ભગવાન હનુમાનજી એ પૂર્ણ અને સૌથી શક્તિશાળી ભગવાન છે. હનુમાનજી એ ભગવાન શિવજીના અંશાવતાર હતાં. એક રીતે જોવાં જઈએ તો એ ભગવાન શિવજીનાં પુત્ર જ ગણાય. કયારેક કયારેક ભગવાન વિષ્ણુનાં અવતારોને સહાય કરવા કે ક્યારેક કયારેક સમગ્ર પૃથ્વી પર ફેલાયેલાં દુષ્ટોનો અને અનિષ્ટોનો નાશ કરવાં ભગવાને અવતાર ધારણ કરવો પડે છે. ઘણી વખત ભગવાન વિષ્ણુના અવતારોને સહાય કરવાં આવો અવતાર ધારણ કરવો પડે છે. હનુમાનજી એ ભગવાન પરશુરામજીની જેમ ચિરંજીવ ભગવાન છે. આ એક અવતાર ધારણ કર્યા પછી પણ ઘણી વખત એમનાં દુશ્મનો કે એમનામાં રહેલાં દુષ્ટત્વનો નાશ કરવાં માટે એમને અનેકો રૂપો ધારણ કરવાં પડતાં હોય છે. વરદાન તો અપાતાં અપાઈ જતું હોય છે એમાંથી એનો હલ કઈ રીતે શોધવો એ ભગવાનને જ ખબર હોય છે. એ વરદાનનમાંથી મુક્તિ કેવી રીતે મેળવાય એ માટે જ આવાં અવતારો લેવાં પડે છે ભગવાનને !!!
ભગવાન વિષ્ણુએ પણ આવાં રૂપો અનેકોવાર ધારણ કર્યા જ છે તો એમાંથી ભગવાન હનુમાનજી પણ કેમ બાકાત રહી જાય વળી !!! એ તો જગજાહેર છે કે ભગવાન હનુમાનજીનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે. જો કે એ પહેલાં પુરાણોમાં પણ થયો જ છે !!! પણ રામાયણની ઘટના આદિ કવિ વાલ્મિકીજીએ રામાયણ લખ્યાં પછી બની હતી એને જ તથ્ય માનીને ચાલવું જોઈએ દરેકે.. એમાં હનુમાનજીની ગાથા આવે છે. વધારે પ્રચલિત કરી મહાકવિ તુલસીદાસજીએ. એક મત તો એવો પણ છે કે સૌ પ્રથમ રામાયણ ભગવાન હનુમાનજીએ લખ્યું હતું. જે એમને બરાબર ના લાગ્યું એટલે એમણે એ દરિયામાં ફેંકી દીધું હતું. આ બધી તો કહી-સુની જ વાતો છે !!! જો વાત હનુમાનજીની મૂર્તિ હોય તો વાત પણ એને લગતી જ હોય.. પંચમુખી હનુમાન સ્વરૂપ ભગવાન હનુમાનજીએ રામાયણમાં જ ધારણ કર્યું હતું !!! પણ એ વાત કઈ છે એ પછીથી આપણે જોઈશું. એવું તો કયું રૂપ ધારણ કર્યું હતું કે જે આજે અમર થઇ ગયું છે અને એની મૂર્તિઓ પણ બની છે અને એની આજે પણ પુજા થાય છે !!! આનો જવાબ તમને આગળ જતાં આપું જ છું !!!
વાત છે પાકિસ્તાન સ્થિત હિંદુ મંદિરોની.. પાકિસ્તાનમાં લગભગ ૩૦૦ જેટલાં હિંદુ મંદિરો છે. પાકિસ્તાનમાં આજે પણ હિંદુ વસ્તી છે પણ બહુ અલ્પ સંખ્યામાં. એટલે ત્યાં હિંદુઓ લઘુમતિ કોમમાં જ ગણાય !!! પણ તેઓ ત્યાં પૂજા-અર્ચના -આરધના કરતાં જ હોય છે. ત્યાં માત્ર મસ્જીદો જ છે એવું નથી ત્યાં પણ મંદિરો છે અને ત્યાં પણ ચર્ચો છે જ !!! પાકિસ્તાન પહેલાં તો હતું જ નહિ અને આદિકાળથી હિંદુ ધર્મ તો વ્યાપક અને સમૃદ્ધ જ હતો. જેનો ઉલ્લેખ અનેકો પુરાણો અને મહાકાવ્યોમાં થયેલો જોવાં મળે છે. કહેવાનું તાત્પર્ય એ કે કે હિંદુ ધર્મ સનાતન છે કે સનાતન ધર્મ એ હિંદુ ધર્મની જ એક શાખા-પ્રશાખા છે !!! આમ જોવાં જઈએ તો એમાં બધાં ધર્મનો સમન્વય થેલો જોવાં મળે છેકે જેમાં હિન્દુત્વને પ્રાધાન્ય આપતું હોય. દરેક ધર્મની સારી બાબતોને એક ધર્મમાં આવરી લઈને આ સનાતન ધર્મ ઉદભવ્યો છે પણ આ ધર્મ અત્યારનાં જ નહિ પણ તે સમયમાં પણ પ્રચલિત થયો હતો અને ઘણો પ્રસાર પામ્યો હતો, પણ વાત આપણે સનાતન ધર્મની નથી કરવાની !!! વાત છે પાકિસ્તાન સ્થિત હિંદુ મંદિરોની. પાકિસ્તાનમાં લગભગ ૯૫ ટકા હિંદુ મંદિરો નષ્ટ થઇ ગયાં છે, પણ બહુ થોડાં જ બચ્યાં છે જે આજે પણ ચાલુ છે. જેમાં આજે પણ લગભગ રોજ જ પૂજા અર્ચના થાય છે અને લોકો દેશ-વિદેશથી અહી આવે છે ખાસ આ મંદિર જોવાં
પાકિસ્તાનનું સૌથી મોટું શહેર કયું —— કરાંચી
પાકિસ્તાનનું આ શહેર કરાંચી એ પાકિસ્તાનનું સૌથી મોટું બંદર પણ છે. આ શહેર એક અત્યંત ખુબસુરત શહેર છે પણ એ પાકિસ્તાનમાં હોવાથી એને આપણે માણી શકતાં નથી કે નથી ત્યાં જઈ શકતાં. જવાની ઈચ્છા જ વ્યક્ત કરી શકાય એમ નથી આપણાથી કારણકે આ જ શહેર છે જ્યાં અરાજકતા બહુજ ફેલાયેલી છે. આ શહરેમાં જ બોંબ ધડાકાઓ બહુ જ થાય છે. શિયા અને સુન્ની મુસ્લિમોનો ઝગડો ચરમસીમા એ છે તો પણ શહેરના લોકોને એને કોઈ ફરક નથી પડતો. આજ શહેરની નજીકમાં અરબી સમુદ્રમાં સિંધુ નદી દરિયાને મળે છે જેમાં પેલી પાંચ નદીઓ રાવી,ચિનાબ , જેલમ, સતલજ અને બિયાસ જેમાં ભળે છે એ અહીંથી દક્ષિણમાં જ અરબી સમુદ્રને મળે છે !!!
