ શેર વજન ધરાવતી પન્ના અને માણેકની અનેક ચેઇન સોનાજડિત મળી છે. સોના ચાંદીના તો એક લાખ કરતાં પણ વધુ સિક્કા મળી આવ્યા છે

૫૦૦ કરોડ કરતાં વધુની કિંમતના ભગવાન વિષ્ણુ ——–

પદ્મનાભ મંદિરના એક ભોંયરાના રૂમમાંથી (ચોથા રૂમમાંથી) ભગવાન વિષ્ણુની એક ફૂટ ઊંચી સંપૂર્ણપણે સોનાની બનેલી મૂર્તિ મળી છે. પદ્મનાભ સ્વામીની આ મૂર્તિમાં ૧૦૦૦થી પણ વધુ કીમતી હીરા, માણેક જડવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ આ મૂર્તિ આજની તારીખે લગભગ ૫૦૦ કરોડ કરતાં પણ વધુ રૂપિયાની થઇ જાય છે. આ ઉપરાંત આ જ ચોથા નંબરના રૂમમાંથી ભગવાન શ્રીકૃષ્ણની પાંચ કિલો સોનાની એક મૂર્તિ પણ મળી છે. બીજું એક સત્ય એ પણ છે કે આ મંદિરમાંથી સોનાના ચોખાનો એક બહુ મોટો ઢગલો મળી આવ્યો છે. સોનાનું એક દોરડું પણ છે !!!. આપણાં શાસ્ત્રો સાચું જ કહે છે કે —— “લક્ષ્મીજીનું સ્થાન તો વિષ્ણુનાં ચરણોમાં જ છે” !!!

પદ્મનાભ સ્વામી મંદિરનો ઈતિહાસ બહુજ પુરાણો છે. મહાભારતમાં એનો ઉલ્લેખ આવે છે કે બલરામજી આ મંદિરમાં આવ્યાં હતાં અને અહીં પૂજા કરી હતી. એવું પણ કહેવાય છે કે આ મંદીરની સ્થાપના ૫ હજાર વર્ષ પહેલાં થઈ હતી !!! પરંતુ ઇસવીસન ૧૭૩૩માં ત્રાવણકોરનાં રાજા માર્તંડ વર્માએ એનું પુનર્નિર્માણ કરાવ્યું હતું !!!

મંદિરમાં દર્શન  ———

મંદિરમાં દર્શનનો સમય છે સવારના સાડા ત્રણ વાગ્યાથી બપોરનાં૧૨ વાગ્યા સુધીનો. બપોરનાં ૫ કલાક મંદિર બંધ થઇ જાય છે પછી સાંજે ૫ વાગ્યાથી સાંજે ૭..૨૦ વાગ્યા સુધી જ દર્શન થાય છે

આમ તો કેટલીક રહસ્યમય વાતો આ મંદિર સાથે જોડાયેલી છે એની વાત અહીં નથી જ કરવી !!! અદ્ભુત, અલૌકિક અને અભિભૂત કરી દેનારું આ મંદિર જેટલી વાર જોવાય તેટલી વાર જોવું જોઈએ. વિશ્વનું આ અમીર મંદિર બધીજ રીતે  મનમોહક છે …….. ખરેખર તે એક અજાયબી જ છે
પદ્મનાભ સ્વામીને શત શત પ્રણામ !!!!

——– જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!