કહેવાય છે કે એક જમાનામાં એ સિંધની રાજધાની પણ હતી એટલે એક જમાનામાં એ સિંધુ સંસ્કૃતિનો ભાગ જ ગણાય, પણ સિંધુ સંસ્કૃતિ પાકિસ્તાનની ઉત્તરમાં અને પૂર્વમાં વધુ પ્રસરેલી જોવાં મળે છે જે અહી કરાંચીમાં જોવાં મળતી નથી, પણ આ કરાંચી એ અત્યંત આધુનિક શહેર છે જે દુનિયાના ઘણાં સારાં ને મોટાં શહેરો સાથે તાલમેલ કરીને ચાલતું હોય એવું અવશ્ય લાગે છે. કરાંચી શહેરને પ્રકાશનું શહેર પણ કહેવામાં આવે છે ——- City Of Lights!!! આ કરાંચીમાં એક ભરચક ભીડભાડવાળો ઇલાકો છે સોલ્જર બજાર.. ત્યાં એક અત્યંત પ્રાચીન હિંદુ મંદિર છે. મંદિર તો બહુ પ્રાચીન નથી પણ એની મૂર્તિ બહુ જ પ્રાચીન છે. જેનું નામ છે પંચમુખી હનુમાન મંદિર કરાંચી. આ મંદિરમાં આજે પણ પૂજા થાય છે
માત્ર આજે જ નહિ પણ વર્ષોથી અહી રોજ જ પૂજા થાય છે !!! ત્યાં પુજારી પણ છે અને લોકો રોજ જ અહી દર્શન કરવાં ઉમટતાં હોય છે. હનુમાન જયંતિ અને શનિવારે તો અહી લોકોનાં ટોળેટોળા ઉમટે છે. લોકોની આસ્થા આ મંદિરમાં ગજબની છે !!! એટલે જ તો દેશવિદેશમાંથી ઘણાં બધાં લોકો અહી ખાસ આ મૂર્તિ જોવાં અને દર્શન કરવાં આવતાં હોય છે. ભારતમાંથી પણ અહી લોકો ઘણાં આવે છે પણ એ માટે એમને પાકિસ્તાન સરકાર અને કરાંચીના અધિકારીઓની પરવાનગી લેવી પડતી હોય છે !!! અને પાકિસ્તાનના હાલાત તો બગડેલાં છે એટલ ભારતીયો બહુ જતાં નથી અને જવાં પણ તૈયાર નથી. તેમ છતાં પણ આં મંદિર પ્રત્યેની એમની શ્રદ્ધા એમને અહી ખેંચી લાવે છે જરૂર, પણ તોય પ્રમાણમાં ઘણાં ઘણાં ઓછાં જ !!!
આ કરાંચી શહેરમાં જ સ્થિત છે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર પંચમુખી હનુમાનજી મંદિર. આ મંદિર આમ તો ૧૫૦૦ વર્ષ પુરાણું છે એટલે કે એ સમય ગુપ્તકાલીન થયો !!! આ ગુપ્તકાલીન સમય છે ઇસવીસન ૩૨૦ થી ઇસવીસન ૫૫૦ સુધીનો. આ સમયમાં ઘણાં મંદિરો બનેલાં છે અને સિંધ પણ તે વખતે તો ગુપ્તકાલીન સમ્રાટોનાં તાબામાં જ હતું, વળી ત્યાંના સ્થાનિક રાજાઓએ એ બંધાવેલું હોય એવું લાગતું નથી. આમ જોવાં જઈએ તો એ ૧૫૦૦ વર્ષ પહેલાનું મંદિર અત્યારે તો લાગતું નથી, પણ કેટલાંક પુરાતાત્વિક પુરાવાઓ એ ૧૫૦૦ વર્ષ પહેલાનું હોય એની ચાડી જરૂર ખાય છે. આ મંદિર તો ત્યાં જ હતું જ્યાં અત્યારે છે. એનો કેટલોક ભાગ એ ૧૫૦૦ વર્ષ પુરાણો જરૂર છે. ટૂંકમાં એમ કહી શકાય કે એ સમયમાં જેવાં મંદિરો ભારતમાં જોવાં મળતાં હતાં તેવું આ મંદિર છે. જે આગવી ભાત તો જરૂર પાડે જ છે. જે તમને પહેલી નજરે જોતાં તો એ ગુપ્તકાલીન જ લાગે છે કારણકે મંદિરની કમાનો એ એ વાતનો પુરાવો છે !!!! પણ ચોક્કસ તો ના જ કહી શકાય કે એ ૧૫૦૦ વર્ષ પહેલાનું ગુપ્તકાલીન હનુમાનજીનું મંદિર હતું !!! આ બધાં અનુમાનો છે ભાઈ !!!
કોઈપણ દેશની સીમાઓ બદલાય એટલે કઈ એનો ઈતિહાસ નથી બદલાઈ જતો કે નથી બદલાઈ જતી એની સંસ્કૃતિ!!! સંસ્કૃતિ તો એની એજ રહે છે જેનું આપને ગૌરવ લઈએ છીએ. એક વાત તો છે કે આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતાની તુલના બીજાં દેશો કે બીજી સંસ્કૃતિ સાથે શા માટે કરવી જોઈએ !!! આ આપણી સંસ્કૃતિ છે અને એ બીજાંની એમ માનીને જ ચાલવું જોઈએ દરેકે. જે નથી ચાલતાં અને ખોટો વાદવિવાદ કરે છે. આને જ પરિણામે બે સંસ્કૃતિ વચ્ચે ક્યારેક મતભેદ થાય છે તો કયારેક યુદ્ધ. આવાં મતભેદો અને એને લીધે થતાં યુધ્ધોને પરિણામે જ આજે અમુક સંસ્કૃતિઓ નષ્ટ પામી છે અને એ ઈતિહાસનાં પાનાંઓમાં કેદ થઈને રહી ગઈ છે. જયારે આપની સંસ્કૃતિ આજે પણ હયાત છે અને સતત જીવંત છે. આમાં બીજી સંસ્કૃતિઓણે ઉતારી પાડવાનો કે એમને ઓછી ગણવાનો મારો કોઈ જ ઈરાદો નથી !!! પણ આવું બન્યું છે એ હકીકત છે !!!
આ પંચમુખી હનુમાન મંદિર જે ૧૫૦૦ વર્ષ પુરાણું છે તે દેખાવમાં પણ આ અતિભવ્યછે, પણ એ પુરાણું છે એટલું જ માત્ર. પણ આ મંદિર ફરીથી ઈસવીસન ૧૮૮૨માં ફરી બનાવ્યું હતું . આ મંદિરના પ્રમાણમાં અતિસામાન્ય અને ભારતમાં જે મોટા મોટા મંદિરો અને મંદિરસંકુલો છે એવું નથી. આ એકલપટું મંદિર નથી એમાં પણ હિંદુ દેવી દેવતાઓની તમામે તમામ મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે અને અનેક નાનાં નાનાં મંદિરો પણ છે. જ્યાં આજે પણ લોકો અતિશ્રધ્ધા પૂર્વક માથું ટેકવે તો છે જ !!! મંદિરો હોય એટલે પરિસર તો હોવાનો જ એને પરિસર તો છે પણ એની બાહ્ય દિવાલો એવી નથી એવું પણ નથી પણ એકબીજાં મકાનોને અડીને બનાવાયેલી છે. આ મંદિર એ કોઈ સાધારણ મંદિર તો નથી જ આ માં જોવાં જઈએ તો એની મહત્તા આપણા જ્યોતિર્લિંગો કે શક્તિપીઠો જેટલી જ છે
આમેય પાકિસ્તાનમાં પણ એક શક્તિપીઠ હિંગળાજ માતા તો સ્થિત છે જ કહેવાનો મતલબ એ કે ભારતમાં જેવાં મંદિરો સ્થિત છે એવું જ આ મંદિર છે એના બાંધકામ અને એની સંરચનામાં કોઈજ ફેર નથી !!! મંદિરનું મહત્વ એમાં બિરાજમાન ભગવાનથી જ હોય જે અહીં બન્યું છે. અહી ભગવાન હનુમાનજીની પંચમુખી મૂર્તિ છે. આ મૂર્તિ કોઈ સાધારણ મૂર્તિ નથી એ મૂર્તિ ૧૭ લાખ વર્ષ પુરાણી છે અને અહીં ભગવાન શ્રીરામચન્દ્રજી પણ એના દર્શન કરવાં આવ્યાં હતાં. આ મૂર્તિનો સંબંધ ત્રેતાયુગ સાથે છે. હવે થોડીક વાત ત્રેતાયુગ વિષે
આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભારતીય કાળગણના પ્રામાણે આપની સૃષ્ટિ અને તેનાં વિનાશના સમયને ચાર યુગોમાં વહેંચવામાં આવી છે
- સત્યયુગ (૧૭,૨૮,૦૦૦ વર્ષ)
- ત્રેતાયુગ (૧૨,૯૬,૦૦૦ વર્ષ)
- દ્વાપરયુગ (૮,૬૪,૦૦૦ વર્ષ)
- કળિયુગ (૪,૩૨,૦૦૦ વર્ષ)
ભગવાન હનુમાનજીની આ મૂર્તિ ત્રેતાયુગની છે અથવા તો ભગવાન હનુમાનજીનો ઉલ્લેખ એ ત્રેતા યુગમાં થયેલો છે એવું આપણા શાસ્ત્રો કહે છે એટલે એ તો સ્વીકાય જ હોય એમાં તો કોઈ જ બેમત નથી જ નથી !!! આ ત્રેતા યુગના કુલ વર્ષો છે ૧૨ લાખ ૯૬ હજાર. આ યુગના ૧૨૯૬૦૦૦ વર્ષ ગણ્યા છે પરંતુ તે વર્ષ એટલે માનવીય (પૃથ્વીને સૂર્ય આસપાસ ફરતા લાગતો સમય) વર્ષ છે કે નહિ તેની કોઇ સ્પષ્ટતા નથી આ વર્ષો એ આપને જેણે ૩૬૫ દિવસનું એક વર્ષ કહીએ છીએ જે સૂર્યની ગતિ અને પૃથ્વીનાં પરિભ્રમણ પર આધારિત છે એને મેળ ખાય છે કે નહીં તે એક સવાલ છે ખરો !!! તે સમયની ગણતરી અને હાલની ગણતરીમાં ફેર અવશ્ય છે. ભગવાન તે સમયમાં જરૂર થયાં હોય પણ એમની પૂજા કયારથી શરુ થઇ ? આ પ્રશ્નનો કોઈ જ સાચો જવાબ હજી સુધી તો આપી શક્યું નથી.
આર્યભટ્ટની ગણતરી મુજબ આ સમય ઇસવીસન પૂર્વે ૫૧૧૪ વર્ષનો હતો એટલે કે આજથી ૭૦૦૦ વર્ષ પૂર્વેનો અને એજ સાચું ગણાય. ૧૭ લાખ વર્ષ પુરાણી મૂર્તિ જરૂર હોઈ શકે છે એ કેમ ના હોઈ શકે. પ્રાગઐતિહાસિક યુગ આનાથી પહેલાં એટલેકે ૨૭ લાખ વર્ષ પહેલાં શરુ થયો હતો. જેના અવશેષો આજે પણ મળી આવે છે ફોસિલ રૂપે !!! પણ કોઈ માનવીય કંકાલ આટલાં બધાં વર્ષો પૂર્વેનું મળ્યું નથી, પણ …… પણ મૂર્તિ તો અવશ્ય જ મળી શકે છે એટલે માનવનો ઉત્પત્તિકાળ કયો તે ગણતરી કરવી અઘરી છે એટલે જ આર્યભટ્ટની ગણતરી સાચી ઠરે છે. જે લગભગ બધાંજ પૌરાણિક સ્થાનો સાથે મેળ ખાય છે. બાકી આટલાં બધાં વર્ષો પૂર્વે આ મંદિર તો ના જ બન્યું હોય અને એ બન્યું પણ નથી જ !!! એ તો માત્ર ૧૫૦૦ વર્ષ જ પુરાણું છે પણ મૂર્તિ તો પુરાણી જ છે જે લાખો વર્ષ જૂની હોઈ જ શકે છે.
પરંતુ આ જગ્યાએ ભગવાન શ્રી રામચંદ્રજીએ ખુદ ભગવાન હનુમાનજીની સ્થાપના કરી હતી કે એમનાં દર્શન કરી એમની પૂજા-અર્ચના-આરાધના કરી હતી જેનો ઉલ્લેખ ત્રેતાયુગ સાથે છે. બીજું કે પાતાળલોકમાંથી ભગવાન હનુમાનજીએ આ પંચમુખીરૂપ ધારણ કરીને ઐરાવણ-મૈરાવણ પાસેથી ભગવાન રામચન્દ્રજીના ભાઈ લક્ષ્મણને છોડાવ્યો હતો. એ જે જગ્યાએથી ભગવાન હનુમાનજી લક્ષ્મણને છોડાવી લાવ્યાં હતાં તે આ જગ્યા હોઈ શકે છે કદાચ એનો ઉલ્લેખ છે માત્ર જગ્યાનો કયાંય પણ નિર્દેશ થયો જ નથી !!! જો કે સંજીવની જડીબુટ્ટી લેવા તે હિમાલય પર્વત પર ગયાં હતાં જે અયોધ્યાની ઉત્તરમાં સ્થિત છે તો આ જગ્યા પણ અયોધ્યાની ઉત્તર -પશ્ચિમે કેમ ના હોઈ શકે ? આ બધી ઘટનાઓ ઘટી હતી કે તેની કોઈ ચોક્કસ માહિતી નથી માત્ર એ પૌરાણિક કથાઓ જ માત્ર જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો જોવાં મળે છે
રામાયણનાં નિર્દિષ્ટ સ્થાનો ઘણાં બધાં આજે મળી તો આવ્યાં જ છે, પણ એ કઈ સાલનાં છે કે તે કેટલાં વર્ષો પુરાણા છે એતો આનાથી સાબિત થતું જ નથી !!! પણ આ બધાં સ્થાનો હતાં ખરાં એ વાત તો સાબિત જરૂર થાય છે આનાથી !!! એ સ્થાન વિષે કોઈ શંકા-કુશંકા ધરવાનું કારણ નથી જ નથી !!! પણ આ બાબતમાં રામાયણનો રચનાકાળ પણ અવશ્ય તપાસવો જોઈએ. ચલો…….. જો આ મૂર્તિ ત્રેતાયુગની જ હોય તો એ તો માત્ર ૧૨,૯૬,૦૦૦ વર્ષ જ પુરાણો છે, પણ એ યુગ ક્યારથી પૂરો થયેલો ગણાય ? અને અત્યારનો કળીયુગ ક્યારથી શરુ થયેલો ગણાય ? કારણકે દ્વાપર યુગ એ ૮ લાખ ૬૪ હજાર વર્ષનો છે અને કળિયુગ ૪ લાખ ૩૨ હજાર વર્ષનો છે
આ રીતે તો સીધું ગણિત એમ કહે છે કે ૪ લાખ ૩૨ હજાર વર્ષ + ૮ લાખ ૬૪ હજાર વર્ષ = ત્રેતાયુગ ૧૨ લાખ ૯૬ હજાર વર્ષ, પણ એવું નથી આપણે ત્રેતાયુગની વાત કરતાં હોઈએ તો અત્યારનાં ૨૦૧૯ વર્ષ + ૧૨ લાખ ૯૬ હજાર વર્ષ = ૧૨ લાખ ૯૮ હજાર અને ૧૯ વર્ષ થયાં કહેવાય. આ રીતની ગણતરી પણ સાચી નથી જ કારણકે એનાં પછી દ્વાપરયુગ અને હાલ ચાલતો કળિયુગ પછી જ અત્યારનાં વર્ષો ઉમેરાય તો તો અત્યારનાં સમયથી ત્રેતાયુગ એ ૨૦ -૨૧ લાખ વર્ષ પહેલાં શરુ થયેલો ગણાય. અત્યાર કળીયુગનું કેટલામું વર્ષ ચાલે છે એ કોઈ જ કહી શકે એમ નથી કારણકે એ સમયે તો સમગ્ર પૃથ્વીનો વિનાશ થઇ ગયેલો હશે ? આ રીતે તો ૧૭ લાખ અને ૨૧ લાખ વર્ષને મેળ ખાતો જ નથી તો પછી આ મૂર્તિ કે આ જગ્યા એ ૧૭ લાખ વર્ષ પુરાણી કઈ રીતે હોઈ શકે ? અતિસ્પષ્ટ ઉલ્લેખ છે કે આ મૂર્તિનો સંબંધ ત્રેતાયુગ સાથે છે. જ્યારે સતયુગ ૧૭૨૮૦૦૦ વર્ષ પુરાણો છે જે મેળ તો ખાય છે પણ એનો ઉલ્લેખ અહી નથી તો ૧૨૯૬૦૦૦ અને ૧૭ લાખ વર્ષને મેળ તો ખાતો નથી જ !!! આ તો દીવા જેવી સ્પષ્ટ જ વાત છે !!!ક્યાંક ગણતરીમાં કોઈ કચાશ જરૂર લાગે છે એમ જરૂરથી કહી શકાય એમ છે !!!
એ વાત સ્વીકારી ના લઈએ તો પણ આ મૂર્તિ એ પંચમુખી હનુમાનજીની દુનિયાની પ્રથમ મૂર્તિ છે એ વાતને નકારી શકાય એમ નથી !!! જે અત્યંત પ્રાચીન છે !!! આ ગણતરીઓ કેવી રીતે થાય છે એમાં વૃક્ષો, પશુ-પક્ષીઓ અને માનવોનું અસ્તિત્વ ક્યારે આવ્યું અને એ કેટલાં પુરાણા છે અને એ સમયમાં માનવોનું સરેરાશ આયુષ્ય કેટલું હતું અને યુગમાં ભગવાનનાં અવતારો કેમ લેવાયાં હતાં એની વાત ફરી કોઈક વાર અત્યારે તો આ મંદિરની જ વાત કરીએ !!!
આ પંચમુખી હનુમાન મંદિર દુનિયાનું એક અને માત્ર એક એવું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજીની મૂર્તિ એ કુદરતી છે. તાત્પર્ય એ કે આ મૂર્તિ કોઈ માનવો ધ્વારા નિર્મિત કે પ્રસ્થાપિત તો નથી જ !!! આપણા હિંદુ ધર્મમાં લોકોની આસ્થા એવી તો મજબુત છે ને કે આપને બધાં જ એવાં જ મતના છીએ કે જ્યાં કુદરતી એટલે કે સ્વયંભુ ભગવાન હોય તેમનામાં શક્તિ પણ અસાધારણ જ હોય અને એમાં પાણી આસ્થા અને શ્રદ્ધા વધારે જ હોય જે અહી ખાસ જોવાં મળે છે !!! અહીં એટલે કે આજ સ્થળેથી એક ૮ ફૂટની સફેદ અને ભૂરા રંગની મૂર્તિ મળી આવી હતી એટલે જ આ સ્થળે એમનું મંદિર બાંધવામાં આવ્યું છે. ખરેખર આ મૂર્તિ કઈ સાલમાં જમીનમાંથી પ્રાપ્ત થઇ એ તો કોઈનેય ખબર નથી જ પણ મળી આવી છે એય હકીકત છે !!!
આ ભગવાનના પાંચ મુખ કયાં છે એ પ્રશ્ન કોઈના મનમાં પણ ઉદભવે એ સ્વાભાવિક જ છે !!! તો ચલો તમને જણાવી દઉં કે પાંચ મુખ કયાં છે તે !!! ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપમાં
- પહેલું મુખ છે વાનરનું
- બીજું મુખ છે ગરુડનું
- ત્રીજું મુખ છે વરાહનું
- ચોથું મુખ છે હયગ્રીવ (ઘોડા)નું
- અને પાંચમું મુખ છે નરસિંહનું
એક વાત તો છે કે આ પાંચે મુખ એ ભગવાનના અવતાર છે એટલે જ એનું મહત્વ આપણા હિંદુ ધર્મમાં વધારે છે જેનું આપણે ગૌરવ લેવું જોઈએ !!! આ પાંચ મુખોવડે ભગવાન હનુમાનજી ભક્તોની સર્વે સમસ્યાઓ દુર કરે જ છે
આ જ જગ્યાએ આ મંદિર કેમ બનાવ્યું ? કારણકે આ જ જગ્યાએથી ભગવાન હનુમાનજીની મૂર્તિ પ્રાપ્ત થઇ હતી એ કેવી રીતે મળી આવી એની પણ એક દંતકથા છે ——
કેટલાંક વર્ષો પહેલાં અહી એક ઘટના ઘટી હતી ત્યારે તો અહી કોઈ મંદિર નહોતું પણ આ જગ્યાએ એક તપસ્વી રોજ જ તપસ્યા કરતાં રહેતાં હતાં. ઘણાં ઘણાં વર્ષો તપસ્યા કર્યાં પછી એમણે એક દિવસ સપનામાં ભગવાન હનુમાનજીનાં દર્શન થયાં. સપનામાં જ ભગવાન હનુમાનજીએ કહ્યું કે હું આ જગ્યાની નીચે પાતાળ લોકમાં નિવાસ કરું છું, પરંતુ તમે મને અહીંથી નીચેથી કાઢીને તમે જે જગ્યાએ તપસ્યા કરો છો ત્યાં પ્રસ્થાપિત કરો. એવું મનાય છે કે સપનામાં કહેલા કથનાનુસાર આ પંચમુખી મૂર્તિ જમીનની અંદરથી બહાર નીકાળવાં લાગ્યાં. જે જગ્યાએ આ મંદિર સ્થિત છે એ જગ્યાએથી બરોબર ૧૧ મુઠ્ઠી માટી ખોદવામાં આવી અને હનુમાનજીની મૂર્તિ પ્રકટ થઇ. પાકિસ્તાનમાં સિંધમાં કે હિંદુ પરંપરામાં આ ૧૧નાં આંકડાનું બહુ જ મહત્વ છે !!! મંદિરનાં ત્યાંના પુજારીના જણાવ્યા પ્રમાણે આ મંદિરમાં માત્ર ૧૧ કે ૨૧ પરિક્રમા કરવાથી સારી મનોકામના પૂરી થઇ જાય છે જે આમ તો દરેક મંદિરમાં આવી જ રીતે પૂરી થતી હોય છે !!! પણ એ ૧૧ જ કેમ તેને અને આ ૧૧ મુઠ્ઠી માટી સાથે બહુજ ઘેરો નાતો છે
બીજું કે એ ૧૧ મુઠ્ઠી ખોદવાથી એ સીધેસીધી પાતાળલોકમાંથી પ્રાપ્ત થઇ હતી. આજ પાતાળલોક સાથે હનુમાનજીના આ પંચમુખીરૂપ સાથે બહુજ ગાઢ સંબંધ છે કારણકે હનુમાનજીએ અહીં જ પાતાળલોકમાં પંચમુખીરૂપ ધારણ કર્યું હતું !!! એટલે આ ૧૧ પરિક્રમા કરવાંમાં આવતી હોય છે. ૨૧નો આંકડો પણ આપણા હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે !!! કોઈક તો વળી એમ પણ કહે છે કે ૧૦૮ પરિક્રમા કરવાથી મનુષ્યના બધાં પાપ ધોવાઈ જાય છે અને એણે મોક્ષની પ્રાપ્ત થાય છે !!! વળી આ પંચમુખી હનુમાનજીનું મંદિર એવું છે કે અહી લગભગ બધાં જ ધર્મનાં લોકો આવે છે અને દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણે છે
ભગવાન હનુમાનજી કળીયુગમાં સૌથી જલ્દી પ્રસન્ન થવાંવાળાં ભગવાન માનવામાં આવે છે આજ કારણે માત્ર ભારતમાં જ અહીં પણ દુનિયાભરમાં એમનાં ભક્તો મૌજૂદ છે અને હનુમાન જયંતી પુરતી આસ્થાથી અને ભક્તિભાવથી મનાવવામાં આવે છે. ભારતનાં પાડોશી દેશ જે પહેલાં ભારતનો જ એક ભાગ હતું એમાં મંદિરોની સંખ્યા બહુ જ ઓછી છે જે છે એ પણ કટ્ટરવાદીઓનાં કારણે મુશ્કેલીમાં જ છે, પણ જે પણ કંઇક સારી હાલતમાં છે એવા બે જ મંદિરો છે એક છે માં દુર્ગાનું મંદિર અને બીજું છે આ પંચમુખી હનુમાન મંદિર. આ જગ્યાનું મહાત્મ્ય વધારે છે આ જ જગ્યાને ૧૭ લાખ વર્ષ પુરાણી ગણવામાં આવે છે કારણકે અહી ખુદ ભગવાન શ્રી રામચન્દ્રજી જાતે આ જગ્યાએ ભગવાન હનુમાનજીના દર્શન કરવાં આવેલાં છે
૧૭ લાખ વર્ષોની વાત બાજુએ મુકીએ ઓ પણ આ જગ્યાએ ભગવાન શ્રી રામચન્દ્રજીનાં ચરણકમળ અહીં પડેલાં છે એટલે આ આટલાં લાખો વર્ષ પુરાણી જ ગણાય !!! એમ પણ કહેવાય છે કે કદાચ આ મૂર્તિ જ ૧૫૦૦ વર્ષ પુરાણી હોય !!! દેખીતી રીતે તો આ મંદિર જ ૧૫૦૦ વર્ષ પુરાણું લાગે છે, પણ એનું કોઈ પ્રમાણ આપણને હજી સુધી તો પ્રાપ્ત થઇ શક્યું નથી !!! આ મંદિર ભલે રહ્યું ૧૫૦૦ વર્ષ પુરાણું પણ એનો જીર્ણોધ્ધાર ઇસવીસન ૧૮૮૨માં કરવામાં આવેલો જ છે જે એણે એક નવો ઓપ આપે છે. કોણે કરાવ્યો એ જીર્ણોધ્ધાર એ મહત્વનું નથી પણ જીર્ણોધ્ધાર થયો છે એ વધારે મહત્વનું છે એ જ આ મંદિરની મહત્તા વધારે છે એ દર્શાવવા માટે પુરતું છે !!!
મંદિરમાં પ્રવેશ્યા પછી ચારેકોર નજર દોડાવતાં આપણી નજરે એક મોટું જટિલ પીળાં પથ્થરોથી બનેલું એક મોટું મંદિર નજરે ચડે છે. આ મંદિરને ફરીથી બાંધવાનું ઇસવીસન ૨૦૧૨માં શરુ કરાયું હતું એનો આશય એના મૂળભૂત માળખામાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા સિવાય એનાં જ પીળાં પથ્થરોથી બાંધીને એણે પહેલાનાં જ મંદિર જેવો દેખાવ આપવાનો હતો અને એમ જ કરવામાં આવ્યું. રાજસ્થાનનાં જેસલમેરી રણ પ્રદેશનાં ઐતિહાસિક બાંધકામો અને અત્યારનાં મકાનો તથા પાકિસ્તાનનાં પંજાબ પ્રાંત અને સિંધ પ્રાંતના ઐતિહાસિક બાંધકામો અને અત્યારનાં બાંધકામોમાં આવાં પીળાં પથ્થરો જ વપરાય છે આજે પણ !!! લાહોર થી ઇસ્લામાબાદ જતાં આવાં પીળાં પથ્થરોનાં બાંધકામો ઠેરઠેર ઠેકાણે નજરે પડે છે જૈસલમેર તો આખેઆખું આ પીળાં પથ્થરોનું જ બનેલું છે તો પાકિસ્તાનમાં ચકવાલ અને અન્ય નગરો-શહેરો પણ આ પીળાં પથ્થરોથી જ બનેલાં છે. એ પ્રદેશમાંથી આવાં પીળાં પથ્થરો પ્રાપ્ત થતાં હોય છે અને સિંધથી આ રણ બહુ દૂર તો નથી જ કારણકે થોડું ઘણું રણ તો પાકિસ્તાનમાં પણ છે
કચ્છ અને દેવભૂમિ દ્વારકાનાં અમુક સ્થળોએથી કરાંચીની લાઈટો ઝગમગતી જોઈ પણ શકાય છે !!! કરાંચીનાં આ પંચમુખી હનુમાન મંદિરમાં આ પીળાં પથ્થરોનો ઉપયોગ અમુક અંશે મંદિરમાં અને મુખ્યત્વે એની બાહ્ય દિવાલો મજબુત કરવામાં વપરાયાં છે. મુખ્ય મંદિરનાં પરિસરમાં એનાં અમુક સ્તંભોમાં આ પણ આ પીળાં પથ્થરોનો ઉપયોગ થયો છે !!! મંદિરનાં સ્તંભો કોતરણી વાળાં છે. આ પીળાં પથ્થરોવાળાં સ્તંભોએ સુંદર લાગે છે કારણકે આ મંદિરની ફર્શ એ કાળાં અને સફેદ આરસપહાણમાંથી બનાવેલી છે એના પર જ ચાલીને આ ૧૧ – ૨૧ કે ૧૦૮ પરકમ્મા કરવામાં આવે છે !!!
મંદિરનું ગર્ભગૃહ તો એમનું એમ જ રાખવામાં આવ્યું છે !!! આ મંદિરનું શિખર જે અનેક ધજાઓથી ગૌરવાન્વિત થયેલું છે એ અન્ય મંદિરોની જેમ લાલ પથ્થરોનું બનેલું છે જે દેખાવમાં અતિસુંદર લાગે છે !!! મંદિરની ડાબી તરફ ઉપરના ભાગમાં એક સુંદર કલાકૃતીથી અંકિત થયેલો ઝરુખો પણ છે જેની ઉપર સિંહનું શિલ્પ પણ છે !!! આગળ ઘુમ્મટ અને પાછી ઉંચું શિખર એ લગભગ દરેક પ્રકારનાં મંદિરમાં જોવાં મળે છે તેવું અહીં પણ છે જ !! જે એનાં દેખાવને એક નવો લૂક આપે છે !!! રાત્રે પણ અહી પ્રકાશિત ઉપકરણોથી અ મંદિર ભવ્યાતિભવ્ય લાગે છે. આમેય કરાંચી શહેર એ એની લાઈટો માટે અતિ પ્રખ્યાત જ છે !!! આ મંદિરમાં ભગવાન હનુમાનજીની એક અહી પણ બે મૂર્તિઓ છે બીજી મૂર્તિ અત્યંત આધુનિક છે. લોકો આ બંને મૂર્તિઓની પૂજા કરે છે !!! પણ મહત્વની આ 8 ફૂટ ઉંચી અદ્વિતીય અને પૌરાણિક મહત્તાવાળી પંચમુખી હનુમાનજીની મૂર્તિ છે
આ મંદિરમાં પહેલાંની જેમ જ આજુબાજુ દ્વારપાળ અને ઉપરનાં ભાગમાં ગરુડ અને વાનરનાં શિલ્પો છે. મંદિરની અંદરની કમાનો જોવાંલાયક છે. આ મંદિર અત્યારે ફરીથી બનાવેલું છે એટલે એમ તો નાં જ કહી શકાય કે આ શિલ્પો એ પ્રાચીન છે, પણ આ મંદિર પરિસરમાં અનેક નાનાં નાનાં મંદિરો છે જેમાં આપણા દેવીદેવતાઓની મૂર્તિઓ છે જે જોઈ શકાય છે અને મુખ્ય મંદિરમાં પણ અનેક દેવી-દેવતાઓનાં શિલ્પો છે જે મંદિરની શોભા વધારે છે !!!
આ મંદિરનું એક ઐતહાસિક મહત્વ પણ છે જયારે ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું હતું ત્યારે કેટલાંક શીખોએ પોતાની જાન બચાવવા આ મંદિરનું શરણ લીધું હતું અને ભગવાન પંચમુખી હનુમાનજીએ એમનો જીવ બચાવ્યો હતો. આજે પણ શિખો એ અહેસાન કયારેય નથી ભૂલ્યાં અને એ લોકો જે અહી છે તે દરરોજ આ મંદિરમાં માથું ટેકવવા માટે જાય છે
બીજી વાત ……. બાબરી મસ્જીદ દ્વંસ પછી અહી ઘણાં બધાં મંદિરો તોડી પડાયા હતાં, પણ આ મંદિરને ઉની આંચ સુધ્ધાં પણ નહોતી આવી. આજ આ મંદિર અને આ ભગવાન હનુમાનજીની તાકાત દર્શાવવા માટે અને લોકોની આસ્થા દર્શાવવાં માટે પુરતું છે !!! અહી એક વાત ધ્યાન ખેંચે એવી એ છે કે અહીં મનોકામના પૂર્ણ થાય છે, પણ એ મનોકામના પૂર્ણ થયાં પછી ફરી પાછાં એક વાર આ મંદિરમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદ લેવાં અવશ્ય જ આવવું પડતું હોય છે !!!
આ મંદિરમાં મહારાષ્ટ્રીયનો, સિંધીઓ અને અને બલુચીઓ વધારે આવતાં જોવાં મળે છે. જેમનો ધર્મ અને રીતરિવાજ આપણા હિંદુધર્મથી અલગ છે અને અને એમનાં દેવો પણ અલગ જ છે. કદાચ આ મહારાષ્ટ્રીયનો એ હિન્દુધર્મના અનુયાયીઓ હોય એવું પણ બને પણ તોય એમના ભગવાન અલગ છે તેમ છતાં એ બધાં અહીંતો આવે જ છે !!! આજ આ મંદિરની એક આગવી લાક્ષણિકતા છે !!! આવી જગ્યાઓ એ પ્રાચીન વિદ્યાઓ અને પૌરાણિક ગાથાઓનું એક નિશાન જરૂર સાધતાં હોય છે અને એને જ આપણી સમક્ષ તાદ્રશ જરૂર કરતાં હોય છે. જાણે આપણે તે સમયમાં જ ના હોઈએ એવું લાગ્યાં વગર રહેતું નથી વળી આવા મંદિરો એ આપણા શરીરમાં એક પ્રકારની ઊર્જા પેદા કરાવનારું છે. જો કે એ તો દરેક મંદિરમાં થાય છે પણ આ મંદિરની વાત જ કૈક નિરાળી છે !!! આપણા દેવો એમાં જે પૂર્ણ ભગવાન છે એઓ સમય સમય પર લડતાં અપ્રતિમ યોધ્યાઓ એ આપણને શાંતિપૂર્ણ જીવન જીવવાં દેવાં માટે બહુવચનવાદી ભારતીય સંસ્કૃતિનાં ભવ્ય ભૂતકાળની ઝાંખી અવશ્ય કરાવે છે !!!
આ પંચમુખી હનુમાન મંદિર આજે પણ કાલચક્રનાં વિભિન્ન સમયમાં પણ પસાર થઈને પણ આજે પણ અડીખમ ઉભું છે. એવું નથી અહીંયા એટલે કે કરાંચીમાં આ પ્રસિદ્ધ હનુમાન મંદિરથી થોડેક જ દૂર એક કાળી માતાનું મંદિર પણ સ્થિત છે અને કરાંચીમાં અહીંથી નજીકમાં જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું એક સ્વામીનારાયણ મંદિર પણ સ્થિત છે. કોણ કહે છે કે પાકિસ્તાનમાં મંદિરો નથી ? કોણ કહે છે કે કરાંચીમાં માત્ર પાકિસ્તાનીઓ જ રહે છે !!! તો પછી આટલાં મંદિરો ત્યાં સ્થિત છે એ શું દર્શાવે છે? આવાં તો અનેકો મંદિરો હશે કરાંચીમાં પણ તેનાં વિષે આપણને કશી જ જાણકારી પ્રાપ્ત થતી નથી. વિચારો જો આ જગપ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી ની નજીકમાં જ આટલાં મંદિરો હોય તો સમગ્ર કરાંચી શહેરમાં કેટલાં હશે !!! જે હિંદુ ધર્મની સનાતનતને વ્યાપકતતાં બક્ષવા માટે પુરતું છે !!!
આવું અદ્ભુત અને અદ્વિતીય અને દુનિયાનું સૌ પ્રથમ પંચમુખી ભગવાન હનુમાનજીની મુર્તિવાળું મંદિર જો તક મળે તો એક વાર તો જોઈ જ લેવું જોઈએ દરેક વ્યક્તિએ જો ના જવાય તો આ વાંચી લેજો !!! આ મંદિરમાં શ્રી લાલકૃષ્ણ અડવાણીજી અને શ્રી જશવંત સિંહ પણ દર્શનાર્થે આવી ચૂક્યાં છે બને તો તમે પણ એમાં તમારો નંબર લગાડજો. જો જો ભૂલતાં નહીં હોં પાછાં
ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપી કથાને અને આ જગ્યાને સ્નાન સૂતકનોય સંબંધ નથી. તેમ છતાં આ સૌ પ્રથમ પંચમુખી હનુમાનજીની મૂર્તિ હોવાથી અને આ જગ્યા પુરાની હોવાથી એ કથા તો મારે તમને કહેવી જજોએ. જે બીજાં ભાગમાં અલગથી આવશે વાંચજો બધાં !!!
———- જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..